એક સમાચાર અનુસાર મહારાષ્ટ્ર રાજ્યમાં ગયા વર્ષે હેલ્મેટ અને સીટબેલ્ટ ન પહેરવાથી આશરે સાત હજાર લોકોના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયાં હતાં. ગવર્નમેન્ટે સ્કૂટર પર સવારી કરનારાઓને હેલ્મેટ પહેરવાનું ફરજિયાત કરેલ છે તેમજ મોટર કારમાં ડ્રાઈવર અને તેની બાજુની સીટ ઉપર બેસીને સફર કરનાર માટે સીટબેલ્ટ પહેરવાનું ફરજિયાત કરેલ છે. ટૂંકા અંતર માટે પ્રવાસ કરનાર હેલ્મેટ પહેરવાનું ટાળે છે તેમજ સ્કૂટર ચલાવનારની સાથે પ્રવાસ કરનાર પણ હેલ્મેટ પહેરવાનું ટાળે છે. જ્યારે નાના કે મોટા અકસ્માત થાય છે, ત્યારે હેલ્મેટ પહેરનારની બચી જવાની ઘણી સંભાવના રહે છે. તેવી જ રીતે સીટબેલ્ટ પહેરી રાખનારની પણ બચી જવાની ઘણી સંભાવના રહે છે.
ટ્રાફિક પોલીસ ઉપરોક્ત નિયમોનું પાલન થાય છે કે નહિ તેની દેખરેખ રાખે છે અને નિયમોનો જે ભંગ કરે છે, તેમને દંડ પણ કરે છે પરંતુ લોકો નાના મોટા દંડ ભરીને ટ્રાફિક નિયમો પાળતા નથી. હેલ્મેટ પહેરવાથી માથામાં અકસ્માત વખતે ઈજા થવાની સંભાવના નહિવત્ થઈ જાય છે. માટે નાના-મોટા અકસ્માત વખતે ઈજાથી બચવા દરેક જણે હેલ્મેટ પહેરીને જ સ્કૂટર પર પ્રવાસ કરવો જોઈએ તેવી જ રીતે સીટબેલ્ટ પહેરવાના નિયમો પાળવા જોઈએ. ખાસ કરીને યુવાનોને તેમના વડીલોએ ઉપરોક્ત નિયમો પાળવા ખાસ સૂચનો આપવા જોઈએ. સર્વેનું નૂતન વર્ષ ૨૦૨૦ અકસ્માત વિહોણું નિવડો તે જ અભ્યર્થના.