સરલ-સંદેશ

સરલ-સંદેશ - ધનસુખ અમરશી મોરબીઆ, દાદર

૧) મન અને મકાન બંનેને સમય પર સાફ કરતા રહો, મકાનમાં રહેલો કામ વગરનો સામાન અને મનમાં રહેલા બીજા માટેની શંકા-કુશંકા, પૂર્વગ્રહો. મકાન અને મન બંને બગાડે છે, મન ભરીને... મનમાં ભરીને ના જીવો.

૨) હું આમ કરીશ, હું તેમ કરીશ, એમાં તું મરીશ. એ વાત તું ભૂલી જાય છે, મરી ગયા પછી સાતમે માળે ફ્લેટમાં કે સીફેસ બંગલામાં તને નહિં રાખે, પણ જ્યાં ગરીબને, ગાંડાને પણ બાળ્યા છે, ત્યાં જ આ કરોડપતિ અને ડાહ્યા માણસો તને બાળશે.

૩) કિંમત પાણીની નથી, તરસની છે. કિંમત મૃત્યુની નથી, શ્વાસની છે, સંબંધ તો ઘણા છે. જીવનમાં કિંમત સંબંધની નથી, તેના પર મૂકેલા વિશ્વાસની છે, આંખ બંધ કરીને કોઈપણ વિશ્વાસ ન કરો, જેણે તમારા પર વિશ્વાસ કર્યો એ ક્યારેક ન તોડો.

૪) વરસો પહેલાં સંબંધો પણ પિત્તળ જેવા હતા, સહુ ભેગા થાય ત્યારે પિત્તળને ચમકાવી સૌના જેવા ચમકતા કરતા, જાણે સંબંધો પણ સોના જેવા શુદ્ધ! સંબંધોનું પણ સોના જેવા શુદ્ધ! પછી થયો સ્ટીલનો વપરાશ, ગોબા પડે પણ કામ ચાલે. સંબંધોનું પણ એવું જ વારેઘડીએ વાંકું પડે પણ ટકાવી રાખે, ધીરે ધીરે આવ્યો કાચના વાસણોનો યુગ, સંબંધો પણ એવા જ ક્યારે તૂટી જશે એ કહેવાય નહિ, હવે જમાનો આવ્યો પેપર અને થર્મોકોલનો, સંબંધો પણ જાણે એવા જ થઈ ગયા, વાપરી લો અને નાખો કચરાના ટોપલામાં.

૫) સંપત્તિ ન હોય તો 'will' ન બને, સારા સંસ્કારો ન હોય તો 'goodwill' ન બને, will બનાવેલું અને goodwill ની સંપત્તિ અહીં જ રહેશે, મેળવેલા સંસ્કારો જોડે આવશે, સંપત્તિ માટે મહેનત કરો પણ સંસ્કારોને મેળવવાનું ભૂલશો નહિં, બાળકોને સંસ્કાર જરૂર આપો.

૬) સમય ભલે દેખાતો નથી, પણ ઘણું બધું દેખાડી જાય છે, આપણને ‘કેટલા’ ઓળખે છે એ મહત્ત્વનું નથી.. ‘શા માટે’ ઓળખે છે એ મહત્ત્વનું છે. માટે જ્યારે તમારો સમય સારો હોય ત્યારે સૌ જોડે સારા બનો અને સારું રાખો, ભવિષ્યમાં કામ આવશે.

૭) ઊંઘની ગોળી ખાઈને ઉંઘતો માણસ જ્યારે જાગવા માટે એલાર્મની ચાવી આપે છે, ત્યારે એની વર્તમાન દશાની દયા આવી જાય છે. બિચારો.. નથી એ જીવી શકતો અને નથી એ મરી શકતો.

૮) કોઈપણ વાતને સાબિત કરવા‘શક્તિ’ની નહીં પણ ‘સહનશક્તિ’ની જરૂર પડે છે. માણસ ‘કેવા દેખાય’ એના કરતાં ‘કેવા છે’એ મહત્ત્વનું છે. કારણકે ‘સૌંદર્ય’નું આયુષ્ય માત્ર જુવાની સુધી અને ‘ગુણો’નું આયુષ્ય આજીવન સુધી સાથે રહે છે.

૯) કોઈ વ્યક્તિના સારાપણાનો એટલો લાભ ન ઉઠાવો અને તેની સાથે એટલો સ્વાર્થીપણાનો વ્યવહાર પણ ન કરો, કારણકે સુંદર કાચ જ્યારે તૂટે છે ત્યારે ધારદાર હથિયાર બની જાય છે, માટે સારા જોડે શ્રેષ્ઠ અને ખરાબ સાથે હંમેશા સારો વ્યવહાર કરો.

૧૦) દરેકને જવાબ કે પ્રતિક્રિયા આપવાં જરૂરી નથી. ખરા હોવાની ખાતરી હોય તો નકારાત્મક ટીપ્પણીને મહત્ત્વ આપવું જરૂરી નથી, પછી ભલેને એવી ટીપ્પણીનો જડબાતોડ જવાબ આપી શકવા સક્ષમ હો તો પણ!

૧૧) પૈસા કમાવા જતાં તબિયત બગડી, પછી તબિયત સંભાળતાં પૈસા ખર્ચાઈ ગયા, બંને સાચવવા સમય ખર્ચાઈ ગયો અને ત્રણેને સંભાળતાં જીવન ખર્ચાઈ ગયું. પૈસા, તબિયત અને જીવન સંભાળતાં ધર્મ ખોવાઈ ગયો અને ધર્મને શોધવા ગયા ત્યાં આયુષ્ય રિસાઈ ગયું, સમય ઓછો છે, વ્હાલા, ત્રણેને સંભાળ પણ, ધર્મને જીવનમાં સંવારવાનો પ્રયત્ન જરૂર કર.

 

 

(કચ્છ ગુર્જરીના સપ્ટેમ્બર માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates