સુખનું સરનામું

સુખનું સરનામું - નિરંજના જિતેન્દ્ર શાહ

‘મારે હવે રીટાયર થવું જોઈએ. આમ તો તારી સલાહ માનવા જેવી છે. મારી પાસે વેલસેટ બિઝનેસ છે. પોશ એરિયામાં ફ્લેટ છે. મારું ફેમિલી સોનાના હિંડોળે ઝૂલે એટલી સમૃદ્ધિ છે. છતાંય કંઈક ખૂટે છે. પેલો.. અમલો, ગઈ કાલ સુધી મારા આપેલા પેન્ટ-શર્ટ પહેરતો હતો. આજે તેની કાપડની ચાર દુકાન છે. દુકાન - મકાન- રીસોર્ટ પર બંગલા.. ગઈકાલનો અમલો. અમીરચંદ શેઠ બની ગયો છે. હું એના જેટલું મેળવી લઉં, ભેગું કરી લઉં પછી જ બેસી શકીશ.’ સુમન તેના કલ્યાણ મિત્રને કહી રહ્યો હતો.

***

‘હું બેંકમાં જોબ કરતો હતો. પછી અઠ્ઠાવન વર્ષે વીઆરએસ લીધું. ભવિષ્ય માટેનું પરફેક્ટ પ્લાનિંગ કર્યું છે. બે દીકરીઓને પરણાવી. પોતપોતાનાં ઘેર સુખી છે. હવે તો બસ લીલા લહેર, હરવું-ફરવું ને મજા કરવી. અમે બંને ધાર્મિક ને સામાજિક પ્રવૃત્તિઓમાં ઈનવોલ છીએ. પરિવારની જવાબદારી પાછળ મારા જે શોખ ધરબાઈ ગયા હતા, તે હવે પૂરા કરી રહ્યો છું. કી-બોર્ડ (કેસિયો) પર હાથ બેસી ગયો છે. શાલિની યોગાનાં ક્લાસ ચલાવે છે. લગ્ન બાદ તેના મૂરઝાઈ ગયેલા ગ્લાસ પેઈન્ટીંગના શોખને હવે ખીલવી રહી છે. કોઈ તગડું બેંક-બેલેન્સ નથી. પહેલાં વર્ષો પસાર થતાં હતાં. હવે વર્ષોમાં જિંદગી ઉમેરાઈ રહી છે.’ સમીર પોતાના દિલનાં દર્પણમાં ઝીલાયેલાં જિંદગીના પ્રતિબિંબનું અવલોકન કરી રહ્યો છે.

‘મને મળેલા નવકારમંત્રનાં પદ નવ છે. તને જે નવકાર મંત્ર મળ્યો છે તેના પદ પણ નવ છે. સમ્યક દેવ-ગુરુ ને ધર્મ જે મારી પાસે છે તે તારી પાસે છે. આપણે બંને સમ્યક દર્શન - જ્ઞાન ને ચારિત્રનાં સરખા આરાધક છીએ. હિતાંશી- તું કહે છે કે, માધવી, તું નસીબદાર છે. મારાં ગાડી-બંગલો આ સમૃદ્ધિ તો ભૌતિક છે, ‘પર’ છે. પુદ્‌ગલ છે. એને હું મારા માની લઉં એટલી મૂર્ખ નથી. તો હવે તું જ મને કહે, તું મારાથી ક્યાં ઉતરતી છે? પાછળ રહી ગઈ છે? આપણા બંનેની આત્મસમૃદ્ધિ સમાન છે’ માધવી તેની મિત્ર હિતાંશીને સમજાવી રહી હતી.

**

જે લોકો બીજાનાં સુખ પર નજર રાખે છે એને પોતાનું સુખ દેખાતું નથી. સુખને આપણે સંપત્તિ અને સાધનોથી માપવા લાગ્યા છીએ. બેંક બેલેન્સ સુખની ગેરંટી આપતું નથી. સુખનો વીમો ઉતરતો નથી. સુખી તો માણસે પોતે જ થવું પડે છે. સુખી થતાં પણ શીખવું પડે છે. સુખ કેમ મળે, શાંતિ કેવી રીતે ફીલ થાય? પ્રેમને કેમ પામી શકાય?

મૈત્રી- પ્રમાદ- કારુણ્યને મધ્યસ્થ ભાવના.. આવું તો ઘણું બધું જિંદગીના મેન્યુઅલમાં હોય છે. એને સમજવું પડે ને જીવવું પડે. દરેકની જિંદગી યુનિક હોય છે. આપણે આપણા સુખની રીત શોધવી પડે. એ સુખ સાત્ત્વિક હોવું જોઈએ.

 

 

 

(કચ્છ ગુર્જરી જાન્યુઆરી ૨૦૨૦ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates