સંપાદકની કલમે - ઓગસ્ટ ૨૦૧૯

સંપાદકની કલમે - ઓગસ્ટ ૨૦૧૯ - ડૉ. મહેન્દ્ર બુદ્ધિચંદ શાહ, ઘાટકોપર

મુંબઈની નાયર હોસ્પિટલની કૉલેજ હોસ્ટેલમાં એક મહિલા ડૉકટરે ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી પોતાના જીવનનો અંત આણ્યાના સમાચાર જાણી ખૂબ દુઃખ થયું. ડૉક્ટર કે જે બીજાને મૃત્યુ તરફ લઈ જતા રોગોની દવા કરીને સંબંધિત વ્યક્તિને જીવનદાન આપે, તેણે શા માટે આત્મહત્યા કરવી જોઈએ? સમાચારમાં જાણવા મળ્યું કે સંબંધિત ડૉકટર ઉચ્ચ અભ્યાસ કરતી હતી અને તેનાથી સિનિયર ત્રણ ડૉકટરો તેને રેગિંગ થકી ખૂબ જ પરેશાન કરતી હતી. સામાન્ય કૉલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા હોય છે ત્યારે નાની ઉંમરના વિદ્યાર્થીઓને તેમનાથી મોટી ઉંમરના વિદ્યાર્થીઓ વિવિધ માનસિક છેડછાડ કરીને પરેશાન કરતા હોય છે અને પરેશાન થયેલ વિદ્યાર્થી કેટલાક કિસ્સાઓમાં કૉલેજ છોડી જતા હોય છે, પરંતુ મેડીકલ લાઈનમાં ઘણી મુસીબતે એડમીશન મેળવનાર વિદ્યાર્થી કૉલેજ છોડવાનો વિચાર પણ કરી ના શકે. આવા વિદ્યાર્થી આત્મહત્યા કરીને જીવનનો અંત લાવે એવી પરિસ્થિતિ બિલકુલ સર્જાવી ન જોઈએ.

અભ્યાસ માટે કૉલેજમાં દાખલ થતાં વિદ્યાર્થીને જો હોસ્ટેલમાં રહેવાનું હોય તો તેમનાં વડીલોએ હોસ્ટેલમાં મૂકતાં પહેલાં પોતાના બાળકોને ખાસ સમજાવવું જોઈએ કે જો સિનિયર વિદ્યાર્થીઓ રેગીંગ કરીને તકલીફ આપે, તો વેળાસર પોતાની કૉલેજના પ્રિન્સીપાલને વહેલામાં વહેલું સંબંધિત બાબતથી વાકેફ કરી દેવા જોઈએ તેમજ પોતાના વડીલોને સંબંધિત તકલીફના નિવારણ માટે પોતાના પ્રિન્સીપાલને સવેળા મળવાનું કહેવું જોઈએ જેથી યોગ્ય પગલાં લેવાય, તો આવા પ્રશ્નોનો નિકાલ આવી જાય.

 

 

(કચ્છ ગુર્જરી ઓગસ્ટ ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates