સ્નેહબંધન

સ્નેહબંધન - નિરંજના જિતેન્દ્ર શાહ

આ અમારાં પંચુબેનને જમવાનું હોય કે નાસ્તો - બધું જ ચટાકેદાર- સ્વાદિષ્ટ જોઈએ. જરા ફરક હોય તો પ્લેટ કે થાળી જે હાથમાં હોય તે ફેંકી દે. એમને કોથમીરની ચટણી બહુ જ ભાવે. હું વ્યવહાર કે મંડળમાં જાઉં તો તેમને ન ગમે. સવારથી જ રીસાઈ જાય. ત્યારે પંચુબેનને મનાવવા હું તેઓને ભાવતી વાનગી બનાવી આપું. ત્યારે માંડ ખુશ થાય. ઘર સાચવીને બેઠા હોય, કોઈ આવે તો કહે પછી આવજો. પંચુબેન આમ તો બહુ હોશિયાર છે. પ્રેમાળ પણ એવા જ. હું દિવસનાં અમસ્તી જ સૂઈ ગઈ હોઉં, તો એમને ટેન્શન આવે. ‘ભાભી માંદા થઈ ગયા છે.’ ને મારી પાસે આવીને બેસી જાય.

એક મા પોતાના સંતાનની વાત કરે તે રીતે ભાભી અલકા- પોતાના માનસિક રીતે મંદ નણંદ પંચુબેનની વાત કરતા હોય. અલકાની વાતોમાં પંચુની ફરિયાદનો સૂર ન હોય. ભાભી અલકા- નણંદ પંચુબેનને પોતાની બે દીકરીઓથીય વિશેષ સાચવે છે. દેરાસર- ઉપાશ્રય લઈ જાય. ફરવા પણ લઈ જાય. ક્યારેય તુંકારે ન બોલાવે. પંચુબેન જ કહે. અલકા ઉપધાન કે ઓળી જેવા અનુષ્ઠાનની આરાધના કરવા અન્ય સ્થાને જાય ત્યારે અલકાનાં જેઠાણી પંચુબેનને સાચવે. બંને ભાભીઓ સાથે મળીને માનસિક રીતે મંદ પંચુબેનની સારી માવજત કરે છે. બહેન ભાઈને રાખડી બાંધે તે રક્ષાબંધન- તહેવાર કરતાં વ્યવહાર તરીકે વધારે ઉજવાય છે. કોઈપણ સ્વાર્થ વગર નણંદને સાચવતી ભાભીઓનો સ્નેહબંધન પ્રશંસનીય છે.

***

‘પપ્પાજી, તમે જરાય ચિંતા ન કરતા. હું કામિનીબેનનાં લગ્ન ખૂબ જ સારી રીતે કરીશ. મારી દીકરી કરતાં વધારે કરિયાવર કરીશ. તેમને ઓછું નહીં આવવા દઉં.’ સ્વાતિએ સસરાને છેલ્લા શ્વાસ વખતે આપેલું વચન બરાબર નિભાવ્યું. કામિનીને મા-બાપની ખોટ સાલવા નથી દીધી. વર્ષો બાદ પણ નણંદ ભાભીનાં સંબંધોમાં સ્નેહનો સેતુ છે.

***

‘ભાભી-નિરજની પરીક્ષા નજદીક આવી રહી છે. તમારો પાર્ટ ટાઈમ જોબ, ઘરની જવાબદારી.. હું મમ્મી-પપ્પાને થોડા દિવસ મારા ઘેર લઈ જાઉં છું. તમે નિરજને અભ્યાસ કરાવવા માટે થોડા રિલેક્ષ રહેશો. નણંદ નીલિમા ભાભી કાલિંદીને કહી રહી હતી. નીલિમા ને કાલિંદી નણંદ-ભોજાઈથી વધારે એકબીજાનાં સારા મિત્ર છે. એકમેકનાં વડીલોને સંભાળી લે છે. તેઓને સાથે યાત્રાએ કે ફરવા લઈ જાય છે. પોતાના બાળકોને અલગ અલગ ક્લાસીસમાં મૂકવા લેવા જવાનું સરળ બની ગયું છે.

નણંદ ભોજાઈનાં આત્મિય સંબંધોથી જ આ બધું શક્ય બને છે. આવા પ્રેરણાદાયક પાત્રો આપણી આસપાસ જ છે. તેઓ સંસ્કાર સંપન્ન સમાજનાં શિલ્પી છે.

 

 

 

(કચ્છ ગુર્જરી ઓગસ્ટ ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates