સંપાદકની કલમે..

સંપાદકની કલમે.. - ડૉ. મહેન્દ્ર બુદ્ધિચંદ શાહ, ઘાટકોપર

આજકાલ આપણા સમાજમાં છોકરાઓ મોટી ઉંમર થાય ત્યાં સુધી સમાજમાંથી આવતા કહેણમાંથી કોઈ કન્યાને પસંદ કરીને સગપણ/લગ્ન કરી લેતા નથી. મોટા ભાગના યુવાનો આજકાલ ઉચ્ચ અભ્યાસ કરવા માગતા હોય છે તેથી ભણતર પુરું થતાં સુધીમાં તેમની બાવીસ-ત્રેવીસ વર્ષ સુધીની ઉંમર થઈ ગઈ હોય છે. ત્યારબાદ મનપસંદ નોકરી મેળવવામાં ત્રણેક વરસ પસાર થઈ જાય છે. નોકરી મળ્યા પછી સારી બચત કરવાની લાલચ રહે છે. જેને માટે બે-ત્રણ વરસનો ગાળો પસાર થઈ જાય છે. આ રીતે યુવાનની ઉંમર સત્તાવીસથી અઠ્ઠાવીસ સુધી પહોંચી ગઈ હોય છે. ત્યારબાદ પોતાના મા-બાપને યોગ્ય કન્યા શોધવાનું કહે છે.

યોગ્ય ઉંમરની કન્યા મળવામાં મુશ્કેલી પડે છે. પોતાના સમાજની મોટાભાગની કન્યાઓ નાની ઉંમરે જ પરણી ગઈ હોય છે. અનુકૂળ ઉંમરની કન્યાનું કહેણ આવે તો ભણતર ઓછું લાગે. જો ભણતર પોતાની અપેક્ષા મુજબ હોય તો દેખાવ સારો ન લાગે. દેખાવ સારો હોય તો સ્વભાવ સારો ન લાગે. બધું યોગ્ય લાગે, તો કન્યાના મા-બાપનું કુટુંબ પોતાના કુટુંબથી નીચું લાગે. આમ રાહ જોવામાં બીજા બે-ત્રણ વર્ષ પસાર થઈ જાય.

ત્રીસેક વરસની ઉંમર થઈ જાય પછી પોતાના સમાજમાંથી બહુ ઓછી કન્યાઓના કહેણ આવે. આવી પરિસ્થિતિ ન થાય તે માટે દરેક યુવાને ઉંમર વધી જાય ત્યાં સુધી રાહ ન જોવી જોઈએ. સમાજમાં જ્યારે પણ પરિચય મિલનના પ્રોગ્રામ ગોઠવાય ત્યારે તુરંત લગ્ન કરવાની ઈચ્છા ન હોય તો પણ યોગ્ય કન્યા મળે, તેની સાથે સગપણ કરી લેવું જોઈએ અને લગ્ન માટે કેટલો સમય રાહ જોવાનો છે તે પહેલેથી કહી દેવું જોઈએ. દરેક ગુણની જે આશા રાખી હોય તેવી ગુણવાન વ્યક્તિ ભાગ્યે જ મળે એટલે પોતાની અપેક્ષામાંના ખાસ ગુણો પોતાને જોઈતા હોય તે ગુણ જે કન્યામાં જોવા મળે, તે પસંદ કરી લેવી જોઈએ. પોતાની કુલ અપેક્ષામાંથી વીસ પચ્ચીસ ટકા ગુણો ન હોય તો પણ તે કન્યાનો સ્વીકાર કરી લેવો જોઈએ.

મોટી ઉંમર થઈ જાય, તો પછી યોગ્ય વર્તમાનપત્રમાં જાહેરાત આપી પોતાના સમાજની નહીં તો કોઈપણ જૈન યુવતી મળતી હોય તો તે પણ પુરતી તપાસ કરીને સ્વીકારી લેવી જોઈએ.

શુભમ્‌ ભવતુ.                    

 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates