આજકાલ ટીનેજર્સ પોતાના મા-બાપ અથવા શાળા-કૉલેજના શિક્ષક તરફથી જો કોઈપણ બાબતમાં જોરદાર ઠપકો આપવામાં આવે તો સહન કરી શકતા નથી અને ન ભરવાનું પગલું ભરી લે છે. અભ્યાસમાં પોતાનું પૂરતું ધ્યાન ન આપી શકતા હોય, તો તે બાબત પણ તેમને જો ઠપકો મળે તો બાળકો આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવવા સુધી જાય છે.
નજીકના ભૂતકાળમાં એક વિદ્યાર્થીને તેના વડીલે મોબાઈલ લઈને આખો દિવસ સમય પસાર કરતા પોતાના પુત્રને ઠપકો આપ્યો તો તેણે પોતાનું જીવન ટૂંકાવી લીધું. એક બાળકને પોતાની પરીક્ષામાં અપેક્ષા કરતાં ઓછા માર્કસ આવ્યા એટલે વડીલનો ગુસ્સો સહન કરવો પડશે ધારીને જીવન ટૂંકાવી દીધું. બાળકોની સહનશીલતા ખૂબ જ ઓછી થઈ ગઈ છે. આ સંયોગોમાં વડીલોએ બહુ સમજદારીથી કામ લેવાની જરૂર છે. બાળકોને નાનપણથી જ ગુસ્સો કરીને કોઈપણ કામ કરાવવાનું છોડી દેવું જોઈએ. બાળકોને પ્યારથી શાંત રીતે વાતો કરીને તેમણે શું કરવું જોઈએ તે સમજાવવું જોઈએ. જીવનમાં તેમને આ કાર્યો કેમ જરૂરી છે અને તેને કારણે જીવનમાં કયા લાભ થાય છે તે સમજાવવા જોઈએ. જો સમજાવવા છતાં બાળક વડીલોનું કહ્યું ન માને, તો પણ ગુસ્સો કર્યા વગર તેને સમજાવવું જોઈએ કે જિંદગીમાં તેને કેવી જાતનું નુકસાન થશે અને કાર્ય કરવાથી શું ફાયદો થશે. છેલ્લે બાળક બધું કહેવા સમજાવવા છતાં ન માને, તો ગુસ્સો કર્યા વગર તેને તેના વડીલોએ નસીબ પર છોડી દેવું જોઈએ જેથી તે કોઈ અયોગ્ય પગલું ન ભરે.
પોતાના બાળકોને નાનપણથી જ યોગ્ય મિત્રો સાથે સંબંધ બાંધવા સમજાવવા જોઈએ. સામાન્ય રીતે પોતાના સાધમિર્ક કુટુંબના બાળકો સાથે મિત્રતા બાંધવા પ્રોત્સાહન આપવું જોઈએ. ઘણીવાર બાળકો પોતાના મિત્રોના કહેવાથી ખોટે રસ્તે ચાલ્યા જાય છે. બાળકો બહુ નાની ઉંમરના હોય, ત્યારથી જ તેમને આવી બાબતો સમજાવવી જોઈએ. જો નાનપણમાં ખોટી ટેવો પડી જાય તો મોટી ઉંમરે તે સુધારવી બહુ મુશ્કેલ બની જાય છે.
(કચ્છ ગુર્જરીના એપ્રિલ ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)