પ્રેમ અને વિશ્વાસ એકબીજાના પૂરક

પ્રેમ અને વિશ્વાસ એકબીજાના પૂરક - ડૉ. મેહા વિનેશભાઈ સંઘવી, ભુજ

પ્રેમ અને વિશ્વાસ એ એક જ સિક્કાની બે બાજુ છે. એકબીજાના પૂરક છે પ્રેમ ન હોય તો વિશ્વાસ ટકી શકતો નથી અને વિશ્વાસ ન હોય તો પ્રેમ પાંગરી શકતો નથી. બેશક પ્રેમવિશ્વાસ એ બે જીવન જીવવાના રસ્તાઓ છે. માધ્યમો છે. જીવનરથના પૈડાં છે. એક પૈડું ન હોય તો બીજું પૈડું આગળ ધપી શકતું નથી અને જીવનરૂપી રથ આગળ ન વધતાં ત્યાં જ થંભી જાય છે. તે એક જીવાદોરી છે. માટે જ કહી શકાય છે કે, કોઈ પણ સંબંધની શરૂઆત કરવા કદાચ પ્રેમ જોઈએ પણ તેને નિભાવવા અનેિ નખારવા માટે તો માત્ર ને માત્ર વિશ્વાસ જ જોઈએ.

હવે સવાલ ઉદ્‌ભવે કે પ્રેમ એટલે શું? પ્રેમ કોને કહીશું? પ્રેમી અને પ્રેમિકા વચ્ચે પાંગરતો સંબંધ એટલે પ્રેમ! આટલી ક્ષુલ્લક વ્યાખ્યા કરીશું પ્રેમની આપણે? પ્રેમ તો એક અભિવ્યક્તિ છે. અહેસાસ છે. અનુભૂતિ છે. કોઈ વ્યક્તિનું આપણા જીવનમાં હોવાનો અહેસાસ એ પ્રેમ છે. પણ તેની અનુભૂતિ - અહેસાસ અલગ અલગ રૂપમાં અલગ અલગ સ્વરૂપે જોવા મળે છે.

મા-દીકરાનો પ્રેમ, મા-બાપનો સંતાન પ્રત્યેનો પ્રેમ, ભગવાન-તેના ભક્તો પ્રત્યેનો પ્રેમ. ગુરુશિષ્ય પ્રત્યેનો પ્રેમ, પતિ-પત્ની, બે નવયુગલનો પ્રેમ, આવાં તો કેટલાંય નામો છે પણ અહેસાસ માત્ર એક જ છે પ્રેમ.

બેશક, કોઈપણ સંબંધની શરૂઆત કદાચ આકર્ષણથી થાય પણ તેનો વિકાસ તો માત્ર વિશ્વાસથી જ થાય છે. પણ આજે પ્રેમની પરિભાષા જ બદલાઈ ગઈ છે. આજે લવ એટ ફર્સ્ટ સાઈટ થઈ ગયું છે. શેક્સપિયરના મુખ્યત્વે બધા જ નાટકોમાં આ થીમ જોવા મળે છે. ‘લવ એટ ફર્સ્ટ સાઈટ’ એકબીજા પ્રત્યેનું શારીરિક આકર્ષણ છે. જેમાં પ્રેમીઓ રંગ-રૂપને જોઈને મોહીત બને છે. જે એક લેવલ સુધી ટકી શકે છે, પણ જીવનના અંત સુધી નહિ. એક વિચાર ઝબૂકવા મંડ્યો. ‘સાચો પ્રેમ’ એટલે શું? સાચો પ્રેમ એટલે જેમાં બે વ્યક્તિ એકબીજાને વધારે ને વધારે જાણવાની કોશિશ કરે. દુર્ગુણોનો ભાગાકાર કરી ગુણોનો ગુણાકાર કરતાં શીખે અને પછી એક સ્ટેજ આવે ત્યારે બે વ્યક્તિઓ એકબીજાના બધા જ ગુણો-દોષો સાથે તેને સ્વીકાર કરે. તેને પસંદ કરે. તેના સાથની ઝંખના કરે. તેઓ એકબીજાને સહૃદયથી કોઈપણ ફરિયાદ અને કોઈ પણ સૂચન વગર સ્વીકાર કરે. સાચો પ્રેમ એટલે રોમાન્સ, હોટેલમાં ડીનર, બીચ પર લટાર, ફ્રેન્ડસ સાથે ડીજે, ફોટોઝ ક્લીક કરવા, પ્રી-વેડીંગ શૂટ કે કેઝયુઅલ શૂટ લેવા એ બધું નહિ પણ કાળજી લેવી, બાંધછોડ કરતાં શીખવું. આદર-વિશ્વાસને સંપાદન કરતાં શીખવું એ છે. યુવા પેઢીની પ્રેમ પરિભાષા થોડીક અલગ છે. હજી મૂછનો દોરો ફૂટ્યો ન હોય અને કોઈની પ્રેમજાળમાં ફસાયા હોય અને કહે - હું તેના વગર જીવી નહીં શકું. આવો આંધળો પ્રેમ ક્યાં જઈને અટકે?

સૂસાઈડ ઉપર અથવા કોઈને મજબૂર કરે, હેરાન કરે, એસીડ ફેંકે અથવા મારી નાખવાની ધમકી આપે એ મારી નહીં થાય તો બીજાની નહીં થવા દઉં! વગેરે વગેરે.. આવું તો કેટલુંય છાપામાં, રેડીયોમાં, ટી.વી.માં જોયું હશે, સાંભળ્યું હશે, વાંચ્યું હશે તેનું ટાઈટલ ફ્રન્ટ પેજમાં છપાયું હોય. એક પ્રેમીએ પોતાની પ્રેમીકાને ગળે ફાંસો દઈ, મારી નાખી, બાળી નાખી, એસીડના અમી છાંટણા કર્યા આવું તો કેટલુંય ! આપણી આજની નવયુવા પેઢી લવજાળમાં ફસાઈને જીવન ટુંકાવી દે છે અથવા પોતાના જીવનને ઉન્માર્ગે વાળી દે છે. આ પ્રેમ નથી ગાંડપણ છે. સાચો પ્રેમ તો આપવાનું નામ છે. તેના માટે કંઈ કરી છૂટવાનું નામ છે. તેના માટે જીવવાનું નામ છે. તેની સાથે પણ હોય, પાસે પણ હોય અથવા સાથે ન પણ હોય.

આંસુ તારા નીકળે ને આંખ મારી હોય.

દિલ તારું ધડકે ને ધબકારા મારા હોય.

પ્રેમ કદાચ આંખથી બોલાય છે, મન સુધી પહોંચાય છે અને હૃદય સુધી ઝીલાય છે, પણ વિશ્વાસથી ટકરાય છે. આ છે પ્રેમ. વિશ્વાસ વગર પ્રેમ ટક્યો, સંબંધ અકબંધ રહેવો અશક્ય છે. વિશ્વાસ અને પ્રેમ એકબીજાથી અલગ થઈ શકે તેમ નથી. કારણકે તે એકબીજા વગર અધૂરા છે. તે એકબીજાના પૂરક છે.

 

 

(કચ્છ ગુર્જરી ડિસેમ્બર ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)  

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates