સમય

સમય - ડૉ. હેમાલી સંઘવી, ઘાટકોપર (અંજાર)

એક માણસ પાસે એક ચમકદાર હીરો હતો. આ હીરો એકદમ ચમત્કારિક હતો. જેમ જેમ વાપરો એમ એનું તેજ અને મૂલ્ય વધતું જાય પણ જો ન વાપરો તો એ જ હીરો કોલસો બનતો જાય. આવો હીરો આપણને બધાને મળી જાય તો આપણે શું કરીએ? આપણે એને વધુમાં વધુ, સારામાં સારી રીતે વાપરીએ.

હા, આપણા સૌની પાસે આવો એક ડાયમંડ છે એ સમય. જેને વાપરતાં આવડે તો પૈસા વસૂલ. નહિ તો ડબ્બા ગુલ. સમય જેને ન આપણે જોયો છે, ન સાંભળ્યો છે કે ન ટચ કર્યો છે, ને છતાંય આપણી આખી જિંદગી એની સાથે રેસ કરવામાં નીકળી જાય છે. સમય જેને આપણે કેદ કરી નાખ્યો છે ઘડિયાળના કાંટાઓમાં અને કેલેન્ડરના પાનાઓમાં અને નામ આપી દીધું સેકન્ડ, મિનિટ, કલાક, દિવસ, અઠવાડિયું, મહિનો અને વર્ષ. છતાંય એ વહી જાય છે બંધ મુઠ્ઠીમાંથી પાણીની જેમ.. છૂ થઈ જાય છે હવાની જેમ... સમય નામના જાદુગરની કલાકારી એટલી જબરદસ્ત છે કે ભલભલા મોઢામાં આંગળી નાખી જાય.

એક નાનકડા બીજમાંથી ઝાડ બની જાય એ ઝાડ પર ફળો ફૂલોની ચાદર ખીલી જાય. મોસમ બદલાઈ જાય. જિંદગીના ક્યારેય ન ભરાઈ શકે એવા જખમો સમય નામનો મલમ ખબર ન પડે એવી રીતે ભરી નાખે છે. બદસૂરત સંબંધોને ખૂબસૂરત બનાવી દે છે. સમયનું ચક્કર જ્યારે ચાલે છે ત્યારે ઝીરો હીરો બની જાય છે. અરે, ચા વેચનારા સામાન્ય માણસને પ્રાઈમ મિનિસ્ટર બનાવી દે છે. પણ હા, આ વક્તના સિતમ પણ કંઈ ઓછા નથી. એના સિતમથી અચ્છા અચ્છાની છુટ્ટી થઈ જાય છે. જુઓને આપણને ખબર ન પડે એવી રીતે આપણી ઉંમર વધારી નાખે છે. આપણું બાળપણ ચુરાવી લે છે. આપણી યુવાની છીનવી લે છે. આપણા કાળા વાળને સફેદ બનાવી દે છે. નવી ટકાટક લાગતી વસ્તુઓને સમય પોતાની થપાટથી આઉટ ઓફ ડેટ બનાવી દે છે. ટોપ પર બેસેલા માણસને એક ઠોકરમાં જમીન ભેગો કરી નાખે છે. તો પછી આ બધા વચ્ચે આપણે શું કરવું? સમયની સતત થતી ટીકટીકમાં એક વાત ક્યારેય ન ભૂલવી કે આજની કીડી એ આવતી કાલનો હાથી છે અને આજનો હાથી એ આવતી કાલની કીડી છે.

આપણી જૈન પરંપરામાં સમયને એક દ્રવ્ય માનવામાં આવ્યું છે. કાળચક્રને અનાદિ અનંત માનવામાં આવ્યું છે. આપણા જૈન આગમમાં મહાવીર સ્વામી ગૌતમસ્વામીને વારંવાર એક જ ઉપદેશ આપે છે કે ક્ષણમાત્રનો પ્રમાદ ન કર. ઋષભદેવ ભગવાન અજાણતા બાર ઘડી માટે બળદોના બંધન માટે નિમિત્ત બન્યા તો તેમને બાર મહિના માટે આહારપાણીનો અંતરાય સહન કરવો પડ્યો એટલે કે કર્મ પણ એના સમય પ્રમાણે પરિણામ આપે છે.

આમ સમય તો એનો એ જ હોય છે પણ આપણે એને આપણા લેબલ આપીએ છીએ. સારો સમય, ખરાબ સમય, મારો સમય, મારા દુશ્મનોનો સમય. પણ આમાં થોડો લોચો છે. કહેવાતો સારો સમય આદતો ખરાબ કરી નાખે છે અને ખરાબ લાગતો સમય આપણી સૌથી શ્રેષ્ઠ શક્તિ બહાર કાઢી આપે છે. તો પછી જૂના લેબલને ભૂલી જઈએ. ફિલ્મી સ્ટાઈલમાં કહીએ તો વક્ત તો બે પ્રકારના જ હોય છે. અચ્છા વક્ત અને બહોત અચ્છા વક્ત. અચ્છા વક્ત એટલે અત્યારે આપણી પાસે છે તે, અને બહોત અચ્છા વક્ત જે આપણે બધાએ લાવવાનો છે. એટલે અચ્છે દિન આનેવાલે હૈ એ નારો હવે જૂનો થયો. હવે નવી ફિંલહશક્ષય છે- બહોત અચ્છે દિન હમ લાનેવાલે હૈં, પણ એ સમયને જીવતાં અને મેનેજ કરતા આવડવું જોઈએ.

એક કાચની બરણીમાં રબરના દડાઓ ભરી નાખો તો પણ શંખ-છીપ નાખવા જેટલી જગ્યા રહેશે, એમાં રેતી પણ નાખી શકાશે અને આ ઠસોઠસ ભરેલી બરણીમાં બે કપ ચા પણ આરામથી સમાઈ જશે.

આપણા જીવનની બરણીમાં પરિવાર, સ્વાસ્થ્ય રબરના દડાઓ છે. ઘર, કાર, ફર્નિચર છીપલાં છે અને રેતી આપણું રૂટિન છે. જો બરણી રેતીથી ભરી નાખશું તો ચા એટલે આપણી મનગમતી પ્રવૃત્તિ માટે જગ્યા નહિ રહે. બરણી રેતીથી ભરવાને બદલે હાથમાંની ક્ષણને પૂરેપૂરી જીવીએ. કલ હો ના હો...

 

 

(કચ્છ ગુર્જરી જુન ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates