શ્રી મુનિસુવ્રત સ્વામી

શ્રી મુનિસુવ્રત સ્વામી - યશ્વી સંજય શાહ, અંજાર

જૈનઃમહાન ધર્મ, મહાન સંસ્કૃતિ

જંબુદ્વીપના બીજા મહાવિદેહમાં આવેલ ભરત નામના વિજયમાં ચંપા નામની એક વિશાળ નગરી હતી. સુરશ્રેષ્ઠ નામના શ્રેષ્ઠ રાજા ત્યાંના રાજ્યાધિપતિ હતા. તેઓ દાનવીર, રણવીર, આચારવીર અને ધર્મવીર હતા. એક વખત રાજાએ નંદન નામના શ્રેષ્ઠ સાધુ પાસે ધર્મ દેશના સાંભળી. તેઓ વિરક્ત થઈને દીક્ષિત થઈ ગયા અને ઉત્તમ રીતે ચારિત્રનું પાલન કરીને તીર્થંકર નામકર્મ બાંધીને પ્રાણત નામના દસમા દેવલોકમાં ગયા. દેવલોકમાંથી રચ્યવીને તેઓ હરિવંશમાં ઉત્પન્ન થયા.

હરિવંશની ઉત્પત્તિ : કૌશામ્બી નગરીમાં સુમુખ નામના રાજા રાજ્ય કરતા હતા. તેઓ પરાક્રમી, સ્વરૂપવાન અને તેજસ્વી હતા. એક વખત વસંતોત્સવ ઉજવવા માટે તેઓ હાથી પર બેસીને નગરીની મધ્યમાં થઈને ઉદ્યાન તરફ જઈ રહ્યા હતા. વિરકુવિંદ નામના વણકરની પત્ની વનમાલા પર રાજાની દૃષ્ટિ પડી. રાજાએ પ્રધાનને કહ્યું કે વનમાલાને રાણીવાસમાં મોકલવાની તજવીજ કરો. પ્રધાને આત્રેયી નામની પરિવ્રાજિકાને બોલાવી. તે ખૂબ ચતુર અને વિદુષી હતી. ગૃહસ્થોનાં ઘરોમાં તેની પહોંચ હતી. આત્રેયીએ વનમાલાથી વાત કરી અને જાણ્યું કે વનમાલા પણ મહારાજથી મોહિત હતી. બીજા દિવસે આત્રેયી વનમાલા સાથે રાણીવાસ પહોંચી. વનમાલા સાથે રાજા કામક્રીડા કરવા લાગ્યા.

વિરકુવિંદ વણકરે ઘરે આવીને જોયું તો તેની પત્ની ઘરે ન હતી. તેથી આજુબાજુમાં શોધવા લાગ્યો. જ્યારે તેને ક્યાંયથી તેની પત્ની ન મળી ત્યારે તે ઉદ્વિગ્ન થઈ ગયો. તેની સ્થિતિ પાગલ જેવી થઈ ગઈ. તે ગલી ગલી ફરવા લાગ્યો અને વનમાલાને પોકારતો ભટકવા લાગ્યો. તેન કપડા ફાટી ગયા. વાળ વધી ગયા. આખું શરીર ધૂળથી મલિન થઈ ગયું. એક વખત તે વનમાલાનું રટણ કરતા કરતા ટોળાથી ઘેરાયેલો રાજમહેલની નજીક આવ્યો. કોલાહલ સાંભળીને રાજા તથા વનમાલા બારીમાં આવીને જોવા લાગ્યા. વિરકુવિંદ પર નજર પડતા રાજા અને વનમાલા સ્તબ્ધ થઈ ગયા. તે બંનેના મનમાં ગ્લાનિ છવાઈ ગઈ. તે બંનેને ખૂબ પછતાવો થયો. આ પ્રમાણે પશ્ચાતાપ કરી રહ્યા હતાં, ત્યાં જ આકાશમાંથી વીજળી પડી. રાજા અને વનમાલા બંને મૃત્યુ પામ્યા. તે બંને હરિ વર્ષ ક્ષેત્રમાં જુગલિયા મનુષ્ય રૂપે જન્મ્યા. માતા પિતાએ પુત્રનું નામ હરિ અને પુત્રીનું નામ હરિણી રાખ્યું. પૂર્વ સ્નેહના કારણે બંને સુખ ભોગવવા લાગ્યા.

રાજા અને વનમાલાનાં મૃત્યુની વાત જાણીને વિરકુવિંદ સ્વસ્થ થયો અને અજ્ઞાનતપ કરવા લાગ્યો. બાળતપના પ્રભાવથી તે પહેલા દેવલોકમાં કિલ્વિષી દેવ થયો. પોતાના વિભંગ જ્ઞાનથી તેણે હરિ અને હરિણીને જોયા. તેમને સુખ ભોગવતા જોઈ તેનો ક્રોધ ભડકી ઉઠ્યો. તેણે વિચાર્યું કે જો આ અહીં આયુષ્ય પૂર્ણ કરશે તો દેવલોકમાં જઈને સુખ ભોગવશે. એટલે એણે એવો ઉપાય કરવાનો વિચાર્યું કે અહીં પછી નરકમાં ઉત્પન્ન થાય. આ પ્રમાણે વિચાર કરીને દેવ યુગલનું અપહરણ કર્યું. સાથે કલ્પવૃક્ષ પણ લઈ લીધું. તે સમય ઈક્ષ્વાકુ વંશના ચંદ્રકીર્તિરાજા નિઃસંતાન મરી ગયા. રાજ્યનો મંત્રીગણ રાજ્યના ઉત્તરાધિકારી માટે વિચાર કરવા લાગ્યો. ત્યારે દેવ ઉત્પન્ન થયા. દેવે જણાવ્યું કે આપ સૌની ચિંતા દૂર કરવા તે એક યોગ્ય મનુષ્ય લાવ્યા છે. તે હરિ નામનો મનુષ્ય તમારા રાજા અને હરિણી રાણી થશે. તેઓ કલ્પવૃક્ષ ફળ ખાશે. આ ફળોની સાથે તેમને પશુ-પક્ષીના માંસ પણ ખવડાવો અને મદિરા પણ પિવડાવજો, તેનાથી સંતુષ્ટ થશે અને તમારું રાજ્ય બરાબર ચાલશે. દેવના કથન અનુસાર તેઓ યુગલને રથમાં બેસાડીને ઉપવનમાંથી રાજભવનમાં લાવ્યા અને હરિનો રાજ્યાભિષેક કર્યો. આ હરિરાજા ભગવાન શીતલનાથ તીર્થમાં થઈ ગયા. તેમણે અનેક રાજકન્યાઓ સાથે લગ્ન કર્યા. તેમના સંતાન હરિવંશના નામથી વિખ્યાત થયા. આ અવસર્પિણીકાળને આ આશ્ચર્યકારી (અછેરારૂપ) ઘટના છે. કાલાંતરમાં તે રાજાને  હરિણી રાણીથી એક પુત્ર ઉત્પન્ન થયો, તેનું નામ પૃથ્વીપતિ હતું અને પાપકર્મોનું ઉપાજર્ન કરીને હરિ અને હરિણી બંને નરકમાં ગયા.

મગધ દેશમાં રાજગૃહી નામનું નગર હતું.  હરિવંશમાં જન્મેલ સુમિત્ર નામનો રાજા ત્યાં રાજ કરતો હતો. મહારાણી પદ્માવતી તેની અર્ધાંગના હતા. રાજા રાણીનું જીવન સુખમય રીતે વ્યતીત થઈ રહ્યું હતું.

સુરશ્રેષ્ઠ મુનિરાજનો જીવ પ્રાણત દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને શ્રાવણ સુદ પૂનમની રાત્રે શ્રવણ નક્ષત્રમાં મહારાણી પદ્માવતીના ગર્ભમાં ઉત્પન્ન થયા. મહારાણીએ ચૌદ મહાન સ્વપ્ન દૃશ્યમાન થયા. (ચ્યવન કલ્યાણક)

ગર્ભકાળ પૂર્ણ થતાં જેઠ વદ આઠમની રાત્રે શ્રવણ નક્ષત્રમાં પુત્રનો જન્મ થયો. પુત્ર ગર્ભમાં આવ્યા બાદ માતાએ મુનિની  જેમ સુવ્રતોનું પાલન કર્યું. તેથી મહારાજાએ પુત્રનું નામ મુનિસુવ્રત રાખ્યું. સર્વ દેવી-દેવતાઓ તીર્થંકર જન્મોત્સવ અર્થે  પધાર્યા. (જન્મ કલ્યાણક)

દિક્ષા કલ્યાણક, કેવલજ્ઞાન કલ્યાણક, મોક્ષ કલ્યાણક અને સમકાલીન ઘટના સાથે આવતા અંકે મળીશું.

 

 

(કચ્છ ગુર્જરી જુલાઈ ૨૦૨૦ માસના અંકમાં પ્રસિદ્ધ થયેલ કૃતિ)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates