સ્વચ્છતા અભિયાનમાં મારું યોગદાન

સ્વચ્છતા અભિયાનમાં મારું યોગદાન - જયશ્રી પ્રવીણ પ્રાણલાલ પટવા, કલકત્તા (મુંદ્રા)

પ્રસ્તાવના : હું નિયમિત ‘કચ્છ ગુર્જરી’વાંચું છું. મને વાંચન, લેખન, પ્રવાસનો શોખ છે. મને ધાર્મિક પ્રવૃત્તિમાં પણ ઘણો રસ છે. મેં ધાર્મિક પરીક્ષા ૧૭ શ્રેણી સુધી આપી છે. આમ મારા શોખની પૂરતી માટે ‘શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સાહિત્ય સ્પર્ધા’આટલું વાંચતા મને એક વિષય લઈને ચગડોળે ચડ્યું અને મને પણ એમ થયું કે હું પણ ભાગ લઉં.. આમાં તમારા બધાનો ખૂબ ખૂબ આભાર છે. અમારા જેવાને પણ એક તક આપો છો..

આ વખતે પહેલીજ વાર હું ભાગ લઈ રહી છું. ક્યાંક મારા વિચારોમાં ખામી રહી ગઈ હોય તો ક્ષમા માંગું છું. સરસ વિષયો આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.

મારો વિષય છે - સ્વચ્છતા અભિયાનમાં મારું યોગદાન..

સ્વ+અચ્છતા = સ્વચ્છતા. સ્વ એટલે હું પોતે અને અચ્છતા એટલે સારું, સુંદર દેખાવું. એટલે સ્વચ્છ સુંદર બનવા છે. બનાવવા માટે પહેલાં તો ખુદ મારે જ સાફસુથરા રહેવું પડશે. એટલે આપણે સ્વચ્છતાના આગ્રહી ત્યારે થઈશું કે જ્યારે ઘર, પરિવારને સ્વચ્છ - સ્વસ્થ બનાવવા માટે જ સ્વચ્છ બનવું જરૂરી બનશે.

સ્વચ્છ રહેવું એ એક આપણી પ્રકૃતિસ્વભાવનો ભાગ છે. સ્વચ્છતા એ આપણી પ્રગતિની શરૂઆત છે. તંદુરસ્ત અને સુખી જીવન જીવવા માટે સ્વચ્છ રહેવું ખૂબ જરૂરી છે.

સ્વચ્છ ભારત અભિયાનનું સપનું પૂ. ગાંધીજીએ સેવ્યું અને પછી એના સપનાને આકાર આપ્યો, આગળ વધાર્યું શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ. આ અભિયાન પૂરું કરવા, સાથ આપવા મારું પણ કર્તવ્ય છે દેશ કાજે!

સ્વચ્છતાની શરૂઆત હું મારા ઘરથી કરીશ. ૩૬૫ દિવસોમાં ૩૦૦ દિવસ નાનામો ટા જીવોની ઉત્પત્તિ થતી જ હોય છે. આ કુદરતી જ છે અને એટલે જ મારો કે મોટા ભાગની સ્ત્રીઓનો સમય રસોડામાં જ વીતતો હોય છે અને એટલે રસોડામાં રહેલી દરેક સામગ્રી, સ્ટોર કરવાના સ્ટોરેજ, સાફ-સ્વચ્છ રાખીશ જેથી તેમાં જીવોની ઉત્પત્તિ ન થાય. ઘરના ફર્નિચરને પણ સ્વચ્છ રાખીશ.

હવે વાત કરું જાહેર જીવનમાં પણ ઘરની જેમ જ શેરી, મહોલ્લો, ગલીને પણ એ જ રીતે સ્વચ્છ રાખવા પ્રયત્ન કરીશ. ગંદકી ફેલાવે છે તેવા લોકોની વચ્ચે જઈને ગંદકીથી થતા ગેરફાયદા, બિમારી અને સ્વચ્છતાથી થતા ફાયદા જણાવીશ. લોકોની જે આદતો પડી છે કે જ્યાં ને ત્યાં થૂંકવું, જે તે કચરો રસ્તા પર ફેંકવો એ બધાને અટકાવવા મહોલ્લાની સ્ત્રીઓનું એક ગ્રુપ બનાવી, અઠવાડિયામાં એકવાર રસ્તા પર એ માટે અભિયાન ચલાવવાની પ્રબળ ઈચ્છા છે. લાયન્સ ક્લબ કે રોટરી ક્લબ જેવી સેવાભાવી સંસ્થા સાથે જોડાઈને તેમના સાથથી લોકોમાં સ્વચ્છતા વિશે ઓર જાગૃતિ આપવાના પ્રયાસ કરીશ.

ઘરમાંથી નીકળતા કચરાને બે ભાગમાં અલગ અલગ કરીશ. બે કચરાપેટી રાખીશ. જનરલી બધો કચરો એક સાથે જ ફેંકાતો હોય છે. તો હું એ કચરાપેટીમાં એવો કચરો ફેંકીશ જે બિલકુલ નકામો હોય અને બીજામાં એવો કચરો ભેગો કરીશ કે તે ફરીથી ઉપયોગમાં લઈ શકાય. એ કચરામાંથી ખાતર બનાવી શકાય અને એ શુદ્ધ અને પ્યોર ખાતર. શાક-પાનનાં ઝાડમાં નાખવાથી રસાયણમુક્ત ખાતર ઘરે ઘરે બનાવીને એક પૌષ્ટિક શુદ્ધ આહાર કરી શકવાની મજા કંઈ ઓર હોય છે.

આમ આપણા બાળકોને પણ ફેંકી દીધેલ વસ્તુમાંથી પણ બેસ્ટ બનાવવાની કળા શીખવી શકીશ.

નાના નાના ગામથી શહેર બને છે અને શહેરથી એક સ્વચ્છ અને સ્વસ્થ કાલનો નાગરિક.

બાળકોની શાળાનાં વર્ગોમાં જેમ ઈતિહાસ, ભૂગોળ, ગણિતના વિષયોનું જ્ઞાન આપવું જરૂરી છે તેમ સ્વચ્છ બાળક, સ્વસ્થ બાળક કાલનું ભવિષ્ય, તેવો પણ એક વિષય હોવો જોઈએ. સ્વચ્છતાના પાઠ પણ વિષયો સાથે વણાઈ જવા જોઈએ.

ટુંકમાં હું મારાથી, ઘરથી, બાળકો અને પરિવારથી કરેલ સ્વચ્છતાની શરૂઆત ‘સ્વચ્છતાની ઓર એક કદમ’ એમાં જરૂર મારું યોગદાન હશે જ. અને તેની ખુશી બેવડી જ થશે.

નયી સોચ, નયા ભારત, સ્વચ્છ ભારત !

 

 

 

(કચ્છ ગુર્જરી માર્ચ ૨૦૨૦ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)

 

(શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સાહિત્ય સ્પર્ધા-૨૦૧૮)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates