શ્રી ધર્મનાથજી સ્વામી

શ્રી ધર્મનાથજી સ્વામી - યશ્વી સંજય શાહ, અંજાર

જૈનઃમહાન ધર્મ, મહાન સંસ્કૃતિ

તીર્થંકર પરિચય (ગતાંકથી ચાલુ....)

જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં રત્નપુર નામનું નગર હતું. એ ખૂબ ઋદ્ધિસંપન્ન અને ભવ્યતાયુક્ત હતું. મહારાજા ભાનુ મહારાણી સુવ્રતાદેવી સંગે શાસન કરતા હતા. દૂર દૂર સુધી અનેક રાજગણ એમની આજ્ઞામાં હતા. વૈશાખ સુદ - ૭ના પુષ્ય નક્ષત્રમાં મહારાણી શ્રી સુવ્રતાદેવીએ ૧૪ ભવ્ય સ્વપ્ન જોયાં. તે સંકેત હતો એક ભવ્ય આત્માના જન્મનો જે ત્રણેય લોકમાં ધર્મ જ્ઞાનના દીપક ઉજાગર કરશે. ધાતકીખંડ દ્વીપના પૂર્વમહાવિદેહ ક્ષેત્રમાં ભરત નામના વિજયમાં ભદ્રિલ નામે એક નગર હતું. આ નગરના અધિપતિ દૃઢરથ રાજા હતા. ખૂબ વિશાળ આધિપત્ય તેમજ વિશિષ્ટ સંપતિવાન હોવા છતાં તે આસક્ત ન હતા. તેમનો વૈરાગ્ય વધી રહ્યો હતો. વિમલવાહન મુનિરાજનો સંયોગ થતાં તેમની પાસે દીક્ષા ગ્રહણ કરી. ચારિત્રને તપના ઉત્તમ આચરણથી તીર્થંકર નામકર્મ ઉપાજર્ન કર્યું અને ધર્મ આરાધના કરતાં કરતાં સંથારાપૂર્વક આયુષ્ય પૂર્ણ કરીને વૈજયંત નામના અનુત્તર વિમાનમાં દેવ થયા. તે દૃઢરથ રાજાનો જીવ મહારાણી શ્રી સુવ્રતાદેવીના કૂખે ઉત્પન્ન થયો. (ચ્યવન કલ્યાણક)

મહારાણી શ્રી સુવ્રતાદેવીએ મહા સુદ ૩ના પુણ્ય નક્ષત્રમાં એક પુત્રને જન્મ આપ્યો. સ્વર્ગથી સર્વ દેવી-દેવતાઓ તીર્થંકર જન્મોત્સવ અર્થે પધાર્યા. સમસ્ત સૃષ્ટિમાં પ્રકાશ પૂંજ ઝળહળી ઉઠ્યા. વાતાવરણ સુગંધિત અને સંગીતમય બની ગયું. નારકીના જીવોને પણ ક્ષણભર માટે શાતા થઈ. આ રીતે તીર્થંકર જન્મોત્સવની ઉજવણી થઈ. (જન્મ કલ્યાણક)

૨,૫૦,૦૦૦ વર્ષની ઉંમરે વિવાહ કરી. ૫,૦૦,૦૦૦ વર્ષ સુધી રાજ્યાસન સંભાળી, સંસારનો ત્યાગ કરીને મોક્ષ સાધના કરવાનો નિશ્ચય કર્યો. પોતાના કલ્પ મુજબ લોકાંતિક દેવોએ પ્રભુની પાસે આવીને ધર્મપ્રવર્તનનું નિવેદન કર્યું. વર્ષીદાન આપીને પ્રભુએ મહા સુદ તેરસના દિવસે ચોથા પહોરે પુષ્ય નક્ષત્રની સાથે ચંદ્રનો યોગ હતો ત્યારે છઠ્ઠ તપ કરીને પ્રવર્જ્યા અંગીકાર કરી. (દિક્ષા કલ્યાણક)

।। પુરુરુષુષસિંહ વાસુદુદેવેવ ચરિત્ર ।।

ભરતખંડના અશ્વપુર નામના નગરમાં શિવ નામના રાજા રાજ્ય કરતા હતા. તેમને વિજયા અને અંબિકા નામની બે રાણી હતી. શ્રી વિજયા રાણીએ ચાર ભવ્ય સ્વપ્ન જોયા. ગર્ભકાળ પૂરો થતાં ઉત્તમ લક્ષણવાળા પુત્રનો જન્મ થયો. તેમનું નામ સુદર્શન રાખ્યું. સમય પસાર થતાં રાણી અંબિકાએ વાસુદેવનું ફળ દર્શાવતા સાત મહા સ્વપ્ન જોયાં. જન્મ થતાં જ અતિશય પરાક્રમ દર્શક લક્ષણો જોઈને તેમનું નામ પુરુષસિંહ રાખવામાં આવ્યું. બંને રાજકુમારોમાં ખૂબ સ્નેહ હતો. તેઓ બધી કળાઓમાં પારંગત થયા અને મહાબળીના રૂપમાં પ્રખ્યાત થયા.

શિવરાજાને પડોશના એક રાજા સાથે વેર થયું. બંનેની શત્રુતા ચરમસીમા પર પહોંચી ગઈ. રાજા શિવએ પોતાના જ્યેષ્ઠ પુત્ર સુદર્શનકુમારને સેના લઈને યુદ્ધ કરવા મોકલ્યા. રાજકુમાર પુરુષસિંહની પણ ખૂબ ઈચ્છા હતી પણ તેમને રાજા શિવે રોકી લીધા. સુદર્શનકુમાર જ્યારે યુદ્ધ કરી રહ્યા હતા. ત્યારે રાજા શિવને દાહ-જ્વર રોગ થઈ ગયો. તે ખૂબ પીડામાં હતા. રાજકુમાર પુરુષસિંહ પિતાશ્રીની સેવા કરી રહ્યા હતા ત્યારે જ દાસીઓ દોડતી-દોડતી કુસમાચાર લઈને આવી. દાસીઓએ જણાવ્યું કે મહારાણી પોતાના સર્વ હીરામોતી રત્નો આભુષણનું દાન આપી રહ્યા છે. જ્યારે રાજકુમારે પૂછયું કે, ‘શું આપ પણ મને ત્યાગીને જવા ઈચ્છો છો?’ ત્યારે મહારાણી જવાબમાં કહે છે કે, ‘તારા પિતાજી હવે બચવાના નથી. તેમનો રોગ તેમને લેવા જ આવ્યો છે. મારામાં એટલી શક્તિ નથી કે હું એક ક્ષણ પણ તેમનો વિયોગ સહન કરી શકું. આથી હું અગ્નિપ્રવેશ કરીને સ્વામીની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરવા ઈચ્છું છું.’ એમ કહીને તે ઝડપથી નીકળીને પહેલેથી તૈયાર કરાવેલ જાજવલ્યમાન ચિતામાં કુદીને મૃત્યુ પામ્યા. પિતાશ્રીએ રાજકુમાર પુરુષસિંહને આશ્વાસન આપતાં દેહ છોડ્યો. રાજકુમાર સુદર્શનને આ સમાચાર મળતાં, તેઓ રિપુને હરાવીને તરત પાછા વળ્યા. ધીરે ધીરે શોકનો પ્રભાવ ઓસરવા લાગ્યો.

એક દિવસ મહારાજાધિરાજ નિશુંભનો દૂત આવ્યો અને બંને રાજકુમારોને કહેવા લાગ્યો કે, ‘તમે બંને બાળક છો, કોઈ શત્રુ તમને સતાવે ને હરાવી દે, તો તે દુઃખદ હશે. માટે તમે બંને મારી પાસે આવીને રહો. ત્યાનાં પ્રબંધની યોગ્ય વ્યવસ્થા થઈ જશે.’ આ વાત સાંભળીને રાજકુમાર પુરુષસિંહ ક્રોધથી પ્રેરાઈ ગયા. તેમણે દૂતને આખરે કહ્યું કે, ‘તમે તમારા માલિકને કહી દો કે અમે તમારી ઈચ્છાના વશમાં નથી. અમને અમારી શક્તિ પર વિશ્વાસ છે.’ દૂતની વાત સાંભળીને મહારાજાધિરાજ નિશુંભ ગુસ્સે થયા અને સેના લઈને અશ્વપુર પર ચડાઈ કરી. ભયાનક યુદ્ધ થયું. નિશુંભે છોડેલ અંતિમ અસ્ત્ર, ચક્રને પુરુષસિંહે પોતાના કાબુમાં લઈ, તેજ ચક્ર વડે નિશુંભનો વધ કર્યો. તે પાંચમા પ્રતિવાસુદેવ હતા. અને પુરુષસિંહે તેના આખા રાજ્યને પોતાના આધીન કરી લીધું. તેમનો પાંચમા વાસુદેવ તરીકે અભિષેક થયો. સુદર્શનજી બલદેવપદ પામ્યા.

બે વર્ષ સુધી કર્મોની છદ્મસ્થ અવસ્થામાં રહી શ્રી ધર્મનાથજી સ્વામીને પોષ સુદ પુનમે કેવળજ્ઞાન - કેવળદર્શન પ્રાપ્ત થયું. દેવોએ સમોવશરણની રચના કરી. (કેવળજ્ઞાન કલ્યાણક)

શ્રી ધર્મનાથ સ્વામીએ પ્રથમ દેશના આપી.

કષાયને નષ્ટ કરવાની પ્રેરણાઃ

સંસારમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ ચારમાં મોક્ષનું સ્થાન સર્વપરિ છે. આત્મા પોતે જ જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ છે. જે આત્મા એ કષાય અને ઈન્દ્રિયને જીતે છે તે જ મુક્ત છે. સંસાર ભ્રમણ માટેના કષાયો ચાર છે. ૧) ક્રોધ, ૨) માન, ૩) માયા, ૪) લોભ. કષાયની તીવ્રતાને આધારે આ ભવ અને પરભવના પાપ પુણ્યનું ફળ દરેક સંસારી જીવે ભોગવવાનું હોય છે.

ક્રોધ : ક્ષમાથી જીતાય છે.

માન : વિનય, શ્રુત, શીલ તથા ધર્મ - અર્થનો ઘાત કરનાર માન કષાય છે. તે વિવેકરૂપી નેત્રને બંધ કરી દે છે. મૃદુતામાં જ બુદ્ધિમત્તા છે તેવું સમજી માન કષાયને નિયંત્રિત કરવું જોઈએ.

માયા : માયા અસત્યની માતા છે અને અવિદ્યાની આધારભૂમિ છે. તે છળકપટ અને વિશ્વાસઘાત જેવા દુગુર્ણોને ઉત્પન્ન કરે છે. માયાચારી કુટિલ મનુષ્ય ઉગ્ર કર્મ બાંધે છે તેથી બુદ્ધિમાને મુક્તિ પ્રાપ્ત કરવા સરળતાનો આશ્રય લેવો જોઈએ.

લોભ : તે દોષોની ખાણ છે અને ગુણોનું ભક્ષણ કરતો રાક્ષસ છે. સંતોષના મહા ગુણથી લોભ કષાયને નિયંત્રિત કરવું જોઈએ. કષાયને જીતનાર આત્મા આ ભવમાં સુખ પ્રાપ્ત કરે છે અને પરભવમાં પણ અક્ષય આનંદ પ્રાપ્ત કરે છે.

ધર્મ ઉપદેશની સાંસ્કૃતિક અસર :

- માનવ સ્વભાવના મનોવૈજ્ઞાનિક વિશ્લેષણનો દૃષ્ટિકોણ ઉત્પન્ન થયો.

- મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ વ્યક્તિત્વના મુલ્યાંકનની શરૂઆત થઈ.

- સામાજિક દૃષ્ટિએ ગુણવાન અને ગુણહીન વ્યક્તિત્વનું ચારિત્ર મુલ્યાંકન થયું.

- એક પેઢીથી બીજી પેઢીને સંસ્કાર આપવાનું ગુણ કેળવાયું.

પ્રભુની ધર્મ દેશના સાંભળીને અનેક લોકોએ દીક્ષા લીધી. બલદેવ સુદર્શનજી વગેરે ઘણા બધા વ્રતધારી શ્રાવક થયા અને વાસુદેવ પુરુષસિંહ સમ્યગદૃષ્ટિ બન્યા. શ્રી પ્રભુના ૬૪૦૦૦ સાધુ, ૬૨,૪૦૦ સાધ્વીઓ, ૯૦૦ ચૌદપૂર્વધર, ૩,૬૦૦ અવધિજ્ઞાની, ૪૫૦૦ મનઃપર્યવજ્ઞાની, ૪૫૦૦ કેવળજ્ઞાની, ૭૦૦૦૦ વૈક્રિયલબ્ધિવાળા, ૨૮૦૦ વાદલલબિધવાળા, ૨,૨૫,૦૦૦ શ્રાવક અને ૪,૧૩,૦૦ શ્રાવિકાઓ થયાં. મોક્ષસમય નજીક આવ્યે ભગવાન સમ્મેત શિખર પર્વત પર પધાર્યા અને ૧૦૮ સાધુઓની સાથે સંથારો કર્યો. જેઠ સુદ પાંચમે પુષ્ય નક્ષત્રમાં ૧ માસનો અનશન પૂર્ણ કરીને તે મુનિઓની સાથે ભગવાન મોક્ષ પધાર્યા. (મોક્ષ કલ્યાણક)

વર્તમાનકાળે સિદ્ધશિલામાં બિરાજમાન શ્રી ધર્મનાથજી સ્વામીને મારા કોટી કોટી વંદન હોજો.

 

(વધુ એક તીર્થંકરની ઉપાસના સાથે મળીશું આવતા અંકે.)

 

 

 

(કચ્છ ગુર્જરી જાન્યુઆરી ૨૦૨૦ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)  

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates