સોશ્યલ મિડિયા - એક દૂષણ?

સોશ્યલ મિડિયા - એક દૂષણ? - બિનિતા લલિત ત્રંબકલાલ શાહ, કાંદિવલી (માંડવી)

પ્રસ્તાવના : સોશ્યલ મિડિયા એ આજના સમયની અનિવાર્યતા જ છે. દરેક સિક્કાની બે બાજુની જેમ દરેક વસ્તુના ફાયદા અને ગેરફાયદા એમ બંને વસ્તુ હોય છે. શાણા, સમજુ અને સંસ્કારી લોકો તેનો ઉપયોગ સન્માર્ગે કરી તેને ભૂષણ બનાવે જ્યારે દુષ્ટ અને દુજર્નો તેનો ઉપયોગ વિપરીત રીતે કરી તેને એક દુષણ બનાવે છે. જો દરેક વ્યક્તિ તેનો ઉપયોગ માનવહિતના કલ્યાણ માટે જ કરે તો માનવ જગતને ખૂબ જ લાભ થાય. અન્યથા અન્ય ઉપયોગ દ્વારા ધર્મ અને સંસ્કૃતિને ખૂબ જ નુકસાન પહોંચે છે.

***

આજની આ એકવીસમી સદી એટલે માનવીએ કરેલી અવનવી શોધની સદી. આ યુગમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીની મદદથી માનવીએ ઘણી શોધ કરી. એમાંની એક એટલે ઈન્ટરનેટ. આ શોધને કારણે ઘણા આર્થિક, સામાજિક અને રાજકીય પરિવર્તનો આવ્યાં. આ સોશ્યલ મિડિયાની નેટવર્કિંગ સાઈટ્‌સ જેમકે, ફેસબુક, ટવીટર, ઓરકુટ, યુટ્યુબ, માય સ્પેસ વગેરે એ તો દુનિયાનો નકશો જ બદલી નાખ્યો છે.

આ સાઈટ્‌સ પર ગેમ રમી શકાય. ફોટા- કાર્ડ વગેરે અપલોડ કરી શકાય. વિડિયો અને પીકચરો જોઈ શકાય. સરખે સરખી ઉંમરના મિત્રો સાથે પોતાનું ગ્રુપ બનાવી વિચારોની આપ-લે કરી શકાય. વળી, આ સાઈટ્‌સની કમાલ તો જુએ ફક્ત એક ક્લીક દ્વારા આપણા મિત્રો અને સ્વજનોની સાથે વાત કરી શકાય. પછી ભલે ને તે દુનિયાના કોઈપણ ખૂણામાં રહેતા હોય. જાણે એવું લાગે કે સમગ્ર વિશ્વ આપણા ટચુકડા બેડરૂમમાં ન સમાયું હોય!

આર્થિક રીતે જોવા જઈએ તો આ સાઈટ્‌સને કારણે ઓન લાઈન બિઝનેસમાં ખૂબ વધારો થયો છે. સોયથી માંડીને તમામ વસ્તુઓનો વ્યાપાર, આ સાઈટ્‌સ પર થાય છે. જે આપણા સમય અને શક્તિ બચાવે છે. વળી, સામાજિક રીતે પણ આ સાઈટ્‌સ ખૂબ આશીર્વાદરૂપ છે. જેમકે, કોઈ રાજકીય કૌભાંડ ઉઘાડું પાડવું હોય, આપણા માનનીય નરેન્દ્ર મોદીની સ્વચ્છ ભારત અભિયાનની ઝુંબેશ ચલાવી હોય, સમાજના કોઈ મેસેજ પાસ કરવા હોય અને યુવા વર્ગમાં જાગૃતિ લાવવા માટે આ સાઈટ્‌સ એક સચોટ હથિયાર પુરવાર થાય છે. આનું ઉદાહરણ એટલે ઉત્તરાખંડમાં આવેલ પૂર, નેપાલમાં આવેલ ભૂકંપ કે મુંબઈનો વરસાદ. આ સાઈટ્‌સના માધ્યમથી જ આપણને સતત અપડેટ મળતા રહે છે. અને તે દ્વારા આપણે ઓનલાઈન મદદ અને રાહત પહોંચાડી અન્યના દુઃખ દૂર કરવામાં સહભાગી બની શકીએ છીએ.

તે ફોન અને મોબાઈલ કરતાં સસ્તું છે. તો વળી કાગળ કરતાં ઝડપી છે. ફક્ત ફેસબુકના જ ૬૧૮ મિલિયન ડેઈલી યુઝર્સ છે. તો ૧.૬ અબજ યુઝર્સ આ સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્‌સના છે. આ આંકડા બતાવે છે કે આ સાઈટ્સનો પ્રભાવ કેટલો છે.

પરંતુ થોભો ! વિચારો, અતિ સર્વત્ર વર્જ્યતે એ પંક્તિને ન્યાય આપીએ તો ભલે આ સાઈટ્‌સના ફાયદા અનેક છે પરંતુ તેના ભયસ્થાનોને નજર અંદાજ ન કરી શકાય. સતત આ સાઈટ્‌સ પર ચીટકી રહેવાને કારણે કમર, પીઠ, ગરદન, હાથના આંગળા, ખભાના દુઃખાવા જેવી તકલીફો આજે યુવાવર્ગમાં વધતી જાય છે. બધું જ ઓનલાઈન કરવાની લાયમાં આપણે આપણી જાતથી ઓફલાઈન થઈ જઈએ છીએ. સતત ટાઈપીંગની આદતને કારણે બોલવાની, લખવાની અને વાંચવાની શક્તિઓ કુંઠિત થતી જાય છે.

અહીં મને યાદ આવે છે નોકિયાની ટેગલાઈન.

‘કનેક્ટીંગ પીપલ’આ લોકો સાથે કનેક્ટ થવામાં પરિવારથી ડિસકનેક્ટ થઈ જવાય છે. કેન્દ્ર વગરના વર્તુળની જેમ મિત્રવર્તુળ વધતું જ જાય છે. જે ખરે સમયે કામ આવશે કે કેમ? એ પણ એક સવાલ છે. સાઈબર ક્રાઈમ ખૂબ વધી ગયા છે. પરિણામે સરકારે સાઈબર સેલની રચના કરવી પડી છે. વળી ન ગમતી વાત પર પણ wow, Amazing, Awesome જેવી કમેન્ટ્‌સ કરી જુઠું બોલતાં શીખવાડી દીધું છે. આ બધાં દુષણો આ સાઈટ્‌સના જ છે.

એટલા માટે એમ કહી શકાય કે ક્યાં વાપરવું, કેટલું વાપરવું, કેવી રીતે વાપરવું એની લગામ જો આપણા હાથમાં હોય તો આ સાઈટ્‌સ ભૂષણ સમાન જ છે. નહિંતર દૂષણ બનતાં વાર નહિ લાગે. નક્કી આપણે કરવાનું રહ્યું એટલા માટે હું માનું છું કે,..

સોશ્યલ મિડિયાના ફાયદા છે અનેક, વાપરવામાં રાખજો વિવેક.

સમય, શક્તિ અને સંપત્તિ બચાવે, સદ્‌ઉપયોગની જો રાખો ટેક.

જીવન, શરીર અને સ્વાસ્થ્ય બગાડે, જો વાપરવામાં થાશે અતિરેક.

ગુલામ બની ગયા જો એના, પરિવારથી દૂર કરનાર પણ એ જ.

 

 

 

(કચ્છ ગુર્જરીના ફેબ્રુઆરી ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

 

(શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સાહિત્ય સ્પર્ધા-૨૦૧૫)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates