સેલ... સેલ... સેલ...

સેલ... સેલ... સેલ... - રોશની ગૌતમ શાહ

આ સેલ નામનો શબ્દ જેનાથી આપણે સહુ પરિચિત છીએ. સેલ..સેલના પાટિયા ઘણી દુકાનોમાં અવારનવાર ઝુલતા દેખાય છે. આ લોભામણો, લલચામણો શબ્દ સૌને આકર્ષિત કરે છે. ખાસ તો સ્ત્રીઓને. અલગ અલગ વસ્તુની ખરીદી પર અલગ અલગ ડિસ્કાઉન્ટ રાખવામાં આવે છે. જે ૫%થી લઈને ૫૦%થી ૬૦% સુધી વસ્તુ પ્રમાણે આપવામાં આવે છે અથવા એક વસ્તુની ખરીદી પર એક વસ્તુ ફ્રી. આ રીતે વસ્તુના વેચાણ માટે દુકાનદાર આકર્ષક સ્કીમો રાખતા હોય છે. પછી તે દુકાન વસ્ત્રની હોય, ચંપલની હોય, સ્ત્રીઓને કામની વસ્તુ કે પછી ઘરની બીજી વસ્તુ હોય.

ખાસ તો સ્ત્રીઓને સેલનું આકર્ષણ હોય છે. એકવાર ખબર પડે કે પેલી દુકાનમાં સેલ લાગ્યો છે પછી તો વાત વાયુવેગે પ્રસરે છે અને આપણે સ્ત્રીઓ પહોંચી જઈએ એ દુકાનમાં પાંચ-છ બહેનપણીઓને લઈને. ખરીદી કરવી એ સ્ત્રીઓનો શોખ, રસનો વિષય છે. તેમાં પણ સેલ શબ્દ તેમના માટે ચુંબકનું કામ કરે છે. ‘ચાલને જોવા જઈએ’ ‘જોવામાં ક્યાં નાણા પડે છે.’ ‘ગમશે તો ખરીદશું’ વગેરે સંવાદોની આપ-લે શરૂ થઈ જાય છે.

ઘણીવાર તો એવી પણ ઓફર આપવામાં આવે છે કે અમુક રૂપિયા સુધી કપડાની ખરીદી પર ૫૦૦ રૂા.ના બે ગીફ્ટ વાઉચર આપવામાં આવશે. તેના ઉપર તારીખ લખેલી હોય તે દિવસે આપણે ત્યાં જવાનું. તે વાઉચર ઉપર લખેલું હોય કે ૧૦૦૦/- રૂપિયાની ખરીદી કરશો તો આ વાઉચર વટાવી શકાશે. હવે ફરીવાર ખરીદી કરો અથવા તો એ ગીફ્ટ વાઉચરને, તેના શુભલાભને જતો કરવો પડે. નહીંતર આ લોભામણી વાઉચરની પરંપરા ચાલુ રહે.

હા, આપણે સેલ લાગ્યો હોય ત્યાં ખરીદી કરવા જઈએ. પણ સમજી વિચારીને વસ્તુની ગુણવત્તા, આપણા માટે તેની જરૂરિયાત, ઉપયોગિતાને સમજીને ખરીદી કરીએ તો કદાચ બીનજરૂરી અને ઉતાવળે ખરીદી કરવાના દોષથી દૂર રહી શકીએ. હું પણ એક સ્ત્રી છું અને સ્ત્રીના દિલની વાત જાણું છું. તો ચાલો બાજુની દુકાનમાં સેલ છે આવો છો ને? ખરીદી કરવા...

 

 

(કચ્છ ગુર્જરી ઓક્ટોબર - નવેમ્બર ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates