શ્રી શ્રેયાંસનાથ સ્વામી

શ્રી શ્રેયાંસનાથ સ્વામી - યશ્વી સંજય શાહ, અંજાર

જૈન મહાન ધર્મ, મહાન સંસ્કૃતિ

(તીર્થંકર પરિચય - ગતાંકથી ચાલુ)

જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં સિંહપુર નામે નગરી પર શ્રી વિષ્ણુરાજના રાણી શ્રી વિષ્ણુએ જેઠ વદ ૬ના જ્યારે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં હતો ત્યારે જોયેલા ૧૪ સ્વપ્નએ તીર્થંકરના ચ્યવનનો સંકેત હતો. પુષ્કરવર દ્વીપના અર્ધભાગના કચ્છ નામે વિજયમાં ક્ષેમા નગરી પર નલિનીગુલ્મ અધિપતિ હતા. ધન, યૌવન અને લક્ષ્મી સારરહિત લાગતાં કામભોગ પ્રત્યે ઉદાસીન થઈ રાજપાટ છોડી વૈરાગ્ય ભાવ ઉત્પન્ન થયો. શ્રી વજ્રદત્તસાધુ પાસે નિગ્રંથ પ્રવજર્યા સ્વીકારી ઉગ્ર તપ સાધના કરતાં તીર્થંકર નામકર્મ બંધ કર્યો. આયુષ્ય પૂર્ણ કરી સાતમા મહાશુક્ર દેવલોકમાં ઉત્પન્ન થયા. ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્ણ કરીને શ્રી વિષ્ણુ દેવીની કુખે ઉત્પન્ન થયા. (ચ્યવન કલ્યાણક)

ભાદરવા વદ ૧૨ના શ્રવણ નક્ષત્રમાં મહારાણી શ્રી વિષ્ણુએ સ્વર્ણ કાયાના પુત્રને જન્મ આપ્યો શ્રેયકારી પ્રભાવને કારણે માતાપિતાએ શ્રેયાંશ નામ રાખ્યું. સર્વ દેવીદેવતાઓ તીર્થંકર જન્મ મહોત્સવની ઉજવણી અર્થે પધાર્યા. (જન્મ કલ્યાણક)

યુવાન વયમાં અનેક રાજકુમારીઓ સાથે લગ્ન કરી ૨૧,૦૦,૦૦૦ વર્ષ સુધી કુમાર પણે રહ્યા. પિતાએ આપેલ રાજ્યના અધિકારી થયે ૪૨,૦૦,૦૦૦ વર્ષ સુધી રાજ્ય કર્યું. વૈરાગ્ય ઉત્પન્ન થયે વર્ષીદાન કરી ફાગણ વદ ૧૩ના શ્રવણ નક્ષત્રમાં છઠ્ઠ તપ સાથે પ્રવર્જ્યા અંગિકાર કરી. શક્ર દ્વારા મળેલ દેવદૂશ્ય વસ્ત્ર ધારણ કર્યું. સિદ્ધાર્થ નગરના શ્રી નંદરાજાએ ખીરથી પ્રભુનું છઠ્ઠ તપનું પારણું કરાવ્યું. (દીક્ષા કલ્યાણક)

:  ત્રિપૃષ્ઠ વાસુદેવ :

આદિનાથ સ્વામીના પૌત્ર એ મરિચિનો આત્મા આજ ચોવીસીમાં ૨૪માં તીર્થંકર શ્રી મહાવીર સ્વામી થવાના હતા. તે જ પ્રથમ વાસુદેવ ત્રિપૃષ્ઠ શ્રી શ્રેયાંસ નાથના સમકાલીન થયા. શ્રી રીપુપ્રતિશત્રુના પુત્ર શ્રી ત્રિપૃષ્ઠ વાસુદેવ અને તેમના મોટાભાઈ અચલ બલદેવ થયા. બંને ભાઈઓ વચ્ચે અતૂટ ભાતૃપ્રેમ હતો અને ખૂબ જ સુખમય જીવન વ્યતિત કરતા હતા. બંને ભાઈ મહાન યોદ્ધા, પ્રચંડ પરાક્રમી અને નિર્ભીક હતા.

રત્નપુર નગરના રાજા અશ્વગ્રીવ ખૂબ જ મહાન યોદ્ધા હતા. શક્તિ, સામર્થ્ય અને પરાક્રમથી ત્રણ ખંડ પર વિજય પ્રાપ્ત કર્યો. તે પ્રતિ વાસુદેવ હતા. એકવાર અશ્વગ્રીવને એવી શંકા થઈ કે, ‘મારા સામ્રાજ્ય માટે ભય ઉત્પન્ન કરે તેવો વીર પેદા થઈ શકે?’ શંકા નિવારણ અર્થે રાજ્યના અશ્વબિંદુ નામના ભવિષ્યવેત્તાને પૂછતાં જાણવા મળ્યું કે,‘જે રાજ્યના ચંડવેગ નામના દૂતનો પર ભવ કરશે અને પશ્ચિમ સીમાંત વનનાં સિંહનો વધ કરશે તે રાજા માટે ઘાતક બનશે.’ તે જ સમયે પશ્ચિમ વનથી એવા સમાચાર આવે છે કે કેસરીસિંહે ખૂબ ઉત્તપાત મચાવેલ છે. અશ્વગ્રીવને વિચાર આવે છે કે શત્રુ ઓળખવાનો આ શ્રેષ્ઠ અવસર છે. રાજ્યસભા બોલાવી અશ્વગ્રીવે પ્રશ્ન કર્યો કે, ‘રાજ્યમાં પરાક્રમી અસાધારણ શક્તિશાળી વ્યક્તિને કોઈ ઓળખે છે?’ એક મંત્રીએ જણાવ્યું કે પોતાનપુરના શ્રી રીપુ પ્રતિશત્રુના બે પુત્રો બળવાન અને પરાક્રમી છે તેવું જાણી અશ્વગ્રીવે ચંડવેગને પોતાનપુર જવાનું કહેતાં ખૂબ આડંબરપૂર્વક ચંડવેગ પોતાનપુર પહોંચ્યો.

દ્વારપાળની અવગણના કરી ચંડવેગે આનંદપૂર્વ ચાલતી રાજ્યસભામાં સીધો પ્રવેશ કર્યો. રાજદૂતનું સન્માન કરવા શ્રી રીપુપ્રતિશત્રુ પોતે સિંહાસન પરથી ઉભા થતાં સભાજનો પણ ઉભા થતાં સભામાં વિક્ષેપ થયો. કસમયે આવેલા રાજદૂતથી વાતાવરણ ગંભીર થયું. તે ત્રિપૃષ્ઠને ગમ્યું નહિ, તેથી ત્રિપૃષ્ઠે પૂછયું કે ‘આ વ્યક્તિ કોણ છે?’

જાણમાં આવ્યું કે મહારાજાધિરાજ અશ્વગ્રીવના પ્રિયદૂત છે. આને ખુશ રાખવાથી રાજા ખુશ છે અને નાખુશ કરવાથી રાજ્ય પર ભયંકર સંકટ આવી શકે છે. ત્રિપૃષ્ઠ એવું માનવા તૈયાર ન હોઈ તેણે અને અચલે ચંડવેગ પાસેથી જીવન સિવાય બધું જ લઈ લેતાં અપમાનિત કરી જવા દીધો. આ વાત રાજદૂતે અશ્વગ્રીવ પાસે જઈ વૃત્તાંત પૂર્વક સમજાવી. જે સાંભળી ક્રોધિત થયેલા અશ્વગ્રીવન ભવિષ્ય કથન યાદ આવતાં બીજો દૂત પોતનપુર મોકલી પશ્ચિમી પ્રદેશને સિંહથી ભયમુક્ત કરવા આદેશ આપ્યો. રાજાએ બંને પુત્રો ત્રિપૃષ્ઠ અને અચલને વનમાં જઈ સિંહનો વધ કરવા જણાવ્યું. ખૂબ જ કુશળતાપૂર્વક બંને કુમારોએ સિંહનો વધ કર્યો. તે સમાચાર મળતાં અશ્વગ્રીવને જાણે વજ્રપાત થયો હોય એવું લાગ્યું.

દક્ષિણમાં રથનપુર નામની અનુપમનગરી પર વિદ્યાધર રાજ શ્રી જ્વલનજટીને અનુપમ સૌંદર્યવાન સ્વયંપ્રભા નામે પુત્રી હતી. ત્રણેય ખંડમાં તે ઉત્તમ સૌંદર્યવાન હતી. પિતાએ સ્વયંપ્રભાના વિવાહ ત્રિપૃષ્ઠ સાથે નક્કી કર્યા. ભવ્ય સમારોહપૂર્વક લગ્નવિધિ સંપન્ન થઈ. આ સમાચાર સાંભળી અશ્વગ્રીવ ક્રોધથી ભળકી ઉઠ્યા. ઈર્ષ્યાથી વિકરાળ બની અશ્વગ્રીવે સામંતોને યુદ્ધની તૈયારી કરવા જણાવ્યું. બંને વિજયી થયા અને અશ્વગ્રીવ હણાયા. આથી ત્રિપૃષ્ઠ પ્રતિવાસુદેવ અશ્વગ્રીવનો વધ કરી આ ચોવીસીના પ્રથમ વાસુદેવ થયા. શ્રી શ્રેયાંસનાથ સ્વામીના જીવન ચરિત્ર્યનો ઉત્તરાર્ધ આવતા અંકે. 

(હજી એક તીર્થંકરની આરાધના સાથે મળીશું આવતા અંકે.)

 

 

(કચ્છ ગુર્જરી જુલાઇ ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates