સિદ્ધવડ ૯૯ (ભાગ ૨)

સિદ્ધવડ ૯૯ (ભાગ ૨) - મુનિશ્રી મહાહંસ વિજયજી મ.સા.

(ધારાવાહિક નવલકથા)

(ગતાંકથી ચાલુ - ભાગ ૨)

 

મજાક મસ્તી-મહેફીલમાં માનતું માંડવી-કચ્છના છોકરાઓનું ગ્રુપ એક અઠવાડિયા પછી પુનઃ એક જગ્યાએ ભેગા થાય છે.

એક મિત્ર બોલ્યો, ‘વર્ષીપ, તું અને પારસ ૯૯ યાત્રા કરવા માટે પાલિતાણા જવાના છો. સરસ ચાન્સ તમને મળ્યો છે. સારું કામ છે. હવે તો ત્યાં જવાને એક વીકની જ વાર છે. પણ બે મહિના તમને અહીં અમે બધા યાદ કરીશું. જો તમે ટકી જશો અને ધોયેલા મૂળાની જેમ પાછા નહીં આવો તો, શાતા પૂછવા અને તમારી સાથે એક યાત્રા કરવા અમે બધા આવીશું. ઇીિં ૂય ળશતત બજ્ઞવિં જ્ઞર ુજ્ઞી.’ પારસ બોલ્યો, ‘એટલું બધું અમને મીસ કરશો એના કરતાં ૯૯માં જોડાઈ જાવને. હજી પણ ચાન્સ છે. સાથે જ ૯૯ કરશું. મજા આવશે.’

‘આ યાત્રા ૯૯ યાત્રા કેમ હોય છે?’ લાંતિક બોલ્યો.

વર્ષીપે જવાબમાં જણાવ્યું, ‘પ્રભુશ્રી ઋષભદેવ ભગવાન ૯૯ પૂર્વ વખત શત્રુંજય પર્વત પર ગયેલા અને ત્યાં શાશ્વતા શ્રી રાયણ વૃક્ષની નીચે કાયમ ભગવાનનું સમવસરણ રચાતું અને પ્રભુ ત્યાં દેશના ફરમાવતા એટલે કે ઉપદેશ વચનો ફરમાવતા.’

‘તમને બધાને એ ખબર નહીં હોય ૯૯ પૂર્વ એટલે શું?’ પારસે પ્રશ્ન પૂછ્‌યો. ‘પણ તમને જાણીને આશ્ચર્ય થશે.’ કહી પારસે જ જવાબ આપ્યો કે, ‘એક પૂર્વ એટલે ૭૦,૫૬૦ અબજ વર્ષ. આવા ૯૯ પૂર્વ વખત પ્રભુ શત્રુંજય તીર્થાધિરાજ પર પધારેલા. બીજી રીતે કહેવું હોય તો એમ કહી શકાય કે ૮૪ લાખ વર્ષને ૮૪ લાખ વર્ષે ગુણતા જે સંખ્યા આવે તેને એક પૂર્વ કહેવાય. ૮૪,૦૦,૦૦૦૮૪,૦૦,૦૦૦ = ૭,૦૫,૬૦,૦૦,૦૦,૦૦૦ આટલી સંખ્યા એક પૂર્વમાં થાય. સંખ્યાની દૃષ્ટિએ આ એક પૂર્વનું પ્રમાણ થયું.’

‘આવા ૯૯ પૂર્વ વાર સ્પર્શના કરવા માટે પ્રભુ શ્રી આદિનાથ શ્રી શત્રુંજય ગિરિ પર પધાર્યા છે. તે પૂર્વની સંખ્યાને ૯૯ વાર ગુણતા નીચે પ્રમાણેની સંખ્યા આવે.’

૭૦૫૬૦૦૦૦૦૦૦૦૦૦૯૯= ૬૯૮૫૪૪૦૦૦૦૦૦૦૦૦૦ અને આ સંખ્યાને બોલવી હોય તો આ રીતે બોલાય.’ એમ કહીને પોતાના ખિસ્સામાં રાખેલી એક ડાયરી કાઢી પારસ બોલ્યો. ‘ઓગણોસિત્તેર કોડાકોડી પંચાશી લાખ ક્રોડ અને ચુમાલીસ હજાર ક્રોડ આટલી સંખ્યાને પૂર્વ નવ્વાણું કહેવાય.’

લાંતિક બોલ્યો, ‘પકડો, પકડો. મને ચક્કર આવે છે.’

બધા જ ગભરાઈને ! ‘અચાનક શું થયું લાંતિક?’

એકદમ હસીને લાંતિક બોલ્યો, ‘મજાક કરું છું યારો. આ મિસ્ટર પારસના આંકડા, હિસાબો અને લાખો કરોડોની ભાષા સાંભળીને ચક્કર ન આવે તો શું થાય?’

‘એટલે તું આ ગપ્પા માર્યા છે એવું કહેવા માંગે છે?’ કહેતા પારસે પ્રશ્ન પૂછયો.

લાંતિકે જવાબ આપ્યો, ‘ડોન્ટ બી સીલી. મારો કહેવાનો આશય એવો નથી કે આ બધી ખોટી વાતો છે. પણ તેં કયા કોમ્પ્યુટરમાં આ બધી ગણતરી કરી? અમારા કે આ દુનિયાના કમ્પ્યુટર તો આટલી મોટી ગણતરી ગણવા જાય ત્યાં જ હેંગ થઈ જાય અને તું વળી આવા પરફેક્ટ આંકડાઓ બોલે છે માટે ચક્કર આવે છે કે પારસ માણસમાંથી વાયરસ બની મગજમાં એવા તો કેવા જવાબો આવ્યા કે ડાયરીમાં પણ નોંધ કરી લીધી?’

‘નાસ્તિક, તારા જેવા માટે કોમ્પ્યુટર કે ગુગલ ફઈબા પાસેથી જવાબ નથી મેળવ્યા પરંતુ આપણા પૂર્વાચાર્યોએ ગણતરી ગણી છે અને આટલી ગણતરી તો આજે થઈ જ શકે છે. આમાં મેં કાંઈ મોટી ઉપલબ્ધિ નથી મેળવી. આ તો પુસ્તક વાંચતા માહિતી મળેલી તે ડાયરીમાં નોંધ કરી લીધી. શાસ્ત્રોમાં આ બધી વાતો લખેલી જ છે.’

‘હું આ શાસ્ત્રોની બધી વાતો નથી માનતો.’ લાંતિક.

‘તારા માનવા ન માનવાથી કંઈ ફરક નથી પડતો.’ પારસ બોલ્યો.

‘બ્રહ્માંડમાં ૯૦૦ અબજ તારાઓ છે એ વાત સાયન્સ જણાવે છે તો માની લો છો. બ્લેક હોલ નામના કોઈ પદાર્થનું અસ્તિત્વ છે એ માની લો છો. સૂર્ય આપણી પૃથ્વીથી આટલા કિ.મી. દૂર છે એ માની લો છો. આ બધી વસ્તુઓ ક્યાં ચેક કરવા ગયા છો? સાયન્સની બધી જ વાત સાચી જ હોય, જો એવું આપણે માનતા હોઈએ તો ધર્મની અને શાસ્ત્રની આ વાત ન માનવી. આવું કેમ?’ જિનશે શાસ્ત્રો પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરતાં જણાવ્યું.

‘આ ઘેટી પણ શું છે? ત્યાંથી કેમ યાત્રા કરશો?’ જયવીરે પૂછયું.

વર્ષીપ ઉત્તર આપતાં બોલ્યો, ‘મને પણ આ પ્રશ્ન હતો પણ મારા દાદાજીએ જવાબ આપેલો કે શ્રી આદિશ્વર ભગવાન જે પૂર્વ નવ્વાણુ વાર ગિરિરાજ પર પધાર્યા હતા તે ઘેટીની પાગેથી પધાર્યા હતા. એટલે ઘેટી ગામ તરફથી જે પગથિયા ગિરિરાજ પર ચડવા માટે છે એ જગાએથી પ્રભુ પધારતા. અત્યારે તો આપણે પાલિતાણા ગામ જે બાજુ વસેલું છે એ તરફથી જય તળેટી તરફના રસ્તેથી દાદાની સ્પર્શના કરવા માટે જઈએ છીએ પરંતુ શ્રી આદિશ્વર ભગવાનની મૂળ સ્પર્શના તો ઘેટીપાગથી જ હતી એટલા માટે આયોજક પરિવારે આ યાત્રા આપણા પૂ.ગુરૂદેવના ઉપદેશને અનુસરી ઘેટીપાગ તરફથી રાખેલ છે અને ઘેટીપાગ તરફ અન્ય કોઈ સુવિધાઓ જેવી કે ધર્મશાળા, ભોજનશાળા વગેરે પણ ઉપલબ્ધ નથી. ત્યાં દહેરાસર છે અને ભાતું પણ આપવામાં આવે છે પરંતુ અન્ય સગવડ નહીં અને એ બાજુથી યાત્રા કરાવવી એટલે બધી સુવિધાઓ નવેસરથી ઉભી કરવાની. પાલિતાણામાં જો એક રૂપિયો ખર્ચ થાય તો અહીં ૫ રૂપિયા લાગી જાય. કેમ કે અહીં બધું જ નવું સેટઅપ કરવાનું આવે. જે અઘરું પણ પડે. માટે ઘેટીપાગથી ૯૯ યાત્રા ખૂબ ઓછી થાય છે.’

‘અચ્છા ! સરસ સમજાઈ ગયું.’ જયવીર બોલ્યો.

કેરીને મજાક કરતાં કહ્યું, ‘વર્ષીપ, ભાભી પણ ત્યાંથી જ લાવીશ ને?’

‘કેરીયા તું નહીં સુધરે.’ કહેતાં વર્ષીપે ધબ્બો માર્યો.

‘ઓ.કે. તો બધા ૧૩ ડિસેમ્બરના બસ સ્ટેન્ડ પર ભેગા થઈએ. તને વિદાય આપવા માટે.’ કહી બધા છૂટા પડ્યા.

૧૩મી ડિસેમ્બરે સવારે પ્રજ્ઞાબહેને વર્ષીપને પૂછયું ‘તારી બધી તૈયારી અને પેકીંગ થઈ ગયા છે?’

‘હા, મોમ.’

‘જે શોપીંગ કરવાનું હતું તે તો થઈ ગયું ને?’

‘હા.’

‘ટોવેલ બે લઈ જજે. ત્યાં જરૂર પડી જાય. કદાચ ખોવાઈ જાય તો..’ ‘અરે હા, યાર..’

‘બીજી ચશ્માની પેર લઈ જજે.’

‘પ્લીઝ મોમ, કટકટ નહીં કર. બધું તૈયાર કરી લીધું છે. ચશ્માની પણ બીજી પેર લઈ લીધી છે.’

‘પૂજાની પણ એક જોડી વધારાની લીધી છે ને?’

‘મમ્મી, મારો જીવ ન ખા. બધું લઈ લીધું છે અને હું કંઈ ભૂલી જઈશ તો ત્યાંથી પણ મળી જશે અથવા તો અહીં કોઈની સાથે આવતા જતા મંગાવી લઈશ. હું તો જાણે કે બે-ચાર વર્ષ માટે યુરોપ જતો હોઉં તું એવી રીતના મારી તૈયારીના પ્રશ્નો પૂછે છે.’

‘બેટા, તારી સગવડ સચવાય માટે આવું પૂછું છું.’

‘પણ હું હવે નાનો કીકલો નથી.’

‘તમારી ચિંતા તો થાય ને મા-બાપ છીએ.’

‘બીજું સાંભળ.’ ‘બોલ.’

‘તને મગ નથી ભાવતા તો ત્યાં બીજું એવું જે કંઈ હોય તે બરાબર ખાઈ લેજે. એકાસણું પેટ ભરીને કરજે. થોડી રાબ પી લેવાની અને દૂધ પીવાનું ભૂલતો નહીં.’

‘આ વળી પાછું ક્યાં તેં ફુડ પુરાણ ખોલ્યું?’

‘અરે, તમારા સારા માટે કહીએ છીએ.’

‘પ્લીઝ સ્ટોપ! મહેરબાની કરી તું કીચનમાં જા અને સાંભળ, સાંજનું જમવાનું હું બહાર જ પતાવી લેવાનો છું.’

‘અરે, તારા માટે સાંજે હું મેંદુવડા બનાવવાની છું.’

‘ના, હું બહાર જમવાનો છું, તો બનાવતી નહીં.’

‘પણ મેં તૈયારી કરી લીધી છે એ કોણ જમશે?’

‘તું!’ કહીને વર્ષીપ રૂમની બહાર નીકળી ગયો. થોડા નારાજગીના ભાવો સાથે પ્રજ્ઞાબહેન પણ રસોડામાં ગયા.

બહાર નીકળીને જયવીરને ફોન લગાડતા વર્ષીપે કહ્યું, ‘જયલા, આજે સાંજે ચીઝ સેન્ડવીચ પાક્કું ને!’ ‘ડન.’ સામેથી જવાબ આવ્યો. ‘ત્યાંથી જ સીધો બસસ્ટેન્ડ પર મૂકી જજે.’

‘સારું!’ અવાજ આવ્યો ને ફોન મુકાયો. બપોરે જમવામાં શીરો પીરસાયો.

‘અરે, મમ્મા મને શીરા-બીરા નથી ભાવતા.’

‘પણ થોડી તાકાત રહે એ માટે બનાવ્યો છે.’

મમ્મીએ જવાબ આપ્યો.

‘મારામાં ઘણી તાકાત છે. હું અશક્ત ને નબળો નથી. એ દાદાજી છે.’

‘પણ તું ૯૯ ચાલુ કરીશ ને ત્યારે ખબર પડશે!’

વર્ષીપે જણાવ્યું, ‘હું ત્યાં કંઈ પહેલા જ દિવસે ૯૯ પતાવી નથી દેવાનો. દાદા ઋષભજી હું નથી કે ત્રણ પગલામાં ઉપર. શાંતિથી જ કરવાનો છું.’

‘માનો જીવ હોય ને તો ખબર પડે તને!’

‘જો અત્યારે જમી લઉં છું પણ સાંજે બહાર જ જમીને જઈશ. તું મહેરબાની કરીને કાંઈ બોલતી નહીં.’

સાંજે મમ્મી-પપ્પાના આશીર્વાદ લઈને બહાર નીકળે ત્યાં જ જયવીર બાઈક લઈને આવી ગયો. બધો સામાન લઈને નીકળતાં જ મમ્મી-પપ્પાએ ધ્યાન રાખજે એમ જણાવ્યું અને વર્ષીપે પણ. ‘હા તમે પણ ધ્યાન રાખજો.’

‘સમાચાર આપતો રહેજે! બંટુનું પણ ધ્યાન રાખજે! ફોન કરતાં રહેજો!’

‘હં !’ બોલતાં જ બાઈક સ્ટાર્ટ થઈને આગળ નીકળી ગઈ.

ચીઝ સેન્ડવીચ ખાતાં-ખાતાં જ જયવીરે પૂછયું, ‘તું યાર આટલો બધો ખાવાપીવાનો શોખીન. ત્યાં એકાસણાં કઈ રીતે કરીશ? અને આવું બધું તો ત્યાં જમવામાં નહીં મળે. ઉકાળેલું પાણી પીવાનું, તને આ બધું ફાવશે?’

‘હા, ફાવી જ જાય ને! રોજ આપણે થોડા બહારનું ખાઈએ છીએ? અને પર્યુષણમાં નાનીમોટી તપશ્ચર્યામાં ઉકાળેલું પાણી વાપરીએ જ છીએ ને. આ તો સરસ કામ છે એટલે દેવ-ગુરુના આશીર્વાદથી થઈ જશે.’

‘ત્યાં મોબાઈલ વાપરવા નહીં મળે તો?’ જયવીરે પૂછયું.

‘કોણે કહ્યું?’

‘ના, આ તો અમસ્તા જ પૂછું છું.’

‘એ તો બધાનો ઓક્સીજન છે. યાત્રાના થાક પછી મોબાઈલ તો પગની બેટરી ચાજર્ કરશે. મોબાઈલ ભલે અલગ રીતે ચાર્જ થાય. પણ આપણું ચાર્જર જ મોબાઈલ છે. આયોજકો પણ આ વાત તો સમજતા જ હોય એટલે એકાદ બે કલાક તો વાપરવા મળી જ જાય. બાકી ટાઈમ પણ ક્યાં હશે!’

‘તારા ફોટા પોસ્ટ મોકલતો રહેજે.’

‘શું એમાં તારે કહેવું પડશે?’

બધા ફ્રેન્ડઝ બસ સ્ટેન્ડ પર ભેગા થયા. પારસ પણ આવી પહોંચ્યો. આવજો, બાય બધાના અવાજો ભેગા થયા.

‘શાતા પૂછવા આવજો.’ વર્ષીપ બોલ્યો.

‘તું ચાલુ તો કર! પાછો ન આવી જતો અધૂરી છોડીને. ખોટા રૂપિયાની જેમ!’ કેરીને મજાક કરી.

મજાક-મસ્તી વચ્ચે બસ સ્ટાર્ટ થઈ. બંનેએ પોતાનો સામાન ગોઠવી દીધો.

‘યહ પીકનીક યા પ્રવાસ નહીં હૈ, યહ દાદા કે પાસ પહુંચને કા પ્રયાસ હૈ’ પારસના આ શબ્દો બોલાયા કે તુરત જ બસ પણ રવાના થઈ.

‘ભુજથી તારા કઝીન જોડાવાના છે ને?’ પારસ બોલ્યો.

‘હા, બંટુ અને ધ્વનિ મારા કઝીન.’ વર્ષીપ બોલ્યો..

ભુજ આવતા જ બંટુ અને ધ્વનિ પણ બસમાં ગોઠવાઈ ગયા. રાત્રિની મુસાફરી હતી. સવારે સીધા પાલિતાણા. રાત્રે બસમાં વાતો કરતાં બંટુ બોલ્યો. ‘આ સિદ્ધવડ શું હશે?’

પારસે જણાવ્યું, ‘સિદ્ધવડ’ એ નામનું વડનું મોટું વૃક્ષ છે. દાદા આદિનાથ સ્વયં અહીં પધારેલા અને સિદ્ધવડની નીચેથી એ જગ્યાએથી પણ અનંતા આત્માઓ મોક્ષમાં ગયા છે. એ દૃષ્ટિએ સિદ્ધવડનું ખૂબ મહત્ત્વ છે.’

ધ્વનિ બોલી, ‘ફાગણ સુદ તેરસના પાલ જ્યાં આગળ બંધાય છે એ જ જગ્યાને?’ વર્ષીપે હા પાડી.

‘સિદ્ધવડની એક સ્ટોરી છે. સાંભળવી છે?’ વર્ષીપે પૂછયું.

‘હા..હા.. સંભળાવ.’ ધ્વનિ બોલી. ‘થોડો ટાઈમપાસ પણ થશે.’

સવાર-સવારનો સમય હતો. એક મા પોતાના નાના ત્રણ-ચાર વર્ષના દીકરાને લઈ મુંબઈના વાલકેશ્વર તીનબત્તી બાબુના દહેરાસરમાં ભગવાન આદિશ્વર દાદાના દર્શન માટે આવેલી હતી. માએ હાથ જોડી ભગવાનના દર્શન કર્યા.

દીકરાને કહ્યું, ‘જો બેટા, ભગવાનને હાથ જોડો. પગે લાગો.’

દીકરાએ હાથ તો જોડ્યા પણ સાથે બોલ્યો. ‘આ ભગવાન તો નાના છે, પાલિતાણાના આદિનાથ દાદા તો આનાથી ઘણા મોટા જ છે.’

દીકરો બોલ્યો. ‘ના, મા. આ ભગવાન નાના છે. પાલિતાણાના આદિનાથ ભગવાન બહુ મોટા છે અને મેં તારાથી પણ વધુ વાર આદિશ્વર દાદાના દર્શન કર્યા છે.’ મા તો ચોંકી ઉઠી. ઘરે આવીને જ એમણે તો બધાને વાત કરી. એના પતિને પણ વાત કરી.

ઘરમાં ચર્ચા ચાલતી હતી અને આ નાનો બાળક મને પાલિતાણા દર્શન કરવા લઈ જાવની જીદ કરતો હતો.

વાલકેશ્વરમાં રહેનાર આ પરિવાર દીકરાને લઈને પાલિતાણા પહોંચ્યા. આ બાળક તો દૂરથી જ પાલિતાણા અને પર્વતને જોઈને નાચવા લાગ્યો. પાલિતાણા ધર્મશાળામાં વહેલી સવારે ઉતર્યા અને આ બાળકે તો તરત જ યાત્રા કરવાની જીદ કરી. ઘોડાગાડીમાં બેસીને માતા-પિતા પ્રથમ તો તળેટી દર્શન કરવા લઈ જવા લાગ્યા. આ બાળક રસ્તામાં આવતી ધર્મશાળાઓના નામ બોલવા લાગ્યો. ઘોડાગાડીવાળાને ડાબી બાજુ વાળ. હવે સીધા લેવ. હવે જમણી બાજુ લો એમ કહી સાચો રસ્તો બતાવવા લગ્યો. બધા જ આશ્ચર્યમાં પડી ગયા છે કે આને આ બધી કઈ રીતે ખબર પડી?

યાત્રા કરવા જ્યારે જવાનું થયું ત્યારે આ પરિવારે આ બાળકને ઉંચકવા મજૂરબેનની વ્યવસ્થા કરી પણ આ તો આગળને આગળ ચાલતો જ જવા લાગ્યો. હસતો હસતો બાળક પગથિયાં ચડવા લાગ્યો. દાદાના દરબારે પહોંચીને જ તુરંત રડી પડ્યો. દાદાને જોતાં જ આનંદિત પણ થઈ ગયો અને ‘કયું ન ભયે હમ મોર વિમલગિરિ..’ સ્તવનો બોલવા લાગ્યો. આખો પરિવાર અને અન્ય યાત્રિકો પણ આ બાળકની ભક્તિથી ભાવિત બન્યા. માતાપિતાની સમજમાં બધું આવી ગયું એ પણ રડી પડ્યાં.

બીજા દિવસે સિદ્ધવડની યાત્રા કરવા આ પરિવાર નીકળ્યો. આ બાળક તો અત્યંત ખુશ હતા. જેવો સિદ્ધવડને જોયો કે એની આંખોમાં અલૌકિક તેજ ઉભરાયું. એની ખુશી જાણે આકાશને આંબી ગઈ. આંખોમાં પાણી આવી ગયા.

શું આ બાળકને કોઈ જ્ઞાન થયું હતું? શું પાલિતાણા - સિદ્ધવડ સાથે આને કોઈ સંબંધ હતો?

(ક્રમશઃ)

 

 

 

(કચ્છ ગુર્જરી માર્ચ ૨૦૨૧ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates