સ્વચ્છતા અભિયાનમાં મારું યોગદાન

સ્વચ્છતા અભિયાનમાં મારું યોગદાન - ચંદ્રાબેન દિલીપભાઈ લક્ષ્મીચંદ ઝવેરી, ભુજ

૨ ઑક્ટોબર-૨૦૧૪માં દેશભરમાં રાષ્ટ્રિય આંદોલનના રૂપમાં ‘સ્વચ્છ ભારત’ મિશનની શરૂઆત થઈ હતી. રાજપથથી સ્વચ્છ ભારતનું અભિયાન શરૂ કરતાં પહેલાં પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું હતું કે ૨ ઑક્ટોબર ૨૦૧૯માં પૂ. ગાંધીજીની ૧૫૦મી જયંતિના અવસરે સ્વચ્છ ભારતના રૂપમાં પૂ. બાપુને સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ આપી શકાય. સાફ અને સ્વચ્છ ભારત ગાંધીજીનું સ્વપ્ન હતું. એમણે કહ્યું હતું કે, ‘સ્વચ્છતા સ્વતંત્રતાથી પણ વધારે જરૂરી છે.’ આઝાદીને ૬૭ વર્ષ થયા છતાં આ સ્વપ્ન પૂર્ણ થયું નથી તેથી શ્રી મોદીએ સ્વયં મંદિર અને પોલીસ સ્ટેશનની આસપાસની સફાઈ કરીને આ અભિયાનની શરૂઆત કરી હતી અને સમગ્ર દેશવાસીઓને આ અભિયાન સફળ બનાવવા આમંત્ર્યા હતા. યોજનાઓ તો સરકાર બનાવે પણ તેને પૂર્ણ કરવાની જવાબદારી નાગરિકની છે. આ સમયે હિન્દી ગીતની પંક્તિઓ યાદ આવી જાય છે ને?

‘સાથી હાથ બઢાના, એક અકેલા થક જાયેગા, મિલકર બોજ ઉઠાના.. સાથી હાથ બઢાના..’

તેથી આપણે સૌએ ‘સ્વચ્છ ભારત’ અભિયાન સૂત્રને અપનાવવું જોઈએ.

‘ન ગંદકી કરીએ, ન કરવા દઈએ.’

ઈશ્વરની ભક્તિ જેટલું જ પુણ્ય સ્વચ્છતા અભિયાનમાં જોડાવાથી મળે છે. માનવજાત માટે બહુ મોટું પુણ્યનું કાર્ય છે. સ્વચ્છતા અપનાવવાથી મનુષ્યને સ્વાસ્થ્ય, આરોગ્ય અને નિરોગી જીવન મળે છે, રોગમાંથી મુક્તિ મળે છે. ડૉકટરના ખર્ચાઓ બચી જાય છે એટલે આર્થિક રીતે પણ ફાયદો થાય છે. સ્વચ્છતા આંખોને પણ ગમે, મન પ્રફુલ્લિત બને. જીવન સ્તરને ઉપર લાવવા જરૂરી છે આ અભિયાન.

દેશના નાગરિક તરીકે હું પણ નાની નાની રીતોથી મારું યોગદાન આપવા પ્રયત્ન કરું છું. સ્વચ્છ એટલે ચોખ્ખું. સ્વચ્છતા એટલે ચોખ્ખાઈ. સ્વચ્છતા પણ એક સંસ્કાર છે, તાલીમ છે, શિસ્ત છે. શિસ્ત તો પારસમણિ છે. એમ હું માનું છું. જે આપણે બાળકને નાનપણથી આપવાની હોય છે. ‘સ્વચ્છ રહેવેવા અને સ્વચ્છતા જાળવવા આપણે પોતે સ્વતંત્ર છીએ..’ કોઈના કહેવાથી સ્વચ્છતા જાળવી શકાતી નથી. એ તો વારસાગત હોય છે. એ તો આપોઆપ નાનપણથી જ અન્ય આદતોની સાથોસાથ વણાઈ જતી હોય છે. જેને સ્વચ્છતાની આદત હશે તો ગંદકી સહન નહીં કરી શકે અને જે ગંદકીમાં રહેવા ટેવાયેલા હશે એને ક્યાંય કશો ફરક નહીં પડે.

હું પણ મારા ઘરમાં અને ઘરની બહાર, જાહેર સ્થળોએ મારાથી ગંદકી ન થાય તેનું ખાસ ધ્યાન રાખું છું. જેમ ઘરને સ્વચ્છ અને સુઘડ રાખવા પ્રયત્ન કરીએ છીએ તે રીતે ઘરની આસપાસ, ગલી કે પોળ, ગામ, સમાજ, જાહેર સમારંભ, રાજ્ય અને દેશને સ્વચ્છ રાખી શકાય. દરેક વ્યક્તિ આટલું ધ્યાન રાખે તો સંપૂર્ણ દેશને સ્વચ્છ બનાવવો એ કાંઈ મોટી વાત નથી.

‘સૌનો સાથ સૌનો સહકાર એટલે સફળ સ્વચ્છતા અભિયાન.’ આ મારું સૂત્ર છે.

નાનપણથી જ આપણે બાળકોને સ્વચ્છતાના પાઠ શીખવીએ છીએ. જેમકે જમતા પહેલાં હાથ ધોવાનું, શાંતિથી ક્યાંય ગંદકી ન થાય એ રીતે જમવાનું, સ્કૂલમાંથી આવીને પોતાનું દફતર, બૂટ, મોજાં જેવી અન્ય ચીજો વ્યવસ્થિત નિશ્ચિત જગ્યાએ રાખવી, હાથ-પગ ધોવા આ બધી ચોખ્ખાઈની સમજ ઘરમાંથી તો થતી હોય છે. સ્કૂલમાં પણ બાળકને કચરો, કાગળ કચરાપેટીમાં નાખવા, રમતનું મેદાન, શૌચાલય જેવી આસપાસની જગ્યાએ પણ ગંદકી ન કરવી. એ બધી સમજ આપી શકાય. પૂ. ગાંધીજીના સ્વચ્છતાના પ્રસંગને વાર્તારૂપે કહીને જ્ઞાન આપી શકાય. સ્કૂલનાં શિક્ષકો, આચાર્ય સાથે મળીને વાતચીત કરી બાળકોને પ્રેરણા આપી શકાય. સ્વચ્છતા અભિયાનનો વર્ગ કે સેમીનાર રાખીને પણ બાળકોને ભાગ લેવા પ્રોત્સાહિત કરી શકાય. આવી બધી સ્વચ્છતા બાબતનું મહત્ત્વ, જ્ઞાન, સમજ ઘર અને સ્કૂલમાંથી મળે તો બાળક અપનાવે છે. તેથી સાચા અર્થમાં અભિયાનનો સૌથી મોટો ફાળો અને શરૂઆત આપણે પોતે, વડીલો અને સ્કૂલનો જ ગણી શકાય. સ્કૂલ અને ઘર દ્વારા આ અભિયાન ખૂબ ઝડપથી પૂર્ણ થઈ શકે છે એમ મારું માનવું છે અને અનુભવ પણ છે. બાળક સ્કૂલ અને ઘરમાંથી શીખેલું ક્યારેય ભૂલી શકતું નથી. જીવનપર્યંત યાદ રહે છે. દેશનો દરેક નાગરિક પોતાની ફરજ સમજીને સ્વચ્છતા રહે તેવું આચરણ કરે તો દેશને સ્વચ્છ થતાં કોઈ રોકી નહીં શકે. દરેકે જાગૃત નાગરિક બનવાની જરૂર છે.

‘સ્વચ્છતા દેશનું સૌંદર્ય છે, એ સૌંદર્ય લાવવું એ આપણું કર્તવ્ય છે.’

આજકાલ તો ઘણાં યુવાનો આ અભિયાન વિશે જાગૃત છે. પોતાના કામમાંથી સમય કાઢીને આ પ્રવૃત્તિમાં જોડાયા છે. પણ હજી થોડો વર્ગ છે જે જોડાયો નથી પરંતુ આપણા પ્રયત્નથી અને કાર્યથી પ્રેરાઈને બહુ જલદી બધા આ અભિયાનનો હિસ્સો બની જશે એમ હું વિચારું છું. બધા જ આ અભિયાનમાં જોડાશે ત્યારે પૂર્ણતા મળશે.

‘પારસમણિના સ્પર્શથી લોઢું સોનું બને એમ,

સ્વચ્છતાના સ્પર્શથી જીવન પારસમણિ બની જાય.’

દરેક ગામ, શહેર, સમાજ તરફથી આ અભિયાન ચાલુ થઈ ગયું છે. તો એમાં અચૂક જોડાવું જોઈએ અને યથાશક્તિ સહયોગ આપવો જોઈએ. દરેક રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી પણ તકેદારીનાં પગલાં લેવાતાં જાય છે. પોતાના રાજ્યને શહેરને સાફ-સૂથરા રાખવાની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતનાં સુરત શહેરે આ અભિયાનનું સૌ પ્રથમ સ્વચ્છ શહેર બનવાનું દૃષ્ટાંત પૂરું પાડ્યું છે અને ઘણાં નાનાં નાનાં ગામોની પણ અભિયાનમાં જોડાવાને કારણે ઘણી પ્રગતિ થઈ છે. એ આપણને અવારનવાર સમાચાર દ્વારા જાણવા મળે છે. તો હવે જે આ અભિયાનમાં નથી જોડાયા એમણે રાહ કોની જોવાની છે? સુરત શહેરના કાર્યથી પ્રેરણા લઈને આપણા ગામ-શહેરને સ્વચ્છ બનાવવાનું બીડું ઝડપી લેવું જોઈએ.

‘ડૂબને કો નહીં હૈ ધરતીમૈયા,

બદલો અપની આદત ભૈયા.

ન કરો કિસી પડોશી કા ઈન્તજાર,

દેશ હૈ સબકા બઢાઓ સ્વચ્છતા અભિયાન.’

આજુબાજુ ઝાડ ઉગાડીને પર્યાવરણની રક્ષા કરવી ‘જલ એ જ જીવન’ સૂત્ર દ્વારા પાણીનો બગાડ અટકાવવો, શૌચાલયોનું નિર્માણ એ બધું માનવજાતના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. સ્વચ્છતાથી સ્વાસ્થ્ય સારું, સ્વાસ્થ્યથી મન સારું અને તંદુરસ્ત મનથી જીવન સારું.

‘કબ જાગોગે સોય સૂરજ, કબ હોગા ઉજિયારા,

જીના હૈ તો સ્વચ્છતા અપનાઓ, ગુંજ ઊઠે યહ નારા.’

સરહદ પર લડવું એ દેશભક્તિનું કાર્ય છે. દેશને સ્વચ્છ રાખવો એ પણ એક રીતે દેશભક્તિનું જ કાર્ય છે. કારણકે સ્વચ્છતાને કારણે પર્યટકોનું આકર્ષણ વધે છે અને તેથી દેશ આર્થિક રીતે સદ્ધર બનશે. તો થયું ને દેશભક્તિનું કાર્ય? દેશને નહીં ખુદને અને ખુદની આદતો બદલો, તો દેશ આપોઆપ બદલાઈ જશે. દેશનો બદલાવ ખુદ પર આધારિત છે.

‘નિર્મળતા અને સ્વચ્છતા બંને શાંતિપૂર્ણ જીવનનો એક ભાગ છે.’

‘લોકોનું અનુદાન મળે તો પૃથ્વી પર ભગવાનની ભૂમિ બની શકે.’

તો આવો સૌ સાથે મળીને એક કદમ આગળ વધારીએ અને ભારતને સ્વચ્છ બનાવવા આપણું યોગદાન આપીએ.

 

 

(શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સાહિત્ય સ્પર્ધા-૨૦૧૮)

(કચ્છ ગુર્જરી જાન્યુઆરી ૨૦૨૦ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)  

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates