માંડવીમાં નિર્માણ પામતું નૂતન આરાધના ભવન

  • Event Date : 01 January 2020
  • Organised by : શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘ
  • Sanstha : શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘ
  • Location : માંડવી
  • 53

અત્રેના શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘના ઉપક્રમે તેના પરિસરમાંના અત્યંત પ્રાચીન આરાધના ભવનના સ્થાને વિશાળ નૂતન આરાધના ભવનનું નિર્માણકાર્ય હાથ ધરાયું છે અને આગામી ચાતુર્માસ પહેલાં આ અભિયાન સંપન્ન થઈ જશે એવી શ્રદ્ધા યુવાન સંઘપ્રમુખ ચંદ્રેશ સુબોધચંદ્ર શાહ તેમજ શ્રેષ્ઠિવર્ય ભરત દેવજીભાઈ મહેતાએ વ્યક્ત કરી છે.

શીતલ-પાર્શ્વ જિનપ્રસાદ તરીકે જાણીતું આ તીર્થ પરિસર ૩૫૧ વર્ષ પ્રાચીન છે. તેમાં મૂળનાયક શીતલનાથ ભગવાન, ભીડભંજન પાર્શ્વનાથ ભગવાન અને ચૌમુખજી પાર્શ્વનાથ ભગવાનના મંદિરો છે. વધુમાં તપગચ્છ શાસન રક્ષક મણીભદ્ર તેમજ ભોમિયાજી દાદાની પણ પ્રાચીન દેરીઓ છે.

ચંદ્રેશ શાહે માહિતી આપી હતી કે સંઘને સાડાત્રણ દાયકા બાદ વાગડ સમુદાયના ગચ્છનાયક શ્રીમદ્‌ વિજય કલાપ્રભ સૂરિશ્વરજી મ.સા. આદિ ઠાણાના આગામી ચાતુર્માસનો લાભ પ્રાપ્ત થયો છે. સાડા ત્રણ દાયકા પહેલાં વાગડ દેશોધ્ધારક આચાર્ય ભગવંત શ્રીમદ્‌ વિજય કલાપૂર્ણ સૂરિશ્વરજી મ.સા. આદિ ઠાણાના ચાતુર્માસનો વિશાળ શ્રમણ-શ્રમણીવૃંદ સાથે લાભ મળ્યો હતો અને તપ-આરાધનાની ભવ્ય ઉછામણી થઈ હતી. મૂળ માંડવીના સાધ્વી અમીવર્ષાશ્રીજી મહારાજના આચાર્યગુણની ૩૬ ઉપવાસની તપસ્યાની અનુમોદર્થે તેમના સંસારી પરિવાર તરફથી પાંચ દિવસીય અનુષ્ઠાન આરાધના મહોત્સવ ઉજવાયો હતો.

ગચ્છ નાયકના આગામી ચાતુર્માસનો સંપૂર્ણ લાભ લેનાર માતુશ્રી ઝવેરબેન દેવજીભાઈ ડગાળાવાળાના શ્રેષ્ઠિવર્ય મોભી ભરત મહેતાએ જણાવેલ કે હાલ નિર્માણાધીન આરાધના ભવન સંકુલનમાં ૩૦૦૦ ચો.ફૂટનો સુધર્માસ્વામી વ્યાખ્યાન ખંડ હશે. એની નીચેના ભાગે એટલા જ વિશાળ ક્ષેત્રફળમાં શાલીભદ્ર ભોજનકક્ષ અને તેનું રસોડું હશે. આ ઉપરાંત સંકુલ કાર્યાલય (૩૦૦ ચો.ફુટ.) એટલો જ વિશાળ જ્ઞાનભંડાર કક્ષ તેમજ કેસરસુખડ ખંડો હશે. શ્રમણ ભગવંતોને આરાધના સુલભ બનાવવા બે ખાસ ખંડો રચાશે. આ નિર્માણના ભગીરથ અભિયાનના ખર્ચને પહોંચી વળવા શ્રીસંઘે દેશદેશાવરના માંડવીવાસી ગુર્જર પરિવારો તેમજ સંઘ સાથે સંકળાયેલા દાતા પરિવારોને લાભ લેવાની દરખાસ્ત કરી છે તેમજ એ પાર પડાશે તેવી શ્રદ્ધા વ્યક્ત કરેલ.

આ સંદર્ભમાં સર્વશ્રી ચંદ્રેશ શાહ, ભરત મહેતા, વિરલ શાહ અને દીપેન શાહનું પ્રતિનિધી મંડળ વડોદરા સ્થિત માંડવીવાસીઓને મળ્યું હતું. શ્રી સંઘે અન્ય સ્થળોનો પણ સંપર્ક કરી રહ્યા છે અને આ કાર્ય સંપન્નતા માટે અદમ્ય ઉમંગ ધરાવે છે.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates