શ્રી મલ્લીનાથજી

શ્રી મલ્લીનાથજી - યશ્વી સંજય શાહ, અંજાર

જૈનઃમહાન ધર્મ, મહાન સંસ્કૃતિ

(ગતાંકથી ચાલુ...)

જંબુદ્વીપના અપરવિદેહના સલિલાવતી વિજયમાં વીતશોકા નામની નગરી હતી. બલ નામના રાજા મહારાણી ધારણી સાથે રાજ્ય કરતાં હતા. તેમનો એક મહાબલ નામનો રાજકુમાર હતો. તે સંપૂર્ણ પરાક્રમી હતો. રાજકુમાર મહાબલના છ બાળમિત્રો હતા. મહાબલ રાજા યુવાન થયા. બલરાજાએ રાજ્યભાર તેમને સોંપ્યું. મહાબલ રાજાને કમળશ્રી મહારાણીથી બલભદ્ર નામનો પુત્ર જન્મ્યો. મહાબલ રાજાએ આગળ જતાં જેમ બલભદ્ર યુવાન થયા તો તેમને રાજ્યભાર સોંપી પોતાના છ મિત્ર સંગે મહાત્મા વરધર્મ મુનિજી પાસે દિક્ષીત થયા.

મહાબલ રાજમુનિનો માયાચાર : દીક્ષા અંગીકાર કર્યા પછી સાતેય મુનિ રાજાઓએ પ્રતિજ્ઞા લીધી કે બધા એક જ પ્રકારની તપસ્યા કરશે. આ રીતે નિશ્ચય કરીને બધા સાધનામાં લીન થઈ ગયા. ત્યારે મહાબલ મુનિરાજને મનમાં વિચાર આવે છે કે ‘મારો દરજ્જો મારા મિત્ર રાજામાં ઊંચો રહ્યો છે, અહીં પણ તેઓ મારો આદર સત્કાર કરે છે, પણ જો આગળ જતાં હું તપસ્યા બધાની જેમ જ કરીશ તો મને ભવિષ્યમાં એકસરખી જ કક્ષા મળશે માટે મારે આ છ મુનિઓ કરતાં વિશેષ તપ કરવું જોઈએ. જેથી સ્વર્ગમાં પણ હું તેમનાથી ઉચ્ચપદ મેળવી શકું.’ આ રીતે વિચારતા તે બધાથી ગુપ્ત તપસ્યા કરવા લાગ્યા. જ્યારે પારણા કરવાનો સમય આવે ત્યારે બધા તેમને પારણું કરવાનું કહેતા તો તેઓ બહાનું બનાવીને પારણું ન કરતા અને તપસ્યા વધારી દેતા. આ માયાચારથી તેમણે સ્ત્રીવેદનો બંધ કરી લીધો. આ માયા ઉપરાંત તેમની સાધના ઉચ્ચ પ્રકારની હતી. ૨૦ પદની આરાધના કરતાં તેમણે તીર્થંકર નામકર્મ બાંધી લીધું. અંત સમય નજીક આવતા સાતેય મુનિરાજાએ અનશન કરી લીધું. આયુષ્ય પૂર્ણ કરીને તે સર્વ મુનિરાજ ત્રીજા અન્નુત્તર વિમાનમાં ઉત્પન્ન થયાં. તે બધાનું આયુષ્ય ૩૨ સાગરોપમનું હતું.

આ જંબુદ્વીપના દક્ષિણ ભરતાર્ધમાં મિથિલા નામે પ્રસિદ્ધ નગરી હતી તે ધન-ધાન્ય વગેરે ઉમતમતાઓથી સમૃદ્ધ હતી. મહારાજા કુંભ ત્યાંના શાસક હતા. મહારાણી પ્રભાવતી મહારાજા કુંભની અર્ધાંગિની હતી. મહાત્મા મહાબલીનો જીવ જયંત નામના અન્નુત્તર વિમાનમાંથી રયવીને ફાગણ સુદ ચોથે અશ્વિની નક્ષત્ર સાથે ચંદ્રમાનો યોગ હતો ત્યારે મહારાણી પ્રભાવતીના ગર્ભમાં આવ્યો. મહારાણીએ ૧૪ ભવ્ય સ્વપ્ના જોયા. (ચ્યવન કલ્યાણક)

ગર્ભકાળ પૂરો થયો. માગસર સુદ અગિયારસે અશ્વિની નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ થયો ત્યારે અને ઉચ્ચ સ્થાને રહેલા ગ્રહોના સમયે મધ્ય રાત્રે બધા શુભ લક્ષણોથી યુક્ત ઓગણીસમું તીર્થંકર પદ પ્રાપ્ત કરનારી પુત્રીનો જન્મ થયો. તેમનું રૂપ અનુપમ, અલૌકિક તેમજ સર્વશ્રેષ્ઠ હતું. યુવાનીમાં તેમનું શરીર અત્યંત ઉત્કૃષ્ટ રીતે શોભતું હતું. (જન્મ કલ્યાણક)

તીર્થંકર દેવલોકમાંથી જ અવધિજ્ઞાન લઈને આવ્યા હતા. તેમણે અવધિજ્ઞાનથી પોતાના પૂર્વભવના મિત્રોને જોયા અને ભવિષ્યનો વિચાર કરીને પોતાના સેવકોને આજ્ઞા આપી અને એક મોહનગૃહ બનાવવાનો આદેશ આપ્યો. જે અનેક થાંભલાઓવાળું હોય, એના મધ્યભાગમાં છ ઓરડા હોય, પ્રત્યેક ઓરડામાં એક જાળીવાળું ઘર હોય, તેમાં એક ઉત્તમ સિંહાસન મુક્યું હોય, દેખાવે ખૂબ જ મનોહર અને રમણીય હોય. આમ આજ્ઞા મુજબ મોહનગૃહનું નિર્માણ થયું. ત્યાર પછી રાજકુમારીએ પોતાના જેવા રૂપ લાવણ્ય વગેરે ઉત્તમતાઓથી ભરપૂર એક પોલી-પોલી સુવર્ણ પ્રતિમા બનાવડાવી. આ પ્રતિમા એક આસન પર સ્થાપિત કરવા દીધી. ત્યારબાદ ભગવતી મલ્લીકુમારી જે ભોજન કરતી, તેનો એક કોળિયો રોજ પ્રતિમામાં બનાવેલ છીદ્રમાં નાખીને ઢાંકણું બંધ કરી દેતી. આવું રોજ થવા લાગ્યું. માતા-પિતા આ જોઈને ખૂબ વિચારતા કે આવી સુંદર સુવર્ણ પ્રતિમામાં ભોજન નાંખીને શા માટે સડાવી રહી છે. પછી વિચારતા કે આની પાછળ જરૂર કોઈ ઉત્તમ ઉદ્દેશ્ય હશે. આ રીતે વિચારતા તેઓ સંતોષ પામતા.

સમય પસાર થતાં રાજકુમારના રૂપની પ્રશંસા સર્વ ભરતક્ષેત્રમાં થવા લાગી અને મહાબલ મુનિરાજના છ મિત્રો પણ ભરતક્ષેત્રના અલગ અલગ રાજ્યમાં રાજકુમાર બની જન્મ્યા. એવી ઘટનાઓનું સજર્ન થયું કે છ એ રાજાએ પોતાના દૂત વળે મિથિલા નરેશ કુંભ સામે રાજકુમાર મલ્લીની વિનયપૂર્વક માંગણી કરી. ત્યારે મિથિલેશે બધાની માંગણી અસ્વીકાર કરતા કહ્યું કે, ‘તમારા રાજા નાદાન અને મુર્ખ છે, જે મહાન આત્મા ઈન્દ્રો કરતાં પણ વધુ પૂજ્ય છે, તેમના પ્રત્યે તે રાજાઓનો મોહભાવ ધિક્કારવા યોગ્ય છે.’ આટલું કહીને દૂતોને અપમાનપૂર્વક કાઢી મૂક્યા. સર્વ રાજાઓ દૂતોનો અવાજ સાંભળીને ખૂબ ક્રોધિત થયા. તે સર્વ રાજાઓએ દૂત દ્વારા વિચારવિમાર્શ કરીને મિથિલેશ સાથે યુદ્ધ કરવા તત્પર થઈ ગયા અને યુદ્ધની ઘોષણા થઈ.

છ એ રાજાઓ એકબાજુ હતા અને બીજી બાજુ કુંભ રાજા એકલા હતા. મિથિલેશની અંતમાં હાર થઈ અને છ એ રાજાએ મિથિલાની બહાર ઘેરો નાખ્યો. કુંભ રાજા છ એ રાજાઓથી બચવાનો ઉપાય શોધવા લાગ્યા. પિતાને ખૂબ ચિંતામાં જોઈ મલ્લીકુમારીએ પિતાને કહ્યું, ‘આપ ચિંતા ન કરો, અને છ એ રાજાઓને અલગ અલગ દૂત મોકલીને કહેવડાવો કે અમે અમારી કન્યા આપને આપીશું.’ આમ કહી છ એ રાજાને ગુપ્ત રીતે બોલાવ્યા અને મોહન ગૃહના અલગ અલગ છ ખંડમાં રહેવાનું કહ્યું. સવાર પડી ત્યારે છ એ રાજાઓએ પોતપોતાના ઓરડામાંથી જાળી ઘરમાં સ્થાપેલ રાજ કન્યાની સુવર્ણ પ્રતિમા જોઈ તેમને વિશ્વાસ થઈ ગયો કે આજ રાજકન્યા છે. સર્વ રાજાઓ મોહિત થઈ ગયા ને એક નજરે જોવા લાગ્યા. ત્યાં મલ્લીકુમારીએ ગુપ્ત રહીને મૂર્તિના મસ્તક પરનું ઢાંકણું ખોલ્યું. પછી તો શું? તેમાં સંગ્રહાયેલા ભોજનમાંથી અસહ્ય દુર્ગંધ એકદમ બહાર નીકળીને આખું ભવન દુર્ગંધમય બની ગયું. દુર્ગંધ આવતા સર્વ રાજાઓએ નાક બંધ કરી નાખ્યું. ત્યારે મલ્લીકુમારી કહે છે કે હે રાજાઓ આ પ્રતિમા મારા રૂપરંગ જેવી જ છે છતાં એ સોનાની બનેલી છે. એમાં મેં એ જ ભોજન મૂક્યું છે જે હું લેતી હતી. જ્યારે સુવર્ણની પ્રતિમામાં આહારનું આવું અશુભ પરિણામ આવે, તો અસૂચિ-પુદ્‌ગલોવાળા શરીરનું પરિણામ સડવું, પડવું અને વિધ્વંશ સિવાય શું હોઈ શકે?’

મલ્લીકુમારી સમજાવે છે કે ‘આત્મબંધુઓ! અજ્ઞાન છોડો અને વિચાર કરો. આપણે બધા પૂર્વ ભવના સાથી છીએ. આ ભવથી પૂર્વ ત્રીજા ભવમાં આપણે બધા સાત બાળમિત્રો હતા. બધાએ સાથે જ સંસાર છોડી સંયમ સ્વીકાર્યો હતો પરંતુ હું તપ વધારતી રહી અને એ માયાચારિતાને કારણે મેં સ્ત્રી નામ-કર્મોનું બંધ કર્યો. બંધુઓ યાદ કરો!’ તે બધા એક ભવાવતારી, હળુકર્મી તેમ જ ઈશારા માત્રથી સમજનારા હતા. ભગવતી મલ્લીકુમારીનું કથન તેમના મનમાં બેસી ગયું અને તે બધાને જાતિ સ્મરણ જ્ઞાન પ્રગટ થયું. તે બધા રાજાઓએ પૂર્વ ભવ અને પારસ્પરિક સંબંધ જોયા. છ એ રાજા દ્વવ્ય અરિહંત ભગવાન મલ્લીનાથની પાસે હાજર થયા અને પૂર્વ ભવના સાતેય મિત્રો મળ્યા. ત્યારે મલ્લીકુમારી સંગે છ એ રાજાઓએ સંસાર છોડવાની ઈચ્છા પ્રગટ કરી. એમ બધા રાજાઓએ પોતાના પુત્રોને રાજ્યભાર સોંપી દીધો. ભગવતી મલ્લીકુમારીએ નિશ્ચય કર્યો કે ‘હું એક વર્ષ પછી દીક્ષા લઈશ’ આમ એક વર્ષ સુધી વર્ષીદાન આપી, ભગવતી મલ્લીકુમારીએ માતા-પિતાની આજ્ઞા લીધી અને ખૂબ હર્ષ સાથે મહોત્સવ શરૂ થયો. ભગવાને પોષ સુદ અગિયારસે અશ્વિની નક્ષત્રમાં દિવસના પૂર્વ ભાગમાં અઠ્ઠમ તપની સાથે પંચમુષ્ટિ લોચ કરી અને સિદ્ધ અને નમસ્કાર કરીને પોતે સામાયિક ચારિત્ર અંગિકાર કર્યું. (દીક્ષા કલ્યાણક)

ભગવાનને તે જ સમય મનઃપર્યવ જ્ઞાન પ્રાપ્ત થયું અને તે જ દિવસે સાંજે તેમને કેવળજ્ઞાન, કેવળ દર્શન પ્રાપ્ત થયું. તેઓ દ્વવ્ય તીર્થંકરમાંથી ભાવ તીર્થંકર થઈ ગયા. ત્યારબાદ ભગવાને પ્રથમ ધર્મદેશના આપી. (કેવળજ્ઞાન કલ્યાણક)

ધર્મદેશના : સમતાભાવ

રાગ-દ્વેષની સ્થિતિમાં સમતાભાવ રાખવો અને જળકમળવત અવસ્થામાં રહેવું તે સમતા ભાવ છે. જીવ જે કર્મોને કરોડો જન્મ સુધી તીવ્ર તપનું આચરણ કરીને પણ નષ્ટ કરી શકતો નથી, તે કર્મોને સમતા ભાવમાં રહીને ક્ષમાર્ધમાં નષ્ટ કરી દે છે. કોઈ વ્યક્તિ પોતાની ભુજાઓ પર ગોશીર્ષ ચંદનનો  લેપ કરે કે તલવારથી કાપી નાખે. તો પણ જેની  મનોવૃત્તિમાં ભેદ ઉત્પન્ન થતો નથી તે સમતાભાવ છે. જેમને રાગ-દ્વેષ જીતવા છે તેમણે એકમાત્ર સમતાને જ ધારણ કરવી જોઈએ. આ સમતા જ મોક્ષરૂપી વૃક્ષનું બીજ છે અને અનુપમ સુખ આપનાર છે.

સમતાભાવની સાંસ્કૃતિક અસર :

એકવાર સમતા ભાવ કેળવવાની આવડત ઉત્પન્ન થતાં માનવજાતિમાં સહનશીલતાનો ગુણ પ્રાપ્ત થયો.

* સમય સાથે બદલાતા સંજોગોમાં માનસિક સ્વસ્થતા કેળવવાના ગુણનો વિકાસ થયો.

* સમાજ વ્યવસ્થામાં અલગ અલગ વિચાર ધારાઓના સમન્વય સાથે સઃઅસ્તિત્વની ભાવના  મજબૂત થાય તે ગુણનો વિકાસ થયો.

ભગવાનના ભિષક વગેરે ૨૮ ગણધર થયા. ૪૦,૦૦૦ સાધુ, ૫૫,૦૦૦ સાધ્વીઓ, ૬૦૦ ચૌદ પૂર્વધર, ૨,૦૦૦ અવધિજ્ઞાની, ૮૦૦ મનઃપર્યવજ્ઞાની, ૧,૮૪,૦૦૦ શ્રાવકો અને ૩,૬૪,૦૦૦ શ્રાવિકાઓ થયા.

ભગવાન ૫૪,૯૦૦ વર્ષ સુધી તીર્થંકર નામકર્મના ઉદય અનુસાર વિચરીને ધર્મોપદેશ આપતા રહ્યા. નિર્વાણસમય નજીક આવતાં શ્રી પ્રભુ ૩૦૦ સાધુ અને ૩૦૦ સાધ્વી સાથે સમેતશિખર પર જઈને ૧ માસના અનશન પછી ચૈત્ર સુદ ચોથના દિવસે ભરણી નક્ષત્રમાં મોક્ષે પધાર્યા. તેમનું કુલ આયુષ્ય ૫૫,૦૦૦ વર્ષ હતું. (મોક્ષ કલ્યાણક)                   

વધુ એક તીર્થંકરની ઉપાસના સાથે મળીશું આવતા અંકે.

 

 

 

(કચ્છ ગુર્જરી જુન ૨૦૨૦ માસના અંકમાં પ્રસિદ્ધ થયેલ કૃતિ)

 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates