જૂના ડિપોઝિટ સભ્યોને એક પત્ર...

  • Event Date : 01 December 2019
  • Organised by : કચ્છ ગુર્જરી
  • Sanstha : કચ્છ ગુર્જરી
  • Location : મુંબઈ
  • 112

પ્રિય ડિપોઝિટ સભ્ય,

આપ છેલ્લા ઘણા વર્ષોથી ‘કચ્છ ગુર્જરી’ ડિપોઝિટ યોજના હેઠળ સભ્યપદ ધરાવો છો અને આ યોજના હેઠળ આપને ‘કચ્છ ગુર્જરી’ના અંકો વિનામૂલ્યે નિયમિત મળતા રહે છે.

ડિપોઝિટની રકમ શરૂઆતના વર્ષ ૧૯૯૦ રૂા. ૩૦૦ રાખવામાં આવેલ. ત્યારબાદ વ્યાજ દર ઘટતાં જતાં ડિપોઝિટની રકમ વધારીને રૂા. ૪૦૦, ફરી વધારીને રૂા. ૫૦૦ અને છેલ્લે ૨૦૧૫માં રૂા. ૧,૦૦૦ કરવામાં આવેલ. આ રકમની સામે મળતું વ્યાજ દર વર્ષે હજી પણ ઘટતું જ રહ્યું છે.

જુના ડિપોઝિટ સભ્યોને તેમની ડિપોઝિટ રૂા. ૧,૦૦૦ કરવા બાકી રહેતી રકમ રૂા. ૭૦૦, રૂા. ૬૦૦ અથવા રૂા. ૫૦૦ મોકલવા માટે અમે કચ્છ ગુર્જરીના દરેક અંકમાં અપીલ કરી રહ્યા છીએ. તે છતાં લગભગ ૭૦૦ સભ્યોની બાકી રહેતી રકમ અમને મળેલ નથી.

કચ્છ ગુર્જર જૈન સાંસ્કૃતિક સંગમ ટ્રસ્ટના નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ના ઓડિટેડ હિસાબ પત્રક ઑક્ટોબર -નવેમ્બર દિવાળી વિશેષાંકમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ. છેલ્લા ૩૪ વર્ષોમાં પહેલીવાર આટલી ખોટ આવેલ છે. જે મહદંશે પ્રકાશન ખર્ચમાં અનહદ વધારા અને આવકમાં નોંધપાત્ર ઘટાડાને કારણે છે. તે અંકમાં અમે કચ્છ ગુર્જરીના પ્રકાશન માટે થતાં ખર્ચનું સુવિસ્તાર કોષ્ટક પણ આપેલ છે. ગત વર્ષમાં એક પ્રતનું સરેરાશ પ્રકાશન ખર્ચ રૂા. ૪૦.૮૭ આવેલ છે.

કચ્છ ગુર્જરી ડિપોઝિટ યોજના હેઠળ રૂા. ૧,૦૦૦ની ડિપોઝિટ સામે હાલ વાર્ષિક અંદાજે રૂા. ૬૫ જેટલું જ વ્યાજ મળી રહ્યું છે. જે ફક્ત બે અંકના પ્રકાશન ખર્ચ કરતાં પણ ઓછું છે. આપના તરફથી મળતી શુભેચ્છા ભેટો, જાહેર ખબરો વગેરે બાકીના ખર્ચ માટે થોડી ઘણી પૂરક બની રહે છે.

આ સંજોગોમાં વ્યવસ્થાપક મંડળે કમને નિર્ણય લીધેલ છે કે ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ સુધીમાં જે સભ્યોની ડિપોઝિટ રૂા. ૧,૦૦૦ જમા નથી તેમને જાન્યુઆરી-૨૦૨૦થી અંકો મોકલવાનું બંધ કરવામાં આવે. જેથી કાગળનો વપરાશ ઓછો થશે અને સંસ્થા ઉપરાંત પર્યાવરણને થતું નુકસાન ઓછું થશે.

તે ઉપરાંત, કાયદાકીય સલાહકાર સાથે ચર્ચા કર્યા બાદ ટ્રસ્ટીઓએ નક્કી કર્યું છે કે, તા. ૩૧-૩-૨૦૨૦ના રોજ, જે સભ્યની ડિપોઝિટ રૂા. ૧,૦૦૦ ન હોય તેમની જમા રકમને શુભેચ્છા ભેટ તરીકે આવકમાં લઈ લેવી.

આ પત્ર દ્વારા અમે આપને ફરી એકવાર નમ્ર વિનંતી કરીએ છીએ કે આપની બાકી રહેતી રકમ વહેલી તકે મોકલી આપશોજી. અનિવાર્ય સંજોગોવશાત્‌ જો આપ આપનું ડિપોઝિટ સભ્યપદ રદ્દ કરવા માંગતા હો અને આપની ડિપોઝિટની રકમ પાછી મેળવવા માંગતા હો તો તા. ૩૧-૩-૨૦૨૦ પહેલા લેખિતમાં આપની બેંકની વિગત સાથે જણાવજો, જેથી આપના ખાતામાં ડિપોઝિટની રકમ જમા કરાવી શકાય. તા. ૩૧-૩-૨૦૨૦ સુધી આપના તરફથી કોઈ પત્ર નહિ આવે તો આપની ડિપોઝિટની રકમને શુભેચ્છા ભેટ સમજીને જમા કરી લેવામાં આવશે. જેની નોંધ લેવા નમ્ર વિનંતી છે.

હંમેશા આપના આભારી... કચ્છ ગુર્જરી ટ્રસ્ટી મંડળ.

નોંધ : આ બાબતે કોઈપણ પ્રકારની જાણકારી માટે મો. ૯૩૨૨૮૮૦૫૫૫ પર સંપર્ક કરી શકશો.

સરનામું : ‘કચ્છ ગુર્જરી’, ૪૩, જોશી વાડી, ભવાની શંકર રોડ, ચિતલે પથ કોર્નર, દાદર (વે.), મુંબઈ-૪૦૦ ૦૨૮.

(આ પત્ર જુના ડિપોઝિટ સભ્યો જેમની રકમ આવવાની બાકી છે, તે સર્વેને ટપાલ દ્વારા પણ મોકલવામાં આવશે.)
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates