શ્રી શાંતિનાથજી સ્વામી

શ્રી શાંતિનાથજી સ્વામી - યશ્વી સંજય શાહ, અંજાર

શ્રી શાંતિનાથજી સ્વામી :

જૈનઃ મહાન ધર્મ, મહાન સંસ્કૃતિ

તીર્થંકર પરિચય (ગતાંકથી ચાલુ...)

જંબુદ્વીપના પૂર્વમહાવિદેહમાં પુષ્કલાવતી નામની વિજયમાં સીના નદીના તીરે પુંડરીકિણી નામની નગરી હતી. મેઘરથ રાજા રાજ્ય કરતા હતા. તે ખૂબ ધર્મભાવ ધરાવતા હતા અને બધા જીવો પ્રત્યે ખૂબ અહોભાવ હતો. એક વખત મેઘરથજી પૌષધશાળામાં પૌષધ અંગીકાર કરીને જિનપ્રરૂપિત ધર્મનું વ્યાખ્યાન આપી રહ્યા હતા. તે સમયે એક ભયભીત કબૂતર આવીને તેમના ખોળામાં આવીને બેસી ગયું અને કરુણાર્દ્ર સ્વરે બોલ્યું, ‘મને અભયદાન આપો, મને બચાવો.’ આમ મહારાજા મેઘરથ પાસે શરણ માંગે છે. ત્યારે જ એક બાજ મહારાજ પાસે આવીને કહે છે કે એ કબૂતર મારો ખોરાક છે. એને છોડી દો. તે વખતે મેઘરથ રાજા કબૂતરના વજન જેટલું  પોતાનું માંસ ત્રાજવે રાખે છે. પણ કબૂતરનો જ પલડો ભારે રહે છે. અંતે મેઘરથ રાજા કબૂતરની રક્ષામાં સંપૂર્ણ શરીર દાન આપે છે અને મેઘરથ રાજાનો જીવ તીર્થંકર નામ કર્મ ગોત્ર બાંધે છે. સંથારો કરીને આયુષ્ય પૂર્ણ થતાં તે સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં ૩૩ સાગરોપમની સ્થિતિવાળા દેવપણે ઉત્પન્ન થાય છે.

જંબુદ્વીપના ભરતક્ષેત્રના કુરુદેશમાં હસ્તિનાપુર નામનું નગર હતું. તે વિશાળ નગર ઉચ્ચ ભવનો અને ધજા પતાકાઓથી શોભતું હતું. તે નગર પર ઈક્ષ્વાકુવંશના મહારાજા વિશ્વસેનજી તેમની મહારાણી અચિરાદેવી સાથે રાજ્ય કરતા હતા. ભાદરવા વદ સાતમે ભરણી નક્ષત્રમાં મેઘરથજીનો જીવ ૩૩ સાગરોપત્રનું સુખમય આયુષ્ય પૂર્ણ કરીને મહારાણીના કુખે ઉત્પન્ન થયા. તે સમયે કુરુદેશમાં મરકી નામનો રોગ ફેલાયેલો હતો. ઉગ્ર સ્વરૂપે આ રોગનો આતંક છવાઈ ચૂક્યો હતો. પરંતુ મહારાણી અચિરાદેવીની કૂખે અવતરેલ ગર્ભસ્થ ઉત્તમ જીવના પ્રભાવથી મહામારી એકદમ શાંત થઈ ગઈ. જેઠ વદ તેરસના દિવસે ભરણી નક્ષત્રમાં જ્યારે બધા ગ્રહો ઉચ્ચ સ્થાનમાં હતા ત્યારે પુત્રનો જન્મ થયો. (ચ્યવન કલ્યાણક)

તે સમયે ત્રણેય લોકમાં પ્રકાશ ફેલાયો ને નારકીના જીવોને પણ થોડા સમય માટે સુખનો અનુભવ થયો. મહારાજા વિશ્વસેનજીએ પણ જન્મોત્સવ ઉજવ્યો. પુત્ર ગર્ભમાં હતો ત્યારે કુરુદેશમાં ફેલાયેલો મરકીનો રોગ શાંત થઈ જતાં પુત્રનું નામ શાંતિનાથ રાખવામાં આવ્યું. (જન્મ કલ્યાણક)

શાંતિનાથ ૨૫,૦૦૦ વર્ષના થયા ત્યારે મહારાજા વિશ્વસેનજીએ રાજ્યનો ભાર પુત્રને સોંપ્યો. શ્રી શાંતિનાથજી યથાવિધિ રાજ્યનું સંચાલન કરવા લાગ્યા. શ્રી શાંતિનાથે નિકાચિત કર્મોના ઉદયથી રાણીઓની સાથે લગ્ન કર્યા. અગ્રસ્થાને મહારાણી યશોમતી હતા. તેમનો એક પુત્ર થયો. સ્વપ્નમાં એક ચક્ર જોયું હતું, માટે પુત્રનું નામ ચક્રાયુધ રાખ્યું. મહારાજા શાંતિનાથજીએ ૨૫,૦૦૦ વર્ષ રાજ્યાસન સંભાળ્યું. અસ્ત્રશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. મહારાજાએ ચક્રરત્નનો અઠ્ઠાઈ મહોત્સવ કર્યો. ત્યારબાદ ૧,૦૦૦ દેવોથી અધિષ્ઠિત ચક્રરત્ન અસ્ત્ર શાળામાંથી નીકળીને પૂર્વ દિશા તરફ ચાલ્યું. તેની પાછળ મહારાજા શાંતિનાથજી સેના સાથે દિગ્વિજય કરવા રવાના થયા. દિગ્વિજયનું કાર્ય ૮૦૦ વર્ષમાં પૂરું કરીને મહારાજા હસ્તિનાપુર પધાર્યા. તેમને ચૌદ રત્નો અને નવ નિધાનો પ્રાપ્ત થયા. ત્યારબાદ ૨૫,૦૦૦ વર્ષમાં ૮૦૦ વર્ષ ઓછા સુધી ચક્રવર્તી પદનું પાલન કર્યું. હવે ચક્રવર્તી સમ્રાટ શ્રી શાંતિનાથજીનો સંસાર ત્યાગનો સમય નજીક આવી રહ્યો હતો. જેઠ વદ ૧૪ના દિવસે ભરણી નક્ષત્રના અંતિમ પહોરમાં છઠ્ઠ તપની આરાધનામાં રહી ૧૦૦૦ રાજાઓની સાથે સિદ્ધને નમસ્કાર કરીને પ્રવજ્યા અંગીકાર કરી, તે જ સમયે ભગવાનને મનઃપ્રર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું. (દિક્ષા કલ્યાણક)

મહર્ષિ શાંતિનાથજી એક ગામથી બીજા ગામ વિહાર કરતા કરતા એક વર્ષ પછી હસ્તિનાપુર પધાર્યા અને સહસ્ત્રામ્ર ઉદ્યાનમાં રોકાયા. પોષ માસના શુકલ પક્ષની નોમના દિવસે ચંદ્ર ભરણી નક્ષત્રમાં આવ્યો ત્યારે પ્રભુને કેવળજ્ઞાન- કેવળ દર્શન પ્રાપ્ત થયું. પ્રભુ સર્વજ્ઞ-સર્વદર્શી થઈ ગયા. ઈન્દ્રોએ પ્રભુનો કેવળજ્ઞાન મહોત્સવ કર્યો અને સમોવશરણની રચના થઈ. ભગવાને ધર્મદેશના આપી. (કેવળજ્ઞાન કલ્યાણક)

।। ધર્મદેશના ।। (ઈન્દ્રિય - જય)

કષાયો એ ચતુર્ગતિરૂપ સંસારના આધાર સ્તંભ છે. ક્રોધ, માન, માયા અને લોભના કષાયનું કારણ ઈન્દ્રિયો છે. ઈન્દ્રિયોના આનંદમાં મિથ્યાત્વના ભાવથી ગમન કરતો જીવ અનંત ભવો ફરી સંસાર સમુદ્રમાં દુઃખ સહન કરે છે. આ દુઃખનો અંત લાવવા સમ્યક્‌ત્વ અને વિતરાગ ભાવ એ એક માત્ર રસ્તો છે. આમ ઈન્દ્રિયોને વશ કરી કષાયને જીતવું એ લક્ષ્યમાં જ મોક્ષ તરફ જવાનો માર્ગ છે. ‘જે પ્રાણી મનને શુદ્ધ રાખીને ઈન્દ્રિયોને જીતે છે અને કષાયોને ક્ષીણ કરે છે, તે ખૂબ જ ઓછા સમયમાં અક્ષય સુખ એવા મોક્ષને મેળવી લે છે.’ આમ શ્રી શાંતિનાથ સ્વામીએ પ્રથમ દેશના આપી. આ દેશના સાંભળી ભગવાનના ચક્રાયુદ્ધ વગેરે ૯૦ ગણધર થયા. અનેક લોકોએ શ્રાવક વ્રત ગ્રહણ કર્યો અને ચર્તુવિધ સંઘની સ્થાપના થઈ. આમ શ્રી શાંતિનાથ તીર્થંકર થયા.

શ્રી ધર્મનાથ જિનેશ્વર પછી ૩ સાગરોપત્રમાં ૩/૪ પલ્યોપત્ર ઓછું હતું ત્યારે ભગવાન શાંતિનાથજી થયા. ભગવાન શાંતિનાથજીના ચક્રાયુદ્ધ વગેરે ૯૦ ગણધર થયા. ૬૨૦૦૦ સાધુ, ૬૧૬૦૦ સાધ્વીઓ, ૮૦૦ ચૌદ પૂર્વધર, ૩૦૦૦ અવધિજ્ઞાની, ૪૦૦૦ મનઃપર્યવજ્ઞાની, ૪૩૦૦ કેવળજ્ઞાની, ૬૦૦૦ વૈક્રિયલબ્ધિવાળા, ૨૪૦૦ વાદી વિજયી, ૨,૯૦,૦૦૦ શ્રાવક અને ૩,૯૩,૦૦૦ શ્રાવિકાઓ હતી.

ભગવાનનું કુલ આયુષ્ય એક લાખ વર્ષનું હતું તેમાંથી કુમાર અવસ્થા, માંડલિક રાજા, ચક્રવર્તીપણું અને વ્રતપર્યાયમાં ૨૫,૦૦૦- ૨૫,૦૦૦ વર્ષ વ્યતીત થયાં. નિર્વાણ સમય નજીક આવ્યો ત્યારે પ્રભુ સમેતશિખર પર્વત પધાર્યા અને ૯૦૦ સાધુઓની સાથે સંથારો કર્યો. ૧ માસના સંથારાને અંતે વદ બારસના દિવસે ભરણી નક્ષત્રમાં તે મુનિઓની સાથે મોક્ષે પધાર્યા. શ્રી પ્રભુ હાલ સિદ્ધ શિલામાં બિરાજે છે. તેમને મારા કોટી કોટી વંદન હોજો.

(વધુ એક તીર્થંકરની ઉપાસના સાથે મળીશું આવતા અંકે)

 

 

(કચ્છ ગુર્જરી ફેબ્રૂઆરી ૨૦૨૦ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)  

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates