તીર્થંકર પરિચય
જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં ચંદ્રાનના નામની સમૃદ્ધ નગરી પર ખૂબ શક્તિશાળી એવા શ્રી મહાસેન નામના રાજા તેમના મહારાણી શ્રી લક્ષ્મણા જેમની સાદગી તથા સૌંદર્ય ચંદ્રથી પણ ચઢિયાતા હતા, તેમની સાથે રાજ્ય કરતા હતા. શ્રી મહાસેનની સેનાએ સમસ્ત પૃથ્વી પર પ્રભુત્વ મેળવ્યું હતું. ચૈત્ર વદ પાંચમના ચંદ્ર અનુરાધા નક્ષત્રમાં હતો ત્યારે રાણીશ્રી લક્ષ્મણાને ૧૪ ભવ્ય સ્વપ્ન દૃશ્યમાન થયાં જે એક મહાન આત્મા ત્રણેય લોકમાં જ્ઞાન તથા ધર્મના દીપ ઉજાગર કરશે તે ગર્ભ પ્રવેશનો સંકેત હતો. ઘાતકીખંડ દ્વીપના પૂર્વ વિદેહી ક્ષેત્રની શોભા એવી મંગલાવતી નામની નગરી પર શ્રી પદ્મ નામના રાજા રાજ્ય કરતા હતા. અત્યંત સામર્થ્ય ધરાવતા રાજા પદ્મનો સંસારની માયાથી મોહભંગ થતાં ગુરુ યુગાંધર પાસે દીક્ષા અંગીકાર કરી ખૂબ તપ-આરાધનાથી તિર્થંકર નામ કર્મ ગૌત્ર બાંધ્યું. આયુષ્ય પૂર્ણ કરી વૈજ્યંત વિમાનમાં ૩૦ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી રાણી શ્રી લક્ષ્મણાના કુક્ષીમાં ઉત્પન્ન થયા. (ચ્યવન કલ્યાણક)
પોષ વદ ૧૨ના ચંદ્ર જ્યારે અનુરાધા નક્ષત્રમાં હતો ત્યારે ચંદ્ર જેવી કાયા અને ચંદ્રનું ચિન્હ ધરાવતા શીશુનો જન્મ થયો. આ અવસર્પિણીના આઠમા તીર્થંકરના જન્મ સાથે સર્વે દિશાઓમાં આનંદની લહેર છવાઈ ગઈ. વાતાવરણ ખુશનુમા બની ગયું. દેવી-દેવતાઓ દેવ લોકથી પૃથ્વી પર પધાર્યા. કેટલીક ક્ષણો માટે નારકીના જીવોને પણ શાતા થઈ. બાળકની કાયા પર ચંદ્રનું ચિન્હ હોઈ ચંદ્રપ્રભઃ નામ રાખવામાં આવ્યું. (જન્મ કલ્યાણક)
૧૫૦ ધનુષ ઉંચું કદ ધરાવનાર ખૂબ જ્ઞાની અને તેજસ્વી રાજકુમારે યુવા અવસ્થામાં માતા-પિતાના કહેવાથી પુણ્ય કર્મના ક્ષય અર્થે રાજકુમારીઓ સાથે લગ્ન કર્યાં. અઢી લાખ પૂર્વ સુધી રાજકુમર રહ્યા. બાકી પિતાની આજ્ઞાથી ૬-૧/૨ પૂર્વ અને ૨૪ પૂર્વાંગ સુધી રાજ્યભાર સંભાળી સમસ્ત પૃથ્વી પર રાજ કર્યું. રાજા શ્રી ચંદ્રપ્રભ સંસારથી વિરક્ત થતાં ઈન્દ્રદેવનું આસન ચલાયમાન થયું. એક વર્ષના વર્ષીદાન બાદ શ્રી ચંદ્રપ્રભે સહશ્રામ્રવનમાં દેવી-દેવતાઓની ઉપસ્થિતિમાં દેવદુશ્ય વસ્ત્ર ધારણ કરી પોષ વદ-૧૩ના ચંદ્ર મૈત્રિય નક્ષત્રમાં હતો, ત્યારે બીજા ૧૦૦૦ રાજાઓ સાથે છઠ્ઠ તપની આરાધનામાં રહી પ્રવજ્યા ધારણ કરી. ત્રણ જ્ઞાન ધરાવતા શ્રી ચંદ્રપ્રભને ચોથું મનઃપ્રર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું. રાજાશ્રી સોમદત દ્વારા ખીરથી છઠ્ઠ તપનું પારણું કર્યું. (દીક્ષા કલ્યાણક)
ત્રણ માસ સુધી છદમસ્થ અવસ્થામાં વિહાર કરી, ધર્મનો ફેલાવો કરી, ફરી પાછા સહશ્રામ્રવનમાં પધાર્યા. પુનંગ વૃક્ષ નીચે પ્રતિમા સ્થિતિમાં ફાગણ વદ સાતમે ચંદ્ર અનુરાધા નક્ષત્રમાં હતો ત્યારે શ્રી ચંદ્રપ્રભઃને કેવલજ્ઞાન- કેવલદર્શન પ્રાપ્ત થયું. (કેવલ કલ્યાણક)
દેવો દ્વારા રચિત સમોવસરણમાં પ્રથમ ધર્મ દેશનામાં તેમણે ‘અશુચિ ભાવ’ની સમજ આપી. કાયાની માયામાં માનવી મોહાંધ થઈ શરીર પ્રત્યેની વાસ્તવિક દૃષ્ટિ કેળવી શકતો નથી અને અશુચિમય શરીર સાથે સ્નેહ કરે છે. નવ દ્વારોમાંથી ઝરતા દુર્ગંધમય ઝરણાથી બગડેલા દેહમાં પવિત્રતા શોધે છે, વીર્ય અને રુધિરથી ઉત્પન્ન થઈ, મલિન રસથી વધેલો અને ગર્ભ - જરાયુથી ઢંકાયેલો દેહ પવિત્ર હોઈ શકે નહિ. સુગંધિત તેલ અને લેપથી સ્વચ્છ કરીને ખૂબ પાણીથી ધોયેલું શરીર પણ થોડા સમયમાં દુર્ગંધમય બની જાય છે. આમ ખારા પાણીના સમુદ્રમાંથી રત્ન શોધી કાઢે, તે રીતે બુદ્ધિમાન મનુષ્ય પણ દુર્ગંધમય દેહથી મોક્ષરૂપી ફળ ઉત્પન્ન થાય એવું તપ કરી મહાન સુખની પ્રાપ્તિ કરે છે. આમ મનુષ્ય રૂપે મળેલ દેહનો મોક્ષરૂપી ફળ ઉત્પન્ન કરવા માટે ઉપયોગ કરવો એવા ધર્મભાવની શ્રી પ્રભુએ સ્થાપના કરી.
શ્રી દતતથા ૯૩ ગણધરોએ દીક્ષા અંગીકાર કરતાં ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ. શ્રી ચંદ્રપ્રભઃ તિર્થંકર કહેવાયા. તેમના સંઘમાં ૨,૫૦,૦૦૦ સાધુ, ૩,૮૦,૦૦૦ સાધ્વીઓ, ૨૦૦૦ ચૌદ પૂર્વધર, ૮૦૦૦ અવધિજ્ઞાની, ૮૦૦૦ મનઃપર્યવજ્ઞાની, ૧૦,૦૦૦ કેવળી, ૧૪,૦૦૦ વૈક્રિયલબ્ધિધારી, ૭,૬૦૦ વાદ લબ્ધિધારી, ૨,૫૦,૦૦૦ શ્રાવક અને ૪,૯૧,૦૦૦ શ્રાવિકાઓ થયા. પ્રભુ ૨૪ પૂર્વાંગ અને ૧ લાખ પૂર્વમાં ૩ મહિના ઓછા સમય સુધી તીર્થંકર પણે વિચર્યા બાદ ૧૦૦૦ સાધુઓની સાથે સમેતશિખર પર્વત પર એક માસના અનશનથી ભાદરવા વદ સાતમે શ્રવણ નક્ષત્રમાં સિદ્ધગતિ પામ્યા- પ્રભુનું કુલ આયુષ્ય ૧૦ લાખ પૂર્વનું હતું. પ્રભુશ્રી ચંદ્રપ્રભઃ સ્વામી હાલે સિદ્ધ શિલામાં બિરાજે છે તેમને મારા કોટી કોટી વંદન હો જો. (મોક્ષ કલ્યાણક)
(કચ્છ ગુર્જરીના એપ્રિલ ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)