પ્રસન્ન જીવન

પ્રસન્ન જીવન - જુમખલાલ ચુનીલાલ શાહ, માંડવી

આપણા જીવન નિર્વાહ માટે મૂળભૂત પાયાની જરૂરિયાતોમાં રોટી, કપડાં અને મકાન છે. આ ત્રણે જરૂરિયાતોને ખોટી રીતે વધારવાથી પાયાની જરૂરિયાતો બાજુએ રહી જાય છે. ખાવા-પીવામાં અતિરેક ફેશનેબલ કપડા પહેરવામાં અતિરેક અને મકાનોની સજાવટો પાછળ લખલૂંટ રૂપિયા લૂંટાવીને પાયાની જરૂરિયાતોને મૂળભૂત રીતે ટૂંપો દઈએ છીએ. સુખી જીવન માટેની વધુ પડતી જરૂરિયાતોને કાબુમાં રાખવા પ્રયાસ કરવો જોઈએ. ખાનપાનમાં માણસની જરૂરિયાતો વ્યસનરૂપી જરૂરિયાતો બનતી જાય છે જે આપણા સુખી જીવનમાં બાધારૂપ છે આવા વ્યસન કે નશીલાપણા કે અન્ય કોઈ ખાધાખોરાકીથી માણસની તબિયત ઉપર અસર પડે છે જેથી આવી વસ્તુઓથી સો જોજન દૂર રહેવું સુખી જીવનની ચાવી છે. વ્યસનરૂપી જરૂરિયાત માનવ જીવન માટે ભયંકર દુશ્મન અને શાપરૂપ છે.

પ્રદર્શનવાળા પોષાકો કે ખુલ્લા શરીરને દેખાડતાં કપડાં પહેરવાથી સામેવાળા માણસની વાસના ભડકે છે. આવી જરૂરિયાતો મનુષ્ય જીવન માટે તેમના સ્વાસ્થ્ય અને મગજ ખરાબ કરી નાખતી સ્થિતિ જીવનને પાયમાલ કરી નાખે છે.

આપણા જીવનમાં સામાન્ય રીતે જરૂરિયાતોની વધઘટ થતી રહે છે તેમજ સુખ અને દુઃખ આવન-જાવન કરે છે. જીવનમાં જરૂરિયાતો જેટલી ખપપૂરતી હશે, તેટલા માનવી સુખી, સમૃદ્ધ, સંતોષી અને સંપન્ન હશે. જરૂરિયાતોનો જેટલો સંતોષ માનીને આગળ વધશો તેટલો જીવનમાં આનંદ છલકાશે. જેમ જેમ જરૂરિયાતોનો વિસ્તાર વ્યાપક પ્રમાણમાં ફેલાવશો તેમ તેમ અસંતોષની આગ પ્રજવળશે અને જીવનમાં વધુ ને વધુ દુઃખી થવાનાં એંધાણો દેખાશે. પોતાની જરૂરિયાતોને વધારી શકો પરંતુ એ બધી જરૂરિયાતો માટે પૂરતા પ્રમાણનાં આવક સાધનો ઉભા નહીં કરે શકો તો અંતે દુઃખને આમંત્રણ આપશો. અને જીવનમાં નિરાશા તરફ ધકેલાતા જશો.

આપણા જીવનની ખૂબી છે કે, એક જરૂરિયાત પૂરી થાય તો બીજી અનેક જરૂરિયાતો માંગતું મન દરવાજે વાટ જોઈને બેઠું હોય છે. અને લાગ આવે તો મનની અંદર કૂદીને જીવનને રફેદફે કરી નાંખે તેવી જરૂરિયાતોને કાબૂમાં રાખવી અતિ આવશ્યક છે.

પોતાનાં સ્થાનિક મોભા અને સામાજિક દરજ્જા પ્રમાણે જરૂરિયાતો વધારી શકાય. પોતાની કાર્યકુશળતા તથા બુદ્ધિ ચાતુર્ય પ્રમાણે પોતાની જીવન શૈલીમાં યથાયોગ્ય ફેરફાર કરી શકાય. જરૂરિયાતો માટે ખર્ચ વધે તો આવકનાં શ્રોતો પણ ઉભા કરવા એટલા જ જરૂરી છે. વગર વિચારે બીજાની હરીફાઈમાં, હૂંસા-તૂંસી અને પ્રદર્શનમાં તેમજ માત્ર ને માત્ર અહંમ્‌ને સંતોષવા ખાતર જ કોઈપણ જરૂરિયાતોને બિનજરૂરી રીતે વધારવામાં આવે તો નુકસાનકર્તા પણ બની શકે છે.

માણસ પોતાની જરૂરિયાતોને બિનજરૂરી રીતે પૂરી કરવા માટે બીજાનું શોષણ કરે છે, પોતાની મોટા ભાગની કમાણી ખર્ચી નાખી પોતાનું જ શોષણ કરે છે. પોતાનું શોષણ બંધ થશે તો જ રાહતનો દમ જરૂર ખેંચી શકશે.

માણસ સંતોષી રહીને જીવવા માંગતો હોય તો સૌ પ્રથમ પોતાની તમામ વધારાની બિનજરૂરી જરૂરિયાતોનો ખાતમો બોલાવીને બંધ કરી નાખવી પડશે, નહીં તો પોતાનો મૃત્યુઘંટ વાગતા વાર નહીં લાગે.

બિનજરૂરી અને વધુ પડતી જરૂરિયાતોને કાબૂમાં રાખવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ, સંતોષ, શાતા,પ્રસન્નતા અપનાવીને જરૂરિયાતોને ઓછી કરવાથી ભવ્ય જીવનમાં પ્રવેશ કરી શકશો અને પ્રસન્નતા ફેલાવી શકશો.

 

 

 

(કચ્છ ગુર્જરી સપ્ટેમ્બર ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates