રખડવાનો આનંદ

રખડવાનો આનંદ - સાવિત્રીબેન શીવચંદ શાહ, ભાંડુપ (દરશડી)

આજે દુનિયા દિવસે ને દિવસે નાનકડી થતી જાય છે. દુનિયાના ખૂણેખૂણે શું બને છે તેનાથી આજે વિશ્વનો પ્રત્યેક માનવી સજાગ છે. પોતાની જાતને પરિવર્તનના આ પ્રવાહમાં વહેતો રાખવા દુનિયાની માહિતી અનિવાર્ય છે. આદિમાનવે પોતાનું અસ્તિત્વ ટકાવવા ટોળીઓ બનાવી ‘સહવાસ’ શરૂ કર્યા. ધીમે ધીમે તે સ્થિર થવા લાગ્યો અને તેમનાં રહેઠાણ ‘રહેવાસ’ તરીકે ઓળખાયાં. અસ્તિત્વની સ્થિરતા પછી વ્યક્તિત્વનાં વિકાસ માટે ધીમે ધીમે તેણે પોતાના ‘વાસ’માંથી પ્ર-સ્થાન કરી પ્રવાસ કરવાનું શરૂ કર્યું. માનવ માટે પ્રવાસ એટલે પોતાના ઘરથી દૂર થોડા સમય માટે જવું, રહેવું, હરવું, ફરવું!

આજના માનવ માટે પર્વતીય સ્થળો, સમુદ્રનો કિનારો, ગાઢ જંગલો, વિશાળ રણપ્રદેશ, ઐતિહાસિક સ્થળો, આધુનિક સુખસમ ૃદ્ધિથી સભર શહેરો પ્રવાસનાં સાધનો બની ગયાં છે. રોજિંદી એકધારી જિંદગીથી કંટાળી તેમાંથી કંઈક નવું મેળવવા તે આવા શાંત, સૌંદર્યસભર કે સમૃદ્ધ સ્થળે પ્રવાસ કરે છે. પોતાના યંત્રવત્‌ જીવનમાં મનપસંદ રંગોનાં મંત્ર પૂરે છે અને જીવનને વધુ ઉષ્માપૂર્ણ અને ઉલ્લાસભર્યું બનાવે છે.

આજે સીત્તેર વર્ષની ઉંમરે પણ મને હજુ પ્રવાસનો- રખડવાનો ખૂબ જ શોખ છે. આટલી જિંદગીમાં ઘણાબધા પ્રવાસો થયા. સ્કૂલમાં જ્યારે ભણાવતી હતી ત્યારે વિદ્યાર્થીઓને લઈને આજુબાજુના ગામોમાં પ્રવાસરૂપે લઈ જતા હતા ત્યારનો આનંદ અલગ જ હતો. કેરાલા, કાશ્મીર, રાજસ્થાન, કચ્છ રણોત્સવ, ઓરિસ્સા આવા ઘણા બધા પ્રવાસો કર્યા. હજુ બે વર્ષ પહેલાં જ કચ્છમાં શિવમસ્તુનું મંદિર બન્યું ત્યારે પણ મુંબઈથી અગિયારસો જણ પ્રવાસ સ્વરૂપે ગયા હતા. બધા દિવસો પ્રભુભક્તિ અને ભગવાનના સાનિધ્યમાં રહેવાની ખૂબ જ મજા આવી. પોતાનું વતન કચ્છ છોડવાનું મન થતું નહોતું. પણ આખરે તો મુંબઈ આવ્યા વગર છૂટકો નહોતો.

બધા પ્રવાસોમાં સૌથી વધારે આલ્હાદક પ્રવાસ જો મને લાગ્યો હોય તો તે ઓરિસ્સાનો પ્રવાસ. તમે ક્યારેય ઓરિસ્સા ગયા છો? ન ગયા હો તો જરૂર જજો. ગાઢ જંગલો અને વિશાળ ચિલ્કા સરોવર. જગન્નાથપૂરી જેવા જાણીતા સુંદર મંદિરો, પ્રાચીન સંસ્કૃતિના અજોડ વારસાસમું કોણાકર્નું સૂર્યમંદિર અને વિશાળ સાગરકાંઠો જોઈને ખૂબ ખુશ થઈ જવાય એવાં દૃશ્યો છે.

ઓરિસ્સાની ગરીબાઈ પણ ઊડીને આંખે વળગે એવી છે. ગરીબાઈના ઘણાં કારણો છે. ઓરિસ્સામાં લગભગ તેરહજાર સેવા સંસ્થાઓ કાર્યરત છે. ઓરિસ્સામાં આટલી વિશાળ સંખ્યામાં સંસ્થાઓ કામ કરે છે તે પાછળ મુખ્ય કારણ છે અભણ, આળસુ અને ગરીબ પ્રજા અને વારંવાર આવતી વાવાઝોડા, દુષ્કાળ જેવી કુદરતી આફતો. ઓરિસ્સાનું સાચું ચિત્ર જોવું હોય તો અંતરિયાળ આદિવાસી ગામડામાં જવું પડે.

હું ભુવનેશ્વરથી ટ્રેનમાં બેઠી. સ્ટેશને સ્ટેશને ગાડીઓની રાહ જોઈને બેઠેલી ભોળી પ્રજા જોઈ. દરેકની પાસે ટોપલામાં શહેરમાં વેચવા માટે પાઈનેપલ, કેળાં, બટાકા કે અન્ય ખેતપેદાશ હોય. મારે આ અભણ ગામડિયા આદિવાસીઓને કેટલાય પ્રશ્નો પૂછવા હતા. તમારા મતે સંસ્કૃતિ એટલે શું? તમારે શેની જરૂરિયાત છે? તમે રોજિંદા જીવનમાં શી મુશ્કેલીઓ અનુભવો છો? વગેરે વગેરે.. આ લોકો મુખ્યત્વે સમૂહમાં જ રહેતા હોય છે. અહીં શહેરી જીવનનો દંભ, આડંબર કે ચોક્કસ રીતરિવાજોનો અભાવ હોય છે. જે કહેવાનું હોય તે સરળ રીતે કહેવાનું હોય છે. કોઈ આટાપાટા કે દાવપેચ નહીં. સૌથી સરસ વાત એ છે કે અહીં કશુંય મારું નથી. બધું જ સહિયારું હોય છે.

તેમના માટે આપણો દેશ એટલે ઓરિસ્સાનો આ કલહાંડી વિસ્તાર. અમે આ ગામના મુખીયાને મળ્યા. તેઓ સો કરતાંય વધુ ઉંમરના હશે. મેં દાદાને પૂછયું, દાદા આપણા દેશ પર આજકાલ રાજ કોનું છે? તે જણાવો.

દાદાએ મારી સામે સ્મિત વેરતા કહ્યું, ‘બેટા તું જાણતી નથી? અત્યારે તો કંપની સરકારનું રાજ છે. મારી અજ્ઞાનતા પર તેમને હસવું આવ્યું. કંપની સરકાર એટલે બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની. દાદાને ખબર જ ન હતી કે ભારતને આઝાદ થયે કેટલાં વર્ષ થઈ ગયાં છે! મેં દાદાને રૂપિયાની નોટો બતાવી અને તેના પરનું અશોક ચક્ર બતાવ્યું. હું તેમને બતાવવા માંગતી હતી કે હવે ભારત પર કંપની સરકારનું રાજ્ય નથી. તે વાતને તો ઘણાં વર્ષો વીતી ગયા. દાદા પર મારી વાતની કોઈ અસર ન થઈ. મને કહે, આ તો કાગળનો ટુકડો છે. આની સામે જોઈને તમે શી રીતે કહી શકો કે રાજ કોનું છે? આપણા દેશ પર તો ગોરી રાણી (ક્વીન વિકટોરીયાનું જ રાજ છે.) દાદાને શું કહું? મને થયું કે ચાલો જવા દો. મેં તેમને વિનિયમ પદ્ધતિ વિશે પ્રશ્ન પૂછવા માંડ્યા. મેં દાદાને કહયું, ‘દાદા આ રૂપિયાથી તો તમે ઘણીબધી ચીજવસ્તુઓ ખરીદી શકો. બળતણનું લાકડું, કપડા, દીવાસળીના બાકસ વગેરે. મને ખબર હતી કે આદિવાસીઓ માટે આ બધી વસ્તુઓનું ઘણું મહત્ત્વ હોય છે. આપણા શહેરી લોકોની જેમ હીરાના દાગીના, ફોરેનની ટૂરો કે એ ગ્રુપની કંપનીના શેરોનું કોઈ મહત્ત્વ નથી.

દાદાને મારી દયા આવી ગઈ અને કહે, ‘અરે, બેટા આ કાગળનાં ટુકડા માટે તો લોકો યુદ્ધો ખેલે છે. ભાઈ-ભાઈના વેરી બને છે. વડીલોપાજિર્ત જમીન છોડીને શહેરો તરફ દોટ મૂકે છે. અને ગીચોગીચ વસ્તીમાં જીવે છે. અને કૂતરાના મોતે મરે છે. કાગળનાં આ ટુકડા વગર અમારું જીવન શું ખોટું છે? મારા બાપદાદાઓ પણ આજ રીતે કુદરતનાં ખોળે જીવ્યા હતા. અમે તો ધરતીના છોરું છીએ. આ જમીનો, જંગલો, આ ફળ, ફૂલ વનસ્પતિ, પ્રાણીઓ બધી જ કુદરતની દેન છે. તેના પર કબજો કેવો? કોના અધિકાર? આ તો પ્રભુનો પ્રસાદ છે અને સૌ માટે છે. આ નદી શું મેં બનાવી છે? આ પર્વતો, આ પવન, વરસાદ કોનાં છે? હું તા આ અભણ, અબુધ, મહામાનવીની સામે જોઈ જ રહી. મારી પાસે આનો કોઈ જવાબ જ નહોતો. અહીં આવી ત્યારે હું માનતી હતી કે હું પ્રજાને કંઈક મદદ કરીશ પણ મદદની જરૂર તો મારે હતી. મને ગર્વ હતો કે હું બહુ હોશિયાર છું પણ હું તો તદ્દન અણસમજુ હતી. ભારત પર કઈ પાર્ટીનું રાજ છે. અરે! દરેક સ્ટેટમાં કઈ પાર્ટી સત્તારૂઢ છે. દુનિયાભરનાં બજારો, દેશદેશના પાટનગરો, લેટેસ્ટ ટેક્નોલોજી, રોજબરોજના સમાચારો બધું જ આપણને કંઠસ્થ છે. સ્કૂલમાં ભણતા નાનામાં નાના બાળકને બિલગેટ્‌સ અને બિલ ક્લિન્ટન વચ્ચેનો ભેદ ખબર છે. પણ મારી સામે ઓરિસ્સાના આદિવાસી વિસ્તારનાં જંગલોમાં આ દાદા બેઠા છે. જેમને આમાંની કોઈ માહિતી નથી. પણ જીવનનું શ્રેષ્ઠ સત્ય તેમણે પચાવ્યું છે.

‘વસુધૈવ કુટુંમ્બકમ’ સમગ્ર પૃથ્વી પરનાં લોકોને સમગ્ર સમાજને તમારું કુટુંબ સમજીને જીવો અને જીવવા દો.

પ્રવાસ કોઈપણ આશયથી કરવામાં આવે. ધાર્મિક ભાવનાથી નારાયણ મેળવવા માટે, ધન મેળવવા માટે પણ વિતાવેલો સમય આજીવન સંભારણું બની રહે છે. લોકોની દેખાદેખી ન કરતાં પોતાના ખિસ્સાને પોસાય, આંખોની સાથે અંતરને ઠારે એવા મનગમતા સ્થળે આયોજનપૂર્વક કરેલો પ્રવાસ ખરેખર ‘પગ કહે તો પ્રવાસ અને હૃદય કરે તો યાત્રા’ રૂપ પુરવાર થાય. ગુરુવર રવિન્દ્રનાથ ટાગોરે યોગ્ય જ કહ્યું છે કે, ‘પ્રભુએ આ સૃષ્ટિમાં એટલું સૌંદર્ય ભર્યું છે કે એણે દીધેલી પાંચ ઈન્દ્રિયો સૌંદર્ય જોવા માટે ઓછી પડે છે.

 

 

(શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સાહિત્ય સ્પર્ધા-૨૦૧૮)

 

(કચ્છ ગુર્જરી ફેબ્રૂઆરી ૨૦૨૦ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates