રખડવાનો આનંદ

રખડવાનો આનંદ - રિલ્પા મહેશચંદ્ર મહેતા, ભુજ (નખત્રાણા)

શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સાહિત્ય સ્પર્ધા-૨૦૧૮; દ્વિતીય વિજેતા

 

પ્રસ્તાવના : અખિલ ભારતીય જૈન સમાજમાં બી.એ. અને બી.એડ.ની ડિગ્રી માટે રજત અને સુવર્ણચંદ્રક મેળવેલ છે.

શોખઃ વાંચન, લેખન અને પ્રવાસે જવું.

વિશેષતા : કચ્છ ગુજર્રીની સાહિત્ય સ્પર્ધામાં એક વખત પ્રથમ નંબર મેળવેલ છે. સારું ગાયન કૌશલ્ય ધરાવું છું. ધાર્મિક પ્રસંગે અવસરે સંચાલન તેમજ વકતવ્ય આપે છે, નંબર મેળવેલ છે.

લેખન : લેખ લખીને કચ્છ ગુજર્રી આદિ સામાયિકમાં મોકલેલ છે અને ક્રમે ક્રમે પ્રસિદ્ધ થયેલ છે. શૈક્ષણિક પ્રવૃત્તિમાં ઉંડો રસ રુચિ ધરાવું છું.

**

‘વિશ્વની વિવિધતાને નિહાળવા પ્રવાસે જજો, વિશાળતા સંસ્કારશૈલીની નિહાળવા પ્રવાસે જજો,

પ્રકૃતિની અનુપમતાને પામવા તમે પ્રવાસે જજો, માનવ હૃદયની ભીનાશને માણવા પ્રવાસે જજો.’

જગત પોતે એક મોટું મુસાફરખાનું છે. જગતમાં આવતો દરેક જીવ પોતે નિત્યનો પ્રવાસી છે. કર્મ અને પ્રકૃતિનાં આધારે તેને જે તે સ્થળ, ક્ષમતા, વાતાવરણ અને પરિવાર મળે છે. વિશ્વમાં અનેક જગ્યાઓ જોવા જેવી છે. સાદી ભાષામાં તેને આપણે પ્રવાસ કહી શકીએ.

‘ઘરને ત્યજી જનારને મળતી વિશ્વ તણી વિશાળતા,

પછવાડે અડવા થનારને ભરખે ઘર કેરી શૂન્યતા.'

અલગારી રખડપટ્ટીનો આનંદ પણ ખૂબ અલગ હોય છે.

‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરો, જંગલની કુંજ કુંજ જોવી હતી,

જોવી’તી કંદરા ને જોવી’તી કોતરો, રોતા ઝરણાની આંખ લ્હોવી હતી.’

પ્રવાસના સ્થળો દુનિયામાં અનેક છે. પ્રવાસથી સ્થળની સુંદરતાથી લઈને માનવ મનની અમીરાત પામવાનો મોકો મળે છે. પ્રવાસ મુખ્યત્વે બે જાતના હોય છે. ટુર્સ કે ટ્રાવેલ્સ કંપની દ્વારા આયોજિત અને બીજો અલગારી પોતાની રીતનો પ્રવાસ હોય છે. ટ્રાવેલ્સ દ્વારા આયોજિત પ્રવાસમાં ખર્ચ સ્થળ, સમય રહેવા માટેની જગ્યા, ખાવાપીવાનું આદિ સુનિશ્ચિત હોય છે. સ્વયં ગોઠવેલ પ્રવાસમાં સ્થળ પર રોકાણ, ખર્ચ, ખાવાપીવાનું, સમય બધું અનિશ્ચિત હોય છે. ટ્રાવેલ્સ દ્વારા સમયની મર્યાદામાં જ ગમતી જગ્યા હોવા છતાં રોકાણ ટૂંકાવવું પડે છે. ગાડી, રહેવાના સ્થળની વ્યવસ્થા. પોતે ગોઠવેલ પ્રવાસમાં જાતે વ્યવસ્થા કરવી પડે છે.

ટુર્સ અને ટ્રાવેલ્સ દ્વારા આયોજિત પ્રવાસ સમયની ચોક્કસ મર્યાદાવાળા વધારે સલામત અને સગવડભર્યા હોય છે. ફક્ત સ્થળ વિશેની માહિતી પરથી પોતે ગોઠવેલા પ્રવાસ સાહસભર્યા હોય છે. ઘણી વખત ભૌતિક અગવડો પણ સહન કરવી પડે છે. ગમતી જગ્યાએ વધારે રહેવું હોય તો પોતે ગોઠવેલા પ્રવાસમાં શક્ય છે. નવી દુનિયા, નવા પહેરવેશથી લઈને ખાણીપીણી, રીતરસમ આદિમાં વિવિધતા એ પ્રવાસની અનિવાર્ય બાબત છે. ‘એક પ્રવાસ સો પુસ્તકની ગરજ સારે છે.’

પ્રવાસનના સ્થળો મુખ્યત્વે પ્રખ્યાત મંદિરો, ઝરણાં, કૂવા, ધોધ, દરિયાકાંઠો વગેરે હોઈ શકે. ઐતિહાસિક ઘટનાને આધારિત સ્થળો, પ્રખ્યાત વ્યક્તિના જન્મસ્થળ, કાર્યસ્થળ, કુદરતી વિશેષતા ધરાવતા સૌંદર્ય સ્થાનો, ડુંગરાળ પ્રદેશો અને અફાટ રણ વગેરે હોય છે. પ્રકૃતિની અમાપ સુંદરતા અને સામીપ્ય ધરાવતા શાંત સ્થળો અધ્યાત્મિક શાંતિની અનુભૂતિ કરાવે છે.

રખડવાનો આનંદ અનેરો છે. પ્રાકૃતિક સ્થળે જઈએ તો પ્રકૃતિ નજીક રહેવાનો મોકો મળે છે. જે તે જગ્યાએ જવાથી ત્યાંના પ્રદેશ વિશે ભૌગોલિક પ્રાકૃતિક, રાજકીય, ઐતિહાસિક પૃષ્ઠભૂમિની માહિતી મળે છે. લોકો, લોકોની ભાષા, રહેણીકરણી, રસમ આદિથી પરિચય કેળવાય છે. જ્ઞાનની સમૃદ્ધિ થાય છે. જીવનમાં અનુભવનું એક પૃષ્ઠ ઉમેરાય છે.

હવે ઈન્ટરનેટ યુગમાં સ્વીચના ચમકારે ઘણી માહિતી મળી રહે છે. પણ પ્રવાસે જવાથી જે રોમાંચ અને આનંદ અનુભવાય છે તે તો જગ્યાએ જવાથી જ થાય છે. દૃશ્ય શ્રાવ્ય આનંદની અનુભૂતિ પ્રવાસ દ્વારા થાય છે. જે તે માહિતીને જ્ઞાનના સ્વરૂપમાં પલટાવવાની તાકાત પ્રવાસમાં છે.

ફક્ત દૂર દેશાવરના મોંઘાદાટ પ્રવાસ એ જ પ્રવાસ નથી પરંતુ વ્યક્તિ જ્યાં રહેતી હોય તે જિલ્લા, રાજ્ય કે દેશના અનેક દર્શનીય સ્થળો એ ઉત્તમ પ્રવાસ સ્થાન પણ છે. ઐતિહાસિક સ્મૃતિ ધરાવતા મહાપુરુષોના જન્મ સ્થળ, કાર્યસ્થળ, કર્મભૂમિ જેવાં સ્થળો, પ્રકૃતિની વિવિધતા ધરાવતા ડુંગરાળ પ્રદેશોથી લઈને રણનો ધખતો અંગારા ભર્યો પ્રદેશથી શીત લહેરવાળો વિશાળ દરિયાકાંઠો, રણની રાત્રિની અફાટ સૌંદર્યક્ષમતા ધરાવતા પ્રદેશના સ્થળો, પ્રવાસ સ્થાનમાં સમાવી શકાય. સતત ઠંડુ હવામાન ધરાવતા પ્રદેશો, લાકડાના ઘરમાં વસવાટ કરતા પ્રદેશો, ગગનચુંબી ઈમારતમાં વસવાટ કરતા પ્રદેશો, પાણીમાં રહેતા લોકોના વસવાટમાં પ્રકૃતિની અસર જે તે પ્રદેશમાં જોવા મળે છે.

પાણીની અછતથી લઈને સતત પાણીના ધોધ વહે તેવા પ્રદેશો, ગરમ પાણીના કુદરતી ઝરા, બરફનો વરસાદ, એક દિવસમાં સવાર, બપોર, સાંજમાં ત્રણે ઋતુની અસર હોય તેવા પ્રદેશો હોય છે. આ બધું પ્રવાસ દરમિયાન જાણવા ને માણવા મળે છે.

ભાષાની વિવિધતા ખૂબ હોય છે. બે અલગ અલગ ભાષા બોલતા લોકો વચ્ચે દુભાષિયા દ્વારા વ્યવહાર થાય છે. પ્રવાસમાં કેટલીક વખત માણસના ચહેરાના હાવભાવ દ્વારા વ્યવહાર થાય છે. પ્રવાસની ગાઈડ લાઈન ઉત્તમ પુસ્તકો વાંચવાની મજા આવે છે. પણ સાચુકલો અનુભવ થતો નથી. ક્યાંક મધુર ઝરણું વહેતું હોય તેના સામીપ્યમાં બેસો અને જે આનંદનો ભાવ અનુભવાય તે અલગ છે. પાણી એ પંચ મહાભૂતમાંનું એક છે તેથી તેની પાસે બેસવાથી પોતાના અસ્તિત્વની નજીક જવાનો અહેસાસ થાય છે.

ટ્રેન કે ગાડીના પ્રવાસ દરમિયાન કોઈ જીવનભરનો સંગાથી, સારો મિત્ર મળી જાય છે. પ્રતાપગઢનો કિલ્લો શિવાજીની વીરતાની યાદ કરાવે છે. લાલ કિલ્લો, હવાઈ મહેલ જયપુર, રેતાળ રણ, જૂનાગઢનો ફોર્ટ, અડીકડી વાવ, રાણીનો મહેલ, અંજતા ઈલોરા ગુફા, રાજઘાટ જેવા અનેક સ્થળે જવાથી જ વધારે આનંદ આવે છે. દરેક વ્યક્તિ પોતાના જીવનના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પ્રવાસ ભૂલી શકતો નથી. આજે મારા મનમાં પણ સોમનાથના દરિયાનો મધુર ઘુઘવાટ યાદ છે. બિકાનેરનું ઉંદરનું મંદિર, જયપુરનો મહેલ વગેરે. રોજિંદી એકધારી જિંદગીમાં બદલાવ લાવવા ખર્ચની મર્યાદામાં રહીને પ્રવાસ કરવો જોઈએ. સ્વજનો અને મિત્રો સાથે પ્રવાસનું આયોજન હળવાશ અને સુખ આપે છે.

પ્રવાસથી અવલોકન શક્તિ, નિરીક્ષણ શક્તિ અને વર્ણન શક્તિનો વિકાસ થાય છે. સરકારે પ્રવાસની રસપ્રદ પુસ્તિકા બહાર પાડવી જોઈએ. પ્રવાસનના સ્થળે સલામતી અને ધંધા રોજગારને પ્રોત્સાહન મળે તેવા પ્રયત્નો કરવા જોઈએ.

આ જગતમાં બધા મનુષ્યો મુસાફરો છે. કોઈ પોતાની સાથે કંઈ લઈ જતો નથી પછી ભલે તે તાજમહેલ બંધાવનાર શાહજહાં હોય કે રાજ્ય લાલસા માટે પાણીપતનું યુદ્ધ ખેલનારો અકબર કે બાબર હોય. આમ પ્રવાસ માનવીની સાહસવૃત્તિને ઉત્તેજિત કરવાની સાથે નિરાસક્તિના પાઠ શીખવે છે. માનવ તો આ ભવભ્રમણાનો એકલપંથી પ્રવાસી છે. જીવનના વર્ષોમાં જે વ્યક્તિઓનો સાથ મળે તેની સાથ હસી-ખુશીથી રહીને પોતાના જીવનના આનંદને માણવાનું છે. રખડવાના આનંદને માણવા ઘરને છોડી વિશ્વની વિવિધતા અને વિશાળતાને સ્વીકારીને આગળ વધવાનું છે. શક્તિનો સંચય કરવા સ્ફૂર્તિનો વૈભવ ભરવા ભાવના ભીનાશ માણવા નિત્યના પ્રવાસે ચાલો નીકળીએ.

ચાલો ફરવા, ચાલો પ્રવાસે, આનંદ મંગલ શુભ હો...

 

 

(કચ્છ ગુર્જરી ઓક્ટોબર - નવેમ્બર ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates