પ્રેમ અને વિશ્વાસ એકબીજાનાં પૂરક

પ્રેમ અને વિશ્વાસ એકબીજાનાં પૂરક - ડૉ. મેહા સંઘવી, ભુજ

પ્રેમ અને વિશ્વાસ એ એક જ સિક્કાની બે બાજુ છે , એકબીજાનાં પૂરક છે. પ્રેમ ન હોય તો વિશ્વાસ ટકી શકતો નથી અને વિશ્વાસ ન હોય તો પ્રેમ પાંગરી શકતો નથી. બેશક પ્રેમ-વિશ્વાસ એ બે જીવન જીવવાના રસ્તાઓ છે, માધ્યમો છે, જીવનરથ ના પૈંડા છે. એક પૈંડું ન હોય તો બીજું પૈંડું આગળ ધપી શકતું નથી અને જીવનરૂપી રથ આગળ ન વધતાં ત્યાંજ થંભી જાય છે. તે એક જીવાદોરી છે. માટે જ કહી શકાય છે કે, કોઈ પણ સંબંધની શરૂઆત કરવા કદાચ પ્રેમ જોઈએ પણ તેને નિભાવવા અને નિખારવા માટે તો માત્ર ને માત્ર વિશ્વાસ જ જોઈએ.

હવે સવાલ થાય કે પ્રેમ એટલે શુ? પ્રેમ કોને કહીશુ? પ્રેમી અને પ્રેમિકા વચ્ચે પાંગરતો સબંધ એટલે પ્રેમ! આટલી શુલ્ક વ્યાખ્યા કરીશુ પ્રેમની આપણે? પ્રેમ તો એક અભિવ્યક્તિ છે,અહેસાસ છે, અનુભૂતિ છે, કોઈ વ્યક્તિનું આપણા જીવનમાં હોવાનો અહેસાસ એ પ્રેમ છે, પણ તેની અનુભૂતિ-અહેસાસ અલગ-અલગ રૂપમાં અલગ-અલગ નામરૂપે જોવા મળે છે.

માં-દીકરાનો પ્રેમ,

માં-બાપનો સંતાન પ્રત્યેનો પ્રેમ,

ભગવાન-તેના ભક્તો પ્રત્યેનો પ્રેમ,

ગુરુ-શિષ્ય પ્રત્યેનો પ્રેમ,

પતિ-પત્ની, બે નવયુગલનો પ્રેમ,

આવા તો કેટલાં ય નામો છે, પણ અહેસાસ માત્ર એક જ છે પ્રેમ!

બેશક, કોઈ પણ સંબંધની શરૂઆત કદાચ આકર્ષણથી થાય પણ તેનો વિકાસ તો માત્ર વિશ્વાસથી જ થાય છે,પણ આજે પ્રેમની પરિભાષા બદલાઈ ગઈ છે.આજે લવ એટ ફર્સ્ટ સાઈટ થઇ ગયું છે. શેક્સપિયરના મુખ્યત્વે બધા જ નાટકોમાં આ થીમ જોવા મળે છે. ' લવ એટ ફર્સ્ટ સાઈટ ' એકબીજાં પ્રત્યેનું શારીરિક આકર્ષણ છે, જેમાં પ્રેમીઓ રંગ-રૂપને જોઈને મોહિત બને છે, જે એક લેવલ સુધી ટકી શકે છે, પણ જીવનના અંત સુધી નહિ.

એક વિચાર ઝબુકવા મંડયો, ' સાચો પ્રેમ ' એટલે શુ? સાચો પ્રેમ એટલે જેમાં બે વ્યક્તિ એકબીજાને વધારે ને વધારે જાણવાની કોશિશ કરે, દુગુણોનો ભાગાકાર કરી ગુણોનો ગુણાકાર કરતા શીખે અને પછી એક સ્ટેજ આવે ત્યારે બે વ્યક્તિઓ એકબીજાના બધાજ ગુણો-દોષો સાથે તેનો સ્વીકાર કરે તેને પસંદ કરે, તેના સાથની ઝંખના કરે, તેઓ એકબીજાને સહદયથી કોઈ પણ ફરિયાદ અને કોઈ પણ સૂચન વગર સ્વીકાર કરે.

સાચો પ્રેમ એટલે રોમાન્સ, હોટેલમાં ડીનર, બીચ પાર લટાર, ફ્રેંડ્સ સાથે ડીજે, ફોટોઝ ક્લીક કરવા, પ્રી-વેડિંગ શૂટ કે કેઝયુઅલ શૂટ લેવા એ બધું નહિ પણ કાળજી લેવી, બાંધછોડ કરતાં શીખવું. આદર-વિશ્વાસને સંપાદન કરતાં શીખવું એ છે. યુવા પેઢી ની પ્રેમ પરિભાષા થોડી અલગ છે. હજી મૂછનો દોરો ફૂટ્યો ન હોય અને કોઈના પ્રેમજાળમાં ફસાયા હોય ! અને કહે, હું તેના વગર જીવી નહિ શકું. આવો આંધળો પ્રેમ ક્યાં જઈને અટકે? સુસાઇડ ઉપર અથવા કોઈને મજબુર કરે, હેરાન કરે, એસિડ ફેકે અથવા મારી નાખવાની ધમકી આપે. એ મારી નહિ થાય તો બીજાની નહિ થવા દઉં વગેરે વગેરે. આવું તો કેટલુંય છાપામાં, રેડિયોમાં, ટી.વી. માં જોયું હશે.સાંભળ્યું હશે, વાંચ્યું હશે. તેનું ટાઇટલ ફન્ટ પેજ માં છપાયું હોય-એક પ્રેમીએ પોતાની પ્રેમિકાને ગળે ફાંસો દઈ મારી નાખી, બાળી નાખી, એસિડના અમીછાંટણાં કર્યા ! આવું તો કેટલુંય ! આપણી આજની નવયુવા પેઢી લવજાળમાં ફસાઈને જીવન ટૂંકાવી દે છે અથવા પોતાના જીવનને ઉન્માર્ગેવાળી દે છે. આ પ્રેમ નથી ગાંડપણ છે.

સાચો પ્રેમ તો આપવાનું નામ છે , તેના માટે કંઈ કરી છૂટવાનું નામ છે. તેના માટે જીવાનુ નામ છે તેની સાથે પણ હોય, પાસે પણ હોય અથવા પાસે-સાથે ન પણ હોય ,

આંસુ તારા નીકળે ને આંખ મારી હોય,

દિલ તારું ધડકેને ધબકારા મારા હોય.

પ્રેમ કદાચ આંખથી બોલાય છે, મન સુધી પહોંચાય છે અને હૃદય સુધી ઝિલાય છે પણ વિશ્વાસથી ટકાવાયા છે. આ છે પ્રેમ. વિશ્વાસ વગર પ્રેમ ટકવો, સંબંધ અકબંધ રેહવો અશક્ય છે. વિશ્વાસ અને પ્રેમ એકબીજાથી અલગ થઇ શકે તેમ નથી કારણ કે તે એકબીજા વગર અધૂરા છે ને એકબીજાના પૂરક છે.

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates