શ્રી અરિષ્ટનેમિજી સ્વામી

શ્રી અરિષ્ટનેમિજી સ્વામી - યશ્વી સંજય શાહ, અંજાર

જૈનઃમહાન ધર્મ, મહાન સંસ્કૃતિ

તીર્થંકર પરિચય (ગતાંકથી ચાલુ)

 

જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં સૂર્યપુર નામની નગરી પર રાજા સમુદ્રવિજય રાણી શિવાદેવી સાથે શાસન કરતા હતા. કારતક વદ બારસની રાત્રે અંતિમ પહોરમાં રાણી શ્રી શિવાદેવીએ ૧૪ મહાન સ્વપ્ન જોયા. ચંદ્ર ચિત્રા નક્ષત્ર સાથે સંબંધિત હતો. અપરાજિત નામના અનુત્તર વિમાનમાંથી શંખદેવનો જીવ તે સમયે શિવાદેવીની કુક્ષિએ ઉત્પન્ન થયો. તે સમયે નરકની અંધકારમય ભૂમિમાં પણ પ્રકાશ થયો અને દુઃખમાને દુઃખમાં સતત પિડીત રહેનારને પણ થોડીવાર માટે સુખનો અનુભવ થયો. આ વાત જાણીને સ્વપ્ન પાઠકોને બોલાવવામાં આવ્યા. તેમણે જણાવ્યું કે ભાવિ તીર્થંકર ભગવાનનું ગર્ભમાં અવતરણ થયું છે. આ સાંભળી રાજા અને રાણીને હર્ષ અને સંતોષ થયો, તેમને અમૃતપાન જેવો આનંદ થયો. (ચ્યવન કલ્યાણક)

ગર્ભકાળ પુરો થતાં શ્રાવણ સુદ પાંચમની રાત્રે ચિત્રા નક્ષત્રના યોગમાં શ્યામવર્ણ અને શંખના લાંછનવાળા પુત્રનો જન્મ થયો. સ્વર્ગથી સર્વ દેવી-દેવતાઓ પધાર્યા. વિધિવત્‌ જન્માભિષેક થયો. ગર્ભકાળમાં માતાએ સ્વપ્નમાં અરિષ્ટમય ચક્રધારા જોઈ હતી, તેથી પુત્રનું નામ અરિષ્ટનેમિ રાખવામાં આવ્યું. (જન્મ કલ્યાણક)

સમય જતાં અરિષ્ટનેમિ કુમાર અવસ્થામાં આવ્યા. એક દિવસ અરિષ્ટનેમિ અન્ય કુમારો સાથે ક્રિડા કરતાં કરતાં શ્રીકૃષ્ણ આયુધશાળામાં આવ્યા. ત્યાં અરિષ્ટનેમિ કુમારે શ્રીકૃષ્ણનો શંખ વગાડીને તેમના બળનું પ્રમાણ આપ્યું. આ જોઈ શ્રીકૃષ્ણએ કહ્યું કે, ‘અરિષ્ટનેમિ’ પ્રશસ્ત અને પ્રશાંત લાગે છે, તે ઈચ્છે તો સમસ્ત ભારતના ચક્રવર્તી સમ્રાટ પણ થઈ શકે. ત્યારે તેમના ભાઈ બલદેવે જણાવ્યું કે શ્રીકુમાર ગંભીર, પ્રશાંત અને અલૌકિક છે. તેમને રાજ્યનો લોભ કે નથી ભોગમાં રસ. તે યોગી જેમ નિઃસ્પૃહ દેખાય છે.

ત્યારે દેવોએ જણાવ્યું કે શ્રી અરિષ્ટનેમિનો આત્મા એક ભવ્યાત્મા છે. તે કુમાર અવસ્થામાં દીક્ષા લઈને તીર્થંકર પદ પ્રાપ્ત કરશે. સમય જતાં શ્રી અરિષ્ટનેમિના માતાપિતાએ લગ્ન માટે આગ્રહ કર્યો. શ્રીકૃષ્ણ પણ શ્રી અરિષ્ટનેમિના લગ્ન માટે પ્રયત્નશીલ હતા. ત્યારે સત્યભામાએ તેમના નાના બહેન રાજેમતીનો પ્રસ્તાવ મૂક્યો. શ્રીકૃષ્ણએ કુમાર અરિષ્ટનેમિ માટે રાજેમતીના પિતા ઉગ્રસેનજીને માંગણી મૂકી. ખૂબ જ હર્ષથી લગ્નની ઉજવણીની ઘોષણા કરી. શ્રાવણ સુદ ૬નું મુહૂર્ત નીકળ્યું. રાજ્યભવન જ નહીં, આખી નગરી શણગારી. રાણીઓ અને નગરીમાં બહેનોથી મંગલ ગીતો ગવાયા. શ્રી નેમિકુમારને પૂર્વ દિશામાં મોઢું રાખીને એક ઉત્તમ આસન પર બેસાડ્યા. મુગુટ કુંડળ આદિથી ઉત્તમ અંગો શણગારવામાં આવ્યા. આ બાજુ રાજા ઉગ્રસેનજીના ભવનમાં લગ્નની તડામાર તૈયારી થઈ રહી હતી.

જાનના સ્વાગત સત્કાર માટે ઉચ્ચ કોટિની વ્યવસ્થા કરી. ભોજન વ્યવસ્થા માટે પુષ્કળ સામગ્રી ભેગી કરવામાં આવી. સેંકડો - હજારો પશુઓ અને પક્ષીઓ ભેગા કરવામાં આવ્યા. રાજેમતિને ગોશીર્ષચંદનથી પીઠી ચોળ્યા. બાદ, વસ્ત્ર અને અલંકારોથી સુશોભિત થાય તેમ તૈયાર કર્યા. જાન ખૂબ વિશાળ હતી. નગારા, નિશાન અને વાજિંત્રો મંગળ ધૂન વગાડતાં ચાલતા હતા. જાન આગળ વધતા, પર્વત જેવા ઊંચા હાથી પર બેઠેલા વરરાજા અરિષ્ટનેમિની દૃષ્ટિ વિશાળ વાડા અને પાંજરામાં પૂરેલા પશુઓ પર પડી.

ખૂબ મોટી સંખ્યામાં એકઠા કરેલા પ્રાણીઓ ભયથી ત્રસ્ત થઈને ચિચિયારી પાડતા હતા. તેઓ મૃત્યુથી ભયભીત હતાં, છતાં તેમની આશાઓ કોઈ દયાવાન પ્રત્યે લાગેલી હતી. અરિષ્ટકુમારે મહાવતને પૂછયું કે આ પશુઓને બાંધી કેમ રાખ્યા છે? ત્યારે મહાવતે જણાવ્યું કે આ બધા પ્રાણીઓ જાનના ભોજન માટે છે. કુમારે રથ વાડા પાસે લઈ જવાનો આગ્રહ કર્યો. કુમારે પશુઓનો સમુહ જોયો. સારથિને બધા પાંજરા ખોલી દેવાનો આદેશ આપ્યો. આ જોતાં શ્રી અરિષ્ટનેમિ ચિંતન કરવા લાગ્યા કે મનુષ્ય કેટલો ક્રૂર છે. રસ -લોલુપતા પૂરી કરવા માટે બીજા અસહાય જીવોના પ્રાણ લેવા તૈયાર થઈ ગયા. ધિક્કાર છે આવા લગ્ન પર. આમ વિચારી કુમાર લગ્નથી પાછા ફર્યા. આ ઘટનાથી તેમને વૈરાગ્ય આવી ગયો અને તેઓ રોજ વર્ષીદાન દેવા લાગ્યા.

શ્રી અરિષ્ટનેમિજીના આગળની કથા સાથે મળીશું આવતા અંકે.

 

 

 

(કચ્છ ગુર્જરી ફેબ્રુઆરી ૨૦૨૧ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)

 

 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates