સ્વચ્છતા અભિયાનમાં મારું યોગદાન

સ્વચ્છતા અભિયાનમાં મારું યોગદાન - રીટા ભરત શાહ, માંડવી

(શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સાહિત્ય સ્પર્ધા-૨૦૧૮; દ્વિતીય વિજેતા)

 

‘ચોખ્ખા ઘરનું આંગણું ને ચોખ્ખા ઘરનો ચોક, ચોખ્ખા ઘર, કપડાં થકી માણસ બહુ સોહાય છે.’

ઉપરની પંક્તિ આપણા સૌ માટે જાણીતી જ છે પરંતુ આપણે સૌ સાથે મળીને આ પંક્તિને પૂર્ણપણે સાર્થક કરવાની છે ત્યારે સૌને પોતાની આસપાસ સફાઈ રાખવાનું તેમજ જીવનમાં સ્વચ્છતાનું મૂલ્ય સૂચવે છે અને એ સ્વચ્છતાનું મૂલ્ય એટલે શું?

એક નાગરિક તરીકે હું આ અભિયાનમાં જોડાઈ ગઈ છું ત્યારે મારા સ્વચ્છતા વિશેના વિચારો તેમજ મેં કરેલા પ્રયત્નો હું આજે આ નિબંધરૂપે રજૂ કરી રહી છું. સૌ પ્રથમ તો સ્વચ્છતા એટલે કે ‘સ્વ’થી શરૂઆત કરવી. જેમકે શરીરની સફાઈ, વસ્ત્રોની સફાઈ, મન તેમજ દૃષ્ટિની સફાઈ, ઘર-રસ્તા, મકાનો, શેરીઓ, સડકો, પર્યટન સ્થળો, જાહેર સ્થળો, સરકારી ઈમારતો, જાહેર મિલકતો, પર્યાવરણ અને પાણી વગેરે બધું જ સ્વચ્છ રાખવું. સફાઈ એ માત્ર આપણા આરોગ્ય માટે જ જરૂરી નથી કે માત્ર આસપાસના વાતાવરણને સુંદર અને શોભામય બનાવવા માટે અનિવાર્ય નથી પરંતુ સજર્ન અને ઉન્નતિ માટે અગત્યનું છે. એમ હું માનું છું. શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. એટલે જ તો વિચારોની શુદ્ધતા વ્યક્તિને સુસંસ્કાર, સ્વચ્છ હૃદયથી અને ગંદકીથી પાક કરવા આહવાન કરે છે અને એટલે જ...

‘સ્વચ્છતા મારો અધિકાર, સ્વચ્છતા મારી ફરજ.’

૨૧મી સદીમાં ઉદ્યોગો-વાણિજ્યની પ્રગતિ, કુદરતી સંસાધનોનું દોહન, પર્યાવરણજન્ય અને પાણીની ગંદકી વગેરેને પરિણામે સફાઈ, સ્વચ્છતા તેમજ આરોગ્યની જે સમસ્યાઓ પેદા થઈ છે તેના નિરાકરણ માટે પ્રયત્ન કરવા એ આપણા બધા જ નાગરિકોની સહિયારી જવાબદારી છે. લોકભાગીદારી અને લોકચળવળ વગર તે શક્ય નથી અને એ માટે અમે એક ગ્રુપ બનાવ્યું છે. જેના દ્વારા શહેરના સ્લમ એરિયાના લોકોને જાગૃત કરવા રૂબરૂ મળવા જઈએ છીએ. સ્વચ્છતાના પ્રતિકો જેવા કે નાહવાનો સાબુ, ઝાડુ, રૂમાલ, ટમલરથી પ્રોત્સાહિત કરીને સફાઈની ઝુંબેશને આગળ વધારવા લોકોમાં જાગૃતિ આણવા પ્રયત્ન કરીએ છીએ.

એક નાગરિક તરીકે તો ખરું જ પણ એક સ્ત્રી તરીકે પણ હું માનું છું કે આપણે જો સંપૂર્ણપણે આ અભિયાનમાં જાગૃત થઈશું તો અવશ્ય ક્લીન ઈન્ડિયા કરીને જ જંપીશું. મારા ઘરથી શરૂઆત કરું તો ઘરને સ્વચ્છ રાખવું એ ઘરમાં રહેતી દરેક વ્યક્તિની જવાબદારી છે. ઘરના ઓરડાઓ વ્યવસ્થિત ન હોય તો પછી ધીમે ધીમે ઘર પણ ગંદુ અને અસ્તવ્યસ્ત થઈ જાય છે. વ્યવસ્થિતનો અર્થ દરેક વસ્તુઓ એની યોગ્ય જગ્યાએ હોવી જોઈએ. દા.ત. મેલા કપડાં તમારા બેડરૂમમાં ગમે ત્યાં પડેલાં હોવા જોઈએ નહિ. વળી રમકડાં અને બીજાં સાધનો આમતેમ પડેલાં હોય તો તે ક્યારેક જોખમી સાબિત થઈ શકે. સારી ટેવ ઘરની દરેક વ્યક્તિમાં હોવી જોઈએ અને એ હું માનું છું કે સ્ત્રી વગર શક્ય નથી. માટે આપણે સ્ત્રીઓએ તો પ્રથમ જાગૃત થવાની જરૂર છે.

કહેવાય છે કે,

ઘર સાદું રાખો,

પણ સ્વચ્છ રાખો.

‘સ્વચ્છતા મારો ધર્મ, સ્વચ્છતા મારો અધિકાર..

ઉપરોક્ત સૂત્રને એક સ્ત્રી તરીકે આપણે જો સાર્થક કરીશું તો ઘર, ગલ્લી, મહોલ્લો, ગામ, શહેર બધું સ્વચ્છ રહેશે. સ્વચ્છ ગામ, યાત્રાનું ધામ.’ આપણે જો આપણા પરિવારથી જ શરૂઆત કરીશું તો આ અભિયાનમાં ચોક્કસપણે જાગૃતતા લાવી શકીશું. મારો સ્વ અનુભવ છે. આપણા ફળિયાથી, આપણી શેરીથી લોકોને જાગૃત કરી શકીશું. આપણાં ગામડાંઓ કે શહેરોમાં હજી પણ નરી આંખે જોઈ શકાય છે- ઉભરાતી ગટરો, ખુલ્લી ગટરો, જાહેરમાં હાજતે જવું, રસ્તાઓ ઉપર ગમે ત્યાં કચરો ફેંકવો, એંઠવાડ નાખવો, ધુમ્રપાન, પાનની પિચકારીઓ મારવી... આ બધું આપણા માટે પડકારરૂપ છે. મેં તો મારાથી બનતા તમામ પ્રયત્નો પણ આ ગંદકીને દૂર કરવા કરેલ છે અને મને સફળતા પણ સાંપડી છે.

સૌ પ્રથમ હું વાત કરીશ મારી. તો આસપાસ રહેતા લોકો કોઈ જાહેર સ્થળ પર ગંદકી કરતું નજરે પડે તો એમને સ્વચ્છતાનો પાઠ ભણાવવો એ મારી ફરજ બને છે. એ વ્યક્તિને સ્વચ્છ કરવા કામ કરી રહેલ (ક્લીન આર્મી) સ્વચ્છતામાં સ્વચ્છતા સેનાની તરીકે જોડાઈને દેશને સ્વચ્છ બનાવવામાં સહયોગ આપવા અવશ્ય સમજાવીશ. શાળામાં ભણતાં બાળકો પણ સ્વચ્છતા તેમજ પર્યાવરણ પ્રત્યે જાગૃત બને એમનામાં કૌશલ્યનો વિકાસ થાય એ માટે સૌ પ્રથમ તો પ્લાસ્ટિકની બોટલો તેમજ પ્લાસ્ટિક બેગનો વિરોધ કરી વેસ્ટમાંથી બેસ્ટ બનાવી કઈ રીતે તે  ઉપયોગ કરવો એ જણાવીશ.

શાળાના શિક્ષકોની મદદથી પ્રત્યેક શાળામાં પણ (સ્વચ્છતા સેનાની) ટીમની રચના થાય એવા પ્રયત્નો કરીશ. દરેક વિદ્યાલય ‘સ્વચ્છતાલય’ બને એ નેમ ધારણ કરીશ.

‘સ્વચ્છતાની ભક્તિ, આપે રોગ મુક્તિ.’

સામાન્ય રીતે આપણા નાગરિકો ઘરના તમમ કચરાને પણ સાથે જ ફેંકી દે છે જેના કારણે કચરાનો સદઉપયોગ થઈ શકતો નથી. આ માટે લોકોને કચરાને કઈ રીતે અલગ પ્રકારે જેવા કે ઉપયોગી કચરો અને બિનઉપયોગી કચરાને અધારે અલગ રાખવો અને ઉપયોગી કચરામાંથી ઘરમાં કે સોસાયટીમાં કે પછી ખેતી માટે (જૈવિક ખાતર) બનાવી શકાય અને એના ફાયદાઓ વિશે જણાવીશ. બીજી ઑક્ટોબરે આપણા પ્રધાનમંત્રીએ આ અભિયાન ચાલુ કર્યું છે તો આપણે સૌએ એમાં પૂરો સહકાર આપવો જ પડશે તો જ આ અભિયાનને ૧૦૦% સફળ બનાવી શકીશું. સ્વચ્છતા રાખવી આપણી ફરજ છે. સ્વચ્છ રહીશું, રાખીશું તો જ રોગ ભાગશે. સફાઈ રાખવી એ આપણી પ્રથમ સીડી છે. ફક્ત સ્વચ્છતાના નારા પોકારવાથી સ્વચ્છ નથી બની શકાતું એ માટે સ્વયંનો ભોગ આપવો પડશે. હું મારું શહેર સ્વચ્છ રાખીશ અને તમે પણ રાખશો એ એકસૂત્રતાથી બંધાવું પડશે.

આસાન કામ હૈ લેકિન હમારી કુછ આદતોને ઉસે બડા કરી દીયા હૈ ઉસે હમે સાથ મિલકર મિટાના હૈ.

અને એ માટે, WelCome, સ્વચ્છતા, Bye Bye ગંદકી.

આ સૂત્રને સંપૂર્ણપણે સાર્થક કરીને જ જંપીશું. ‘ન ગંદકી કરીશું, ન કરવા દઈશું.’ આ મિશનથી લોકોમાં જવાબદારીની ભાવના કેળવવાની છે. મહાત્મા ગાંધીજીનું ‘સ્વચ્છ ભારત’નું સપનું હવે સાકાર થવા લાગ્યું છે ત્યારે સફાઈ માટે હાથમાં ઝાડુ ઉપાડવું પડે તો હરહંમેશ યાદ રાખીશું. સફાઈ પર ધ્યાન અને એક સ્વચ્છ માહોલ બનાવવાની કોશીશ લોકોની આદતમાં હવે સામેલ થઈ ગઈ છે. લોકો પણ હવે ચારે દિશાઓમાં સ્વચ્છતાના સંદેશાઓ ફેલાવવા લાગ્યા છે. સમાજના વિભિન્ન વર્ગોના લોકો હવે આગળ આવ્યા છે અને ‘એક કદમ સ્વચ્છતાકી ઓર’ને પૂરું કરી રહ્યા છે.

હું ચોક્કસપણે કહીશ કે જો દેશના તમામ લોકો પોતાના ઘરો, શેરીઓ, મહોલ્લા, સોસાયટી અને શાળાઓમાં સ્વચ્છતા અંગે સંપૂર્ણ જાગૃતિ કેળવશે તો સન ૨૦૨૨ સુધીમાં આપણે અવશ્ય ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને જરૂરથી હકીકતમાં બદલી શકીશું.

અંતમાં.. મારું ઘર, મારી શેરી, મારી શાળા, મારી સોસાયટી, મારું ગામ, મારું શહેર, મારો તાલુકો, મારો જિલ્લો, મારું રાજ્ય જો સ્વચ્છ હશે તો જ મારો દેશ સંપૂર્ણ સ્વચ્છ..

આંગણું વાળીએ, રસ્તો વાળીએ, શેરીઓ વાળીએ, વાળીએ પોળે પોળ.

ડોયા વડે પાણી લઈને, ગ્લાસ જળનાં ભરીએ, પીવાનું પાણી ઢાંકીને, સ્વચ્છ નિર્મળ બનીએ.

આડો અવળો કચરો ન ફેંકીએ, રાખીએ કચરાપેટી, ઉકરડાનો અંત લાવીને, સ્વચ્છ રહીએ.

જાહેર મિલકત આપણી મિલકત, સાફ સુથરી રાખીએ, મળે એટલો આનંદ કરીએ, પણ કચરો કદી ન નાખીએ.

મારું જીવન મારો સંદેશ, આ છે મારું યોગદાન, બાપુ પણ સફાઈ કરે તો આપણી શું વિસાત?

 

 

(કચ્છ ગુર્જરી ઓક્ટોબર - નવેમ્બર ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates