શ્રી સુપાર્શ્વનાથસ્વામી

શ્રી સુપાર્શ્વનાથસ્વામી - યશ્વી શાહ, અંજાર

જૈન મહાન ધર્મ, મહાન સંસ્કૃતિ

તીર્થંકર પરિચય 

જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં વારાણસી નામની નગરી પર પ્રતિષ્ઠસેન નામના ન્યાયી, કલ્પવૃક્ષ જેવું વ્યક્તિત્વ ધરાવતા રાજા મહારાણી શ્રી પૃથ્વી સાથે રાજ્ય ચલાવતા હતા. રાણી શ્રી પૃથ્વીને ચંદ્ર જ્યારે રાધા નક્ષત્રમાં હતો, ૧૪ ભવ્ય સ્વપ્ન જોયા એ મહાન આત્માનો સંકેત હતો જે ત્રણેય લોકમાં ધર્મ આરાધનાનો માર્ગ પ્રશસ્થ કરશે. ઘાતકી ખંડ દ્વીપના પૂર્વ વિદેહક્ષેત્રમાં ક્ષેમપુરી નગરી પર શૂરવીર તથા ધાર્મિક સ્વભાવના નંદીષેણ રાજા રાજ્ય કરતા હતા.

સમય વિતતા આચાર્ય અરિદમન પાસેથી દીક્ષા અંગીકાર કરી ખૂબ કઠીન સંયમ જીવનનું પાલન કરી તીર્થંકર નામ કર્મ ગોત્ર બાંધી આયુષ્ય પૂર્ણ કરી છઠ્ઠા ગ્રૈવેયક વિમાનમાં દેવ થયા. ત્યાં ૨૮ સાગરોયમનું આયુષ્ય પૂર્ણ કરી દેવલોકમાંથી ચ્યવીને ભાદરવા વદ આઠમે અનુરાધા નક્ષત્રમાં મહારાણી શ્રી પૃથ્વીની કૂખે ઉત્પન્ન થયા. (ચ્યવન કલ્યાણક)

નવ માસને સાડા સાત દિવસ પછી જેઠ સુદ ૧૨ના ચંદ્ર જ્યારે વિશાખા નક્ષત્રમાં હતો ત્યારે સ્વર્ણ કાયાના શરીર પર સ્વસ્તિક ચિન્હ ધારી બાળકનો જન્મ થયો. ગર્ભકાળ દરમિયાન માતાના પાર્શ્વ (છાતી અને પેટના પડખાનો ભાગ) ખૂબ જ ઉત્તમ અને શોભતા હતા માટે પુત્રનું નામ ‘સુપાર્શ્વ’પાડવામાં આવ્યું. જન્મ થતાં ત્રણેય લોકમાં ક્ષણભર માટે અંધકારનો નાશ થયો. નારકીના જીવોને પણ શાતા મળી. વાતાવરણ સુગંધિત તથા સંગીતમય બની ગયું. સર્વ દેવતાઓએ સ્વર્ગથી પધારી પુષ્પની વર્ષા કરી. (જન્મ કલ્યાણક)

બચપનથી જ જ્ઞાની તથા તેજસ્વી ‘શ્રી સુપાર્શ્વ’ એ યુવાનીમાં પ્રવેશ કર્યો ત્યારે માતાપિતાના કહેવાથી રાજકુમારીઓ સાથે વિવાહ કર્યા. ૨૦૦ ધનુષનું કદ ધરાવતા શ્રી સુપાર્શ્વ એ પુણ્ય કર્મના ક્ષય અર્થે ખૂબ જ આનંદમાં યુવા અવસ્થા ભોગવી, જેમાં ૫ લાખ પૂર્વ રાજકુમાર તરીકે રહ્યા બાદ પિતાની આજ્ઞાથી રાજ્યનો ભાર સંભાળ્યો. રાજા સુપાર્શ્વએ ૧૪ લાખ પૂર્વ સુધી રાજ કર્યું.

સંસારથી મોહભંગ થતા ઈન્દ્રનું આસન ચલાયમાન થયું. એક વર્ષના વર્ષીદાન બાદ સંસાર ત્યાગ કરવાનો ભાવ પ્રગટ થયો. જેઠ સુદ ૧૩ના ચંદ્ર જ્યારે રાધા નક્ષત્રમાં હતો ત્યારે દીક્ષા અંગીકાર કરી ‘શ્રી સુપાર્શ્વનાથ સ્વામી’થયા. સહસ્ત્રામ વનમાં દેવી દેવતાઓની ઉપસ્થિતિમાં દેવદુસ્ય વસ્ત્ર ધારણ કર્યું. છઠ્ઠ તપની આરાધનામાં રહી તેમને મનઃપર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું. રાજા મહેન્દ્રએ ખીરથી પારણું કરાવ્યું. (દીક્ષા કલ્યાણક)

નવ માસ સુધી છદમસ્ત અવસ્થામાં ખૂબ કઠીન આરાધના અને તપ કરી, સંયમ પાળી શ્રી સુપાર્શ્વએ કર્મોનો ક્ષય કર્યો. નગર નગર વિચરતા તેઓ સહસ્ત્રામ્રવન પધાર્યા. શ્રીસા વૃક્ષ નીચે છઠ્ઠ તપની આરાધનામાં રહી ધ્યાન એકાગ્રિત કરી ચાર કર્મનો ક્ષય કર્યો અને ફાગણ સુદ ૬ના ચંદ્ર વિશાખા નક્ષત્રમાં હતો ત્યારે શ્રી સુપાર્શ્વનાથ સ્વામીને કેવળજ્ઞાન કેવળદર્શનની પ્રાપ્તિ થઈ. (કેવલ કલ્યાણક)

દેવો દ્વારા રચિત સમોવસરણમાં પૂર્વ દિશાએથી શ્રી સુપાર્શ્વનાથ સ્વામી પધાર્યા અને પ્રથમ દેશના આપી તેમાં શ્રી પ્રભુએ આત્મા અને કાયાનો ભેદ સ્પષ્ટ કર્યો જે ‘અન્યત્વ ભાવ’ના સિદ્ધાંત તરીકે સ્થાપિત થયો. આત્મા અને કાયા પણ જ્યારે ભિન્ન છે ત્યારે ધન- ધાન્ય, સગા-સંબંધી પરિવાર તો ભિન્ન હોય જ. આમ સ્વ અને અન્યની સમજ આપી આત્મા સિવાયનું બધું જ અન્ય છે તે ભાવ દૃષ્ટિને સ્થાપિત કર્યો. આ દૃષ્ટિકોણથી સંસાર ને મોહ-મમત્વ નિયંત્રિત કરવાની પ્રેરણા મળી અને કર્મ ખપાવવા કારણે જરૂરી નિર્લેપભાવ પ્રગટ થવામાં મદદ મળી.

શ્રી વિદર્ભ સહિત ૯૫ ગણધરોએ દીક્ષા અંગીકાર કરતાં શ્રી પ્રભુ તીર્થંકર થયા અને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. ૩ લાખ સાધુ, ૪ લાખ ત્રીસ હજાર સાધ્વીઓ, ૨,૦૩૦ ચૌદ પૂર્વધર ૯,૦૦૦ અવધિજ્ઞાની, ૯,૨૫૦ મનઃ પર્યવજ્ઞાની, ૧૧,૦૦૦ કેવળજ્ઞાની, ૧,૫૩,૦૦૦ વૈક્યિલબ્ધિધારી, ૮,૪૦૦ વાદલબ્ધિ સંપન્ન, ૨,૫૭,૦૦૦ શ્રાવકો અને ૪,૯૩,૦૦૦ શ્રાવિકાઓ થયા.

૨૦ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ થતા પહેલા ગામેગામ વિહાર કરી શ્રી પ્રભુએ અનેક જીવોને પ્રતિબોધ આપ્યો અને તાર્યા. અંતમાં સમેત શિખર પર્વત પર ૫૦૦ સાધુઓ સાથે ૧ માસના અનસન પછી ફાગણ સુદ સાતમે મૂળ નક્ષત્રમાં સિદ્ધગતિ પામ્યા. પ્રભુ હાલે સિદ્ધ શિલામાં બિરાજે છે તેમને મારા કોટી કોટી વંદન. (મોક્ષ કલ્યાણક)

 

 

 

(કચ્છ ગુર્જરીના માર્ચ ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates