શ્રી કુંથુનાથજી સ્વામી

શ્રી કુંથુનાથજી સ્વામી - યશ્વી સંજય શાહ, અંજાર

જૈનઃમહાન ધર્મ, મહાન સંસ્કૃતિ

તીર્થંકર પરિચય (ગતાંકથી ચાલુ....)

જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નામનું મહાનગર હતું. મહારાજા શુરસેન ત્યાંના પ્રભાવશાળી રાજા હતા. તે ધર્માત્મા, ઉચ્ચ મર્યાદાના ધારક, ન્યાય અને નીતિના પાલક, પોષક અને રક્ષક હતા. શ્રીદેવી તેમની મહારાણી હતા. તે પણ કુળ, શીલ, સૌંદર્ય તેમજ ઔધર્ય વગેરે ઉત્તમ ગુણોથી સુશોભિત હતા. મહારાજા અને મહારાણીનું જીવન સુખપૂર્વક વ્યતીત થઈ રહ્યું હતું. શ્રાવણ માસની વદ ૯ના કૃતિક નક્ષત્રમાં મહારાણી શ્રીદેવીને ૧૪ ભવ્ય સ્વપ્ન દૃશ્યમાન થયા. ધાતકીખંડદ્વિપના પૂર્વવિદેહ ક્ષેત્રમાં આવત્ત વિજયમા ખડ્‌ગી નામની નગરીમાં સિંહવાહ રાજા રાજ્ય કરતા હતા. તે ઉત્તમ ગુણોથી સંપન્ન, ધર્મ ધુરંધર, ધર્મીઓના આધાર, ન્યાયના રક્ષક, પાપમદર્ક અને સમૃદ્ધિઓના સજર્ક હતા. સમય જતાં શ્રી સંવરાચાર્યના ઉપદેશથી પ્રભાવિત થઈને શ્રમણદીક્ષા અંગીકાર કરી. ઉત્તમ આરાધનાથી તીર્થંકર નામકર્મ બાંધ્યું. તે જીવ આયુષ્ય પૂર્ણ કરી સર્વાર્થ સિદ્ધ મહાવિમાનમાં ૩૩ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી મહારાણી શ્રીદેવીના કુખે ઉત્પન્ન થયા. (ચ્યવન કલ્યાણક)

ગર્ભકાળ પૂર્ણ થયો ત્યારે વૈશાખ વદ ચૌદસે (૧૪)ના કૃતિક નક્ષત્ર ઉચ્ચ ગ્રહોની સ્થિતિમાં પુત્રનો જન્મ થયો. એ ભવ્ય આત્માના જન્મથી ત્રણેય લોકમાં પ્રકાશ પુંજ ઝળહળી ઉઠ્યા. વાતાવરણ સુગંધિત તેમજ સંગીતમય બની ગયું. સર્વ દેવી-દેવતાઓ સ્વર્ગથી તીર્થંકર જન્મોત્સવ અર્થે પધાર્યા. ગર્ભકાળમાં માતાએ કુંથુ નામનો રત્ન ભંડાર જોયો હતો, માટે પુત્રનું નામ કુંથુનાથ રાખવામાં આવ્યું. (જન્મ કલ્યાણક)

યુવાન થતાં અનેક રાજકન્યાઓ સાથે કુમારના વિવાહ કરવામાં આવ્યા. ૨૩૭૫૦ વર્ષ સુધી કુમારપણે રહી મહારાજાએ રાજ્યભાર રાજકુમાર કુંથુનાથને સોંપ્યું. ૨૩૭૫૦ વર્ષ સુધી રાજકુમાર માંડલિક રાજા રહ્યા. ત્યારપછી આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. દિગ્વિજયમાં ૧૦૦ વર્ષનો સમય લાગ્યો. તેમણે ૨૩૭૫૦ વર્ષ સુધી ચક્રવર્તી પદ ભોગવ્યું. ત્યારબાદ વર્ષીદાન આપીને વૈશાખ વદ પાંચમે અંતિમ પહોરમાં કૃતિકા નક્ષત્રમાં ૧૦૦૦ રાજાઓ સાથે દીક્ષા અંગીકાર કરી. (દિક્ષા કલ્યાણક)

દીક્ષા લીધા પછી ૧૬ વર્ષ છદ્મસ્થ અવસ્થામાં રહ્યા. વિહાર કરતાં કરતાં શ્રી પ્રભુ હસ્તિનાપુરના સહસ્ત્રામ્રવના ઉદ્યાનમાં પધાર્યા. તિલકવૃક્ષની નીચે છઠ્ઠ તપની આરાધનામાં રહી તમામ ધાતીકર્મ જજર્રિત થઈ ચૂક્યા હતા. ધ્યાનની ધારા વેગવાન થઈ અને ધર્મધ્યાનથી આગળ વધીને શુકલ ધ્યાનમાં પ્રવેશી ગયા. મોહનું મહાવૃક્ષ ડગમગવા લાગ્યું. આત્માના અનંત બળથી તેના મૂળ ઉખડી ગયા અને મોહના મહાવૃક્ષનો નાશ થયો. તેની સાથે જ જ્ઞાનાવરણીય વગેરે ત્રણ ધાતીકકર્મોનો પણ નાશ થયો. ચૈત્ર માસની સુદ ત્રીજના (૩) દિવસે, કૃતિકા નક્ષત્રના યોગમાં શ્રી પ્રભુ સર્વજ્ઞ - સર્વદર્શી થયા. આમ કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં મહોત્સવની ઉજવણી થઈ. સર્વ દેવી-દેવતીઓએ સમોવશરણની રચના કરી. શ્રી કુંથુનાથજી સ્વામીએ પ્રથમ ધર્મદેશના આપી. (કેવળજ્ઞાન કલ્યાણક)

।। મનઃ શુદ્ધિ ।।

આ સંસારરૂપી સમુદ્ર ૮૪,૦૦,૦૦૦ યોનીરૂપી જળવમળોથી પણ ભયાવહ છે. મનઃશુદ્ધિ મોક્ષમાર્ગ બતાવનારી એવી દીપજ્યોતિ છે, જે ક્યારેય ઓલવાતી નથી. મનનો નિરોધ કરવાથી બધા કર્મનો વિરોધ (સંવર) થઈ જાય છે અને મનનો નિરોધ ન કરે, તેને બધા કર્મો ખૂબ મોટા પ્રમાણમાં બંધાય છે. મન શુદ્ધિ વિના તપ, શ્રુત, યમ અને નિયમોનું આચરણ કરીને કાયા-કલેશ કરવો કાયાને દંડ આપવો તે વ્યર્થ છે. મનની શુદ્ધિ દ્વારા રાગ-દ્વેષને જીતવા જોઈએ, જેથી ભાવોની મલિનતા દૂર થાય છે અને સ્વરૂપમાં સ્થિરતા આવે છે.

મનઃશુદ્ધિની સાંસ્કૃતિક અસરો :

* મનઃ શુદ્ધિથી ભવશુદ્ધિ અને તેના વડે સંસ્કારનો ઉદય થયો.

* સમાજ વ્યવસ્થામાં અને વ્યવહારમાં વચન અને કાયાના વર્તનમાં સંસ્કારનું મહત્ત્વ સ્થાપિત થયું.

* વ્રત આદરે કે વ્રત વિના પણ શુદ્ધ સંસ્કારી ભાવથી આપોઆપ સંવર નિજર્રાના ગુણનો ઉદય થયો.

* અલગ અલગ પ્રકારની સમાજ વ્યવસ્થામાં સંસ્કારી સમાજના નિર્માણના મૂળમાં મનઃશુદ્ધિનો ભાવ છે.

શ્રી પ્રભુએ ચતુર્વિધસંઘની સ્થાપના કરી અને કુંથુનાથજી સ્વામી ૧૭મા તીર્થંકર કહેવાયા. કેવળજ્ઞાન પછી ૨૩૭૩૪ વર્ષ સુધી પ્રભુ તીર્થંકરપણે વિચરીને ભવ્ય જીવો પર ઉપકાર કરતા રહ્યા. નિર્વાણનો સમય નજીક આવ્યો ત્યારે ૧૦૦૦ મુનિવરોની સાથે સમેતશિખર પર્વત પર પધાર્યા અને અનશન કર્યું. વૈશાખ વદ એકમે કૃતિકા નક્ષત્રમાં ૧ માસના અનશનથી બધા મુનિઓની સાથે મોક્ષ પામ્યા. ભગવાનનું કુલ આયુષ્ય ૮૪,૦૦૦ વર્ષનું હતું. ભગવાન શાંતિનાથજીના નિર્વાણ પછી ૧/૨ પલ્યોપમ જેટલા સમય પછી ભગવાન કુંથુનાથજી મોક્ષે પધાર્યા. (મોક્ષ કલ્યાણક)

પ્રભુના સ્વયંભુ ૩૭ ગણધર થયા, ૬૦૦૦૦ સાધુ, ૬૦૬૦૦ સાધ્વીઓ, ૬૭૦ ચૌદ પૂર્વધર, ૨૫૦૦ અવધિજ્ઞાની, ૩૩૪૦ મનઃપર્યવજ્ઞાની, ૩૨૦૦ કેવળજ્ઞાની, ૫૧૦૦ વૈક્રિયલબ્ધિવાળા, ૨૦૦૦ વાદલલબ્ધિવાળા, ૧૭૯૦૦૦ શ્રાવણ અને ૩૮૧૦૦૦ શ્રાવિકાઓ થયા.

શ્રી કુંથુનાથજી સ્વામીને મારા કોટી કોટી વંદન હોજો.

વધુ એક તીર્થંકરની ઉપાસના સાથે મળીશું આવતા અંકે.

 

 

 

(કચ્છ ગુર્જરી માર્ચ ૨૦૨૦ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates