સિદ્ધવડ ૯૯

સિદ્ધવડ ૯૯ - મુનિશ્રી મહાહંસ વિજયજી મ.સા.

(ધારાવાહિક નવલકથા)

(મુનિશ્રી મહાહંસ વિજયજી મ.સા. (સંસારી નામ મલય વિરલકુમાર વાડીલાલ હંસરાજ શાહ (માંડવી) લિખિત ધારાવાહિક નવલકથા ‘સિદ્ધવડ ૯૯’ચાલુ કરવામાં આવી છે. નામ પ્રમાણે આ માત્ર ધાર્મિક કથા નથી પણ સરળ અને સુંદર શૈલીમાં દરેક વિષયની રસપ્રદ છણાવટ કરી, યુવાનોને સતાવતા પ્રશ્નોનો સુંદર રીતે સમજી શકાય એવી ભાષામાં જવાબો આપ્યા છે. યુવાનો - વડીલો બધાને જ વાંચવા લાયક આ ધારાવાહિક નવલકથા છે.)

 

‘બંટુ ! તો તું આવી રહ્યો છે ને? પાલિતાણામાં થનાર ૯૯માં ?’ વર્ષીપે માંડવીથી જ ફોનમાં પોતાના કઝીન સાથે વાત કરતાં પૂછયું. ભુજ કચ્છ રહેતા બંટુએ થોડીવાર વિચારી હા માં જવાબ આપ્યો. ‘ઓ.કે. ફાઈન તો તારું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી દઉં ને?’ ‘યા! મોમનો ખૂબ આગ્રહ છે કે તું એકવાર ૯૯ કરી આવ.’

‘બટ, એક પ્રશ્ન છે?’ ‘શું?’

‘ત્યાં નહીં ફાવે તો!’

‘અરે યાર ફાવી જશે! ન ફાવે તો પાછા આવતા કોણ રોકે છે?’

‘હા! મમ્મી પણ એમ જ કહેતા હતા. ન ફાવે તો પાછો આવી જજે, પરંતુ એકવાર ટ્રાય તો કર.’

‘ગશભય. તો હું આપણું ફોર્મ ભરી દઉં છું.’

‘સાંભળ! સાથે મારી બેન ધ્વનિનું પણ..

એનેય સાથે આવવાની, ૯૯ યાત્રા કરવાની ઈચ્છા થઈ ગઈ છે.’

‘ફાઈન! બધા કઝીન સાથે ૯૯ કરશું. મજા આવશે.’ બાય કહીને વર્ષીપે સેલફોન કટ કર્યો.

‘કોનો ફોન હતો વર્ષીપ?’

‘મમ્મી! બંટુ સાથે વાત ચાલતી હતી. માંડમાંડ પાલિતાણા નવ્વાણુમાં આવવા તૈયાર થયો છે, સાથે ધ્વનિને પણ આવવાની ઈચ્છા છે.’

‘સરસ!’ પ્રજ્ઞાબહેને જવાબ આપ્યો.

‘માંડવીથી તું એકલો જ છે કે તારી સાથે કોઈ છે?’

‘મમ્મી! મેં ૪-૫ ફ્રેન્ડઝને પૂછેલું પણ પારસ સિવાય બધા ના પાડે છે.’

‘કોણ પારસ? એ ૯૯ કરશે? એ તો મોડલીંગ કરે છે. મુંબઈથી હમણાં જ તો આવ્યો છે. શું એને ધર્મક્રિયાઓ ગમશે?’

‘ના, મુંબઈથી તો હમણા નહીં. પાંચ મહિનાથી આવી ગયો છે અને એ તો સમથીંગ ડીફરન્ટ એક્સપીરીયન્સ અને એન્જોય કરવા માટે આવવા તૈયાર થયો હોય એવું લાગે છે. એ તો એવું પણ બોલતો હતો કે, આ રીતની ૯૯ વાર ચડ-ઉતરથી ફીઝીકલ ફીટનેસ પણ સારી રહેશે.’

‘વર્ષીપ! તું ધ્યાન રાખજે. ગિરિરાજની ૯૯ યાત્રા માત્ર ચડ-ઉતર નથી. આપણે આવા ભાવ સાથે કંઈ નવ્વાણું નથી કરવાની.’

‘હા! હું તો ભાવથી જ કરીશ. પારસની થોડી કંપની પણ મળી રહેશે.’

‘કોઈને ડિસેમ્બર-જાન્યુઆરીની ફુલ મેરેજ સીઝન તો કોઈને એકઝામ તો કોઈને ઘેરથી રજા ન મળવી આવા પ્રોબ્લેમ્સ સતાવી રહ્યા છે, તો અમે તો જાણે નવરા હશું અને જસ્ટ ટાઈમ પાસ માટે નવ્વાણું કરતાં હશું?’ સ્વગત જ વર્ષીપ બોલ્યો અને બાઈકની ચાવી લઈ પોતાની નવી જ ખોલેલી મોબાઈલ શોપ પર જવા માટે નીકળ્યો... વર્ષીપે પોતાની બંદર રોડ પર આવેલી મોબાઈલ શોપ ખોલી. ચેર પર બેસી ફોન સ્ટાર્ટ કર્યો. ત્યાં તો અચાનક વરસાદ ચાલુ થયો. મનમાં જ એને વિચાર આવ્યો.. ૬ નવેમ્બર. વરસાદ ચાલુ છે. આ વરસે તો વરસાદ અટકવાનું નામ જ નથી લેતો. કોણ જાણે કેટલો વરસાદ પડશે. વરસાદ રહી જતા જ ઉભા થઈને બાજુમાં જ ચાના સ્ટોલવાળાને ઉદ્દેશીને બુમ પાડી.

‘વાહ! એકલો જ ચા પીશ? ફ્રેન્ડને નહીં પીવડાવે?’ કહેતો જ જયવીર શોપમાં આવ્યો.

‘અરે, બે કપ લાવજે બસ! મને ક્યાં ખબર છે કે તું આમ અચાનક ટપકી પડવાનો.’

‘આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે. વરસાદી વાર્તાઓ વાંચી. વરસાદમાં ભીંજાવું એ તો આભાસ છે.’ શાયરી બોલતાં જ જયવીર બાજુમાં રહેલી ચેર પર બેઠો.

‘નસીબદાર લોકોને ત્યાં જ આ બંદાના પગલા થાય છે.’

વર્ષીપ બોલ્યો, ‘સાચે જ હું કેવો નસીબદાર કે દરરોજ એટલીસ્ટ એકવાર તો આપનું આવાગમનથઈ જ જાય છે. કાર્ય-સેવા ફરમાવો.’

‘વિશેષ તો કંઈ નહીં પણ નેટનું રિચાર્જ કરાવવાનું છે. ડેટાપેક પુરું થઈ ગયું છે તો થયું કે રૂબરૂ જ રીચાજર્ કરાવતો જાઉં.’

‘જયવીર ! આ પહેલાનાં રિચાર્જના ૩૦૦/- રૂા. બાકી છે આપવાના. ખ્યાલ છે ને?’

‘વર્ષીપ! ચાર દિવસ પહેલા આપણે ખાધેલી ચીઝ સેન્ડવીચનું બિલ મેં ચૂકવેલું.’

‘એ ક્યાં ૩૦૦નું થયું છે?’

‘સેન્ડવીચ પ્રેમી તને બીજીવાર ખવડાવી દઈશ, બસ.’ નિર્દોષ મસ્તી કરતાં આ ફ્રેન્ડઝની વાતો આગળ ચાલે છે.

‘જયવીર ! ફાસ્ટ ફુડ મારી નબળી કડી છે એ તો તું જાણે જ છે ને?’

‘એમ તો તારી બીજી પણ નબળી કડીઓ જાણું છું વર્ષીપ!’

ચાવાળો છોકરો બે કપ ચા મુકી ગયો.

આદુવાળી ચા પીતા જ વર્ષીપ બોલ્યો. ‘જો તારા મોબાઈલમાં રીચાજર્નો મેસેજ આવ્યો.’

‘હા! આવી ગયો છે.’ ટીન! ટીન! ટીન! અવાજો ચાલુ થયા.

‘વર્ષીપ, આ નવરા લોકોને મેસેજ સેન્ડ કરવા સિવાય કોઈ કામ જ નહીં હોય?’

‘મોકલ્યા કરે છે. અરે દિવસની શરૂઆત થઈ ન હોય ત્યારથી જ ગુડ મોર્નીંગથી ગુડનાઈટના મેસેજ કોણ વાંચવા નવરું છે આ?’

‘જયવીર, હું પણ આ બધાથી કંટાળ્યો છું. ક્યારેક કોઈક સરસ મેસેજ આવે તો જોઈ લેવાનો બાકી અમુક મેસેજ તો સાવ ફાલતું હોય છે. ટીકટોક જેવી ચાઈનીઝ એપ સાવ ભેજાગેપ લોકોની પેદાશ છે. બધાને હીરો બની જવું છે. ફેમશ થવાના કઈ હદના અભરખાં!’

‘વર્ષીપ, આપણે બધા યુવાનોએ ભેગા મળીને નક્કી કરવું જોઈએ દિવસમાં એક કલાકથી વધુ ટાઈમ મોબાઈલને ન જ આપવો.’

‘જયવીર! સાચી વાત છે તારી, આપણે જ બધાએ આ ક્રાંતિ લાવવી પડશે. મારે તો આવતા મહિનાથી જ અમલ ચાલુ થઈ જશે.’

‘તું અને આટલો જલદી સુધરી જઈશ?’

વર્ષીપ બોલ્યો. ‘હા, જો આ એક વિડીયો....’

‘વિશ્વની વિરાટ અને સર્વાધિક ઉજાભૂમિ સિદ્ધવડ પાલિતાણા મધ્યે ભવ્યાતિભવ્ય ૯૯ યાત્રા તેમેમજ ઉપધાન તપની આરાધના કરવા માટે પધારો.... ચલેં, આદિનાથ સે અનાદિનાથ કી ઔર.. અનુસંધાન પર્વમાં જોડાવા માટે હાદિક આમંત્રણ આજે જ આપનું રજિસ્ટ્રેશન www.atmalabdhi.org પર કરાવી શકો છો. નવ્વાણું યાત્રા શરૂઆત તા. ૧૪ ડિસેમ્બર ૨૦૧૯, પૂર્ણાહુતિ તા. ૮ ફેબ્રુઆરી-૨૦૨૦.’ ક્યા હૈ નવ્વાણું યાત્રા?

- ક્ષણિકતા ઔર અસારતા કો છોડકર શાશ્વતતાકી ઓર પ્રયાણ કી યાત્રા.

- ક્ષણિક સુખ સે શાશ્વત સુખ કી યાત્રા.

- જહાં ભગવાન કા પલ પલ સાથ હો ઐસી યાત્રા.

- એક નયે આકાશમેં ઉડને કી યાત્રા.

- પરમાર્થ કી ઓર લે જાનેવાલી યાત્રા.

- કર્મોકો હટાને કી યાત્રા.

- મોહવાસ કી નહીં ગુરૂ કી આજ્ઞાકી યાત્રા.

‘રૂષભ રાજ્ય’માં આપ વિશેષ આમંત્રિત છો પધારો..

વિડીયો પૂરો થયો ને વર્ષીપ બોલ્યો. ‘હું આ ૯૯માં એપ્લાય કરવાનો છું.’ ‘વર્ષીપ ! તું જે ૯૯ કરવા જવાની વાત કરતો હતો તે આમાં જ?’

‘હા! તારું ફોર્મ ભરાઈ ગયું?’

‘ના, મારા કઝીનને મનાવવામાં મોડું થઈ ગયું. આજે જ ભરી દેવાનો છું.’

‘પણ હવે તો રજિસ્ટ્રેશનની તારીખ પૂર્ણ થઈ ગઈ છે. તું ખૂબ મોડો છે.’ ‘હા, પણ શું થાય? તમારા બધાની રાહ જોવામાં, કોઈ કંપની મળી જાય એ માટે રાહ જોઈ.’

‘વર્ષીપ! ત્યાં તો તને બહુ...બધી.. કંપની મળી જશે.’

‘સ્ટુપીડ, ત્યાં હું નવ્વાણું કરવા જવાનો છું, ફરવા નહીં.’

‘ઓ.કે. બાય’ કહેતો જયવીર ઉભો થયો અને બોલ્યો. ‘આજે શનિવાર કે કાલે રવિવાર, આપણે બધા ફ્રેન્ડસ કાલે વીન્ડફાર્મ, દરિયાકિનારે ભેગા થઈએ. હું બધાને મેસેજ કરી દઉં છું.’

‘બાય, હું અત્યારે ફોર્મ ભરી લઉં?’

નામ : વર્ષીપ મદનભાઈ શાહ

ઉંમર : ૨૨ વર્ષ, પુરુષ

ધાર્મિક અભ્યાસ : -

આ પૂર્વે ૯૯ યાત્રા કરેલ છે? : ના

આપને કોઈ બિમારી, અન્ય તકલીફ : ના

કોની પાસેથી આપને ૯૯ યાત્રા કરવાની પ્રેરણા મળી? : -

વર્ષીપ, બંટુ અને ધ્વનિ ત્રણેયના ફોર્મ ભરાઈ ગયા. તરત જ મેસેજ આવી ગયો. યુ આર ઈન અ વેઈટીંગ લિસ્ટ.

‘ઓહ, અમાં વેઈટીંગ છે?’ ત્યાં જ વર્ષીપનાં સેલફોનમાં રીંગ વાગી.

‘હા, બંટુ બોલ.’

‘વર્ષીપ, મારા મોબાઈલમાં તમે વેઈટીંગમાં છો નો મેસેજ આવ્યો છે.’

‘મારે પણ એ જ મેસેજ આવ્યો છે.’

‘શું કરીશું?’

‘હું નાના મ.સા.નો કોન્ટેક કરું છું અને મારા અહીંના એક મિત્રને પૂછી જોઉં છું.’

‘કોણ નાના મ.સા.’

‘છે મારા ગુરુજી, ઓળખીતા’ એ બધું તને પછી કહું છું. પહેલા મને ટ્રાય કરવા દે.’

‘ઓ.કે. બાય...’

‘હેલ્લો પારસ!’ ફોન લાગતા જ વર્ષીપ બોલ્યો.

‘હા બોલ! તારું સિદ્ધવડ ૯૯નું રજિસ્ટ્રેશન થઈ ગયું? હા, ક્યારનુંય.’

‘ઓહ ગોડ, મારે તો વેઈટીંગનો મેસેજ આવ્યો છે.’

‘તો શું કરીશ હવે? વિચારું છું હાલ જ પૂ.નાના મ.સા.ને જણાવું.’

‘હા, એ આઈડીયા બરાબર છે. શુભસ્ય શીઘ્રમ!’

સાંજ પડતાં જ પૂ. ગુરુદેવશ્રીએ આમનો શુભ ભાવ જોતાં સંખ્યા ઘણી વધારે થઈ હોવા છતાં ફોર્મ પાસ કરવાનું સંઘવી પરિવારને જણાવ્યું. વર્ષીપના ફોનમાં બીજા દિવસે જ મેસેજ આવ્યો કે તમારા ફોર્મ પાસ થઈ ગયા છે. તમારા રજિસ્ટ્રેશન નંબર એન-૯૧૮, ૯૧૯ અને ૯૨૦ છે.

યાત્રા દરમિયાન પાળવાના આવશ્યક નિયમો તેમજ આપને લાવવાની વસ્તુઓનું લિસ્ટ આવી ગયું. આયોજક પરિવાર તરફથી આપવામાં આવશે. તે વસ્તુઓનું - ઉપકરણોનું લીસ્ટ પણ એ સાથે જ આવી ગયું.

રવિવારની સવારે મોડા ઉઠીને સીધો જ વર્ષીપે મોબાઈલ ચેક કર્યો અને ઉપરોક્ત મેસેજ જોયાં.

‘રવિવારનું તમારા લોકેકોનેનું પંચંચાંગંગ જ સાવ જુદું હોય કેમ?’ કહેતા પ્રજ્ઞાબેન વર્ષીપના બેડરૂમમાં એને ઉઠાડવા માટે આવતાં જ બોલ્યા.

‘વાહ, દસ વાગે સવારે તમારો સૂર્યોદય, અગિયાર વાગે નવકારશી આવે તમારી, અને સાંજે સૂર્યાસ્ત થાય નવ વાગે. કમાલ છો તમે લોકો.’

‘મમ્મા! એક દિવસ તો શાંતિથી સૂવા દો. માત્ર રવિવારે અમે ફ્રી હોઈએ. આ દિવસે પણ તમે લોકો શાંતિથી ઉંઘવા નથી દેતા.’

‘૧૦-૧૦ વાગ્યા સુધી સવારે ઉઠો નહીં એ ન ચાલે અમે ફ્રી ક્યારે થઈએ?’

‘પણ, રાતના મોડે ઉંઘ્યા છીએ એ તો જુઓ જરા!’

‘હા, મને ખબર છે. શનિવારની રાત તમારી સી.સી.ડી.માં જ હોય છે બાર વાગ્યા સુધી!’

‘મમ્મી! તમને બધાને ક્યાંથી ખબર પડી જાય છે અમારી?’

‘ખબર પડે બેટા. અમે તમારા કરતાં વધુ દિવાળી જોઈ છે. ૯૯ યાત્રા દરમિયાન સવારે ૫ વાગ્યામાં ઉઠવું પડશે. કઈ રીતે જલદી ઉઠશો?’

‘ડૉન્ટ વરી મોમ! ત્યાં બધું થઈ જશે.’

રવિવારની સાંજ.... બધા ફ્રેન્ડઝ વિન્ડફાર્મ દરિયાકિનારે ભેગા થયા છે. હાય! લાંતિક, જયવીર, કેરીન, જિનેશ, પારસ.

‘હાય વર્ષીપ આવ!’ બધાએ એકબીજાને શેકહેન્ડ કર્યું.

જિનેશ બોલ્યો, ‘આપણે ત્યાં આ કેવું વાહિયાતપણું ચાલું થયું છે.’

બધા બોલ્યા, ‘કેમ શું થઈ ગયું?’

‘હાય ! કહીને આવકારવાના. હાય કહીને બોલાવવાના. હાય કોઈને અપાય? હાય કોઈને કહેવાય?’

‘હા..ય... હાય, હાય સત્યાનાશ જાય તારું આવું લાગે! આપણા દેશમાં તો આવ, આવજો, પધારો, પ્રણામથી વાતો થતી. આ કયારથી બદલાઈ ગયું ખબર નથી.’

‘એ યાર બંધ થા ને?’ લાંતિક બોલ્યો. ‘આવું બધું અમારે નથી સાંભળવું.’

‘તમને લોકોને આપણા દેશની પડી જ નથી, શું કહેવું તમને’ જિનેશ બોલ્યો. ‘ઓ દેશપ્રેમી, શું કહેવું છે બોલ ને?’ પારસ બોલ્યો.

‘લાસ્ટ મેચ જોઈને બધાએ?’ ‘હા,’ બધા બોલ્યા. ‘ઈન્ડિયા તો જીતી ગયું એમાં. બધાને આનંદ પણ થયો.’ વર્ષીપ બોલ્યો.

‘એ જ તો કહેવા માંગું છું કે તમે લોકો શેમાં આનંદ માણો છો.’ જિનેશ બોલ્યો.

‘બોલી નાખ શેમાં આનંદ માણીએ છીએ?’ કેરીન બોલ્યો.

મેચની સાંજે હું મારા અંકલના ઘેર હતો.

અંકલ ટી.વી. પર મેચ જોતા હતા. આપણું ઈન્ડિયા જીતી ગયું અને વિજેતા બન્યાની ખુશાલીમાં ફટાકડા ફુટ્યા. અંકલની નાની દીકરી જે ૮ વર્ષની છે તે બહાર આવી ને અંકલને પૂછે છે ‘પપ્પા! શું થયું?’ અંકલ જવાબ આપે છે, ‘બેટા! ઈન્ડિયા મેચમાં જીતી ગયું! એના આનંદમાં બધા ફટાકડા ફોડે છે.’

એ નાનકડી દીકરી બોલી, પપ્પા! જ્યારે જ્યારે ભારત જીતી જાય ત્યારે ફટાકડા ફુટે? અંકલ કહે, ‘હં.’ એ દીકરી આગળ બોલી. ‘પપ્પા, થોડા દિવસ પહેલાં આતંકવાદીઓનો વિડીયો ટી.વી. પર દેખાડતા હતા અને આપણા સોલ્ઝર્સ સરહદ પર લડતા હતા, ઘાયલ થયા હતા. શહીદ થયા હતા અને એક સૈનિકે પર્વતની ટોચ પર જઈને તિરંગો ફરકાવ્યો ત્યારે ઈન્ડિયા જીતી ગયું હતું?’

‘પપ્પા !’ ‘હા બેટા જીતી ગયું હતું. ટેરેરીસ્ટ હારી ગયા હતા. હા બેટા.’

‘તો પછી પપ્પા એમાં કેમ ફટાકડા નહોતા ફૂટ્યા?’

જિનેશ બોલ્યો. એના પ્રશ્નનો મેં જવાબ આપ્યો. ‘ડીંગલું! મેચેચની રમત બેટ અને બોલથી રમાય છે અને એ રમતમાં ઈન્ડિયા જીતે તો ફટાકડા ફૂટે છે. આખી જિંદગીને દાવ પર લગાડીને રમે ને ત્યારે નથી ફુટટતા. આ ભારત દેશ છે..’

‘મિત્રો, અહીં માત્ર દેશભક્તિની વાત નથી. આપણું સ્તર કઈ હદે નીચે ઉતરી ગયું છે ને તે સમજવાની વાત છે. આપણે જ આપણા દેશના સંસ્કારો, ગૌરવ, મૂલ્ય બધાનું અવમૂલ્યન કરીએ છીએ. ધોળીયા લોકોના રવાડે ચડીને.’

પારસ બોલ્યો, ‘જોરદાર યાર! તારી વાતમાં ખરેખર વજુદ છે. હું તારી સાથે છું.’

લાંતિક બોલ્યો, ‘અરે સારું ! સારું! પણ એક વાત છે. ૧૫ ઑગસ્ટ જતી રહી છે અને ૨૬ જાન્યુઆરીને વાર છે. એ વખતે તારું જ પ્રવચન સાંભળશું. પ્લીઝ, અત્યારે ફરવા આવ્યા છીએ. તું ઈમોશનલ વાતો ન કર. તારી વાત સાચી છે પણ આજે આ બધું કહેવાનો પ્રોપર સમય નથી.’

જયવીર : ‘ફ્રેન્ડઝ! આજનો દરિયો તો જુઓ. કેવા મસ્ત સ્ફટિક જેવા પારદર્શી મોજાં ઉછળે છે. વાદળ રહિત નીલવર્ણ આકાશ અને હાલના સૂર્યાસ્ત સમયનો આછો કેસરી-રતુંબડો એવો ઢળતો સૂરજ જાણે સાસરે જતી કન્યાની જેમ ધીમે ધીમે વિદાય થઈ રહ્યો છે.

આપણે તો સનસેટ જોવા માટે માઉન્ટ આબુ સુધી જવાની જરૂર જ ક્યાં છે. આપણો આ સનસેટ ત્યાંના સનસેટ પોઈન્ટ કરતાં ક્યાં કમ છે?’

ગુજરાતના સૌથી નીટ એન્ડ ક્લીન દરિયાનું ગૌરવ પામેલા અને આખા એશિયાની ફર્સ્ટ પવનચક્કી પ્લાન્ટની જ્યાં સ્થાપના થયેલી એવા કચ્છના પેરીસ જેવા નાનકડા ટાઉનમાં આ બધા મિત્રો સમી સાંજે એકઠા થયા છે. મિત્રોમાંથી એક બોલ્યો, ‘ચલો યાર બહુ ટાઈમ થઈ ગયો. હોટલ સી વિન્ડમાં પિત્ઝા ખાવા જઈએ. મને તો કકડીને ભૂખ લાગી છે. દરિયાકિનારે આમ પણ ભૂખ વધારે લાગે છે.’

‘અરે, વર્ષીપ તમને બંનેને એટલે કે તારે અને પારસને તો હવે નો સન્ડે. પછી તો બે મહિના માટે તમે લોકો પાલિતાણા ૯૯માં. કેમ બરાબર ને!’

‘હા! અમારી શાતા પૂછવા તમે લોકો આવજો. કંપની તો નથી આપતા.’

‘ચોક્કસ, એક યાત્રા તો આપણે બધા સાથે કરીશું.’ બધા હોટેલમાં જવા ઉપડ્યા. પણ ત્યાં જ પારસ બોલ્યો. ‘આજે મારે જરા વહેલા જવું છે. હું જમવા નથી આવતો હો, સોરી.’

‘પારસ! આ રીતનું તારે ઘેર જવાનું બહાનું. સાંજના અમારી સાથે ન જમવાનું, હોટલમાં, પાટર્ીમાં ન આવવાનું સાતમી વખત છે. શું તને અમારી સાથે હોટલમાં ડીનર લેવાનું નથી ગમતું? કે પછી હોટલમાં જમવાનું જે બનાવે છે તે નથી ભાવતું? બિલ કોણ ચૂકવે એમાંથી છટકવા માટેના બહાના તો નથી ને? કે ઘરે જઈને ચોવિહાર કરવાના છે?’ બે-ત્રણ મિત્રો બોલ્યા.

‘નો, નો યાર ડૉન્ટ ટેક ઈન રોંગ સાઈડ.’ બોલતાં જ પારસ બાઈક લઈને નીકળી ગયો.

‘હમણાથી આને શું થયું છે?’ કેરીન બોલ્યો.

‘આવો ડેશીંગ પર્સનાલિટી ધરાવતો મોડલીંગ કરતો એક છોકરો, અચાનક એ બધું છોડીને આવી જવું. ભણવામાં પણ સરસ. તપ પણ સરસ કરી શકે છે. દર વર્ષે પર્યુષણમાં આની અઠ્ઠાઈ તો હોય જ. વળી, રસગુલ્લાને પણ શરમાવે એવું રૂપ, સીક્સ પેક એબ્સ, પેલા તો બહુ મજાક-મસ્તી કરતો, ન જાણે હમણાથી શું થઈ ગયું છે. બોલવાનું પણ ઓછું કરી નાખ્યું છે. એકવાર અમે બે બેઠા હતા. મેં એક જોક કરી. ‘એક બાર શામ કો ઓફિસમેં ઘર જાતે સંતા કો બંતાને પૂછા અરે યાર ઓફિસમેં તો બડે શેર બનકે ઘુમતે ફિરતે હો મગર ન જાને ઘર મેં ક્યા હો જાતા હૈ?’

સંતાને બોલા, ‘અરે યાર, ઘર મેં ભી રહતા તો શેર હી હું લેકીન દુર્ગા સવાર હો જાતી હૈ.’ બધા લોકો આ સાંભળીને હસ્યા. એણે સાવ સામાન્ય સ્માઈલ આપી. વિષય જ બદલી નાખ્યો.

‘ક્રિકેટ રમતી વખતે પણ એ સાવ ઉપર છલ્લો દેખાવ કરતો હોય એ રીતે રમે છે. આપણે બધા ઈનવોલમેન્ટ સાથે રમીએ, એ તો રમવા પુરતું રમે એવું લાગે છે, લાસ્ટ નવરાત્રિ દરમિયાન પણ આપણે બાર-બે વાગ્યા સુધી ઘરની બહાર હોઈએ, મોટા સીટીમાં પણ એકાદ દિવસ જઈ આવીએ. આ ભાઈ તો મને રાતનાં ઉંઘ બહુ આવે છે એમ કહીને આવતો જ નથી. રમવાની તો વાત જ દૂર, સ્વીમીંગ પુલમાં નહાવાનું હોય તો આ ભાઈ બોલે મને પાણીનો ડર લાગે છે અને સાહેબ બહાર જ ઉભા હોય.’

‘ખબર નહીં સાવ કેમ બદલાઈ ગયો છે. હસી-મજાકની વાતોમાં મોનાલીસા જેવું સ્માઈલ આપે, ખબર જ ન પડે હસે છે કે દદર્માં છે? સાવ દેવદાસ જેવો પણ નથી લાગતો, નથી રોમેન્ટીક લાગતો. શું આપણી દોસ્તી આને ગમતી નથી? કે પછી કોઈ છોકરીના ચક્કરમાં બ્રેક-અપ થયું લાગે છે ! આપણને નહીં કે તો કોને કહેશે?’ કેરીનની ઉપરોક્ત બધી વાતો સાથે બધા મિત્રો સહમત થયા.

વર્ષીપે કહ્યું, ‘છોડો અત્યારે આ વાત. આપણી પિત્ઝાની મજા મરી જશે. તે મારી સાથે ૯૯માં આવવાનો છે એ વખતે પૂછી લઈશ. બે મહિના તો અમારે ત્યાં સાથે જ રહેવાનું છે. ચોક્ખું પૂછી લઈશ શું વાત છે? કોઈ ટેન્શન છે? કોઈ છોકરીનું ચક્કર? નથી એના બીજા મિત્રો કે કોઈ ભાઈ, માત્ર એક બહેન છે અથવા તો એના મમ્મી-પપ્પાને પૂછી લઈશું.’

હોટલમાં જતાં જ પિત્ઝાનો ઓર્ડર આપ્યો.

‘અરે, ચીઝ પિત્ઝા હો.’ કેરીન બોલ્યો, ‘સાથે કોક પણ.’ લાંતિકે વેઈટરને ઓર્ડર આપતા જણાવ્યું. બધા જ પિત્ઝા પર તૂટી પડ્યા અને ડીનર લઈ બધા છૂટા પડ્યા.

એક વીક પછી એક સાંજે બધા મિત્રો ભેગા થયા છે...                          

 

(ક્રમશ)

 

 

(કચ્છ ગુર્જરી ફેબ્રુઆરી ૨૦૨૧ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates