સ્વચ્છતા અભિયાનમાં મારું યોગદાન

સ્વચ્છતા અભિયાનમાં મારું યોગદાન - દિપા નિમેશ મહેતા, વિરાર (મુંદ્રા)

પ્રસ્તાવના : હું નિયમિત રીતે 'કચ્છ ગુર્જરી'ની વાચક છું. વિરારમાં કોમર્સ ફેકલ્ટીનાં કોલેજના ક્લાસ કરાવું છે. જ્યારે મેં સાહિત્ય સ્પર્ધા વિશે વાંચ્યું તેમાં પણ ‘સ્વચ્છતા અભિયાન’ વિષય વાંચ્યું તો સ્વાનુભવ લખવાનું મન થયું અને તે માટે પ્રયાસ કરેલ છે. આટલા સુંદર વિષયો આપીને વિચારાત્મક શક્તિને વધારવા માટે આપ સૌનો આભાર માનું છું.

** ** **

‘જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા.’

‘જ્યાં સ્વચ્છતા ત્યાં પવિત્રતા.’

‘જ્યાં સ્વચ્છતા ત્યાં તંદુરસ્તી.’

‘જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા.’

આ સૂત્રોએ મારા જીવનમાં સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિ લાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. જીવનમાં સ્વચ્છતાનું મહત્ત્વ ઘણું જ છે. સ્વચ્છતાની શરૂઆત સૌપ્રથમ શરીરની શુદ્ધિ, આપણા ઘરની શુદ્ધિ, ઘરની આસપાસના વિસ્તારની શુદ્ધિ, તેમાંથી આગળ આપણા ગામની શુદ્ધિ, જિલ્લાની શુદ્ધિ, રાજ્યની શુદ્ધિ અને છેવટે આખા ભારત દેશમાં શુદ્ધિકરણ એટલે કે ‘સ્વચ્છતા અભિયાન.’

આ સ્વચ્છતા અભિયાનની શરૂઆત સરકાર દ્વારા દેશને સ્વચ્છ કરવાના પ્રતિકરૂપ આપેલ છે. સ્વચ્છ ભારતનું સ્વપ્ન પ.પૂ. મહાત્મા ગાંધીજીએ જોયેલું હતું. તેઓ કહેતા હતા કે, ‘સ્વચ્છતા એ ભારતદેશનું સૌંદર્ય છે, જેને લાવવું આપણું કર્તવ્ય છે.’

પ.પૂ. મહાત્મા ગાંધીજીની આ વાતથી પ્રભાવિત થઈને આપણા વર્તમાન વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીજીના ૧૪૫માં જન્મદિવસે એટલે કે ૨ ઓક્ટોબર-૨૦૧૪નાં દિવસે સ્વયં રસ્તા પર આવીને ‘સ્વચ્છ ભારત અભિયાન’ની શરૂઆત કરી અને ૨ ઑક્ટોબર-૨૦૧૯ સુધી આ અભિયાનને પૂર્ણ કરવાનો ઉદ્દેશ પ્રજા સમક્ષ રાખ્યો.

નરેન્દ્ર મોદીજીએ પોતાના વકતવ્યમાં એક સરસ વાત કરી કે, ‘સ્વચ્છતા સ્વતંત્રતા કરતાં વધુ જરૂરી છે.’ આ વાતને મેં ગહનતાથી વિચારી ત્યારે મને લાગ્યું કે તેમણે ખૂબ જ સાચી વાત કરી છે. આપણો દેશ સ્વતંત્ર થઈ ગયો છે પરંતુ આપણી સ્વચ્છંદતાને કારણે ગંદકીનાં બાહુપાશમાં જકડાતો ગયો છે. તેને કારણે મચ્છર અને જીવજંતુનો ઉપદ્રવ અને વિવિધ બીમારીઓ!! તો આપણી સાચી સ્વતંત્રતાનો શું અર્થ?? એ જ ગંદકી, એ જ બીમારી અને એ જ પરતંત્રતા.

ભારતની ૬૦% વસ્તી શહેરમાં વસે છે અને ૪૦% વસ્તી ગામડામાં રહે છે. શહેરી વસ્તીમાં ઘણા લોકો ઝુંપડપટ્ટીમાં રહે છે ત્યાં ઘરની આસપાસ ઉકરડા જોવા મળે છે. ખુલ્લી ગટરોથી અનેક જીવજંતુનો ઉપદ્રવ જોવા મળે છે. લોકો ગમે ત્યાં થૂંકે છે અને નાક સાફ કરે છે આથી શહેરની ચાલીમાં તેમજ પોળોમાં રહેતા લોકો અનેક રોગોનો ભોગ બને છે.

આ બધાનો વિચાર મેં કર્યો ત્યારે મને થયું હું સ્વચ્છતાની શરૂઆત મારા શરીરથી જ કરું. આંખ, કાન, નાક, ચામડી, વાળ, નખ અને દાંત જેવા અવયવો સ્વચ્છ રાખવા જોઈએ. સ્વચ્છ કપડાં પહેરવાં જોઈએ, જેનાથી આપણું મન સ્વસ્થ રહે. આપણું શરીર તાજગી અનુભવે છે અને આપણા ઉત્સાહમાં વધારો થાય છે.

ઘર અને મહોલ્લાની નિયમિત સફાઈ પર મેં ધ્યાન આપવાની શરૂઆત કરી. ઘરનાં બારી-બારણાં, છત, દીવાલની નિયમિત સફાઈ કરવા લાગી. ઘરની આસપાસનો વિસ્તાર સ્વચ્છ રહે તે માટે મેં એક ટીમ બનાવી અને ‘ટીમવર્ક’ ચાલુ કર્યું. ક્યાંય ગંદકી ન થાય. કચરાનો ઢગલો નિયમિત ઉપડી જાય તે માટે કચરાપેટીની સગવડ કરાવી અને થોડાં દિવસનાં અંતરે જંતુનાશક દવાનો છંટકાવ કરાવવા માટે અમારા વિસ્તારનાં મેયરને મળીને આ કાર્ય કરાવ્યું.

સરકારી ઓફિસોમાં, રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેશનમાં પણ લોકો ગમે ત્યાં ન થૂંકે માટે પિકદાનીઓ ઊભી કરાવી. જાહેર શૌચાલયો નિયમિત સ્વચ્છ રહે અને લોકો તેનો ઉપયોગ કરે તે માટે ‘પે એન્ડ યુઝ’નાં નિયમથી શરૂઆત કરાવી.

ગામડામાં કેળવણીનાં અભાવે ગંદકીનો પાર હોતો નથી. ત્યાં પણ મારી ટીમે જઈને લોકોને સ્વચ્છતાનું શિક્ષણ આપવાનું કાર્ય કર્યું. કચરા માટે કચરાપેટીનો ઉપયોગ. જાહેર શૌચાલયનો ઉપયોગ તેમજ ખુલ્લી અને ગંદી ગટરોનું નિવારણ માટે સરકાર સમક્ષ અરજીઓ પણ કરાવી. ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા રાખવા માટે ગામની દીવાલ પર સ્વચ્છતાનું મહત્ત્વ બતાવતાં સૂત્રો લખાવ્યા. ગામનાં ચોરે નાટક દ્વારા લોકોને સ્વચ્છતાનું મહત્ત્વ સમજાવ્યું.

‘સ્વચ્છ ભારત અભિયાન’ માટે સરકારે કેટલાય રસ્તાની સફાઈ કરી છે. વારંવાર રસ્તાની સફાઈ કરે છે. ધીરે ધીરે સફાઈનું મહત્ત્વ લોકોને સમજાવા લાગ્યું છે. લોકો પૂરેપૂરો સાથ-સહકાર આપી રહ્યા છે. ઊંચી ઈમારતમાં રહેતા લોકો કચરાને પ્લાસ્ટિકની થેલીમાં નાખી ઉપરથી ફેંકતા હતા. હવે આ‘સ્વચ્છતા દૂતો’ ઘરે ઘરે કચરો એકત્રિત કરે છે અને સ્વચ્છતા રાખે છે.

‘સીમા પર લડવાનું એ જ નથી દેશભક્તિનું નામ, સ્વચ્છ બને દેશ કરો એવાં કામ.’

અમારા શહેરમાં તો અમે લોકોએ ‘સ્વચ્છ ભારત, સ્વચ્છ વિદ્યાલય’ અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાનમાં વિદ્યાર્થીઓને સ્વચ્છતાનું મહત્ત્વ બતાવીને આ અભિયાનમાં જોડાવ્યાં હતાં. જ્યાં-ત્યાં પડેલો કૂડો-કાગળનો કચરો વીણીને કચરાપેટીનો ઉપયોગ કરવો. શૌચાલયનો ઉપયોગ કરતાં શીખવાનું, જાહેરમાં થૂંકવાનું નહિ તેમજ સ્વચ્છતા પર કામ કરવાનું અને કરાવવાનું છે.

‘નિર્મળતા અને સ્વચ્છતા બંને, સ્વચ્છ અને શાંતિપૂર્ણ જીવનનાં ભાગ છે.’

આપણે પશ્ચિમના દેશોનું ખૂબ જ અનુકરણ કરીએ છીએ પરંતુ ત્યાંની સ્વચ્છતાનું અનુકરણ કરીએ તો આપણો દેશ સ્વચ્છ અને નિર્મળ બની જાય. ત્યાંની સરકાર અને પ્રજા સ્વચ્છતા અંગે ખૂબ સભાન અને જાગૃત હોય છે. ત્યાં રસ્તામાં કચરો કરનારને દંડ કરવામાં આવે છે. સ્વચ્છતા અને આરોગ્ય વિશે આવી જાગૃતિ હોય ત્યાં જ સ્વાસ્થ્યની યોગ્ય જાળવણી થઈ શકે છે.

આપણી સરકાર ટી.વી., રેડિયો અને વર્તમાનપત્ર જેવા માધ્યમ દ્વારા લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા માટે ઘણા પ્રયત્નો કરે છે. આવા કાર્યક્રમની લોકો પર સારી અસર થાય છે. સાથે સાથે સ્વચ્છતા જાળવવા અંગેનાં નિયમો ઘડીને સરકારે સખતાઈથી અમલ કરાવવો જોઈએ. સફાઈ ઝુંબેશ દ્વારા પણ લોકજાગૃતિ લાવી શકાય. ઠેર ઠેર સ્વચ્છતા વિશે સુંદર સૂત્રો લખાવીને લોકજાગૃતિનું કામ કરી શકાય છે.

આથી આપણે કહી શકીએ કે ૨૦૧૯ સુધી ભારતને સ્વચ્છ અને હરિયાળું બનાવવા સ્વચ્છ ભારત અભિયાન એક મહત્ત્વપૂર્ણ પગલું છે.

‘સ્વચ્છતા ભગવાનની તરફનું પ્રથમ પગલું છે.’

મને વિશ્વાસ છે કે જે રામ-કૃષ્ણની ભૂમિ, મહાવીર-બુદ્ધની ભૂમિ કહેવાય છે એવી ભારતની ધરતીમાતાને સ્વચ્છ કરીને ભગવાન તરફ પગલું ભરીશું.

‘થૂંકવા માટે નથી આ ધરતીમાતા,

બદલીશું આપણી આદત ભાઈ.

ન જુઓ કોઈ પડોશીની રાહ,

દેશ છે બધાનો - વધારો સ્વચ્છતા અભિયાન.’

 

 

(કચ્છ ગુર્જરી સપ્ટેમ્બર ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates