રાષ્ટ્ર અને રાષ્ટ્રભાષા તથા માતૃભૂમિ અને માતૃભાષા

રાષ્ટ્ર અને રાષ્ટ્રભાષા તથા માતૃભૂમિ અને માતૃભાષા - રમણિક શેઠ, મુલુંડ (મુંબઈ)

આ પૃથ્વીલોકમાં માનવ જન્મ લઈ મનુષ્ય માત્રને પોતાના દેશ, પોતાની જન્મભૂમિ - કર્મભૂમિ માટે માયા, મમતા, લગાવ અને અભિમાન હોવું સ્વાભાવિક છે. તેને સંક્ષેપમાં દેશભક્તિ કહેવાય. તે પછી આવે રાષ્ટ્રભાષા. આપણું રાષ્ટ્ર હિન્દુસ્તાન અને રાષ્ટ્રભાષા હિન્દી. રાષ્ટ્ર માટે પ્રેમ તથા રાષ્ટ્રભાષા માટે અભિમાન અને રાષ્ટ્ર માટે કંઈક કરી છૂટવાની ભાવના તે થઈ રાષ્ટ્રભક્તિ. ભારત દેશમાં અમુક પ્રાંત છોડીને પ્રાંતીય ભાષા ઉપરાંત રાષ્ટ્રભાષા હિન્દી માટે સૌ દેશવાસીઓને ગર્વ અને અભિમાન હોવું સ્વાભાવિક છે. હિન્દુ ભાષાનો વ્યવહાર અને ચલણ સૌને સ્વીકાર્ય છે. આજે ભારતના બધા જ ક્ષેત્રમાં તેમજ તેના રાજકીય ક્ષેત્રમાં હિન્દી ભાષા બોલવા અને સમજવામાં લોકોને સરળતાનો અનુભવ થાય છે. આજે તો તમે જોયું હશે આપણા ભારત દેશના માનનીય પ્રતિભાશાળી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દેશવિદેશમાં ફરતા ઘણું કરીને પોતાના પ્રવચન હિન્દી ભાષામાં આપી દેશનું ગૌરવ વધારી પ્રચલિત થયેલ છે. તેઓને માટે આપણને સૌને અભિમાન છે.

હવે બીજા નંબરે આવે માતૃભૂમિ અને માતૃભાષા. આપણી માતૃભૂમિ કચ્છ-ગુજરાત અને માતૃભાષા એટલે ગુજરાતી. કવિ નર્મદે ‘જય જય ગરવી ગુજરાત’ કાવ્યની રચના કરી ગુજરાત અને આપણા ગુજરાતી હોવાના ગૌરવને દેશ અને દુનિયામાં વધાર્યું. આ ભારતદેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવા માટે કેટલાય દેશભક્તોમાંથી મહાત્મા ગાંધીજી તથા લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદાર વલ્લભભાઈ પટેલનું નામ અગ્રસ્થાને છે. તેથી આપણને ગુજરાત અને આપણી ગુજરાતી માતૃભાષા માટે અભિમાન હોય તે સ્વાભાવિક છે. તેને કઈ રીતે ભૂલી શકીએ. પણ હવે કંઈક અંશે ક્યાંક આપણે જાણે અજાણે ગુજરાતી તરીકેની આપણી ઓળખ, ગુજરાતી અસ્મિતા ભૂલતા હોઈએ એવું લાગી રહ્યું છે. આજે દેશ અને દુનિયામાં ખૂણે ખૂણે ગુજરાતીઓનું ગુજરાત જોવા મળશે. ગુજરાતીઓ એ એક સાહસિક અને હોશિયાર પ્રજા દુનિયાના કેટલાય દેશોમાં ઉચ્ચ સ્થાને બિરાજેલ દેખાશે. પણ હવે વર્તમાન સમયમાં આજની યુવાપેઢી પોતાના બાળકને અંગ્રેજી કોન્વેન્ટ સ્કૂલમાં મોકલવાના અભિમાનથી પોરસાય છે, ત્યારે એમ લાગે છે કે હજી પણ આપણે અંગ્રેજોની ઝંઝીરમાં જકડાયેલા છીએ. હા જરૂર અંગ્રેજી ભાષા એ આંતરરાષ્ટ્રીય ભાષા છે ખરું અને શીખવી જરૂરી છે. ઉચ્ચતરનું ભણતર પામવા માટે અંગ્રેજી જરૂરી છે પણ તે આપણી માતૃભાષા ગુજરાતીના ભોગે તો નહીં જ. પોતાની માતાના પેટમાંથી શીખીને આવીએ એ ભાષા માતૃભાષા. તેને મહત્ત્વ આપી તેના આધારે કોઈપણ ભાષામાં શિક્ષીત કેટલીયે હસ્તીઓ અગ્રસ્થાને છે. તેનું ઉદાહરણ પણ આજના આપણા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી છે.

ઉચ્ચ શિક્ષણ માટે આંતરરાષ્ટ્રીય અંગ્રેજી ભાષા સાથે પોતાની માતૃભાષાનું શિક્ષણ એટલું જ મહત્ત્વનું છે. પણ આજે ગુજરાતી અસ્મિતાની ચર્ચા અને ચિંતાનો વિષય એટલે જ ઉદ્‌ભવે છે કે આજના મા-બાપ પોતાના બાળકને ગુજરાતી ભાષા શીખવવામાં ક્ષોભ અનુભવે છે. અંગ્રેજી કોન્વેન્ટ સ્કૂલમાં બાળકને મોકલવામાં અને ઘરમાં પણ બાળક સાથે અંગ્રેજીમાં વાત કરતાં મહાનતાનો અનુભવ કરે પણ સરવાળે બાળકને ગુજરાતી ભાષા બોલતાં અને લખતાં તો ઠીક સમજવાના પણ વાંધા. પરિણામે જ્ઞાન થઈ જાય યાંત્રિક અને ગોખણીયું. થ્રી ઈડીયટ સિનેમા તો લગભગ બધાએ જોયેલી જ હશે. કેવા લોચા માર્યા હતા પેલાએ.. શિક્ષણ ભલે અંગ્રેજીમાં હોય પણ જો તેનું દિલ અને દિમાગમાં પોતાની માતૃભાષામાં સાથે સાથે ભાષાંતર થતું રહે અને વિષયને ઉંડાણથી સમજી શકાય તો આવું શિક્ષણ ક્યારેય ભૂલાય નહીં. લાગે છે કહેવાનો મતલબ સૌને સમજાઈ ગયો હશે. આથી હવે આવો હવે જાગ્યા ત્યાંથી સવાર સમજી ગુજરાતી અસ્મિતાને માન આપી આપણાં ગુજરાતી હોવાના ગૌરવને કઈ રીતે વધારી શકાય તે માટે કૃતનિશ્ચયી બનીએ. સાથે સાથે સામાજિક સ્તર પર - ગુજરાતી મંચ પરથી, પ્રેક્ષકો જ્યાં સો ટકા ગુજરાતી જ હોય છે ત્યાં કોઈપણ જાતની રજુઆત ફક્ત અને ફક્ત ગુજરાતી ભાષામાં જ રજુઆત થાય તે સૌને આવકાર્ય અને સ્વીકાર્ય રહેશે તેની ખાસ નોંધ ગુજરાતી સમાજના કાર્યકરો અને વ્યવસ્થાપકો સારી રીતે સમજે તે જરૂરી છે.

 

 

 

(કચ્છ ગુર્જરી ફેબ્રૂઆરી ૨૦૨૦ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates