વહેમી મમ્મી

વહેમી મમ્મી - વિપુલા શાંતિકુમાર શાહ, વર્સોવા

આજે તમને મારી પ્યારી મમ્મીની વાત કરું. તેના મનમાં ‘વહેમ’ નામનું ભૂત એવું તો ભરાયું છે કે કાઢવું મુશ્કેલ છે. શુકન-અપશુકનમાં માનતી મારી મા.. જો બહાર નીકળતા હોઈએ ને છીંક આવી જાય તો કહે, ‘ઓહ, અપશુકન થયા. થોડીવાર બેસ પછી જજે. નહીંતર તારા કામમાં વિઘ્ન આવશે.’ મને થાય કે કહીં જ દઉં. ‘મા ભગવાને તો આ બ્રહ્માંડમાં બધું શુભ જ બનાવ્યું છે. કાંઈ આવું શુકન-અપશુકન ન હોય ને વળી છીંક તો એક સાહજિક વેગ છે એમાં શું?’ પણ - એને મનમાં આ વાત ઉતરે તો ને.. ભૂલેચૂકેય જો કોઈ બહાર જતા હોઈએ ને પૂછે કે.. ‘ક્યાં જાઓ છો?’ તો તો પત્યું. તરત જ કહે. ‘શીદ જાઓ છો એમ નથી પૂછાતું? મને તો આ ‘ક્યાં’ને ‘શીદ’નું લોજિક જ નથી સમજાતું! બહાર જતી વખતે પાછળથી ટોકવાુનં નહીં.- કશું ખાવું છે એમ પૂછવાનું જ નહીં. આવું કશું થાય તો જે કામે નીકળ્યા હોઈએ એ કામ થાય જ નહીં ને એવું મમ્મી માને.

વળી પરીક્ષા આપવા જતી વખતે કે કોઈ શુભ કાર્ય કરવા નીકળતી વેળાએ દહીં સાકર ખાઈને જ જવાનું. બહારગામ જવું હોય તો શુભ દિવસ, સારું ચોઘડિયું જોઈને જ પ્રસ્થાન કરવાનું. અરે ભાઈ હું તો કહું કે આજના સમયમાં તો જે દિવસે ટિકીટ મળી એ જ શુભ દિવસ ને જવાનો સમય. એ જ શુભ ચોઘડિયું. એમ માની લેવાનું એટલે પત્યું.

હમણાં જુઓ તો આ સુધાકાકીએ મારા માટે એક છોકરો બતાવેલો. હા. દેખાવમાં સરસ હતો ને ભણેલોય ખરો ને વળી એનું ઘર પણ ખાનદાન. બધી રીતે યોગ્ય હતો. તો મમ્મી સુધાકાકીને કહે, ‘છોકરાની જન્મકુંડળી મંગાવી લે. જન્માક્ષર મેચ કરાવીને પછી આગળ વધીશું. અને મમ્મી તો એની કુંડળી લઈને પહોંચી જ્યોતિષ પાસે. ખબર નહીં કયાંથી શોધી લાવેલી. અને એ જ્યોતિષ મહારાજ પણ કેટલું ને કેવું સાચું જાણે એ તો રામ જાણે. જ્યારે મમ્મીએ એને અમારી કુંડલીઓ બતાવી તો કહે ‘છત્રીસમાંથી માત્ર બાર જ ગુણ મળે છે. વળી આ છોકરાને તો મંગળ છે. આ લગ્ન ન થાય. અને આ સાંભળીને મમ્મીએ તો સુધાકાકીએ બતાવેલા મુરતિયાને તરત જ નાપસંદ કરી દીધો! મેં મમ્મીને કહ્યું, ‘મમ્મી, આજના જમાનામાં બ્લડ રીપોર્ટ મેચ કરાય. કુંડલીઓ નહીં.’ આ મંગળના ગ્રહનું નામ જ મંગળ છે. તો એ કોઈનું અમંગળ કેમ કરે? તું સમજાવને.. મંગળ પર તો આપણું અંતરિક્ષયાન ઉતરી ગયું ને તું આવી અંધશ્રદ્ધા ધરાવે?’ તો મમ્મી મને કહે, ‘તું હજુ નાની છે, તને આમાં સમજ ન પડે. માંગલિક વ્યક્તિ તો બહુ ગુસ્સાવાળી જ હોય. તેમાંય લગ્ને અને પાઘડિએ મંગળ હોય તે તો એવો આકરો બની જાય કે લગ્ન બાદ બેમાંથી એકનું મૃત્યુ પણ થઈ શકે છે!’ ખરું પૂછો ને તો આ આકરો મંગળ ને નબળો મંગળ. એવું કશું હોતું જ નથી. ખરું પૂછો તો ગ્રહો કોઈને નડતા જ નથી. આપણી અંદરના જ ‘આગ્રહ, વિગ્રહ, હઠાગ્રહ અને પરિગ્રહ.’ આ બધા ગ્રહો જ સૌને નડતા હોય છે. પણ મમ્મીને કોણ સમજાવે?

આવું બધું તો એના દિમાગમાં ઘણું ઘણું ભરેલું છે જેમ કે સોમવારે નવા ચંપલ પહેરવા ન કઢાય. પહેરીએ તો તૂટી જાય કે ચોરાઈ જાય! શનિવારે નવું ઝાડુ લેવું નહીં, ઘરમાં ઊભું ઝાડુ રાખવું નહીં. કોઈને દેખાય નહીં એમ સુવડાવીને રાખવું, ઊભું ઝાડું જો રાખીએ તો ઘરમાં ઝઘડા થાય.’

બુધવારે મગ ખાવા, ગુરુવારે ચણાની દાળ ને શનિવારે અડદની દાળ ખાવી. વળી કહે દક્ષિણ દિશામાં બેસીને જમવાનું નહીં. નહીંતર જમવાુનં બધુ યમના પેટે જાય. અન્ન આપણા શરીરને લાગે નહીં. મેં પૂછયું, ‘મારું ને યમનું શું જોડાણ છે?’ તો કહે- ‘તને સમજાવવી મુશ્કેલ છે. આ તો શાસ્ત્ર વચન છે.’ ક્યારેક કહે, મારી ડાબી આંખ ફરકે છે જરૂર કંઈક શુભ થશે.’ જમણી આંખ ફરકેતો અશુભ બનાવ બને. બિલાડી આડી ઉતરે તો કામ બગડે. કાગડો બોલે તો મહેમાન આવે. હવે તમે મને સમજાવી શકશો આ બધી વાતોમાં પ્રાણી અને પક્ષીઓને કઈ રીતે ખબર પડે હેં?

વર્ષો પહેલાં સાડી ઓઢી ઘૂંઘટ કાઢીને ફરતી નારીમાં ને આજની નારી જે જીન્સ ને ટી-શર્ટમાં મસ્ત મજાની થઈને ફરે છે. તેમાં આસમાન-જમીનનો ફર્ક છે. હાથમાં મોબાઈલ ને લેપટોપ રાખીને ફરતી આ સ્ત્રી વિશ્વની સાથે જોડાયેલી છે, ત્યાં આવા બાબા આદમના વિચારોને કોણ માનશે એ વાત મારી વહેમી મમ્મીને કોણ સમજાવશે?

 

 

(કચ્છ ગુર્જરી ડિસેમ્બર ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)  

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates