યાદગાર ક્ષણો

યાદગાર ક્ષણો - મંજુલા વિનોદ દોશી, ભિલાઈ (માંડવી)

મારા પૂ. પિતાશ્રી શંભુલાલ સોમચંદ સંઘવી, મુંદ્રાવાળા વર્ષોથી ઝરિયા ગામમાં રહેતા હતા.

એમનું જીવન બહુ જ સાદું અને પરોપકારી હતું. સમાજ સેવામાં હંમેશા આગળ જ રહેતા. સમાજમાં કઠિન કાર્ય કરવું હોય તો બધા જ કહેશે કે ચાલો શંભુભાઈ આ કાર્ય પૂરું પાડશે.

એક વખત એવી ઘટના બની. એપ્રિલ, ૨૩-૧૯૬૭ની સાલમાં જે જિંદગીભર માટે બધાને યાદ રહી ગઈ હતી.

અમો બધાને મારા પૂ. પિતાશ્રી શ્રી સમ્મેત શિખરજીનાં દર્શનાર્થે ઘરની ગાડી કરીને લઈ ગયા હતા. એમાં અમારા ઘરેથી પૂ. પિતાશ્રી, હું અને મારો નાનો ભાઈ રાજેશ. બાકી મારા ભાઈનાં સગપણ થયા હતા એટલે અમારા પૂ. વડીલભાભીનાં બાપુજી, મારા મામાનો દીકરો અને મારી નવી ભાભી આટલા મેમ્બર ગયા હતા.

શ્રી સમેતશિખરજીના દરેક મંદિરનાં દર્શન કરાવી અને ગરીબોને દાન - ગાયોને અને કૂતરાઓને રોટલા આપી. મારા પૂ. પિતાશ્રી પરત ભોમિયાજીનાં મંદિરનાં દર્શન કરવા આવતા હતા, ત્યાં પિતાશ્રી એટલું જ બોલ્યા કે, હે ભોમિયાજી, મને તમારી શરણમાં લઈ લો. આમ બોલીને જમીન પર ઢળી પડ્યા અને તરત જ બેભાન અવસ્થામાં આવી ગયા હતા.

ત્યાં ૬ વાગે બરાબર પૂ. સાધુ વૃંદ પ્રતિક્રમણ કરવા માટે જઈ રહ્યા હતા, ત્યાં જ આ પ્રમાણે ઘટના બની જતાં બધા દોડી આવ્યા. પૂ. મહારાજ સાહેબ પણ આવી ગયાં. એમણે તરત જ કહ્યું કે આમને જલ્દીથી અંબર-કસ્તુરી જે પણ મળે લાવીને આપો. પૂ.મહારાજસાહેબે તુરંત માંગલિક સંભળાવ્યું અને કહ્યું કે આ શ્રાવકજીને તમો જલદીથી ઘરે લઈ જાઓ અને અમને કહેવા લાગ્યા કે આ ઉત્તમ શ્રાવક છે જે આ પ્રમાણે મૃત્યુ પામ્યા છે.

આ ઘટના પછી પૂ.મહારાજસાહેબે જે કહ્યું કે આ શ્રાવક મારાથી થોડીવાર પહેલાં જ કરાર કરી ગયા કે અમારા ઘરે તમોને કોઈ અકળ કારણોસર માંગલિક સંભળાવવા જવું પડશે. જાશો ને, મને વચન આપો. પૂ. મ.સાહેબે જેવાં સંજોગે હશે, તો નહીં, તમારે આવવું જ પડશે.’

અને તેથી પહેલાં બધા મંદિરમાં દર્શન કર્યા બાદ પેઢી પર ધર્માદાનાં રૂપિયા, ગાય-કૂતરાંને સ્વયં રોટલા પોતાના હાથે આપી આવ્યા એ પેઢીના માણસોએ આવીને રૂબરૂ કહ્યું. એ દિવસે મારા મામાનાં દીકરાને એમણે પૂછયું કે અહીંયા ૨૫ તીર્થંકર કોણ બનશે તને ખબર છે? એ પણ સાંભળીને વિચારમાં પડી ગયો.

ઘરેથી મારા પૂ. માતુશ્રીને ૬ વાગે હું બરાબર આરતીનાં સમયે બધાને દર્શન કરાવીને હાજર થઈ જઈશ. એ દિવસે મારી પાસે નવા ચપ્પલ, નવું ધોતિયું -ઝભ્ભો માંગીને પહેર્યાં હતા.

અમારા ભાભીનાં બાપુજીએ કહ્યું કે તમો કાંઈપણ ખાવાપીવાનું વાપરી લો. એમનો જવાબ હતો કે ભગવાનનાં ધામમાં ભૂખ ન લાગે, ભગવાનનાં દર્શનની જ ભૂખ લાગે.

આ ક્ષણ જરાય ભૂલાતી નથી, આંખ સામે આજે પણ એ દૃશ્ય તરવરી આવે છે અને કેવું મૃત્યુ થયું એ યાદ આવી જાય છે.

***

એક અવિસ્મરણિય ચમત્કારિક ક્ષણ, જેમાં મને પૂ.મહાવીર ભગવાનનો સાક્ષાત્કાર અને દર્શન થાય છે.

વસંત ઋતુનાં આગમન સમયે મંદિરમાં પૂ. મહારાજસાહેબ પધાર્યા હતા અને એમના માર્ગદર્શનથી પૂ. ભગવાનની જીવન કહાની લખવાના હતા અને રૂબરૂ ટેલિફોનમાં વાત કરવા માટે કેવી રીતે કરશો વગેરે કરવાનું હતું.

આ પ્રમાણે દરેક નાની-મોટી પ્રતિયોગિતામાં ભાગ લેવા હું પ્રથમ આવી અને અંતમાં પૂ. ભગવાનને પત્ર લખવાનો હતો અને એ પણ અલ્પ સમયમાં જ લખીને જમા કરવા માટે સરનામું વગેરે કરવાનું કહ્યું હતું.

સમયનાં અભાવે જે મારા ધ્યાનમાં હતું એ બધું જ વિગતવાર લખીને મંદિરમાં જમા કરાવી દીધું. અને સરનામું ‘મહાવિદેહ ક્ષેત્ર, અઢી દ્વીપ, મેરુ પર્વત, સિદ્ધશિલા પર કવરમાં કર્યું હતું.

અને બીજે દિવસે જ મને સમાચાર મળ્યાં કે તમે પત્ર લખવામાં પ્રથમ ક્રમમાં આવ્યા છો અને હું સ્તબ્ધ થઈ અને આશ્ચર્યથી સાંભળીને ખુબ જ ખુશ થઈ ગઈ હતી. મારી આંખમાં હર્ષનાં આંસુ સરી પડ્યાં હતાં.

મને હાર-જીતની ભાવના મનમાં ન હતી, મેં તો સહજ પૂ. ભગવાનને કરુણાસભર લાગણીથી ભરપુર અને આજીજી, વિનંતી અને દર્શન દ્યો એવા ભાવથી પત્ર લખ્યો હતો.

મને પત્ર લખતાં લખતાં જ પૂ. ભગવાનનો સાક્ષાત સાક્ષાત્કાર થયો હતો. પત્રમાં ધરતી પરનાં જીવોની કથાવિકથા લખી રહી હતી. પૂ. ભગવાને એ સમયે ધર્મલાભ કહીને મને સાક્ષાત દર્શન દીધાં.

હું એમને મસ્તક નમાવીને ‘મત્ત્થેણ વંદામિ’બોલીને ઊભી રહી અને ક્ષણવારમાં મેં અલૌકિક દર્શન કર્યા જેનું વર્ણન શબ્દોમાં પણ પૂર્ણ થઈ શકે નહીં એવું ચારેબાજુનું વાતાવરણ આહ્‌લાદક અને દિવ્ય હતું. ચારેબાજુ અનેરી સુગંધ ફેલાઈ રહી હતી અને હું અજબ શક્તિ અને આનંદનો અનુભવ કરી રહી હતી. એનું કારણ છે, મનને ધ્યાન, સ્વાધ્યાયમાં લીન થવાથી આવો અદ્દભુત અનુભવ થાય છે. મને વિશ્વાસ જ નહોતો થતો કે પૂ.ભગવાન મારી સમક્ષ હાજરાહજુ મને દર્શન દઈ રહ્યા છે.

હજીપણ એ સોનેરી ક્ષણ મારા માનસપટલ પર અવિરત છાપ છોડી છે. પૂ. ભગવાન સંસારનાં દરેક જીવોને આ પ્રમાણે સાક્ષાત દર્શન દેજો, એવી મારી શુભભાવના છે અને જીવનમાં દરેકને આવી સુખદ ક્ષણનો લાભ દેજો. શુભભાવના સાથે વિશ્વમાં તમામ જીવોની રક્ષા અને સહાય કરજો.

 

 

 

(કચ્છ ગુર્જરીના મે ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates