શ્રી વાસુપૂજ્યનાથ સ્વામી

શ્રી વાસુપૂજ્યનાથ સ્વામી - યશ્વી સંજય શાહ, અંજાર

તીર્થંકર પરિચય 

(ગતાંકથી ચાલુ....)

જંબુદ્વીપના દક્ષિણ ભારતના અર્ધ ભાગમાં ચંપા નામની મનોહર તેમજ સમૃદ્ધ નગરી હતી. ત્યાંના મહારાજા શ્રી વાસુપૂજ્ય તેમના મહારાણી શ્રી જયાદેવી સાથે શાસન કરતા હતા. તેમનું શાસન ન્યાય, નીતિ તેમજ સદાચારપૂર્વક ચાલી રહ્યું હતું. જેઠ સુદ નોમના દિવસે મહારાણી શ્રી જયાદેવીએ ૧૪ ભવ્ય સ્વપ્ન જોયા. તે સંકેત હતો એક મહાન આત્માના જન્મનો જે ત્રણેય લોકમાં જ્ઞાન અને ધર્મ ઉજાગર કરશે. પુષ્કરવર દ્વીપના અર્ધભાગના પૂર્વવિદેહ મંગલાવતી નામના વિજયમાં રત્નસંચયા નામની એક વિશાળ નગરી હતી. શ્રી પદ્દમોત્તર રાજા ત્યાંના શાસક હતા. તેઓ જિનેશ્વર ભગવાનના ઉપાસક હતાં. અનિત્ય ભાવનામાં લીન બનેલા મહારાજાના હૃદયમાં વૈરાગ્ય વ્યાપી ગયો. તેઓએ વજ્રનાભ મુનિવર પાસે દીક્ષા ગ્રહણ કરી. અનેક વર્ષો સુધી સંયમનું પાલન કરતા તેમણે તીર્થંકર નામ કર્મ ગોત્ર બાંધ્યું. આયુષ્ય પૂર્ણ કરીને પ્રાણત નામના દસમા દેવલોકમાં મહર્દ્વિકદેવ થયા. શ્રી પદ્દમોત્તર રાજાનો જીવ દેવલોકમાં સુખી જીવન વ્યતિત કરી શ્રી જયાદેવીના કૂખે ઉત્પન્ન થયા.(ચ્યવન કલ્યાણક)

ફાગણ વદ ૧૪ના દિવસે શતભિષા નક્ષત્રમાં શ્રી વિજયાદેવીએ લાલ કાયાના તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. તે બાળકના જન્મ માત્રથી ત્રણેય લોકમાં પ્રકાશપૂંજ ઝળહળી ઉઠ્યા. નારકીના જીવોને પણ ક્ષણભર માટે શાતા થઈ. ચારેય દિશાઓમાં વાતાવરણ સુગંધિત તથા સંગીતમય બની ગયું. પિતાના નામ પર જ પુત્રનું નામ વાસુપૂજ્ય રાખવામાં આવ્યું. સર્વ દેવીદેવતાઓ તીર્થંકરના દર્શન માટે પધાર્યા. આ રીતે ઈક્ષવાકુ કુળમાં તીર્થંકરના જન્મોત્સવની ઉજવણી થઈ. (જન્મ કલ્યાણક)

૭૦ ધનુષ ઉંચું કદ ધરાવતા શ્રી વાસુપૂજ્ય કુમાર યુવાન થયા. અનેક રાજાઓએ રાજકુમાર વાસુપૂજ્યની સાથે પોતાની રાજકુમારીઓનો વૈવાહિક સંબંધ બાંધવા સંદેશા મોકલ્યા. કુમાર પણે જ સંસારથી વિરક્ત શ્રી વાસુપૂજ્યએ પિતાશ્રીને કહ્યું, ‘આપ લગ્નની વાત છોડીને, દીક્ષા માટેની રજા આપો’ આ રીતે માતાપિતાને સમજાવીને ૧૮ લાખ વર્ષની આયુએ શ્રી વાસુપૂજ્ય કુમાર દીક્ષા લેવાની ભાવના કરવા લાગ્યા. તે સમયે લોકાંતિક દેવનું આસન ચલિત થતાં તે પ્રભુની પાસે આવ્યા અને તીર્થપ્રવતન કરવાની વિનંતી કરી. ૬૦૦ રાજાઓ સાથે ફાગણ વદ અમાસની બપોરે ઉપવાસની આરાધનામાં રહી ચંદ્ર વરૂણ નક્ષત્રમાં હતો ત્યારે શ્રી વાસુપૂજ્યએ દીક્ષા અંગીકાર કરી. બીજા દિવસે મહાપુરી નગરી પર રાજા સુનંદાએ ખીરથી પારણો કરાવ્યો. શ્રી પ્રભુને તે જ સમયે ચોથું મનઃ પ્રર્યવજ્ઞાન પ્રાપ્ત થયું. (દીક્ષા કલ્યાણક)

: ત્રિપૃષ્ઠ વાસુદેવ ચરિત્ર :

વિજયપુરમાં શ્રીધર રાજાની શ્રીમતી રાણીની કૂખે તારક નામના પુત્ર રૂપે વિંધ્યશક્તિનો જીવ ઉત્પન્ન થયો. તેણે અડધા ભરતક્ષેત્ર જીતી રાજ્ય સ્થાપિત કર્યો. સૌરાષ્ટ્ર દેશની પ્રસિદ્ધ દ્વારકા નગરીમાં બ્રહ્મ નામના રાજા રાજ્ય કરતા હતા. તેમના બે પુત્ર વિજય અને દ્વિપૃષ્ઠ હતા. બંને રાજકુમાર ખૂબ બળવાન હતા. દ્વારિકાધિપતિ બ્રહ્મનરેશ અર્ધભારત ક્ષેત્રના સ્વામી તારકના તાબે હતા. તેઓ તેમની આજ્ઞામાં રહીને રાજ્ય કરતા હતા. પરંતુ તેમના પુત્ર વિજય અને દ્વિપૃષ્ઠને તારકનું શાસન અસહ્ય લાગતું હતું. તારકને આ બાબતની ખબર પડતાં તેમણે રાજા બ્રહ્મનરેશને ખોટી માંગણી કરીને બે રાજકુમારને ઉશ્કેર્યા જેથી તારક અને બ્રહ્મનરેશ વચ્ચે યુદ્ધનું એલાન થયું. ખૂબ ભીષણ યુદ્ધ થયું. ચારેય દિશાઓમાં લોહીના સમુદ્ર બની ગયા. ખૂબ મનુષ્ય તથા હાથી- ઘોડા મૃત્યુ પામ્યા. આખરે વિજય અને દ્વિપૃષ્ઠ વિજયી થયા. આ રીતે શ્રી દ્વિપૃષ્ઠ અર્ધ વાસુદેવ કહેવાયા.

એક માસ પછી છદ્દમસ્થ અવસ્થામાં વિચર્યા પછી મહાશ્રમણ શ્રી વાસુપૂજ્ય સ્વામી વિહારગૃહ નામના ઉદ્યાનમાં પધાર્યા. મહાસુદ બીજના શતભીષા નક્ષત્રમાં ઉપવાસનું તપ કરીને પાટલ વૃક્ષ નીચે ધ્યાનમાં રહેલા પ્રભુએ શુક્લ ધ્યાનના બીજા ચરણમાં પ્રવેશ કરીને ધાતી કર્મોનો ક્ષય કરતા તેમને કેવલ જ્ઞાન-કેવલ દર્શન પ્રાપ્ત થયું. આ રીતે શ્રી વાસુપૂજ્ય કેવલજ્ઞાન મુનિ કહેવાયા.

શ્રી પ્રભુ દેવો દ્વારા રચિત સમોવશરણમાં પૂર્વ દિશાથી પધાર્યા. (કેવલજ્ઞાન કલ્યાણક)

: ધર્મ દેશના - ધર્મ - દુર્લભ ભાવ :

મનુષ્ય ભવની પ્રાપ્તિ ખૂબ દુર્લભ હોય છે. કારણકે ધર્મભાવની સાધનાથી ઉચ્ચ ગુણ સ્થાન પ્રાપ્ત કરવાની શક્તિ માત્ર મનુષ્યને જ હોય છે. આ ધર્મ સંયમ, સત્ય વચન, અચૌર્યરૂપી પવિત્રતા, બ્રહ્મચર્ય નિષ્પરિગ્રહિતા તપ અને ક્ષમા, મૃદુતા, સરળતા, નિર્લોભતા વગેરે દસ પ્રકારનો કહેવાય છે. દુઃખના દરિયામાં ડૂબતા પ્રાણીને ધર્મ જ બચાવે છે. તેની કૃપાથી જીવ ઉન્નત થતો સર્વજ્ઞ સર્વદર્શી થાય છે અને પરમ સુખને પ્રાપ્ત કરે છે. વાસ્તવિક અને સંપૂર્ણપણે નિર્દોષ ધર્મ તો રાગ-દ્વેષ અને મોહથી રહિત તથા કેવળ-જ્ઞાનથી શોભતા એવા અરિહંત ભગવંતોનો જ છે. જૈન ધર્મ અલૌકિક છે. એની આરાધનાથી આત્મા પોતાની અંદર રહેલા અનંત સુખોને પ્રગટ કરીને આત્માનંદમાં લીન રહે છે. પ્રકૃતિના તમામ તત્ત્વોનું ધર્મ થકી આપસમાં સંકલન જળવાય છે. જેનાથી જીવ સર્વજ્ઞતારૂપી અનુપમ આત્મલક્ષી પ્રાપ્ત કરીને પરમ ઐશ્વર્યશાળી પરમાત્મા બની જાય છે. આમ આ ઉપદેશ આપી શ્રી પ્રભુએ સંસારને મનુષ્ય જન્મ અને ધર્મ-દુર્લભ ભાવની સમજ આપી. સૂક્ષ્મ વગેરે ૬૬ ગણધર સાથે તીર્થની સ્થાપના કરી તીર્થંકર થયા. વિચરતા પ્રભુ દ્વારકા નગરી પધાર્યા.

દ્વિપુષ્ઠ વાસુદેવ એમના દર્શન કરવા ગયા અને વાસુદેવ બલદેવ અનેક લોકોએ સમ્યક્‌ત્વ પ્રાપ્ત કરી મિથ્યાત્વનો ત્યાગ કર્યો.

: ધર્મદુર્લભ ભાવની સાંસ્કૃતિક અસરો :

* પ્રાકૃતિક તત્વ, પદાર્થ તથા પરિબળો સમજવાની શરૂઆત થઈ. 

* પ્રકૃતિનાં રહસ્યો સમજી તેનો સદ્‌ઉપયોગ કરવાની ક્ષમતા કેળવાઈ.

* પ્રકૃતિની સમજથી ખોટાં ડર પર કાબૂ મેળવવાની શરૂઆત થઈ.

* તત્વ, પદાર્થ તથા પ્રાકૃતિક બળનાં જ્ઞાનનો જીવનમાં ઉપયોગ કરી જીવન વધુ સુરક્ષિત તથા ઉચ્ચ શૈલીનું થયું.

* આજ દૃષ્ટિકોણ એ આધુનિક વિજ્ઞાનનો પાયો નાખ્યો.

* દરેક તત્વ, પદાર્થ, પ્રકૃતિ અને પરિબળનો અભ્યાસ કરવો, તેનાં ગુણધર્મોને સમજવા તથા તેનો સદુપયોગ કરવાની માનવ વૃતિનાં પાયામાં ધર્મ દુર્લભ ભાવનો દૃષ્ટિકોણ છે.

ભગવાન વાસુપૂજ્ય સ્વામીના ૭૨,૦૦૦ સાધુ, ૧,૦૦,૦૦૦ સાધ્વીઓ, ૧૨૦૦ ચૌદ પૂર્વધારી, ૫૪૦૦ અર્વાધજ્ઞાની, ૬૧૦૦ મનઃ પર્યવજ્ઞાની, ૬,૦૦૦ કેવળજ્ઞાની, ૧૦,૦૦૦ વૈક્રિયલબ્ધી ધારી, ૨,૪૫,૦૦૦ શ્રાવક, ૪,૩૬,૦૦૦ શ્રાવિકાઓ થયા.

ભગવાન ૫૪,૦૦,૦૦૦ વર્ષમાં ૧ મહિનો જેટલા ઓછા સમય સુધી કેવળપર્યાય યુક્ત તીર્થંકર રહ્યા. આયુષ્ય પૂર્ણ થવાનો સમય નજીક આવતા ભગવાન ચંપા નગરી પધાર્યા, ૬૦૦ સાધુઓની સાથે ઉપવાસ કરી અને ૧ માસ પછી મોક્ષ પ્રાપ્ત કર્યો. પ્રભુ કુલ ૭૨,૦૦,૦૦૦ વર્ષ જીવ્યા.

દેવોએ પ્રભુનો નિર્વાણ મહોત્સવ ઉજવ્યો. વર્તમાન કાળે શ્રી વાસુપૂજ્ય સ્વામી જે મોક્ષમાં બિરાજે છે, તેમને મારા કોટી-કોટી વંદન હોજો. (મોક્ષ કલ્યાણક)

(હજી એક તીર્થંકરની આરાધના સાથે મળીશું આવતા અંકે.)

 

 

(કચ્છ ગુર્જરી સપ્ટેમ્બર ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates