તને શું જોઈએ?

તને શું જોઈએ? - સુષમા શેઠ, વડોદરા

સુકલકડી, ભીનેવાન, નાનકડી નિશાને સૌ પૂછતાં, "તને ભાઈ જોઈએ કે બેન?" ત્યારે ગુંચવાઇને તે ઉપસેલા પેટવાળી, મમ્મી સામું જોઈ રહેતી.

"તારી સાથે રમવા, નાનકડો ભઈલો આવશે." મમ્મીએ તેની નાનકડી હથેલી પોતાના પેટ પર મુકતાં જાણે ઘણું બધું સમજાવ્યું. હવે મમ્મી તેને તેડતી નહોતી. "તું હવે મોટી થઈ ગઈને." તે કહેતી.

જ્યારે તેને માસીને ઘેર બે દિવસ રહેવા મોકલાવેલી,  ત્યારે મમ્મી ભઇલાને ઘરે લઈ આવેલી. રૂપાળો, ગોળમટોળ, મીઠડો. જાણે જીવતું જાગતું રમકડું.

સૌ તેને જોવા, રમાડવા કંઈક લઈને આવતાં. “વાહ, ખૂબ રુપાળો, ઢીંગલા જેવો મજાનો છે, બાબલો."  નિશા સૌને કહેતાં સાંભળતી. તે દૂર ઊભી જોયા કરતી. તેને કોઈ ન રમાડતું.

પપ્પા બહારથી આવતાં જ ભઈલાને રમાડતા, દાદા પણ. " ઢીંગલો શું કરે છે?" કહી ઉંચકી લેતા, બચ્ચી ભરતા. ભઈલા માટે ઘરમાં ખાસ નવી વસ્તુઓ આવી.

મમ્મી આખો દિવસ અને રાત ભઈલા જોડે રહેતી. પહેલાં તો, અલકમલકની વાતો કરી બાળગીતો સંભળાવી તેને ઉંઘાડતી તેની મમ્મી હવે, તેને રમવા ઘર બહાર ધકેલી દેતી. તેના વાળ, હવે કોઈ ઓળી ન આપતું. નિશા, જાતે જેમતેમ ન્હાઈને મોઢે ક્રીમનો થપેડો કરતી, ભઈલા જેવી ગોરી, રુપાળી થવા.

એક દિવસ નિશાએ હઠ પકડી, "મને પન માલા ભઈલાને મમ્મીની જેમ તેલીને ફલવું છે." ત્યારે દાદાએ માંડ સમજાવી, "તું હજુ બહુ નાની છે ને! તારે તેને દૂરથી રમાડવાનું હં."

"પન મને તો મંમીએ કીધું, કે  તું હવે મો...ટી થૈ ગૈ." નિશા હાથ પહોળા કરી દાદાને ટગર-ટગર જોઈ રહી.

એક દિવસ તો હદ થઇ ગઈ. તે રમીને આવી ત્યારે, ખૂબ ભૂખ લાગેલી. નાસ્તો માગવાં છતાં, મમ્મી ભઈલાને ક્યાંય સુધી ધવરાવવા બેસી ગઈ અને નિશા રીસમાં ને રીસમાં ભૂખી જ ઊંઘી ગઈ. 'પહેલાં તો મમ્મી બહુ ધ્યાન રાખતી. હવે મારી કોઈ ગણના જ નહીં?'  તેને મનોમન થતું.

રાત્રે સપનું આવ્યું... આકાશમાંથી પરી આવીને ભઈલાને મમ્મીના ખોળામાં મૂકી જાય છે. ભઈલો  મમ્મીને ખેંચી રહ્યો છે, તેનાથી ખૂબ દૂર. તે પરીને કંઈક કહેવા જાય છે અને તેટલામાં પરી ઊડી જાય છે. પછી પેલો મો...ટા મો...ટા દાંતવાળો વિકરાળ રાક્ષસ મમ્મીને ઉપાડી જાય છે અને તે એકલી એકલી જોયા કરે છે....

અચાનક સપનું તૂટતાં હબકી જઈ, નિશા જાગીને રડવા માંડી. આજુબાજુ સૌ ઘસઘસાટ ઊંઘતા હતાં. સમસમીને અંગુઠો ચૂસતી તે ફરી ઊંઘી ગઈ. તેને થયું, 'રાક્ષસ ભલે ભઈલાને લઈ જાય પણ 'મારી'  મમ્મીને હું કોઈનેય લઈ જવા ન દઉં.'

સવારે બિસ્કુટ લેવા જતાં બરણી પડી. સાથે ગુસ્સે થયેલા પપ્પાનો તમાચો. ખનનન... ચારેકોર તૂટેલા કાચ વેરાયા અને તેની આંખો ટપક ટપક...

મમ્મીએ કંટાળાથી કહ્યું, "ચુપ રે." રડતા ભઈલાને  મમ્મીએ વહાલ કરી પંપાળીને છાનો રાખ્યો. નિશા ભેંકડો તાણીને રડતી રડતી ઘરના ખૂણામાં ભરાઈ ગઈ. જમવા ટાણે કામવાળી કાશીએ તેને જેમતેમ પટાવીને ચાર કોળીયા ભરાવ્યાં. તેણે જોયું, મમ્મી ભઈલાને ખોળામાં લઈ ધવરાવતી હતી.

બીજી રાત્રે નિશાને શું સુજયું કે તેણે, તેની અને મમ્મી વચ્ચે સુતેલા ફૂલ જેવા કોમળ, નાજુક ભઈલાને  ધક્કો મારી પલંગની નીચે ઘસડયો. રસોડામાંથી દસ્તો લાવી બરાડી, "નથી જોઈતો. રાક્સસ આને લઈ જા."

બાબાનો મોટેથી રડવાનો અવાજ સાંભળી, સફાળી જાગી ઉઠેલી તેની મમ્મીએ તે દ્રશ્ય જોતાં જ ચીસ પાડી, "નિશા..." અને દોડતાં તેને છાતી સરસી ચાંપી. રડતા બાબાને પપ્પાએ તુરંત ઉંચકી લઈ છાનો રાખ્યો.

"મારી દિકરી...." મમ્મીના શબ્દો નિશાને ખૂબ મીઠા, શીતળ લાગ્યા. તે મજબૂત રીતે મમ્મીને વળગી પડી. "મને તું જોઈએ."

મમ્મી પપ્પા તેને જોઈ રહ્યા.

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates