શ્રી વિમલનાથજી સ્વામી

શ્રી વિમલનાથજી સ્વામી - યશ્વી સંજય શાહ (અંજાર), B.Tech (Civil)

જૈન : મહાન ધર્મ, મહાન સંસ્કૃતિ

(ગતાંકથી ચાલુ....)

જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં કપિલપુર નામની નગરી હતી. તે નગરી ધન, જન, વૈભવ અને સુખ સમૃદ્ધિથી ભરપુર હતી. કૃતવર્મા નામના રાજા ત્યાંના અધિપતિ હતાં. તેઓ તેમની મહારાણી શ્યામાદેવી સાથે રાજ્ય કરતા હતાં. મહારાણી કુળ, શીલ, લક્ષણ તેમજ વર્ણ વગેરેમાં સુશોભિત તથા શ્રી સંપન્ન હતા.

વૈશાખ સુદ-૧૨ના ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં મહારાણીશ્રી શ્યામાદેવીએ ૧૪ મહાન સ્વપ્નો જોયાં. તે સંકેત હતો એક મહાન તથા તેજસ્વી આત્માના જન્મનો જે ત્રણેય લોકમાં જ્ઞાન અને ધર્મનો દીપ પ્રગટાવશે. ધાતકીખંડ દ્વીપના પૂર્વવિદેહ ક્ષેત્રમાં ભરત નામની વિજયમાં મહાપુરી નામની નગરી હતી. પદ્મસેન મહારાજા તે નગરીના શાસક હતા. તેઓ ગુણોના ભંડાર અને જૈન ધર્મ પર પ્રગાઢ શ્રદ્ધા રાખનારા હતા. શ્રી સર્વગુપ્ત આચાર્યથી ભેટો થતાં તેમણે તેમની પાસેથી દીક્ષા લીધી. ચરિત્ર અને તપની ઉત્કૃષ્ટ આરાધના કરતા કરતા તીર્થંકર નામ કર્મ બાંધ્યું. તેઓ આયુષ્ય પૂર્ણ કરીને સહસ્ત્રાર દેવલોકમાં મહાન ઋદ્વિશાળી દેવ થયા તે જીવ દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને મહારાણી શ્રી શ્યામાદેવીના કૂખે ઉત્પન્ન થયા. (ચ્યવન કલ્યાણક)

ગર્ભકાળ પૂરો થતાં મહારાણીએ મહા સુદ ત્રીજની મધ્યરાત્રે ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં એક પરમ તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. તે સમયે બધા ગ્રહો પોતપોતાના ઉચ્ચ સ્થાન પર હતા. જન્મ થતાં જ ૫૬ કુમારિકા દેવીઓ સૂલિકાકર્મ કરવા માટે આવી ગઈ અને અન્ય દેવ તથા ઈન્દ્રો પણ જન્મોત્સવ કરવા આવ્યા. મેરુ પર્વત પર દેવોએ જન્મોત્સવ કર્યો. પ્રાતઃકાળ થયો, એટલે મહારાજા કૃતવર્માએ પણ જન્મોત્સવ શરૂ કર્યો. ગર્ભકાળમાં માતા વધુ વિમલ (નિર્મળ) થઈ ગઈ હતી. માટે પુત્રનું નામ વિમલકુમાર રાખવામાં આવ્યું. (જન્મ કલ્યાણક)

મહારાજા કૃતવર્માએ વિશાળ જન્મોત્સવ રાખ્યો. ૬૦ ધનુષ ઉંચું કદ ધરાવતા શ્રી વિમલકુમાર યુવાન થયા. સંસારથી વિરક્ત વિમલકુમારનાં પુણ્યકર્મની નિજર્રા અર્થે, પિતાની આજ્ઞા પર અનેક રાજકુમારીઓ સાથે વિવાહ થયા. ૧૫ લાખ વર્ષ સુધી રાજ્યનું શાસન કર્યું. પછી વર્ષીદાન આપીને સંસારનો ત્યાગ કર્યો અને મહા સુદ ચોથને દિવસે જન્મ નક્ષત્રમાં છઠ્ઠ તપની આરાધનામાં રહી ૧,૦૦૦ રાજાઓની સાથે દીક્ષા લીધી. ધ્યાનકટ્યા નગરી પર રાજા જય દ્વારા પારણો કર્યો અને અનેક નગરી-નગરી વિચરવા લાગ્યા. (દિક્ષા કલ્યાણક)

: સ્વયંભૂ વાસુદેવ ચરિત્ર :

દ્વારિકા નગરીના રૂદ્ર નામના રાજાને સુપ્રભા અને પૃથ્વી નામે બે રાણીઓ હતી. સુપ્રભા દેવીએ ચાર મહાસ્વપ્ન જોયાં અને પુત્રનું ચ્યવન થયું. તે બલદેવ પદનું સુચક હતું. જેનો જન્મ થતાં ભદ્ર નામ રાખવામાં આવ્યું. પૃથ્વી દેવીને સાત મહા સ્વપ્નથી વાસુદેવ પદના ધારક મહાપુરુષના આગમનનો સંદેશ મળ્યો અને પુત્રનું નામ સ્વયંભૂ રાખવામાં આવ્યું. મોટાભાઈ ભદ્રને સ્વયંભૂ પર ખૂબ સ્નેહ હતો. સ્વયંભૂ પણ ખૂબ બળવાન અને બધી કળાઓમાં પ્રવીણ થઈ ગયા. એકવાર બંને રાજકુમારોને એ વાતની ખબર પડી કે મેરક નામના અર્ધ ચક્રવર્તી અને પ્રતિ વાસુદેવે દંડ સ્વરૂપે શશિસૌમ્ય રાજાની બધી જ સંપત્તિ લઈ લેવાનો આદેશ આપેલ છે. બંને ભાઈઓને આ વાતની ખબર પડતાં દંડ સ્વરૂપ જતા કાફલાને લૂંટી લેવાનું નક્કી કર્યું અને લડાઈ કરી સરળતાથી તમામ સંપત્તિ મેરક પાસે જતી અટકાવી. તેથી મેરકને ગુસ્સો આવ્યો. તેણે દૂતને દ્વારકા મોકલી સંદેશ મોકલ્યો. ‘રૂદ્ર રાજ! તમારા પુત્રોએ મારો અનાદર કરેલ છે તેથી મારી સંપત્તિ તથા વિશેષ ભેટ મોકલી ક્ષમા યાચના કરો અને આ કલંક ધોઈ નાખો.’ દૂતની વાત સાંભળી રાજા વિચારમાં પડી ગયા, સ્વયંભૂકુમારને આ વાતની ખબર પડતા તેમણે દૂતને જણાવ્યું કે ‘જે રીતે મેરકે બીજા રાજાઓને જીતીને દક્ષિણ ભારતમાં રાજ્ય સ્થાપના કરી છે તે જ રીતે અમે પણ તેને હરાવી દક્ષિણ ભારતમાંનિષ્કંટક રાજ્ય કરીશું.’

મેરક રાજાનો કષાય અગ્નિ પ્રજ્વલિત થઈ ગયો. વિશાળ સેના સાથે દ્વારકા પર ચડાઈ કરી. યુદ્ધ શરૂ થઈ ગયું. નરસંહાર થવા માંડ્યો. મેરકના ચક્રના આઘાતથી સ્વયંભૂકુમાર મૂછર પામી રથમાં પડી ગયા. થોડીવારમાં સાવધાન થઈ તે જ ચક્રના પ્રહારથી મેરકનો વધ કરીને યુદ્ધનો અંત કર્યો. દક્ષિણ ભારતને પૂર્ણપૂણે જીતીને ત્રીજા વાસુદેવ પદ પર પ્રતિષ્ઠિત થયા.

બે વર્ષ સુધી છદ્મસ્થ અવસ્થામાં રહી શ્રી વિમલનાથ સ્વામીને પોષ સુદ છઠ્ઠના દિવસે છઠ્ઠ તપથી ઉતરાભાદ્રપદ નક્ષત્રમાં કેવળજ્ઞાન - કેવળ દર્શન પ્રાપ્ત થઈ ગયું. દેવો અને ઈન્દ્રોએ કેવળ-મહોત્સવ કર્યો (કેવલજ્ઞાન કલ્યાણક)

: બોધિ - દુર્લભ ભાવના :

શ્રી વિમલનાથજી સ્વામીએ પ્રથમ દેશના આપતાં ફરમાવ્યું : જીવ સ્થાવર કાયથી છૂટી, ત્રસ કાયમાં, ત્યાંથી બે ઈન્દ્રિય, ત્રે ઈન્દ્રિય, એમ વધતાં વધતાં પંચેન્દ્રિય અવસ્થામાં ખૂબ મુશ્કેલીથી અને લાંબા સમય બાદ પહોંચે છે. પંચેન્દ્રિય અવસ્થા પ્રાપ્ત કર્યા પછી પણ અકામ - નિજર્રાથી કર્મ ઓછા થયે મનુષ્ય જન્મ પ્રાપ્ત કરે છે. તેમાં પણ આર્ય દેશ, ઉત્તમ કુળ ઈન્દ્રિયોની પરિપૂર્ણતા અને દીર્ઘ આયુષ્ય પુણ્ય પ્રતાપે પ્રાપ્ત થાય છે. પુણ્યનો અત્યંત ઉદય હોય ત્યારે સત્‌ધર્મ કહેનારા સદ્‌ગુરુ અને ધર્મ શ્રદ્ધાની પ્રાપ્તિ અને શાસ્ત્ર સાંભળવાની અનુકૂળતા પ્રાપ્ત થાય છે.

ઉપરોક્ત અનુકૂળતા છતાં તત્વનિર્ણય રૂપ બોધિરત્નથી પ્રાપ્તિ થવી ખૂબ દુર્લભ છે. શ્રદ્ધા પછી પ્રતીતિ અને ત્યાર પછી રૂચિ થવી મહાનમાં મહાન પુણ્યનો ઉદય તેમજ કર્મનિજર્રા થાય ત્યારે જ થાય છે. અભવ્ય પ્રાણી પણ ચારિત્ર ગ્રહણ કરીને નવમા ગ્રૈવેયક સુધી ઉત્પન્ન થઈ શકે છે, પરંતુ બોધિ રત્નના અભાવમાં મુક્તિ મેળવી શકતા નથી. વાસ્તવમાં બોધિરત્ન એટલે તત્વની વિશુદ્ધ સમજણ, તેના પર શ્રદ્ધા, રૂચિને પ્રતીતિ થવી ખૂબ દુર્લભ છે, તેથી આ મહારત્નની રક્ષા કરવી જોઈએ.

ભગવાનનો ઉપદેશ સાંભળીને અનેક ભવ્યાત્માઓ મોક્ષમાર્ગના પથિક બન્યા. મંદર વગેરે ૫૬ ગણધર થયા. એક ગામેથી બીજા ગામ વિહાર કરતાં કરતાં ભગવાન દ્વારકા પધાર્યા. સમવસરણની રચના થઈ. વાસુદેવ અને બલદેવ ભગવાનને વંદના કરવા આવ્યા. ભગવાનનો ઉપદેશ સાંભળીને સ્વયંભૂ વાસુદેવે સમ્યકત્વ પ્રાપ્ત કર્યું અને ભદ્ર બલદેવે શ્રાવકપણું સ્વીકાર્યું.

ભગવાન વિમલનાથ પ્રભુના ૬૮૦૦૦ સાધુ, ૧૦૦૮૦૦ સાધ્વીઓ, ૧૧૦૦ ચૌદ પૂર્વધર, ૪૮૦૦ અવધિજ્ઞાની, ૫૫૦૦ મનઃપર્યવજ્ઞાની, ૫૫૦૦ કેવળજ્ઞાની, ૯૦૦૦ વૈક્રિયલબ્ધિધારી, ૨૦૮૦૦૦ શ્રાવક અને ૪૨૪૦૦૦ શ્રાવિકાઓ થયાં. બે વર્ષ ઓછા ૧૫ લાખ વર્ષ સુધી કેવલી ભગવંત પૃથ્વી પર વિચરતા રહ્યા. નિર્વાણ કાળ નજીક આવતા ૬૦૦૦ સાધુઓ સાથે સમેતશિખર પર્વત પર પધારી ૧ માસનો અનશન પૂર્ણ કરીને અષાઢ વદ સાતમે પુષ્ય નક્ષત્રમાં મોક્ષ પ્રાપ્ત કર્યું.

સ્વયંભૂ વાસુદેવ મહાપરિગ્રહ અને ભોગમાં લુબ્ધ બની ક્રૂર કર્મ કરતાં ૬૦ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી છઠ્ઠી નરકમાં ગયા. ભદ્ર બલદેવે વિરક્ત થઈ દીક્ષા લઈ ૬૫ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મોક્ષે પધાર્યા. ભગવાન શ્રી વિમલનાથજી સ્વામી ૬૦ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી, તીર્થની સ્થાપના કરી તીર્થંકર બન્યા અને સિદ્ધપદ પ્રાપ્ત કર્યું. હાલે સિદ્ધશિલામાં બિરાજે છે. તેમને મારા કોટી કોટી વંદન હોજો. (મોક્ષ કલ્યાણક)

વધુ એક તીર્થંકરની ઉપાસના સાથે મળીશું આવતા અંકે..

 

 

 

(કચ્છ ગુર્જરી ઓક્ટોબર - નવેમ્બર ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)  

Post your comment

Comments

No one has commented on this page yet.

RSS feed for comments on this page | RSS feed for all comments

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates