રખડવાનો આનંદ

રખડવાનો આનંદ - ડૉ. અલકા સુનિલ શાહ, વડોદરા (તુંબડી)

એકદમ ચિંતામુક્ત બનીને ફરવા નીકળી પડવું. નિરૂદેશે આમતેમ ફરવું - જોવું – જાણવું - માણવું - મમળાવવું એટલે રખડવું આની એક આગવી મજા હોય છે અને એ મજા, એ આનંદ ફરી ફરીને વાગોળવાનું ગમે છે.

સહેલગાહ, સફર, પ્રવાસ, પર્યટન- આવા અનેકવિધ નામોને આપણે આ રખડવા શબ્દ સાથે જોડી શકીએ કારણ તેમાં આનંદ છે. એક અનોખી તાજગી છે. સમગ્ર તન-બદનમાં એક રોમાંચ આ શબ્દોથી વ્યાપી જાય છે અને મનપંખી તૈયારી કરવા- સ્વપ્નાઓની પાંખે ઉડવા માટે સજ્જ બની જાય છે.

ઘણી વાતો આપણે પુસ્તકોમાં વાંચીએ, તેમાંથી જાણીએ પણ એ માત્ર ઉપરછલ્લું જ્ઞાન.. જ્યાં સુધી તમે એને અનુભવો નહીં ત્યાં સુધી એ તમારા અંતરમન સાથે એકાકાર નથી થતું. કોઈ પાસેથી પ્રવાસની વાતો સાંભળીએ. પ્રવાસવર્ણનના પુસ્તકો/લેખો વાંચીએ તો થોડી ક્ષણો એ દૃશ્યો મનચક્ષુ સમક્ષ તાદ્દશ બને છે એ સાચી વાત છે પણ એ જ જગ્યા આપણે પ્રત્યક્ષ માણીએ- અનુભવીએ તો તેની મજા એ અનુભૂતિ કંઈક અલગ જ હોય છે. એ હકીકત નિર્વિવાદ છે. સ્મરણમંજૂષામાં જાયેલું- માણેલું એક અમીટ યાદ કાયમ માટે કંડારી જાય છે.

પ્રવાસે નીકળીએ અને કોઈવાર સાગરકિનારાનું સ્થળ પસંદ કરેલું હોય તો ઘૂઘવાટ કરતો દરિયો, મોજાંઓનો અસ્ખલિત અવાજ તોફાની ઉછળતા મોજામાં કરેલ એ દરિયા સ્નાન, ભરતી-ઓટને નિહાળવાની મજા કે કિનારે બેસીને વીણેલાં છીપલાં- કોડી-શંખ ને બનાવેલો રેતીનો મહેલ. આ બધી જ ઘટનીઓની યાદ મનમાં એવી ને એવી જ સચવાયેલી રહે છે. પહાડી પ્રદેશોના પર્યટને ક્યારેક જવાનું બન્યું હોય તો હિમાચ્છાદિત ઊંચા ઊંચા શિખરો- ઊંડી ખીણો અને વચ્ચે વચ્ચે વહેતાં જતાં કલકલ નાદસભર ઝરણાંઓનું એ દૃશ્ય મનમાં અમીટ છાપ છોડી જાય છે. જંગલની ઘટાટોપ વનરાજીમાં રખડવાની મજા તો એથી પણ અલગ જ છે. પગ નીચે કચડાતાં સૂકાં પર્ણો, એ નીરવ શાંતિમાં ક્યાંકથી કોઈ પંખીનો કલશોર વહી આવે અને વળી જો નસીબ સારા હોય તો વાઘ-સિંહ-હાથી જેવા જંગલી પ્રાણીઓના દર્શન દૂરથી પણ થાય તો કેવા ઉત્તેજિત થઈ જવાય! કો’ક દી ગ્રામ્યજીવનની મજા માણવા ગામડે પહોંચ્યા હોઈએ તો ગાય-ભેંસબકરીઓનાં અવાજ કાનમાં ગુંજે. પાકથી લચી પડતાં લીલાછમ ખેતરોનું અદ્‌ભુત દૃશ્ય મન પ્રફુલ્લિત બનાવી દે છે. આમ દરેકેદરેક સ્થળની મજા એક અનેરી મધુરતા સાથે આપણે દિવસો સુધી સૌ સ્નેહીજનો પાસે મમળાવીએ છીએ એટલે કદાચ એમ પણ કહેવાય કે ‘એક પ્રવાસ સો પુસ્તકનું જ્ઞાન સાથે લાવે છે.’

ક્યારેક વળી કોઈ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવાનું જો બન્યું હોય તો એ પ્રવાસ આપણા મનઃચક્ષુ સમક્ષ ઈતિહાસના પૃષ્ઠોને એકદમ તાદૃશ કરે છે. ઐતિહાસિક સ્થળો એ સાંસ્કૃતિક વારસાના ભવ્ય પ્રતિકો છે. આગ્રાનો તાજમહેલ જેની ગણના વિશ્વની અજાયબીઓમાં થાય છે તેનું બેનમૂન સૌંદર્ય અદ્દભુત અવર્ણનીય છે. ફતેહપુર સીક્રીની કલામય ઈમારતો ભારતીય શિલ્પ કલાના યુગનો એક જીવંત નમૂનો છે. પ્રતાપગઢના કિલ્લાની ભવ્યતાથી શિવાજી મહારાજની વીરતાની ઝાંખી થાય છે.

એટલું જ નહીં પ્રવાસ દરમિયાન અનેકવિધ લોકોની મુલાકાત થાય, પરિચય કેળવાય. તેમની રહેણીકરણી, ખાનપાન, ભાષા, સંસ્કૃતિ, રીતિ-રિવાજ, સમાજ વ્યવસ્થા. આ બધાની સાથે સમરસતા કેળવવાનું નવું અપનાવવાનું મન થાય એ વાત તો વિશેષ આનંદદાયક છે. અલગ અલગ પ્રદેશના લોકોના પહેરવેશ જોઈ એ પહેરવાનું મન થાય. યાદગીરીરૂપ એ લિબાસમં ફોટો પડાવવા મન ઝંખે. ભાતીગળ પહેરવેશના એ ફોટાઓની યાદો ચહેરા પર સ્મિત લાવી દે. તો વળી જગ્યા જગ્યાની અવનવી વાનગીઓના સ્વાદ માણવાનું ગમે.

ક્યારેક- આ બાહ્ય સુંદરતાને નીરખતાં આંતરિક સુંદરતા પણ આવા પ્રવાસ થકી ખીલે છે. તીર્થયાત્રાએ જતાં મનને પરમ શાંતિનો અહેસાસ થાય છે. આધ્યાત્મિક સ્તરે પણ અંતરથી ફેરફાર માનવી અનુભવે છે. પરમ તત્ત્વનું સામીપ્ય, એક અદ્દભુત નીરવ શાંતિ ને આનંદનો અનુભવ પણ કદીક કોક જગ્યાએ અનુભવાય છે.

સફરે નીકળેલા પ્રવાસીઓ સાથે ક્યારેક એમ અનુભવાય કે આ વિશાળ ફલક પર હું પણ એક પ્રવાસી છું. આ અનુભૂતિ મનમાં જાગે ત્યારે થાય કે આ બધા જ મારા બાંધવો છે. સહયાત્રીઓ સાથેનું અંતરનું તાદાત્મ્ય કેળવાય ત્યારે મારાપણાનો ખાલીપો અંતરથી ઉલેચાઈ જાય છે અને ‘વ્યક્તિ મટી બનું હું વિશ્વ માનવી’ની ભાવના મનમાં પ્રગટે છે. એક નિરાસકત ભાવ મનમાં જાગે છે.

ક્યારેક કોઈ વિશ્વશાંતિ અર્થે પર્યટને નીકળે છે તો કોક વળી સ્વચ્છતા અભિયાનની અહાલેક જગાવે છે. આમ એક સંદેશ પણ પ્રવાસ થકી સમાજને, રાષ્ટ્રને આપી શકાય એ આનંદની ઘટના છે ને?

મારી વાત કરું તો થોડા સમય પૂર્વે અમે મિત્રવર્તુળ સાથે સપરિવાર પૂર્વ ભારતના પ્રવાસે ગયેલ. એ સ્થળોનું સૌંદર્ય ખરેખર અવર્ણનીય કહી શકાય. પહાડી પ્રદેશોમાં રખડવાનો આનંદ કંઈક ઓર જ હતો. એકદમ સાંકડા પહાડના રસ્તાઓ, ઊંડી ઊંડી ખીણો એ રસ્તેથી પસાર થતી વેળા અમે સૌ ડ્રાઈવરની કાબેલિયતને સો સો સલામ કરતા હતા. કુદરતે છૂટા હાથે વેરેલી હરિયાળી અને અમારી સાથે સાથે જ સમાંતરે વહેતી તિસ્તા નદીને નિહાળવાની મજા કંઈક અલગ જ હતી. પહાડની તિરાડોમાંથી વહેતા ઝરણાઓનાં નાદથી મન તરબતર થઈ જતું હતું. ચોપાસ લહેરાતા ચાના બગીચાઓ, એમાં ફરતી પહાડી યુવતીઓના હસતા ચહેરા, ચાની ખુશ્બુ અને એમનો પ્રેમાળ આતિથ્યભાવ કદીયે નહીં વિસરાય. વહેલી સવારે ચાર વાગે ઊઠીને કંચનજંઘાની પહાડીઓ પાછળથી પ્રગટ થતા સૂરજની લાલિમાને નિહાળવાની ને ગણેશ ટોક પર વાદળાઓની વચ્ચે ખોવાઈ જવાની ખૂબ મજા માણી. દુનિયાનું સૌથી ઊંચું એક માત્ર રેલ્વે સ્ટેશન ધૂમ અને ત્યાંથી પસાર થતી મીની ટ્રેનની સહેલગાહ તો એટલી યાદગાર હતી કે એમ થતું હતું કે આ ટ્રેન સાથે જ દોડવાની શરત આસાનીથી લગાવી શકાય.

ડરામણા યાક પર સવારી કરવાની, પાંડા અને સફેદ વાઘને નજરે નિહાળવાની તક મળી, શહીદોના સ્મારકના બગીચામાં લટાર મારી ત્યારે દેશની સેવા કરનાર નવજવાનોને આપોઆપ નતમસ્તકે વંદન થઈ જ ગયા.. એ માઉન્ટેન્યરીંગની તાલીમ આપતી સંસ્થા તેની મુલાકાત. અવિસ્મરણીય હતી. આવી તો કેટલી યાદોના સંસ્મરણો વીંટળાયેલા છે. ખરેખર વર્ષમાં એક કે બે વાર આવી મસ્તીભરી પળોને મન ભરીને માણવાની તક દરેકે ઝડપી લેવી જ જોઈએ. જેથી આજના આ તણાવપૂર્ણ કાર્યશીલ જિંદગીના સમયમાં ફરી તરોતાજા બનવાનો- જાત સાથે- કુદરત સાથે જીવવાનો મસ્ત મજાનો મોકો મળી જાય ને જિંદગી જીવવા જેવી લાગવા માંડે.

આમ, ખરેખર કહું તો.. પ્રવાસની મજા માણતાં માણતાં રખડવાનો આનંદ લેતાં લેતાં આપણું જીવન બાહ્ય તેમજ આંતરિક રીતે સભર બને છે. સમૃદ્ધ બને છે.  

 

 

(કચ્છ ગુર્જરી સપ્ટેમ્બર ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates