સુખ એટલે

સુખ એટલે - સુષ્મા શેઠ, વડોદરા

સુખ એટલે એક નીજી અનુભવ. એ ક્યાંય વેચાતું ન મળે. સમયના ખંડમાં જીવાતી એવી ક્ષણો જેમાં વારંવાર  જવું ગમે. એ નાના મોટા, ગરીબ અમીર કે ધર્મ, જાતિ પર આધારિત નથી.

ક્યારેક અંદરથી બોલી દેવાય, ‘મજ્જા આવી ગઈ’ બસ, એ જીવાતી નાની નાની ક્ષણો જ મોટું સુખ છે. સુખ અને આનંદ એકબીજાના પાક્કા દોસ્ત છે. સદા સાથે જ હોય. વધુ પૈસા, કપડાં, દાગીના કે સમાજમાં માન મરતબો કે પ્રસિદ્ધિ એ સુખ નથી. એ માત્ર સગવડો છે. બીજાને બતાવાતો દેખાડો કે આડંબર છે. જો તે રીતે સુખ ખરીદાતું હોત તો પ્રસિદ્ધિની ટોચે બેઠેલા લોકો, એક્ટરો, ઉદ્યોગપતિઓ કે શ્રીમંતો આત્મહત્યા ન કરત.

જે ભીતરથી આનંદ આપે છે તે સુખ છે.

બાળકની કાલીઘેલી બોલીમાં સુખ હોઈ શકે અથવા ધ્યાન ધરી બેઠેલા નિ:શબ્દ યોગીની સાધનામાં પણ સુખ હોઈ શકે. મોક્ષસુખ આપણે જોયું નથી પરંતુ કોઈને પ્રભુભક્તિની લીનતામાં સુખ સાંપડે તો કોઈને સુફી બંદગીમાં. 

સુખનો અનુભવ દરેકનો પોતાનો અને દરેકનો ભિન્ન હોય છે. સમીસાંજે હીંચકે બેસી ગીત ગણગણવાનું સુખ એક વ્યક્તિને આનંદ આપનારું તો બીજાને માટે તે કંટાળાજનક હોઈ શકે.  સુખ આપી કે ખરીદી નથી શકાતું, તે પામવું પડે છે, પોતાની જાતે.

ફાટેલા કપડાંમાં ફરતો લઘરવઘર ગરીબ બાળક બે ટંક ભરપેટ જમીને સુખ પામે છે અને બત્રીસ જાતના પકવાન હોય તોય ન જમી શકતો માણસ દુ:ખી હોઈ શકે. 

કહેવત છે ને “પહેલું સુખ તે જાતે નર્યા” એ અમુક અંશે યથાર્થ છે કારણ કે શરીરને લીધે જીવન છે અને જીવન છે તો સુખ છે. માટે નીરોગી શરીર અગત્યનું છે. શરીરમાં વસતો રોગ દુ:ખદાયક પીડાનું કારણ બની જાય છે. 

જોકે સુખનું સગપણ મન સાથે હોવાથી એવા કેટલાય દાખલા છે કે વ્યક્તિ અપંગ કે શારીરિકપણે વિકલાંગ હોવા છતાંય સુખ અને આનંદ અનુભવે છે. 

ઈશ્વર, ગોડ કે અલ્લાહ બધાને બધેબધું નથી આપી દેતો. જીવનમાં શારીરિક, માનસિક, સામાજિક કે આર્થિક તકલીફો તો આવવાની જ. દુ:ખી થવાને બદલે તેનો ઉપાય શોધી તકલીફોમાંથી માર્ગ શોધી આગળ વધવું તે જ જીવન છે. 

સુખની શોધમાં બહાર ભટકતો માણસ કસ્તૂરી માટે દોડનાર મૃગ જેવો મુરખ છે કારણ કે સુખ તેની નાભિમાં પડ્યું છે તેની તેને ખબર નથી.

મારા મતે,

મિત્રો સાથે મોકળા મને હસવું તે સુખ છે.

એકલા એકલા બેસૂરા રાગે ગમતું ગીત ગણગણવું તે સુખ છે.

પતિએ પ્રેમથી લાવેલ ગજરો અંબાેડીમાં ખોસી હરખાવું તે સુખ છે.

વડીલોની સેવા કરી તેમના આશીર્વાદ પામવા તેય સુખ છે.

આંધળાનો હાથ ઝાલવો કે બીમારને દવા પહોંચાડવી તે સુખ છે.

પૌત્ર, પૌત્રી સાથે પકડદાવ રમવું તે સુખ છે અને દરિયા કિનારે રેતીનો મહેલ બાંધવો તેય સુખ છે.

સુખ એટલે પ્રસૂતિની પીડા સહન કરી જન્મેલા બાળકનું મોઢું નીરખવું.

સુખ એટલે વરસતા વરસાદમાં મસાલાવાળી મસ્ત ચ્હા સાથે ગરમાગરમ ભજિયાનું હોવું.

સુખ એટલે વર્ષો બાદ મળતા લંગોટિયા મિત્રો સાથેનું રીયુનિયન.

આનંદની કિકિયારીઓ પાડીને જોવાતી ગમતી રમત એટલે સુખ.

જીવનસાથીનો હાથ પકડી બગીચાને બાંકડે કશુંય બોલ્યા વગર સુંદર પુષ્પો સાથે રમતા પતંગિયાને નીરખતા બેસી રહેવું તે સુખ.

ગાડીના ચડાવેલા કાચ બહાર વાગતા ટકોરા સાંભળી, કાચ ઊતારી એ ગંદા ગોબરા નાનકડા હાથોમાં એક આઇસક્રીમનો કપ પકડાવવો તે સુખ.

આવા નાના નાના પગથિયા ચડતા જઈ દુ:ખને, હતાશાને, નિરાશાને દૂર હડસેલી તેને ડીંગો બતાવવો એ જ સુખના ખજાનાની ચાવી છે.

મોટા મોટા માની બેઠેલા સુખ જેમકે ગાડી, બંગલા, ફોરીન ટુર વગેરે જે સુખ નહીં આપે તે સુખ અને આનંદ આવી નાનકડી ટચુકડી વસ્તુઓ આપશે. બાકી, સમાજ કે દેશ-દુનિયાને દેખાડાતા મોભા અને પ્રેસ્ટીજ તો ભલભલાના રહ્યા નથી. આડંબર ક્યારેય સુખ નથી આપતું. આપણો એક નાનકડો પાડોશી દેશ ભુતાન, તેની પ્રગતિ લોકોના ‘હેપ્પીનેસ ઈન્ડેક્સ’ વડે માપે છે નહીં કે ‘પર કેપીટા ઇન્કમ’ વડે! 

મારી સુખની વ્યાખ્યા આવી છે. તમારી જુદી હોય તો બતાવજો.

સુખ એટલે ગમતાંનો કરાતો ગુલાલ.

એક સ્વાનુભવ. અવર્ણનીય આનંદ.

સુખનું સરનામું ચોતરફ વેરાયેલું છે બસ ત્યાં સુધી પહોંચતા આવડવું જોઈએ.

સુખ ધનમાં નહીં, મનમાં છે. પૈસામાં નહીં, peace માં છે.

કોરોનાના કપરા કાળમાં ઘરે બેઠા પણ તે પામી શકાય છે.

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates