શ્રી શીતલનાથસ્વામી

શ્રી શીતલનાથસ્વામી - યશ્વી સંજય શાહ, અંજાર

તીર્થંકર પરિચય

(ગતાંકથી ચાલુ....)

જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં ભદિ્‌લપુર નામના નગર પર દૃઢરથ નામના મહારાજા રાણી શ્રી નંદાદેવી સાથે રાજ્ય ચલાવતા હતા. એક શુભ રાત્રિએ ચંદ્ર જ્યારે પૂર્વાષાઢા નક્ષત્રમાં હતો, રાણીશ્રી નંદાએ ૧૪ ભવ્ય સ્વપ્ન જોયાં. જે સંકેત હતો એક ભવ્ય આત્માના જન્મનો જે ત્રણેય લોકમાં ધર્મ અને શાંતિનો માર્ગ પ્રશસ્થ કરશે. સુસીમા નામની નગરી પર પદ્મોત્તર નામના રાજા રાજ્ય કરતા હતા. જે આ સંસારના દરેક જીવ માટે કરુણા અને અનુકંપાનો ભાવ ધરાવતા હતા. એક શુભ દિવસે રાજાશ્રી પદમોત્તરને વૈરાગ ભાવના ઉજાગર થતાં તેમણે આ સંસાર ત્યજી ત્રિસ્તાધ નામના આચાર્યજી પાસે દીક્ષા લીધી અને ચારિત્રની આરાધના કરતા કરતા તીર્થંકર નામ કર્મ ગોત્ર બાંધી, પ્રાણત દેવલોકે રાજા પદ્મોત્તરના જીવે ૨૦ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી મહારાણીશ્રી નંદાના કુક્ષીમાં ઉત્પન્ન થયા. (ચ્યવન કલ્યાણક)

નવ માસને સાડા સાત દિવસ પછી માધ વદ ૧૨ના મહારાણીશ્રી નંદા ને સ્વર્ણ કાયાના તેજસ્વી તથા સુંદર પુત્રનો જન્મ થયો. ત્રણેય લોકમાં અંધકારનો નાશ થયો. વાતાવરણ સંગીતમય બની ગયું. દેવલોકથી સર્વ દેવી દેવતાઓ પધારી શ્રી તીર્થંકર જન્મોત્સવની તૈયારી કરવા લાગ્યા. બાળક શીતલતાનો પ્રતિક હોવાથી બાળકનું નામ ‘શીતલ’ રાખવામાં આવ્યું. ગર્ભકાળમાં મહારાજાના શરીરમાં જ્વલન પેદા થઈ હતી પરંતુ રાણીના સ્પર્શથી બધી જ્વલન મટીને શીતળતા વ્યાપી ગઈ. આ ઘટનાને ગર્ભસ્થ જીવનો પ્રભાવ માનીને પુત્રનું નામ ‘શીતલ’ રાખવામાં આવ્યું. (જન્મ કલ્યાણક)

૧૦ ધનુષ ઉંચું કદ, કલ્પવૃક્ષ જેવું વ્યક્તિત્વ સાથે શ્રી શીતલ તેમનાં પુણ્યોના ક્ષય માટે યુવા અવસ્થા જીવી રહ્યા હતા. માતાપિતાના આદેશથી શ્રી શીતલે લગ્ન કર્યા. ૨૫ પૂર્વના આયુષ્ય પર શ્રી શીતલે પિતાના આદેશથી રાજ્યભાર સંભાળ્યો. અને પછીના ૫૦ વર્ષો સુધી રાજ્ય ચલાવ્યું. સમય વિતતાં શ્રી શીતલને સંસારનો મોહ ભંગ થતાં. ઈન્દ્રનું આસન ચલાયમાન થયું અને શ્રી શીતલે પ્રવજ્યા ધારણ કરવા નિર્ધાર કર્યો. દેવદુસ્ય વસ્ત્ર ધારણ કરી શ્રી શીતલ સહશ્રામ્રવન પધાર્યા. દીક્ષા અંગીકાર કરતાં જન્મથી જ ત્રણ જ્ઞાન ધરાવતા શ્રી શીતલને મનઃપર્યવ જ્ઞાન પ્રાપ્ત થયું. છઠ્ઠતપની આરાધનામાં વિચરતા રિસતપુર નામની નગરીએ પધાર્યા. શ્રી પુનરવસુ નામના રાજાએ ખીરથી પારણું કરાવ્યું. મુનિ ત્રણ માસ માટે નગર-નગરી વિચરતા રહ્યા. (દિક્ષા કલ્યાણક)

વિચરતા-વિચરતા શ્રી મુનિ ફરી સહશ્રામ્રવન પધાર્યા. અંજીરના વૃક્ષ નીચે કાઉસ્સગ્‌ મુદ્રામાં પ્રતિમાની જેમ એકાગ્રત શ્રી શીતલમુનિના ચાર ધાતી કર્મોનો ક્ષય થતાં કેવલજ્ઞાન કેવલ દર્શન પ્રાપ્ત થયું. તે પોષ વદ ૧૪ના દિને ચંદ્ર જ્યારે પૂર્વાષાઢા નક્ષત્રમાં હતો. (કેવલજ્ઞાન કલ્યાણક)

શ્રી પ્રભુ પૂર્વ દિશાથી દેવો દ્વારા રચિત સમોવશરણમાં પધાર્યા.

સંવરભાવ : સંસારમાં બધા પૌદ્‌ગલિક પદાર્થો, વિવિધ પ્રકારનાં દુઃખોના કારણ છે અને ક્ષણિક છે. પૌદ્‌ગલિક રુચિ જ આસ્ત્રવનું મૂળ અને દુઃખની સજર્ક છે અને આસ્ત્રવનો નિરોધ કરવો તે સંવર છે. સંવર અનંત સુખોનો ભંડારરૂપ મોક્ષ પ્રાપ્ત કરવાનું સાધન છે. દ્વવ્ય સંવર અને ભાવ સંવર એમ બે પ્રકારના સંવર હોય છે. બુદ્ધિશાળી મનુષ્ય મન, વચન અને કાયાના યોગજન્ય આસ્ત્રવ ને ત્રણ ગુપ્તિઓના અંકુશથી વશ કરે છે. સમ્યગ્‌ દર્શન દ્વારા આર્તધન અને રૌદ્રધ્યાન પર વિજય મેળવવો જોઈએ. સંવરના વીસ ભેદ આ પ્રમાણે છે. મિથ્યાત્વ- વિરતિ - અપ્રમત્તતા- કષાયત્યાગ- અશુભયોગોનો ત્યાગ, પ્રાણાતિપાત વિરમણ - મુષાવાદ વિરમણઅદ ત્તાદન વિરમણ- મૈથુનત્યાગ- પરિગ્રહત્યાગ-શ્રોતેન્દ્રિય સંવર – ચક્ષુરિન્દ્રિય સંવર - ઘ્રાણેન્દ્રિય સંવર - રસનેન્દ્રિય સંવર - સ્પર્શનેન્દ્રિય સંવર - મન સંવર – વચન સંવર- કાય સંવર - ભંડોપકરણ – સૂચિકુ શાગ્ર એમ વીસ સંવરથી પાપ કર્મના આશ્રવોને અટકાવવાની સમજ આપી.

પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, ૨૨ પરિગ્રહ, ૧૦ યતિધર્મ, ૧૨ ભાવના સામાયિક વગેરે ૫ ચરિત્ર એવા સંવરના ૫૭ ભેદની સમજ આપી. સંવરમય આત્મા, ધર્મ ચક્રવર્તીપદ પ્રાપ્ત કરીને ઈશ્વર-જિનેશ્વર બની જાય છે અને શાશ્વત સુખો પ્રાપ્ત કરી લે છે.

શ્રી પ્રભુની પ્રથમ દેશનામાં અનેક ભવ્યાતામાઓએ સર્વવિરતિરૂપ શ્રમણધર્મ સ્વીકાર્યો અને અનેક દેશવિરતિ શ્રાવક બન્યા. શ્રી પ્રભુના આનંદ વગેરે ૮૧ ગણધર થયા. પ્રભુના ધર્મોપદેશથી પ્રેરાઈને ૧,૦૦,૦૦૦ પુરુષોએ શ્રમણધર્મ સ્વીકાર્યો. ૧,૦૦,૦૦૬ સાધ્વીઓ થઈ, ૧,૪૧૪ પૂર્વધારી, ૭,૨૦૦ અવધિજ્ઞાની ૭,૫૦૦ મનઃપર્યવજ્ઞાની, ૭,૦૦૦ કેવળજ્ઞાની, ૧૨,૦૦૦ વૈક્રિયલબ્ધિવાળા, ૫,૮૦૦ વાદ લબ્ધિવાળા, ૨,૮૯,૦૦૦ શ્રાવકો અને ૪,૫૮,૦૦૦ શ્રાવિકાઓ થઈ.

શ્રી પ્રભુનો મોક્ષકાળ નજીક આવતાં પ્રભુ ૧૦૦૦ મુનિઓની સાથે સમેતશિખર પર્વત પર પધાર્યા અને એક માસનો સંથારો કર્યો. વૈશાખ વદ બીજના દિવસે ચંદ્ર પૂર્વાષાઢા નક્ષત્રમાં હતો, ત્યારે પ્રભુ એક લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરતાં પરમ સિદ્ધિ પામ્યા. આમ આશ્રવથી થતાં કર્મ પ્રવેશ ને સંવર ભાવથી અટકાવી આત્મ શુદ્ધિનો માર્ગ પ્રશસ્થ કરી પ્રભુ શ્રી શીતલનાથ સ્વામી વર્તમાનકાળે સિદ્ધશીલામાં બીરાજે છે, તેમને મારા કોટી કોટી વંદન હોજો. (મોક્ષ કલ્યાણક)

(હજી એક તીર્થંકરની આરાધના સાથે મળીશું આવતા અંકે.)

 

 

 

(કચ્છ ગુર્જરી જુન ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates