રખડવાનો આનંદ

રખડવાનો આનંદ - બંદીશ અમિત હસમુખલાલ શાહ, માંડવી

આ વખતે મારી ૧૦મીના વકેશનમાં મેં ક્યાકં બહાર ફરવા જવાનું વિચાર્યું. જેમાં મારા દાદી જે કેરલાના જાણકાર અને અમુક વર્ષ ત્યાંના રહેવાસી હોવાથી મને કેરલા જવા સુચન આપ્યું. હજુ પણ કેરલામાં મારા કાકાનું ઘર હોવાથી મેં દાદી સાથે કેરલા જવાનું નક્કી કર્યું.

અમે કેરલા જવા માટે માંડવીથી રાત્રે બસમાં નીકળી ગાંધીધામ પહોંચ્યા. ત્યાં રેલ્વે સ્ટેશન પર બુક કરાવેલા રિટાયરીંગ રૂમમાં રાતના આરામ કરવા માટે જતા રહ્યા. બીજા દિવસે સવારે વહેલી ટ્રેન હોવાથી વહેલું ઉઠવાનું થયું. ટ્રેન ઉપડવાની સાથે જ આનંદમાં વધારો થતો હતો કે નવી જગ્યા જોવાની તક મળશે. ટ્રેનમાં કેરલા જતાં અમને બે રાત્રિ કાઢવી પડે.

અમે કેરલાના કોલમ શહેર જતાં હતાં જેનું સ્ટેશન રાત્રે ૧.૩૦ વાગે આવે છે. કેરલામાં પ્રકૃતિએ છૂટા હાથે સૌંદર્ય વેરેલું છે. ટ્રેન બીજા દિવસથી દક્ષિણમાં પ્રવેશતાં ત્યાંના પ્રાકૃતિક સૌંદર્યએ મને મોહિત કરી દીધો. ચારે તરફ નદીઓ, ઝરણાં, વનસ્પતિ, સુંદર પર્વતો હતાં. કોલમ જવાની ખુશી અને ઉલ્લાસને લીધે બે રાત્રિ ક્યાં વીતી ગઈ એ ખબર જ ના પડી. આખરે બીજી રાત્રિના ૯.૦૦ વાગતાંની સાથેજ દિલમાં કોલમ પહોંચવાની ઉત્સુકતા હતી. અને આખરે જે ઘડીનો ઈંતજાર હતો તે આવી. રાત્રે ૧.૩૦ વાગે હું મારા દાદી સાથે કોલમ પહોંચ્યો.

અમારા આવવાની જાણ હોતા મારા કાકા અને કાકી અમને બંને સ્ટેશને લેવા આવ્યા હતા. ઘણા વર્ષો બાદ મળ્યા હોવાથી કાકા અને કાકી અમને જોઈ આનંદિત અને ભાવુક થઈ ગયા. ત્યાર પછી તેમના ઘરે જઈ અને રાત હોવાથી આરામ કર્યો.

બીજી સવારે નવી તાજગી અને કોલમ જોવાના અદ્‌ભૂત વિચારોથી હું ઉઠ્યો. દૈનિક ક્રિયા ઝડપથી પતાવી હું આજુબાજુ ફરવા નીકળી ગયો. ત્યાંનો અદ્‌ભુત નઝારો હું જોતો જ રહી ગયો. કોલમ પ્રાકૃતિક નઝારાઓ માટેનો એક ઉત્તમ સ્થળ છે. ત્યાં હું સાંજે કાકા-કાકી સાથે બીચ પર ફરવા ગયો. ત્યાં એક નવી વાત જાણવા મળી કે ત્યાંના લોકો જ્યારે પણ બીચ પર જાય ત્યારે તેઓ ત્યાં પતંગ ઉડાડે. ત્યાં જાતજાતના પતંગો ઉડતા જોવા મળ્યા એ પણ એક અદ્દભુત પળ હતી.

પછી તો હું ત્યાંની દીવાદાંડી જોવા ગયો. ત્યાંથી દરિયો કંઈક અલગ જ દેખાતો હતો. પછી તો હું ત્યાં મોલ, ગાર્ડન વગેરે જગ્યાએ ફર્યો. હું ત્યાં સ્વીમીંગ પુલમાં પણ મજા કરતો. વળી વચ્ચે બે દિવસ હું કાકી સાથે કન્યાકુમારી પણ ગયો. ત્યાં પણ પ્રાકૃતિક ખજાનાનો પાર નથી. ત્યાં અમે દરિયાની વચ્ચે આવેલા વિવેકાનંદ રૉક પર ગયા. ત્યાં તો અદ્દભુત રીતે સમુદ્રની વચ્ચે બનેલી આ જગ્યા પર પહોંચતાની સાથે એક અલગ અહેસાસ થયો. તેની નજીકમાં જ તમિલ કવિ તિરવલ્લુરની ૧૩૩ ફુટ ઉભી પ્રતિમા દરિયાની વચ્છે જોઈને હું અભિભુત થઈ ગયો. ત્યાંથી પછી અમે બજાર ફરી પાછા રૂમ પર ગયા અને બીજા દિવસે સવારે ટ્રેન પકડી અમે કોલમ પાછા ફર્યા.

ત્યારપછી બાકીની અમુક જગ્યા ફરી અને પાછા ફરવાનો દિવસ પણ આવી ગયો. ત્યાંથી ભારે હૈયે અમે વિદાય લીધી. ફરી બે રાત્રિના પ્રવાસ પછી અમે માંડવી પહોંચ્યા.

કોલમ ખરેખર એક અદ્દભુત અને અતિ સુંદર શહેર છે. ત્યાંની યાદ અને કાકા-કાકીનું સ્નેહ ફરી ત્યાં જવા મને બેચેન કરે છે.

 

 

(શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સાહિત્ય સ્પર્ધા-૨૦૧૮)

 

 

(કચ્છ ગુર્જરી ડિસેમ્બર ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)  

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates