સાસુથી વહુ અને વહુથી સાસુ રળિયામણા

સાસુથી વહુ અને વહુથી સાસુ રળિયામણા - કોકીલા હરસુખલાલ મહેતા

‘પપ્પાજી, આ ભીખાભાઈને આજનાં કામના ૫૦ રૂપિયા આપવાના છે.’ હીનાએ સસરા નિતીનભાઈને કહ્યું. બે દિવસથી ઘરનોકર શિવાને તાવ આવતો હતો તેથી ભીખાને છૂટક કામ કરવા હીનાએ બોલાવ્યો હતો.

હીના એમએસસી હતી ને એક લેબોરેટરીમાં જોબ કરતી હતી. સાસુ પ્રિતીબેન બધા કામ હતા મોઢે પતાવી દેતા. જ્યારે શિવો આવ્યો ન હોય ત્યારે મમ્મીને સખત કામ પહોંચે છે. હીનાને આ સ્નેહમયી સાસુ માટે જીવ બળતો એ કહેતી, ‘મમ્મી, તમે બાજુવાળાનાં રામા ભીખાભાઈને બોલાવી લ્યો. પ્લીઝ.’ પ્રિતીબેન હસીને કહેતા. ‘બાપ રે, તેં દાદીને જોયા છે.’ દાદી એટલે પ્રિતીબેનનાં સાસુ વિજયાબેન. વિજ્યાબેન કહેતા. ‘બે દહાડા હાથે કામ કરો તો ઘસાઈ નહીં જવાય.’

પરંતુ આજે હીનાને રજા હતી. ભીખાને બોલાવી બધું કામ પતાવી લીધું. વિજ્યાબા હીનાને કંઈ કહી ન શક્યા. બધું કામ પતવા આવ્યું એટલે હીનાએ નિતીનભાઈને કહ્યું,‘પપ્પાજી ભીખાભાઈને આજનાં કામના પૈસા આપવાના છે.’

નિતીનભાઈ પોતે સારું કમાતા હતા. વળી હીનાનો વર આદિત્ય મહિને ચાલીસ હજાર પગાર લાવતો. એ પપ્પાનાં હાથમાં મૂકી દેતો. આથી પૈસાની કોઈ કમી ન હતી. છતાં નિતીનભાઈ પ્રિતીબેનને કહેતા, ‘કરકસર કરો, કરકસર કરો.’ પણ પુત્રવધૂ હીનાને કંઈ કહી શક્યા નહીં. ફટ દઈને ભીખાને પચાસ રૂપિયા આપી દીધા.

પ્રિતીબેન સ્વભાવે નરમ હતા. એમનાં મા-બાપ પરંપરાગત વિચારસરણીવાળા. તેઓ દીકરીને કાયમ શીખામણ આપતા. ‘ઘરમાં બે કામ વધારે કરીએ, સાસરીયામાં સમાઈ જઈએ.’ પ્રિતીબેન પરણીને આવ્યા ત્યારે ઘરમાં કુંવારી બે નણંદો, બંને હુકમ ચલાવે. સાસુ વિજ્યાબેન કઠોર. પ્રિતીબેન ડરતા જ રહે. હીના પરણીને આવી. પોતાનાં સાસુ પ્રિતીબેનને શોષાતા જોયા. શહેરમાં રહેતા એક શિક્ષિત સાધન-સંપન્ન ઘરમાં સ્ત્રીને આ રીતે દબાતા રહેવાનું? પુત્રવધૂ હીના સાસુ પ્રિતીબેનને સ્કૂટર પર બેસાડી મંદિરે દર્શન કરવા લઈ જતી. પાછા આવતા શાકભાજી ખરીદે અને આઈસક્રીમનો કપ પ્રિતીબેનનાં હાથમાં મૂકે. આગ્રહ કરીને આઈસક્રીમ ખવડાવે. હીનાને ખબર હતી કે સસરા સાસુને ક્યાંય બહાર લઈ નથી જતા. સાસુનાં શોખ પૂરા નથી થયા. હીના ક્યારેક સાસુ માટે બંગડીઓ લાવતી. ક્યારેક સાડી કે ક્યારેક પર્સ. પ્રિતીબેનની આંખમાં આંસુ આવી જતા કે આજ સુધી કોઈએ એમને ભેટ આપી ન હતી. એક વખત હીના પંજાબી ડ્રેસ લઈ આવી. કહે. ‘મમ્મી પહેરો.’ પ્રિતીબેન કહે, ‘જા જા તારે મને ગાંડી ઠેરવવી છે.’

‘અરે મમ્મી, પહેરો તો ખરાં. મારે તમારો ફોટો પાડવો છે.’ પ્રિતીબેને ડ્રેસ પહેર્યો અને હીનાએ જુદા જુદા એંગલથી એમના ફોટા લીધા. આટલા રસથી કોઈએ પ્રિતીબેનનાં ફોટા પાડ્યા ન હતા. નણંદોનાં લગ્ન વખતે ફોટા પાડ્યા હોય એ ઠીક છે. હીના સાસુમાને કહેતી, ‘મમ્મી, સવારની રસોઈ ભલે તમે કરો, પણ સાંજની રસોઈ તો હું જ કરીશ.’ અરે, બેટા! રસોઈ તો હું ફટાફટ કરી નાખું છું.’ હીના કહેતી, ‘મમ્મી, મારેય એવું ફટાફટ શીખવું પડશે ને.’

હીના રસોડામાં હોય અને આદિત્ય રસોડામાં આવે તો હીના એને રસોડાનું કંઈને કંઈ કામ બતાવે. આદિત્ય કહે, ‘હું કંઈ બૈરું નથી.’ ઘરનું કામ કે રસોડાનું કામ પુરુષથી થાય જ નહીં, એવી એ ઘરની માન્યતા હતી. પરંતુ સ્ત્રી-પુરુષની સમાનતામાં માનનારી હીના આધુનિક યુવતી છે. એ હસીને કહેતી, ‘મમ્મી, ભલે તમને કામ ન બતાવે. પણ હું તો તમારી વાઈફ છું. તમારે મારી સાથે કામ કરવું પડશે.’ આજ સુધી આદિત્યે પ્રિતીબેનને, મા તરીકે સ્નેહ, આદર, અહોભાવ આપ્યા જ નથી. પણ હીના ઘરનું માનસ બદલવા માંડી છે. હીના દર મહિને પોતાના પગારમાંથી હજાર રૂપિયા સાસુનાં હાથમાં મૂકતી ને કહેતી, ‘મમ્મી, આ પૈસા તમારા છે. એનો હિસાબ કોઈને આપવાનો નથી. તમારા પોતાના માટે ખર્ચ કરો.’ પ્રિતીબેનના હાથમાં આ રીતે કોઈએ પૈસા મૂક્યા ન હતા.

પ્રિતીબેન હીનાને ભેટી પડતા બોલ્યા,‘આજ સુધી મને એવું હતું કે ભગવાને મને એક દીકરી નથી આપી. જેને સારું દાઝે પણ આજે થાય છે ઈશ્વર પરમ કૃપાળુ છે. મને વહુનાં રૂપમાં દીકરી આપી છે. જેને મારે ક્યાંયે વળાવવી ન પડે. જે જિંદગીભર મારી સાથે રહે.’

 

 

 

(કચ્છ ગુર્જરીના ફેબ્રુઆરી ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates