સંકલ્પ

સંકલ્પ - ઝયોતિકા અશોક મહેતા, કલીકટ

૨૦૨૦ નવું વર્ષ, નવા સપના, નવી આશા, નવા સંકલ્પ, આ બધું પૂર્ણ કરવાની ઈચ્છા- ધગશ-ઉત્સાહ ને તનતોડ મહેનત માટે આપણે પહેલેથી જ તૈયારીઓ કરવા લાગીએ. પરંતુ એક સંકલ્પ એવો કરી શકાય જેમાં તનતોડ મહેનત નથી, સમયની આવશ્યકતા નથી, છે તો માત્ર ને માત્ર વિનય, વિવેક ને સમજણ.

વિનય, વિવેક, સમજણપૂર્વક કરવામાં આવે તો જ ધર્મ દ્વારા કર્મોની મહાનિજર્રા થાય, નવા કર્મોને આવતા રોકી શકાય, મોક્ષ તરફ પ્રયાણ કરવાનો માર્ગ મોકળો થાય.

ધાર્મિક કોઈપણ ક્રિયાનં પચ્ચખાણ લઈ લીધા બાદ કોઈપણ જાતનાં વિદ્યુત કે તેને લગતા ઉપકરણોનો ઉપયોગ કરાય નહીં. હાથમાં કે ખીસામાં મોબાઈલ, ઘડીયાળ વગેરે બેટરીથી ચાલતા ઉપકરણો રાખી તેનાથી થતા સ્પર્શ સાથે કોઈપણ ધાર્મિક ક્રિયા થાય નહીં. એવી જ રીતે.. જિનવાણીનું શ્રવણ કરાવનાર અને કરનારને અંતરાય (ખલેલ) નંખાય નહીં.

શાંત વાતાવરણમાં પાટ ઉપર બેસી જ્ઞાની ગુરુ ભગવંતો જિનવાણીનું અમૃતપાન સુશ્રાવક-સુશ્રાવિકાને કરાવતા હોય, ધર્મનાં પરમાણુ ચારે તરફ પ્રસરેલા હોય, સોય પડે તો પણ અવાજ આવે એવી નીરવતામાં તન્મયતાથી શ્રવણ કરતા હોય ત્યાં જ સામાયિક વોચરાવો કહી બાજુવાળાનું ધ્યાન ડોળે, ફિલ્મી રિંગટોનમાં મોબાઈલ રણકે, સીધું જ વ્યાખ્યાનકારને સંબોધીને કહે, ‘કરેમિ ભન્તે આપો, વ્યવસ્થિત રાખેલી ખુરશીને ખસેડ ખસેડ કરી બધાનું ધ્યાન ભંગ કરે, ઈશારાથી પોતિકાઓને બોલાવે- અહીં આવ તારી જગ્યા રાખી છે એટલે તે વ્યક્તિ બધાને ખૂંદતી ખૂંદતી આગળ પહોંચે, મોબાઈલમાં મેસેજ આવે તેનો અવાજ આખા હોલમાં ગુંજે ને શાંતિનો ભંગ થાય.. આવું તો કંઈ કેટલુંય..

આ બધા ખલેલની વચ્ચે વ્યાખ્યાનકાર ખૂબ જ નમ્રતાથી વિનંતી કરે, મહેરબાની કરી શાંતિ જાળવો.. પણ કોઈ જ સાંભળતું નથી, સમજતું નથી, સ્વીકારતું નથી. શું છે આ બધું?? શું સાચે જ ભણતરની સાથે ગણતર નથી? વિવેક, વિનય ને બુદ્ધિને સેફ ડીપોઝીટ વોલ્ટમાં મૂકી આવ્યા છો?

જિનવાણી સાંભળનારાને સાંભળવામાં અંતરાય નાખીને પાપનાં ભાગીદાર બનાય? જિનવાણી સાંભળવાનાં આવા અમૂલ્ય અવસરનો અનાદર તો ન જ કરાય.

 

 

(કચ્છ ગુર્જરી જાન્યુઆરી ૨૦૨૦ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)  

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates