શ્રી શ્રેયાંસનાથ સ્વામી

શ્રી શ્રેયાંસનાથ સ્વામી - યશ્વી સંજય શાહ, અંજાર

જૈનઃમહાન ધર્મ, મહાન સંસ્કૃતિ

તીર્થંકર પરિચય (ગતાંકથી ચાલુ....)

શ્રી શ્રેયાંસનાથ સ્વામીના દીક્ષા કલ્યાણક પછીનું જીવન ચરિત્ર.

મુનિ બે માસ સુધી કર્મની છદમસ્થ અવસ્થામાં રહી નગરી-નગરી વિચર્યા અને શ્રી મુનિ સહશ્રામ્રવનના વનમાં પધાર્યા. તે વનના વૃક્ષ નીચે ધ્યાનસ્થ રહીને શુક્લધ્યાનના બીજા ચરણના અંતમાં વર્ધમાન પરિણામી પ્રભુએ મોહનીય કર્મને નષ્ટ કર્યો. આમ ચારેય ઘાતી કર્મોને નષ્ટ કરીને મહા વદ અમાસના દિવસે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં હતો ત્યારે છઠ્ઠ તપની આરાધનામાં રહી શ્રી પ્રભુને કેવલ જ્ઞાન -કેવલ દર્શનની પ્રાપ્તિ થઈ. આમ શ્રી પ્રભુ સર્વજ્ઞ સર્વદર્શી થઈ ગયા.

ભગવાનને કેવલજ્ઞાન - કેવલ દર્શન પ્રાપ્ત થતાં જ દેવલોકના ઈન્દ્રોનાં આસન ચલાયમાન થયાં. ઈન્દ્રોએ પોતાનાઅવધિજ્ઞાનના ઉપયોગથી જિનેશ્વર ભગવંતને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું તે જાણ્યું. અને તે બધા કેવલ મહોત્સવ ઉજવવા માટે આવ્યા. સર્વ દેવોએ પધારીને ભવ્ય સમોવશરણની રચના કરી. ચારેય પ્રકારના દેવોના વિશાળ સમૂહની સાથે પ્રભુ સમોવશરણમાં પૂર્વદ્વારથી પધાર્યા અને સિંહાસન પર પૂર્વ દિશા તરફ મુખ રાખીને બિરાજમાન થયા. પ્રભુના મસ્તકની ચારેય તરફ પ્રભા મંડળ પ્રકાશમાન થઈ રહ્યું હતું. (કેવલજ્ઞાન કલ્યાણક)

પ્રથમ વાસુદેવ ત્રિપૃષ્ઠ અને બલદેવ અચલની ઉપસ્થિતિમાં શ્રી પ્રભુની પ્રથમ દેશનામાં નિર્જરા ભાવની સમજ આપી. શ્રી પ્રભુએ સમજાવ્યું કે દરેક જીવ અનંતા કર્મોથી બંધાયેલો છે. જો આત્મા ચૈતન્યથી પુરુષાર્થ કરે તો નિર્જરા થી આઠેય કર્મો ઝરી જાય છે. આમ નિર્જરા એવી શક્તિરૂપ છે જેનાથી સંસારરૂપી મહાવૃક્ષના બીજ ખંખેરી આત્મા શુદ્ધ થઈ અલગ થઈ જાય છે. નિર્જરાના બે ભેદ છે.

(૧) સકામ નિર્જરા  (૨) અકામ નિર્જરા

જે નિયમ લઈ કરાય તે સકામ નિર્જરા અને જેમાં ફળની જેમ કર્મોની પરિપકવતા આપમેળે થાય તે અકામ નિર્જરા  કહેવાય. તપરૂપી અગ્નિથી આત્માના દોષો દૂર થઈને આત્મશુદ્ધિ થઈ જાય છે. આ તપ બે પ્રકારના છે.

(૧) બાહ્ય તપ  (૨) આભ્યંતર તપ

બાહ્યતપ : ૧.અનસન, ૨. ઉણોદરી, ૩. વૃતિ-સંક્ષેપ, ૪. રસ પરિત્યાગ, ૫. કાયક્લેશ, ૬. પ્રતિસંલીનતા. આમ બાહ્ય તપ છ પ્રકારના છે.

આભ્યંતર તપ : ૧. પ્રાયશ્ચિત, ૨. વિનય, ૩. વૈયાવચ્ચ, ૪. સ્વાધ્યાય, ૫. શુભ ધ્યાન અને ૬. વ્યુત્સંગ.

આમ સંવરયુક્ત આત્માના આસ્ત્રવ દ્વારો બંધ થવાથી નવા કર્મોના યોગ આવી શકતા નથી અને જૂના કર્મોને ખપાવવા માટે નિર્જરા જરૂરી છે. બાહ્યપતથી આભ્યાંતર તપ શ્રેષ્ઠ હોય છે. આમ સંવર અને નિર્જરા દ્વારા પ્રતિક્ષણ શક્તિનો ઉત્કર્ષ થાય છે ત્યારે તેઓ અવશ્ય મોક્ષની સ્થિતિ પ્રાપ્ત કરી લે છે.

સાધારણ રીતે જ્યાં સંવર છે, ત્યાં સક્ષમ નિર્જરા થતી રહે છે. પરંતુ તપ દ્વારા કરેલી નિર્જરા વિશેષરૂપે થાય છે. તેનાથી આત્માની શુદ્ધિ શીઘ્રતાપૂર્વક થાય છે.

નિર્જરા ભાવની સાંસ્કૃતિક અસરઃ

- માનવ સ્વભાવમાં કોઈપણ ઘટનાનું એક દ્વવ્યના રૂપમાં મુલ્યાંકન કરવાની ક્ષમતા કેળવાઈ.

- ઘટના ને ઘટનાને બદલે કોઈ એક મધ્યસ્થ દ્રવ્યથી મુલ્યાંકન કરી બીજી ઘટનાના સાપેક્ષનો ગુણ આજના અર્થતંત્રના પાયાનો સિદ્ધાંત બન્યો.

- કોઈપણ ઘટના કે વસ્તુનું એક મધ્યસ્થ દ્વાવ્યથી મૂલ્યાંકન કરી બીજી ઘટનાના સાપેક્ષનો એ જ દ્વવ્યથી મૂલ્યાંકન કરવાનો ગુણ આજના અર્થતંત્રના પાયાનો સિદ્ધાંત બન્યો.

- એક મધ્યસ્થ ચલણની વ્યવસ્થા માનવ સંસ્કૃતિમાં વિકસી.

- તે જ સમયમાં પ્રથમ વાસુદેવ થયા અને રાજ્ય કારભારની વ્યવસ્થાનો પણ વિકાસ થયો.

પ્રથમ દેશના અને નિજર્રા ભાવની સમજ આપી અને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, તીર્થંકર કહેવાયા. આયુષ્ય કર્મ પૂર્ણ થવાના આરે આવતાં શ્રી પ્રભુએ ૧૦૦૦ મુનિ સાથે સમેત શિખર તરફ પ્રયાણ કર્યું. ભગવાન કેવલજ્ઞાન પામીને ૨૧ લાખ વર્ષમાં બે માસ ઓછા સુધી આ ધરતી પર વિચરતા રહ્યા. ભગવાનના ગોશુભ વગેરે ૭૬ ગણધર, ૮૪,૦૦૦ સાધુ, ૧૦,૩૦૦ સાધ્વીઓ, ૧૩૦૦ ચૌદ પૂર્વધર, ૬૦૦૦ અવધિજ્ઞાની, ૭૦૦૦ મનઃપર્યવજ્ઞાની, ૬૫૦૦ કેવલ જ્ઞાની, ૧૧૦૦૦ વૈક્રિયલબ્ધિવાળા, ૫૦૦૦ વાદલબ્ધિવાળા, ૨,૭૯,૦૦૦ શ્રાવક અને ૪,૪૮,૦૦૦ શ્રાવિકાઓ થયા. ૧ માસના અનશનથી શ્રાવણ વદ ત્રીજના દિવસે ચંદ્ર જ્યારે ઘનિષ્ઠા નક્ષત્રમાં હોઈ અનંત-જ્ઞાન, અનંત દર્શન ધરાવતા શ્રી પ્રભુ ૮૪ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી નિર્વાણ પામ્યા.

ત્રિપૃષ્ઠનું મૃત્ત્યુ: - ૩૨,૦૦૦ રાણીઓ સાથે ભોગવિલાસમાં લીન ત્રિપૃષ્ઠ વાસુદેવે એકવાર પોતાના શપ્પાપાલકને ઉંઘ આવી જાય ત્યારે સંગીત બંધ કરવાનો આદેશ આપ્યો હતો. સંગીતમાં લીન શપ્પાપાલક મુગ્ધ અવસ્થામાં હોઈ મહારાજને નિંદ્રા આવી ગઈ તેનું ધ્યાન રહ્યું નહીં. મોડી રાતે નિંદ્રાધીન ત્રિપૃષ્ઠની નિદ્રામાં સંગીત થકી ખલેલ પડતાં જાગી ગયા. આથી ક્રોધિત થઈ ત્રિપૃષ્ઠે બીજે દિવસે રાજ્યસભામાં શપ્પાપાલકના કાનમાં શીશુ રેડવાનો સૈનિકોને આદેશ આપ્યો. કાનમાં શીશુ રેડાવાથી શપ્પાપાલકનું મૃત્યુ થયું. આમ વાસુદેવે અશુભ કર્મનો બંધ ઉપાર્જીત કર્યો. જગતને તુચ્છ ગણનારા હિંસામાં નિઃશંક, ખૂબ આરંભ અને મહાપરિગ્રહ તથા ક્રૂર અધ્યવસાયથી સમ્પક્રત્વ જેવા રત્નોનો નાશ કરનાર વાસુદેવ નારકીનું આયુષ્ય બાંધીને ૮૪ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને સાતમી નરકમાં ઉત્પન્ન થયા. જે ભવિષ્યમાં ૨૪માં તીર્થંકર મહાવીર સ્વામી તરીકે જન્મ લઈ તમામ કર્મોનો ક્ષય કરી મોક્ષે જવાના હતા. શ્રી મહાવીર સ્વામીના કાનમાં ગોવાળે ખીલા મારેલા તે ત્રિપૃષ્ઠ પણે શપ્પાપાલકના કાનમાં રેડાયેલ શીશાથી બંધાયેલ કર્મોનો ઉદય હતો. બલદેવ, અચલ ને ત્રિપૃષ્ઠ વાસુદેવના નિધન પછી વૈરાગ્ય ઉત્પન્ન થતા દીક્ષા ગ્રહણ કરી આયુષ્ય પૂર્ણ કરી મોક્ષ પ્રાપ્ત કરી લીધું.

(વધુ એક તીર્થંકરની ઉપાસના સાથે મળીશું આવતા અંકે)

 

 

(કચ્છ ગુર્જરી ઓગસ્ટ ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates