સ્વસ્થ મન, સ્વસ્થ વિચાર

સ્વસ્થ મન, સ્વસ્થ વિચાર - રોશની ગૌતમ શાહ, ભુજ

માનવ મન; ઈશ્વરદત્ત એક અદ્દભુત રચના. મન ચંચળ છે માટે તેને મર્કટની ઉપમા આપવામાં આવી છે, જ્યાં વિચારોનું ઘોડાપૂર ચાલતું રહે છે. આપણે વિચારોની દુનિયામાં મનરૂપી ઘોડા દ્વારા ક્ષણવારમાં કલ્પિત જગ્યાએ પહોંચી જઈએ છીએ. મનમાં આવતા વિચારો આપણે રોકી શકતા નથી. સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારના વિચારો આપણું મન ગ્રહણ કરે છે. એ વિચારો આપણા જીવનમાં કાર્યાન્વિત થાય છે. આપણા મન અને વિચારો થકી જ આપણા જીવનનું ઘડતર થાય છે. સકારાત્મક વિચારો જીવનમાં સારા કાર્યો કરવાની પ્રેરણા આપે છે તો નકારાત્મક વિચારોી તેથી વિપરિત અસર થાય છે.

મન વિશે પંક્તિઓ :

‘મન હોય તો માળવે જવાય.’

‘મન કે હારે હાર હૈ, મન કે જીતે જીત.’

‘મન ચંગા તો કથરોટ મેં ગંગા.’

આ જાણીતી પંક્તિઓ દ્વારા કહી શકાયમનની શક્તિ અપાર છે, બેમિશાલ છે. મન માનવીનું પતન પણ કરી શકે છે તો એ જ મન તેને સફળતાના શિખર સુધી પણ લઈ જઈ શકે છે. રાગ દશા તરફ લઈ જાય છે તો વિરાગ દશા તરફ પણ ગતિ કરાવી શકે છે. ભગવાન મહાવીરના શાસનકાળમાં પ્રસંગ આવે છે. જ્યારે પ્રસન્નચંદ્ર મુનિ ધ્યાન અવસ્થામાં હતા ત્યારે દુમુખની વાત સાંભળીની તેમનું મન વિચલિત થઈ ગયું. અતિશય ક્રોધના કારણે તેમનું મન ખરાબ વિચારોથી ઘેરાઈ ગયું. એ સમયે શ્રેણિક મહારાજાના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન મહાવીરે કહ્યું જો આ સમયે મુનિ મૃત્યુ પામે તો સાતમી નરકે જાય. થોડીવારમાં તો દેવદુંદુભિ સંભળાવા લાગી. શ્રેણિક મહારાજાના આશ્ચર્ય વચ્ચે ભગવાને કહ્યું. પ્રસન્નચંદ્ર મુનિ કેવળજ્ઞાન પામ્યા. કારણ મુનિને બીજી જ ક્ષણે પોતે કરેલા આવા નિમ્ન વિચારોથી દુઃખ થયું. તેઓ પ્રાયશ્ચિત કરતાં કરતાં ક્ષપક શ્રેણિએ જઈ કેવળજ્ઞાન પામ્યા. આ રીતે મનની પરિણતિ બદલાતાં શાશ્વત સુખને પામ્યા. આ તો મુનિ ભગવંતના જીવનની વાત છે. પણ સંસારી શ્રાવકો માટે પણ સમતા સાધવા પ્રભુએ ચાર ભાવનારૂપ દીવાદાંડી બતાવી છે. જે જીવનને એક નવી દૃષ્ટિ આપનારી છે. એ ચાર ભાવનાઓ છે.

મૈત્રી ભાવના : સર્વ જીવો સાથે મૈત્રી રાખવી. મૈત્રીની શક્તિ અજબ છે. એ આત્માનો સ્વભાવ છે.

પ્રમોદ ભાવના : ગુણીજનના ગુણો ે જોવા એવી પ્રમોદ ભાવનાથી ચિત્ત પ્રસન્ન બને છે.

કારુણ્ય ભાવના : આત્માનો અનુકંપાનો ભાવ એટલે કારુણ્ય ભાવના. દીન-દુઃખી વ્યક્તિનું જીવન જોઈ તેના પ્રત્યે હૃદયમાં અનુકંપા જાગે.

માધ્યસ્થ ભાવના : સાનુકૂળ અને પ્રતિકૂળ બંને પરિસ્થિતિમાં સમભાવ જાળવી રાખવો. એ જ માધ્યસ્થ ભાવના.

આ ચાર ભાવનાથી ભાવિત જીવન મનને હંમેશા સ્વસ્થ રાખે છે. પ્રભુ મહાવીરે તપના બે પ્રકાર કહ્યા છે. ૧) છ બાહ્ય તપ ૨) છ અભ્યંતર તપ. એમ કુલ ૧૨ તપ કહ્યા છે. જેમાં ૧૧મો અને ૧૨મો તપ ક્રમશઃ ધ્યાન અને કાર્યોત્સર્ગ છે. વર્તમાન સમયમાં અનેક પ્રકારના ધ્યાન પ્રચલિત છે. પ્રેક્ષાધ્યાન. વિપસ્યના ધ્યાન, ડાયનેમિક ધ્યાન વગેરે. ધ્યાન દ્વારા વ્યક્તિ પોતાના મનને એકાગ્ર કરી શકે છે. મનમાં આવતા અશુભ વિચારોને રોકી શકે છે. આજના સ્પર્ધાત્મક યુગમાં, ભાગદોડ ભરી જિંદગીમાં સામાન્યતઃ વ્યક્તિ અતિ વ્યસ્ત અને ચિંતિત રહેતો હોય છે. આવી પરિસ્થિતિમાં ધ્યાન એક ઉચિત ટોનિક બની રહે છે. ધ્યાનને રોજિંદા જીવનનું અનિવાર્ય અંગ બનાવવું જોઈએ. જે મનને શાંત અને શરીરને તાજગીભર્યું રાખે છે. આજના સમયમાં ઘણી જગ્યાએ ધ્યાનથી શિબિરો ગોઠવાય છે. જેમાં ઘણા લોકો ભાગ પણ લે છે અને પોતાના જીવનમાં તેનો ઉપયોગ કરે છે.

આ સાથે સારા અને ઉપયોગી પુસ્તકોનું વાંચન, સદ્‌ગુરુ ને સત્સંગ આપણા વિચારોને સમૃદ્ધ બનાવે છે. યોગ્ય દિશા મળે છે. આપણા સમાજમાં બહોળો વર્ગ એવો છે જે વાંચનના મહત્ત્વને સ્વીકારે છે. તેઓ પોતાના સંતાનોને આ દિશામાં પ્રેરિત કરે છે. આજના ટેક્નોલોજીના યુગમાં ભણતર સાથે બીજી પ્રવૃત્તિઓના કારણે બાળકો પાસે સમયનો અભાવ રહેતો હોય છે. માટે તેઓ વાંચનની પ્રવૃત્તિને બહુ મહત્ત્વ આપી શકતા નથી. અનુકૂળતાએ બાળપણથી સંતાનોને યોગ્ય વાતાવરણ અને ભણતરની સાથે યોગ્ય વાંચન માટે દિશાસૂચન મળતું રહેશે તો મોટું થતાં બાળક સુયોગ્ય, સંસ્કારી, સ્વસ્થ, સુદૃઢ વિચારોનું વ્યક્તિત્વ ધરાવતો સદ્‌ગુણી વ્યક્તિ બનશે.

ભગવાન મહાવીરે બતાવેલી ચાર ભાવના ધ્યાનની સાધના સાથે યોગ્ય વાંચનને આંશિકરૂપે પણ પ્રયત્નપૂર્વક જીવનમાં અપનાવીશું તો આપણા ચંચળ મનને થોડી પણ સ્થિરતા આપી સ્વસ્થ રહી વિચારોને સ્વસ્થ રાખી જીવનમાં સત્કર્મો કરવા દ્વારા અદ્દભુત આત્મસંતોષની લાગણીનો અનુભવ કરીશું અને જીવનને યાદગાર બનાવીશું.

 

(‘કચ્છ ગુર્જરી’ના એપ્રિલ ૨૦૧૮ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates