શ્રી અરનાથ સ્વામી

શ્રી અરનાથ સ્વામી - યશ્વી સંજય શાહ, અંજાર

જૈનઃ મહાન ધર્મ, મહાન સંસ્કૃતિ

(ગતાંકથી ચાલુ...)

જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નામનું નગર હતું. ત્યાંના નગરવાસી સમૃદ્ધ અને રાજસી ઠાઠવાળા હતા. રાજાધિરાજ સુદર્શન તે નગરના અધિપતિ હતા. મહાદેવી તેમની પટરાણી હતી. તે મહિલાઓના ઉત્મોત્તમ ગુણો અને લક્ષણોવાળા હતા. મહારાણીએ ફાગણ સુદ ત્રીજે (૩) રેવતી નક્ષત્રમાં ૧૪ ભવ્ય સ્વપ્ન જોયા. તે સંકેત હતો એક મહાન અત્માના જન્મનો, જે ત્રણેય લોકમાં ધર્મના દીપ ઉજાગર કરશે.

જંબુદ્વીપના પૂર્વવિદેહ ક્ષેત્રમાં વત્સ નામની  વિજય હતી. તેમાં સુસીમા નામની નગરી હતી. ધનપતિ નરેશ ત્યાંના શાસક હતા. તેઓ દયાળુ, નમ્ર અને સ્વભાવે શાંત હતા. તે ઉદાર રાજાના મન મંદિરમાં જિનધર્મનો નિવાસ હતો. રાજાએ સંસારથી વિરક્ત થઈ સંવર નામના સંપતિની પાસે દીક્ષા લીધી. સાધના કરતા કરતા તેમણે તીર્થંકર નામ કર્મ બાંધી લીધું અને સમાધિ ભાવમાં કાળે કરીને સર્વોપરી ગૈ્રવયકમાં અહમેન્દ્રના રૂપમાં ઉત્પન્ન થયા. મુનિરાજાશ્રી ધનપતિનો જીવ ગ્રૈવયકનું આયુષ્ય પૂર્ણ કરીને મહાદેવીના કૂખે ઉત્પન્ન થયા. (ચ્યવન કલ્યાણક)

ગર્ભકાળ પૂર્ણ થતા સુકુમાર પુત્રનો જન્મ થયો. સર્વ દેવી-દેવતાઓ તીર્થંકર જન્મોત્સવ અર્થે પધાર્યા. માતાએ સ્વપ્નમાં ચક્રના આરા જોયા હતા. માટે પુત્રનું નામ અર રાખવામાં આવ્યું. શ્રી તીર્થંકરના જન્મથી ત્રણેય લોકમાં પ્રકાશપુંજ ઝળહળી ઉઠ્યા. નારકીના જીવોને પણ ક્ષણભર શાતા થઈ. વાતાવરણ સુગંધિત અને સંગીતમય બની ગયું. ભવ્ય તીર્થંકર જન્મોત્સવની ઉજવણી થઈ. (જન્મ કલ્યાણક)

અરકુમાર યુવાન થયા ત્યારે અનેક રાજકુમારીઓની સાથે વિવાહ થયા. તેમને જન્મથી ૨૧,૦૦૦ વર્ષ વીત્યાં પછી, મહારાજ સુદર્શનજીએ બધો રાજ્યભાર કુમાર અરનાથને સોંપી દીધો. ૨૧,૦૦૦ વર્ષ સુધી માંડલિક પ્રાપ્ત રાજાના પદ પર રહ્યા. ત્યાર પછી ચક્રરત્નની પ્રાપ્તિ થઈ અને (૬) છ ખંડ પર વિજય પ્રાપ્તિ કરવામાં ૪૦૦ વર્ષ લાગ્યા. ત્યાર પછી ૨૦,૬૦૦ વર્ષ સુધી ચક્રવર્તી સમ્રાટ રૂપે રાજ્ય કર્યું. ત્યારબાદ વર્ષીદાન આપીને, પોતાના પુત્ર અરવિંદને રાજ્યભાર સોંપીને માગસર સુદ ૧૧ એ રેવતી નક્ષત્રમાં દિવસના ૧૦૦૦ રાજાઓ સાથે છઠ્ઠ તપની આરાધનામાં રહી, પ્રવર્જ્યા અંગીકાર કરી. (દિક્ષા કલ્યાણક)

૩ વર્ષ સુધી તેઓ છદ્મસ્થપણે વિચર્યા. પછી તે જ નગરના સહસ્ત્રામ્રવનમાં આમ્રવૃક્ષની નીચે ધ્યાન ધરીને ઊભા હતા. ત્યારે કારતક સુદ બારસે રેવતી નક્ષત્રમાં  પ્રભુને કેવળજ્ઞાન - કેવળ દર્શન પ્રાપ્ત થયું. સર્વ દેવી-દેવતાઓ પ્રભુના દર્શન અર્થે  પધાર્યા. દેવો દ્વારા ભવ્ય સમોવશરણની રચના થઈ, શ્રી પ્રભુએ પ્રથમ દેશના આપી. (કેવળજ્ઞાન કલ્યાણક)

।। ધર્મદેવના - રાગ-દ્વેષ-ત્યાગ ભાવના।।

સંસારમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ - આ ચારેય પુરુષાર્થોમાં એક મોક્ષ જ એવો પુરુષાર્થ છે કે જેમાં એકાંત સુખ છે, દુઃખનો એક સૂક્ષ્મ અંશ પણ નથી. મોક્ષનો પુરુષાર્થ ધ્યાનની સાધનાથી સિદ્ધ થાય છે, પરંતુ ધ્યાનથી સાધન ત્યારે જ થઈ શકે, જ્યારે મન અનુકૂળ હોય. મનની અનુકૂળતા વિના ધ્યાન થઈ શકતું નથી, પરંતુ રાગ-દ્વેષ વગેરે શત્રુ એવા છે જે મનને પોતાના તરફ ખેંચીને પુદગલાધીન કરી નાખે છે. દ્રવ્ય વગેરેમાં પ્રીતિ અને રતિ (આસક્તિ) રાગ છે અને અપ્રીતિ અને અરતિ (અરૂતિ - ધૃણા) દ્વેષ છે. રાગ - દ્વેષરૂપી અંધકારથી અંધ બનેલા જીવને અજ્ઞાન, અધોગતિમાં લઈ જઈને નરકરૂપી ખાડામાં નાખી દે છે. કામ વગેરે દોષ રાગનો પરિવાર છે અને મિથ્યાભિમાન વગેરે દ્વેષનો પરિવાર છે. રાગ અને દ્વેષના પિતા મોહ છે. સંસારમાં રાગ-દ્વેષ અને મોહ આ ત્રણેય દોષ છે, તેના સિવાય બીજા કોઈ દોષ નથી. આ ત્રિદોષ જ સંસારસમુદ્રમાં પરિભ્રમણનું કારણ છે. આત્માર્થી મુનિવરને નતો સિંહનો ભય છે, ન વાઘ, ન સાપ, ચોર, અગ્નિ અને પાણીનો પણ તેઓ રાગ વગેરે ત્રણ દોષથી ભયભીત છે. કારણ કે તેઓ આ જીવ અને પરજીવમાં દુઃખી કરનારા છે. આત્માર્થી સાધુઓએ પ્રમાદરહિત અને સમભાવરહિત થઈને માર્ગ પર ચાલવું જોઈએ અને રાગ-દ્વેષ રૂપી શત્રુઓથી જીતવું જોઈએ.

શ્રી પ્રભુની પ્રથમ દેશના સાંભળીને, શ્રી પ્રભુએ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી અને શ્રી પ્રભુ ૧૮મા તીર્થંકર કહેવાયા. કુંભ વગેરે ૩૩ ગણધર થયા. પ્રભુ ગામે-ગામ વિહાર કરવા લાગ્યા. શ્રી પ્રભુના ૩૩ ગણધર, ૫૦,૦૦૦ સાધુ, ૬૦,૦૦૦ સાધ્વીઓ, ૬૧૦ ચૌદપૂર્વધર, ૨૬૦૦ અવધિજ્ઞાની, ૨૫૫૧ મનઃપર્યવજ્ઞાની, ૨૮૦૦ કેવળજ્ઞાની, ૭૩૦૦ વૈક્રિયલબ્ધિવળા, ૧૬૦૦ વાદલબ્ધિવાળા ૧૮૪૦૦૦ શ્રાવક અને ૩,૭૨,૦૦૦ શ્રાવિકાઓ થયા. ભગવાન અરનાથ સ્વામી ૨૦,૯૯૭ વર્ષ કેવળજ્ઞાની તીર્થંકર પણે વિચર્યા. નિર્વાણ સમય નજીક આવતા ૧૦૦૦ સાધુઓની સાથે સમેતશિખર પર્વત પર પધાર્યા અને અનશન કર્યું. ૧ માસ પછી માગસર સુદ દસમે રેવતી નક્ષત્રમાં શ્રી પ્રભુ મોક્ષે પધાર્યાં. (મોક્ષ કલ્યાણક)

ભગવાન અરનાથ ૨૧૦૦૦ વર્ષ સુધી કુમાર અવસ્થામાં, એટલાં જ વર્ષ માંડલિક રાજા, એટલાં જ વર્ષ ચક્રવર્તી સમ્રાટ અને એટલાં જ વર્ષ સુધી વ્રતપર્યાયમાં રહ્યા. કુલ આયુષ્ય ૮૪,૦૦૦ વર્ષનું હતું. વર્તમાન કાળે સિદ્ધશીલામાં બિરાજમાન શ્રી અરનાથ સ્વામીને મારા કોટી કોટી વંદન હોજો.                                                                                    

 

 

(કચ્છ ગુર્જરી એપ્રિલ ૨૦૨૦ માસના અંકમાં પ્રસિદ્ધ થયેલ કૃતિ)  

 

 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates