શું બેંક ઉઠી ગઈ?!

શું બેંક ઉઠી ગઈ?! - ચિત્રસેન શાહ, ગાંધીનગર

એક બેંક-લૂંટારાને બેંક લૂંટ્યા પછી પશ્ચાતાપ થયો! તેણે વાલિયામાંથી વાલ્મીકિ થયાની વાર્તા સાંભળી હતી, તેથી તેને પણ વાલ્મિકી બનવાનું મન થઈ ગયું! તેને કોઈપણ રીતે ઈતિહાસમાં અમર થઈ જવું હતું તેથી જે બેંકનેતેણે લૂંટી હતી તે બેંકમાં લૂંટેલી રકમ પાછી આપવા ગયો. બેંક-કર્મચારીને થયું કે, કોઈ ક્લાયન્ટ આવ્યો લાગે છે તેથી તેણે આંખો બંધ રાખીને જ કહી દીધું ‘બેંક બંધ થઈ ગઈ છે!’

જોકે બેંક-કર્મચારીએ તો બેંકનો સમય પૂરો થઈ જવાને કારણે એમ કહેલું, પરંતુ ‘બેંક બંધ થઈ ગઈ છે’ તે વાક્યનું અર્થઘટન લૂંટારાએ ‘બેંક ઊઠી ગઈ છે’ તેવું કર્યું. તેને થયું કે પોતે બેંકને લૂંટી તેથી બેંક ઊઠી ગઈ લાગે છે.

તેથી લૂંટારો, કે જે હવે વાલ્મિકી બનવા નીકળ્યો હતો, તેણે બેંક-કર્મચારીને કહ્યું, ‘સાહેબ, હું રકમ લેવા નહીં, પરંતુ લૂંટેલી રકમ પાછી મૂકવા આવ્યો છું!’ પેલા બેંક-કર્મચારીએ તો પોતાની આંખો અને હવે તો મગજ પણ બંધ રાખીને જ સ્થિતપ્રજ્ઞની જેમ જવાબ આપ્યો, ‘કહ્યું ને એક વાર કે બેંક બંધ થઈ ગઈ છે!’

લૂંટારાની ઘણી વિનવણી અને કાકલૂદી પછી બેંક-કર્મચારીએ તેની પાસેથી રકમ સ્વીકારી! લૂંટારાને લાગ્યું કે, આ કલિયુગમાં વાલ્મિકી બનવા જેવું નથી! તે દિવસથી બધા જ લૂંટારાઓએ વાલ્મિકી બનવાનું તો માંડી જ વાળ્યું, પરંતુ ઊલટાનું વાલ્મિકીમાંથી લૂંટારા બનવાની નવી પ્રથા ઊભી થઈ! પરંતુ જમાનાની સાથે સાથે તેમને બદલવું તો હતું જ, તેથી તે લોકોએ ‘બુકાનીધારી’ લૂંટારામાંથી ‘ટાઈધારી’ લૂંટારા બનવાનું નક્કી કર્યું અને લૂંટની આખી ‘મોડસ ઓપરેન્ડી’ બદલી નાખી! પરંતુ બેંક-લૂંટ તો ચાલુ જ રાખી.

છેલ્લાં કેટલાંક વર્ષોથી ખાસ કરીને સહકારી બેંકોએ ‘બેંક ઉઠમણાની નવી પ્રથા ઊભી કરી છે! આવી ‘ઊઠેલ (!)’ બેંકના (ખરાબ સોબતે ચડી ગયેલ સંતાનની બાબતમાં જેમ ‘વંઠેલ’ શબ્દ વપરાય છે તેમ બેંકની બાબતમાં ‘ઉઠેલ’ શબ્દ બંધ બેસે છે ને?!) ચેરમેન, ડાયરેક્ટર્સ કે લાગતા-વળગતાઓએ પોતાનાં નજીકનાં સગાં-સંબંધીઓને ‘પ્રોજેક્ટ ખેરાત!’ હેઠળ કરોડો રૂપિયાની ખેરાત લોનરૂપે કરેલ હોય છે!

તેથી જે મહિલાઓએ કેલક્યુલેટર પણ જોયું ન હોય તેવી મહિલાઓ કોમ્પ્યુટર ફેક્ટરીની ચૅરપર્સન બની જાય છે! મોટાં મોટાં આર્થિક કૌભાંડોના આવા ‘રમતવીરો’ને ‘બોર્ડ ઑફ ડાયરેક્ટર્સ’ માટે, જ્યારે નજીકના કોઈ સંબંધી મળે નહીં ત્યારે ઘણીવાર પોતાને ત્યાં ઘરકામ કરતા ‘રામાઓ’ના નામ ડાયરેક્ટર તરીકે મૂકી દેવાય છે. અમે એવા એક ડાયરેક્ટરને વાસણ માંજતા સગી આંખે જોયો છે. આ વાતનો પદરફાશ ત્યારે થાય છે કે, જ્યારે ‘ઉઠેલ’ બેંક અંગે ઈન્કવાયરી કમિશન બેસે છે. કમિશન જ્યારે આવા ડાયરેક્ટર્સને શોધવા નીકળે છે ત્યારે ઘણીવાર તેમનાં સરનામાં ડુંગરપુર બાજુનાં નીકળે છે!

તેથી ફક્ત બેંક જ નથી ઊઠતી, પરંતુ બેંકો પરનો લોકોનો વિશ્વાસ ઊઠતો જાય છે, પરંતુ તો પછી લોકો પૈસા મૂકે ક્યાં? અને રોજબરોજના પોતાના આર્થિક વ્યવહાર ચલાવે કઈ રીતે? અમારા એક મિત્રનું માનવું છે કે, આવા સંજોગોમાં આપણે સૈકાઓ જૂની ‘બાર્ટર’ પદ્ધતિ અપનાવવી જોઈએ! બાર્ટર પદ્ધતિ એટલે નાણાંને બદલે વસ્તુની આપ-લે! નાણાં જ ન હોય પછી બેંકની જરૂરિયાત જ ન રહેને! ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી!

બાર્ટર પદ્ધતિને સમજાવવા એક દાખલો જોઈએ. દા.ત. લાલુજી નામના એક માણસ પાસે ભેંસ છે, પરંતુ તેને ચારાની જરૂરત છે, તો તે એવા માણસને શોધી કાઢે કે જેને ભેંસના બદલામાં ‘ચારો’ આપે!

છેલ્લે છેલ્લે એવા કિસ્સાઓ બહાર આવ્યા છે કે, કોઈ બેંક ઉઠી જાય છે ત્યારે તેને ગણતરીના કલાકોમાં જ બીજી કોઈ બેંક ખરીદી લે છે! - મજર્ર કરી દે છે! ઊઠેલી બેંકને બેઠી કરવા! અમને તો ઘણીવાર એ જ પ્રશ્ન થાય છે કે, ડૂબતી નાવને કોઈ લે જ શા માટે?

પરંતુ એનો જવાબ છે -

‘ડૂબતી નાવ તો પાણીના ભાવે જ મળી જાય ને? એકવાર એવું બન્યું કે બાજુબાજુની બે બેંકોની બહાર લોકોનાં ટોળાં ઊમટ્યાં હતાં. બંને બેંકોની બહાર લોકોની લાંબી લાંબી લાઈનો લાગી હતી. એક બેંકમાંથી રકમ ઉપાડવા માટે અને બીજીમાં રકમ મૂકવા માટે! તપાસ કરતાં ખબર પડી કે એક બેંક ‘ઊઠી’ રહી હતી. (જેમાંથી લોકોને વ્યાજ જતું કરીને અને અમુક રકમની મર્યાદામાં જ ચૂકવણી કરાતી હતી.) બાજુની બેંક ‘ઊભી’ થઈ રહી હતી!

નવી ‘ઊભી’ થઈ રહેલી બેંકે સ્કીમ મૂકી હતી કે, પહેલા દિવસે જે લોકો અમુક રકમ ફિક્સ્ડ ડીપોઝીટ તરીકે મૂકશે તેમને ‘સરપ્રાઈઝ’ ગિફ્ટ આપવામાં આવશે. લોકોમાં ‘સરપ્રાઈઝ ગિફ્ટ’નો મહિમા એટલો મોટો હોય છે કે (આ લખનાર સહિત બધા જ!) લોકો બીજાં સત્તર અગત્યનાં કામો પડતાં મૂકીને પણ દોડશે- ગિફ્ટ લેવા! પાછળથી કોઈએ શોધી કાઢ્યું હતું કે, જે બેંક નવી ઊભી થઈ રહી હતી તેને, ઊભી કરનારા બાજુવાળી બેંકને ‘ઉઠાડનારાઓ’ જ હતા! નવી બૉટલમાં જૂનો દારૂ તે આનું નામ! અહીં બેંકના રેફરન્સમાં એમ કહી શકાય કે, નવી બેંકમાં જૂની કરન્સી! નવા ‘બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ’માં બૉર્ડ નવું- ડાયરેક્ટર્સ જૂના! નવી બેંક પર બેનર લગાવેલું હતું, જેના પર લખ્યું હતું- ‘દુનિયા ઝૂકતી હૈ, ઝુકાનેવાલા ચાહિયે!’

 

 

(લેખકના પુસ્તક ‘હાસ્યનું મેઘધનુષ’માંથી સાભાર)

 

(કચ્છ ગુર્જરી સપ્ટેમ્બર ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates