તબીબી અને અનેકવિધ ક્ષેત્રે છેલ્લા ૧૧ વર્ષથી સતત કાર્યરત જૈન સેવા સંસ્થાના ઉપક્રમે દાતાશ્રીના સૌજન્યથી શિયાળાની ઠંડીથી રક્ષણ મેળવવા માટે માંડવીના માનસિક, દિવ્યાંગ, વિધવા, ત્યકતા અને જરૂરતમંદ ૫૦ વ્યક્તિઓને સારી કવોલિટીના ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવેલ. મેઘજી સેજપાલ જૈન આશ્રમવાસીઓને ગરમ સ્વેટર, ટોપા અને મોજાનું વિતરણ કરાયું હતું.
પ્રમુખશ્રી વી. જી. મહેતા, ભુજ અને ચેરમેન શ્રી દિનેશભાઈ શાહ, માંડવી તથા હિરેનભાઈ દોશી, ભુજના જણાવ્યા મુજબ માંડવીના ડૉકટર સ્ટ્રીટમાં યોજાયેલા સાદા કાર્યક્રમમાં ગરમ ધાબળાનું વિતરણ કરાયું હતું. આ સેવાકાર્યમાં સંસ્થાના પ્રોજેક્ટ ચેરમેન શ્રી દિનેશભાઈ શાહ, કાર્યકર શ્રી જયેશભાઈ ચંદુરા, દીપ દિનેશ શાહ અને હેન્સીબેન જોડાયા હતા. આ ઉપરાંત રમણીકભાઈ સલાટ, સરોજબેન બ્રીજલાણી, અનસુયાબેન શાહ અને જયશ્રીબેન ગિરનારી વિતરણ કાર્યમાં સહયોગી થયા હતા.