JagdishNanchandSheth3

એક અનેરું વ્યક્તિત્વ - શ્રી જગદીશ શેઠ

  • Event Date : 25 January 2020
  • Location : New Delhi
  • 65

આ વર્ષે ૨૦૨૦ના ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ જાન્યુઆરી-૨૫ના ભારત સરકારે શ્રી જગદીશ શેઠને પદ્મભૂષણ પુરસ્કારથી નવાજેલ છે. શ્રી કચ્છ અને કચ્છી ગુજર્ર જૈન સમાજમાં આ સર્વોચ્ચ પુરસ્કાર પ્રાપ્ત કરવાવાળા તેઓ એક માત્ર વ્યક્તિ છે જેનો આપણે ગર્વ લેવો જોઈએ.

પ્રો. જગદીશ શેઠ મુંદ્રાના સ્વ. દિવાળીબેન અને નાનચંદ શેઠના છ સંતાનોમાં સૌથી નાના પુત્ર. તેઓ હિંમતભાઈ, ગુલાબચંદભાઈ, શ્રીલાબેન સુમતિચંદ્ર મહેતા (સફારી), મધુબેન હીરાલાલ શાહ અને કંચનબેન શાંતિલાલ શાહના ભાઈ થાય. તેમનો જન્મ બર્મામાં થયો પણ ત્રણ વર્ષની વયે દ્વિતીય યુદ્ધ સમયે તેમને બર્માથી વિસ્થાપિત થઈ વતન મુંદ્રા પાછા આવવું પડ્યું.

ઘરની આર્થિક પરિસ્થિતિ અત્યંત દયનીય હતી. ભાઈ ગુલાબચંદ શેઠ સાથે થોડો વખત વડોદરા અને પછી બોરીવલી-મુંબઈ રહી છેવટે મદ્રાસ ખાતે સ્થાયી થઈ મોટાભાઈ હિંમતભાઈ સાથે રહી અભ્યાસ કર્યો. મદ્રાસમાં જૈન કોલેજ અને લોયોલા કૉલેજથી કોમર્સમાં ગોલ્ડ મેડલ સાથે ગ્રેજ્યુએટ થયા. પછી વધારે અભ્યાસ કરવા ભાઈઓના પ્રોત્સાહનથી અમેરિકાની પિટ્ટસબર્ગ યુનિવર્સિટીમાં એમબીએ કર્યું. તે દરમિયાન મદ્રાસમાં હતા ત્યારે તેમની ઓળખાણ રતિલાલ શાહની સુપુત્રી મધુરી સાથે થઈ અને અમેરિકા જતાં પહેલાં વેવિશાળ થયો. એમબીએનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી પાછા વળવાને બદલે તેઓ માર્કેટીંગ મેનેજમેન્ટમાં પીએચડી કરવા રોકાઈ ગયા એટલે મધુરીબેનને અમેરિકા બોલવી ત્યાં જ લગ્ન કર્યા અને તેમને ત્યાં સુપુત્રી અને સુપુત્ર રાજેનનો જન્મ થયો. ત્યારપછી તેઓએ તેમની પ્રથમ બુક લખી જે ‘હોવર્ડ શેઠ થીયેરી ઓફ બાયર બિહેવિયર’ તરીકે પ્રસિદ્ધ થઈ, જેના ૫૦ વર્ષ નિમિત્તે ગોલ્ડન જ્યુબિલી સંસ્કરણ આ વર્ષે ૨૦૨૦માં પ્રસિદ્ધ થયેલ છે. ત્યારપછી તેઓએ પ્રોફેસર તરીકે કોલંબિયા યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયા, ઈલિનોઈસ યુનિવર્સિટી, એમઆઈટી વગેરેમાં પ્રોફેસર તરીકે સેવા આપ્યા પછી એટલાન્ટામાં ગોઈઝૂતા બીઝનેસ સ્કૂલ એમરી યુનિવર્સિટીમાં માર્કેટીંગના પ્રોફેસર તરીકે કાર્યરત છે અને અત્યારે ત્યાં જ સ્થિર છે.

તેમના બંને સંતાનો પુત્રી રેશમા હિતેશ શાહ અને પુત્ર રાજેન શેઠ એટલાન્ટામાં સ્થાયી છે. પુત્રી રેશમા પણ માર્કેટીંગની પ્રોફેસર તરીકે એમોરી યુનિવર્સિટીમાં કાર્યરત છે.

તેઓ છેલ્લા ૫૫ વર્ષથી સતત પ્રોફેસર તરીકે ભણાવી રહ્યા છે. હાલમાં તેઓની ઉંમર ૮૨ વર્ષ છે. આ દરમિયાન તેમણે ૩૦૦થી વધારે રિસર્ચ પેપર, આર્ટિકલ અને ૩૦થી વધુ બુક્સ લખી છે. CNBC ટીવી ચેનલવાળાએ તેમની બુક ‘રૂલ ઓફ થ્રી’ઉપર ટીવી સિરીઝ બનાવી હતી અને ETNow ટીવી ચેનલવાળાએ તેમના જીવનની ઉપર ૬ એપિસોડની સિરીઝ‘ઈન્ડિયાસ વર્લ્ડ વીથ જેગ શેઠ’ બનાવી છે. તેમણે લખેલા પુસ્તકોના અનેક વિદેશી ભાષાઓમાં અનુવાદ થયા છે. તેઓને માર્કેટીંગના ઓસ્કાર ગણાય તેવા અમેરિકન માર્કેટીંગ એસોસિએશન (AMA)ના બધા જ એવોર્ડ મળ્યા છે.

અમેરિકામાં તેમણે મધુરી જગદીશ શેઠ ફાઉન્ડેશન અને શેઠ ફાઉન્ડેશન દ્વારા એજ્યુકેશન માટે લાખો ડોલરની સખાવત કરી છે. તેઓ માર્કેટીંગમાં વિશ્વના ટોચના પ્રોફેસર તરીકે પ્રસિદ્ધ છે. તેઓએ સિંગાપોર ગવર્મેન્ટના સલાહકાર તરીકે વર્ષો સુધી સેવા આપી છે. તેઓ વિશ્વની અનેક નામી કંપનીઓના બોર્ડ મેમ્બર રહ્યા છે અને ભારતમાં વિપ્રોના બોર્ડમાં પણ ૧૮ વર્ષ સુધી સેવા આપી છે. હવે તેઓનું મિશન દેશની બને તેટલી સેવા કરવાનું છે. તેઓ છેલ્લા એક દશકથી શ્રી નરેન્દ્રભાઈ મોદીને પહેલા ગુજરાતના મુખ્યમંત્રી અને પછી દેશના વડાપ્રધાન થયા ત્યારથી અવારનવાર મળતા રહે છે અને સલાહ આપે છે.

તેમણે લખેલ જીવનકથા 'The Accidental Scholar'નું વિમોચન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવેલ છે. એમની જીવનકથા નવી યુવાન પેઢી માટે ખરેખર પ્રેરણાદાયક છે.

તેમને મળેલ એવોર્ડની યાદી :

'Outstanding Marketing Educator' by Academy of Marketing Science.

'Outstanding Educator' award by Sales and Marketing Executives International.

Richard D. Irwin Distinguished Marketing Educator Award by AMA.

Charles Coolidge Parlin Award by AMA.

P.D. Converse Award for outstanding contributions to 'Theory in Marketing', by AMA.

William Wilkie Award for 'Marketing for a better Society' by AMA.

Thomas Jefferson Award by Emory University.

'Global Management Guru' Award by BIMTECH.

Hon. PhD from University of lllinois.

Hon. PhD from Shiv Nadar University.

 

તેમણે લખેલ વિશિષ્ટ પુસ્તકોની નાનીશી યાદી :

Howard Sheth Theory of Buyer Behaviour.

Clients for Life.

The Rule of Three.

The Self-Destructive Habits of Good Companies, Tectonic Shrift.

Firms of Endearment.

Chindia Rising.

The 4 As of Marketing.

Breakout Strategies for Emerging Markets.

The Sustainability Edge.

Genes, Climate and Consumption Behaviour - Connecting the Dots.

The Accidental Scholar : Autobiography.

 

પ્રેષક : જયંત શાહ, બેંગ્લોર

 

 

 

 

(કચ્છ ગુર્જરી ફેબ્રૂઆરી ૨૦૨૦ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates